ફિર દેખો યારોં

બીરેન કોઠારી

‘જમાનો બદલાઈ રહ્યો છે’ અથવા ‘હવે પહેલાં જેવું નથી રહ્યું’ જેવાં વાક્યો આપણે કાને વારંવાર પડતાં રહે છે, અને કદાચ આદિ કાળથી એમ થતું રહ્યું હશે. આવાં વાક્યો સાંભળતાં સાંભળતાં ક્યારે આપણે એ બોલતાં થઈ જઈએ છીએ એનો ખ્યાલ જ રહેતો નથી. એ સૂચવે છે કે સમય પરિવર્તનશીલ છે એ હકીકત હોવા છતાં તેનો સ્વીકાર ઝટ ઊગતો નથી. ખરેખર તો બદલાતા રીતરિવાજ અને ઢબછબ માટે આ ઉદ્‍ગાર વધુ લાગુ પડે છે, જેની સીધી અસર પર્યાવરણ પર પડતી હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં ગોચર હતાં, સીમ હતી તેમજ વગડો પણ હતો. હવે આ શબ્દો કહેવતો કે શબ્દકોશ પૂરતા સીમિત થઈ ગયા છે.

વસતિથી દૂર રહેવા આવતાં આવતાં આપણે સીમમાં રહેતા થઈ ગયા અને તેને કારણે ઘરઆંગણે જેની નવાઈ નહોતી એવાં પક્ષીઓ હવે જોવા નથી મળતા. તેને બદલે સીમનાં પક્ષીઓ ઘરઆંગણે નિયમીતપણે દેખા દેવા લાગ્યા. વગડાનાં પક્ષીઓ પણ કદીક આંટો મારી જાય છે. ઘરઆંગણે આવતાં આ પક્ષીઓ જોઈને આપણે રાજી થઈએ છીએ, પણ એ બાબત ભાગ્યે આપણા ધ્યાનમાં આવે છે કે જૈવપ્રણાલિમાં કેવડું મોટું પરિવર્તન આવી ગયું છે!

નિવાસી વિસ્તારોની આ હાલત હોય તો બિનનિવાસી વિસ્તારોની સ્થિતિ કંઈ જુદી નથી.

ફેબ્રુઆરી, ૨૦૨૫માં ૨૪ સંશોધકોની ટીમ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં નૈઋત્ય ભારતના દરિયાકાંઠાના વિસ્તારનાં પક્ષીઓની પ્રજાતિનો અભ્યાસ સામેલ છે. અંગ્રેજીમાં જેને ‘વેડર’ તરીકે ઓળખાવાય છે એવાં તટીય પક્ષીઓ મુખ્યત્વે તટવિસ્તારમાં, કાદવિયા ભૂમિ પર, મેન્‍ગ્રોવમાં તેમજ કૃષિપ્રણાલિવાળાં સ્થળોએ જોવા મળે છે. પ્રકાશિત અહેવાલમાં દર્શાવ્યા અનુસાર ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન આવાં પક્ષીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાતો રહ્યો છે. માછલીઓની સુલભતા ઘટી હોવાને કારણે મોટાં કદનાં તટીય પક્ષીઓ અસરગ્રસ્ત થયાં છે. પર્યાવરણમાં થયેલાં પરિવર્તનની તેમની પર વિપરીત અસર થઈ છે, જે માનવજનિત, લાંબા ગાળા માટેની ગતિવિધિઓને પરિણામે છે. આને કારણે તેઓ આહાર માટે કૃષિપ્રણાલિઓ તેમજ નદીના મુખપ્રદેશ જેવા વૈકલ્પિક વિસ્તારો તરફ સ્થળાંતરિત થઈ રહ્યાં છે. દક્ષિણ ભારતમાં સમગ્રપણે આર્દ્રભૂમિની પર્યાવરણપ્રણાલિમાં ઘટાડો થઈ રહ્યો છે, જે ખરેખર તો વૈશ્વિક ધોરણે પણ થઈ રહ્યું છે.

Waders Of The Indian Subcontinent
By Harkirat Singh Sangha
Published in association with World Wide Fund for Nature
Hardback, 520 pages
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

આ ટીમે અભ્યાસ માટે નવ વર્ષના સમયગાળા દરમિયાન કેરળ રાજ્યના તટીય વિસ્તારમાં આવેલા મુખપ્રદેશો, રેતાળ કિનારા, કાદવિયા ભૂમિ, મેન્ગ્રોવ તેમજ કૃષિ પર્યાવરણપ્રણાલિ જેવાં કુલ ૨૭ સ્થળોને પસંદ કર્યાં હતાં. આ સ્થળો વૈવિધ્યસભર પરિબળો ધરાવતાં હતાં. જેમ કે, વરસાદ, ખારાશ, પીએચ, ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન,ફોસ્ફરસ, તાપમાન તેમજ આહાર(માછલી)ની સુલભતા.

તટીય પક્ષીઓની સૌથી વધુ જોવા મળતી પ્રજાતિ પૈકીની કુલ છ પ્રજાતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમનાં નામ આ મુજબ છે: મોટો સફેદ બગલો, વચેટ ધોળો બગલો, નાનો ઢોરબગલો (કિલિચિયો), કાણી બગલી, દરિયાઈ બગલો અને ધોળી કાંકણસાર. આ સૌની સંખ્યામાં ઘટાડો થવા ઊપરાંત મોસમ અને આવાસમાં પણ દેખીતું પરિવર્તન જોવા મળ્યું. ચોમાસા પછીના સમયગાળામાં આ છએ છ પ્રજાતિની સંખ્યા સૌથી વધુ જોવા મળી, જ્યારે ચોમાસા દરમિયાન તે સૌથી ઓછાં જોવા મળ્યાં.

અભ્યાસમાં એમ પણ જણાયું કે સમગ્ર પશ્ચિમ તટમાં પોષક તત્ત્વો, ખારાશ, પીએચ અને તાપમાન સંદર્ભે મોટા ફેરફાર થઈ રહ્યા છે. પાણીમાં તેમજ કાંપમાં ફોસ્ફરસ, ખારાશ અને પીએચનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે,  તો કાંપમાં ઓર્ગેનિક કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

માછલીની સુલભતામાં દેખીતો ઘટાડો જોવા મળ્યો અને પર્યાવરણના બદલાયેલાં પરિબળોને લઈને તટીય પક્ષીઓની સંખ્યામાં લાંબે ગાળે ઘટાડો થયો હોવાનું નોંધાયું. અલબત્ત, મોટા કદનાં તટીય પક્ષીઓ લાંબા ગાળાના આ પરિવર્તન સાથે અનુકૂલન સાધી શક્યા અને પોતાનો આવાસ બદલીને ટકી ગયા, એટલું જ નહીં, તેમની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ.

આ આખા અહેવાલ થકી જાણવા મળતી મહત્ત્વની બાબત એટલી કે સમગ્ર પ્રણાલિના પુન:સ્થાપન માટે, પક્ષીઓની સંખ્યામાં થતા ઘટાડા બાબતે કોઈ વ્યૂહાત્મક પગલાં લેવાં જરૂરી બની રહે છે. માનવસર્જિત ગતિવિધિઓને કારણે જે ગતિએ પર્યાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે એ ઝટ નજરે ન પડે એવું, લાંબા ગાળાનું અને જૈવપ્રણાલિને ખોરવી નાખનારું બની રહે એમ છે. વિવિધ વિકાસયોજનાઓ તો ખરી જ, સાથોસાથ વકરતા જતા પ્રવાસન ઉદ્યોગને કારણે પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. આવા અભ્યાસ થાય ત્યારે એની ગંભીરતાનો ખ્યાલ આવે છે, છતાં એ બાબતે નક્કર પગલાં લઈ શકાય એવું જવલ્લે બનતું હોય છે.

પર્યાવરણલક્ષી આવાં સૂક્ષ્મ પરિવર્તનો આપણી આસપાસ પણ થતાં જ રહે છે, કદાચ આપણા મનમાં એ નોંધાતા પણ હશે, છતાં એના માટે આપણે ભાગ્યે જ વ્યક્તિગત ધોરણે કશું કરી શકવા સક્ષમ હોઈએ છીએ. કેમ કે, વિકાસનો લાભ આપણે એક યા બીજી રીતે મેળવેલો હોય છે.

સરકારના પક્ષે પણ ભાગ્યે જ કશાં નક્કર પગલાંની અપેક્ષા હોય છે, કેમ કે, વિકાસયોજનાઓની વિચારણા, એ અંગેની નીતિઓ, આયોજન અને અમલ બધું સરકારના પક્ષે હોય છે. એમાં વધુ નાણાં સંકળાયેલાં હોય છે, અને સ્વાભાવિકપણે જ પર્યાવરણની સરખામણીએ નાણાં અગ્રતાક્રમે આવે. વિકાસયોજનાઓ અગાઉ પર્યાવરણ પર થતી તેની અસર બાબતે ઔપચારિકતા નિભાવવા અભ્યાસ હાથ ધરાય છે ખરા, પણ એનો ખાસ કશો અર્થ સરતો નથી.

આમ છતાં, આ પ્રકારના અભ્યાસ હાથ ધરાય એ જરૂરી છે, કેમ કે, એ એક રીતે પશ્ચાત‍દર્શન કરવાની તક આપે છે. કેટલું નુકસાન થયું છે એ જાણવા માટેય એ જરૂરી બની રહે છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭- ૦૩– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)