પ્રીતિ શાહ-સેનગુપ્તા
તેજપુરથી ગોવાહત્તી સુધીની લાંબી સફરથી થાકી તો હતી જ, પણ મેં સીધાં મેઘાલય પહોંચી જવાનું નક્કી કરેલું. એકસો કિ.મિ. જતાં બીજા સાડા ત્રણ કલાક થવાના હતા. હાઇવે ચાલીસ પર નીકળી આવતાંની સાથે જ પહાડો શરૂ થઈ જાય છે. લાકડાના થાંભલા પર ટકેલી ઝૂંપડીઓ ઢોળાવો પર બનાવેલી દેખાય છે. દીવાલો માટી ને છાણથી લીંપેલી છે, પણ રંગ જુદો છે અહીં. માટી લાલ- ઘણી લાલ છેને. પહાડો બહુ નરમ છે. જ્યાં ત્યાં ઝરણાં અને ટપકતું દેખાતું પાણી. વળી, ઘણી ભેખડ ધસી પડ્યાનાં નિશાન પણ હતાં. દર વર્ષે અહીંના રસ્તા બંધ થઈ જાય છે.
ઊંચા ઢોળાવો પર પાઇનેપલ અને ડાંગર ઊગાડેલાં હોય છે. માથા પર ને પીઠ પર ભાર બાંધેલાં સ્ત્રી અને પુરુષો ઊંચી કેડીઓ પર ચઢતાં-ઉતરતાં દેખાય છે. નાગાલૅન્ડ અને અરુણાચલ પ્રદેશ કરતાં આ મેઘાલય રાજ્ય વધારે વિકાસ પામેલું લાગે છે. અહીંની મુખ્ય ખાસી અને ગારો જાતિઓ પાસે પોતપોતાની જુદી બોલી છે, પણ લખવામાં બંને અંગ્રેજી અક્ષરો વાપરે છે. લખાયેલા અને બોલાયેલા શબ્દો ચીની ભાષાને મળતા લાગે છે, પણ તળ-લોકોનાં મોઢાં ચીની નથી.
શિલૉન્ગને રસ્તે ત્રણ વાર બસની તપાસ થઈ. રાજ્ય-પોલિસ અંદર આવ્યા, અમુકને પ્રશ્નો પૂછ્યા, અમુકની બૅગો ખોલી. અત્યાર સુધી સ્ત્રીઓ ઉપર સંદેહ નથી કરાતો, એટલું સારું છે. છેલ્લા પંદર-વીસ કિ.મિ.માં બસ જાણે તૂટવા માંડી. અટકી, સ્ટાર્ટ ના થઈ, ઢાળો પર ચઢતાં હાંફી, કેટલાંયે ડચકાં ખાધાં. આખરે ધીમે ધીમે, માંડ માંડ એ બસ-સ્ટેશને પહોંચી. આ પર્વતીય માર્ગો પર બસો, ટ્રકો, સ્કૂટરો એટલા ફાસ્ટ જાય છે કે અકસ્માતો થતા જ રહે છે. આ એક દિવસમાં મેં ચાર જોયા. વળી, ઠેર ઠેર માદક દ્રવ્યોના સેવન સામે ચેતવણી આપતાં પોસ્ટર મૂકેલાં હોય છે. ઉત્તર-પૂર્વમાં સર્વત્ર. શું આ પ્રૉબ્લેમ અહીં આટલો મોટો ને ખરાબ હશે?
ં ં ં ં
કોહિમા કરતાં શિલૉન્ગ વધારે સારું લાગે છે. અહીં રસ્તા એટલા સાંકડા નથી. ખાસી હિલ્સ પર પ્રસરીને શિલૉન્ગ ભારતનું સૌથી મોટું હિલ-સિટી બની ગયું છે. ઘણાં સરકારી મકાનો થયાં છે. ઉત્તર-પૂર્વનું ઉચ્ચ ન્યાયાલય, વિમાન-દળનું મુખ્ય મથક, પોલિસ અકાદમી વગેરે અહીં સ્થપાયેલાં છે. સૈન્યમાં ભરતી થવાના ફાયદા દર્શાવતાં પોસ્ટર આ પ્રદેશમાં બધે જોવા મળે છે.
શિલૉન્ગનો હિસ્સો વધારે ખ્રિસ્તી છે. રવિવારે બપોરે પ્રાર્થના પછી ચર્ચમાંથી નીકળેલાં, ખાસી સ્ત્રી-પુરુષોનાં ઘણાં જૂથ મેં જોયેલાં. બધાં સારાં કપડાંમાં. સ્ત્રીઓએ એમનાં લાક્શણિક વસ્ત્ર પહેરેલાં, ને ઉપર મૅચિન્ગ રંગની શાલ કે સ્વેટર પણ હતાં. શિલૉન્ગ ભારતનું સ્કૉટલૅન્ડ કહેવાતું હતું તે ઊન-વણાટને લીધે જ. ઘણાં ચર્ચ અને મહાદેવળો ઉપરાંત શિલૉન્ગમાં બીજા ખ્રિસ્તી પંથ, તથા બ્રાહ્મો સમાજ, બૌદ્ધ મંદિર, શિવ મંદિર, જૈન મંદિર, ને ગુરુદ્વારા પણ છે. ઘણી સ્કૂલો ખ્રિસ્તી પંથો ચલાવે છે. મરૂન, ખાખી, વાદળી વગેરે રંગના ગણવેશ પહેરેલાં બાળકો શહેરમાં બધે દેખાતાં રહેતાં હતાં.
આસપાસનો પરિસર જોવા મેં એક દિવસ માટે ગાડી ભાડે કરેલી. ડ્રાયવર એક બંગાળી ભાઇ હતા. રસ્તા વળાંકવાળા હતા, પણ બહુ સીધા ચઢાણવાળા નહીં. જૂનાં, દુષિત વાહનોમાંથી વછૂટતા કાળા ધુમાડાથી હવા પણ જાણે ગુંગળાઈ જતી હતી. સાદાં ઘરોની બહાર જતનપૂર્વક મૂકેલાં ફૂલ-છોડની શી વસાત કે તાજાં ને જીવતાં રહે. પણ લેડી હૈદારી પાર્કમાં સરસ લીલાં ઝાડ અને ઘાસ હતાં. ગુલાબી ચૅરી-બ્લૉસમનાં ફૂલો બરાબર ખીલ્યાં હતાં. નાનું પ્રાણીગૃહ પણ હતું. એક નાના પાંજરામાં કાળું હિમાલય-રીંછ પૂરાયેલું હતું.
હાઇવે ચાલીસ કૅન્ટૉનમેન્ટમાં થઈને જાય છે. મારે અને ડ્રાયવરે ઊતરીને ત્યાંના પોલિસ-થાણામાં સહી કરવી પડી. રસ્તો પાકો હતો, ને વળતો-અમળાતો ૬૪૩૨ ફીટ ઊંચે શિલૉન્ગ શિખર પર ચઢ્યો. આખું શહેર ઉપરાંત જરાક નીચે પથરાયેલું મોટું બરાપાની સરોવર ત્યાંથી દૃષ્ટિગત થયું. ચતુર્દિકે મેઘાલય ગિરિપંક્તિ. ને નજીકમાં અસંખ્ય શંકુદ્રુમો, કૂડા-કચરાનો અતિરેક. જોઇને આનંદ, જોઇને આઘાત. ચ્હા-નાસ્તો વેચતી બે કે ત્રણ છાપરી. કચરો નાખવા પીપ-છાબડી કશું નહીં.
શિલૉન્ગની આસપાસ પહાડો વહોરીને, જંગલો કાપીને એટલું બાંધકામ કરવામાં આવ્યું છે કે ૠતુ બદલાઈ ગઈ છે. ઠંડી ઘટી ગઈ છે, અને વરસાદ પણ. ચેરાપુંજીમાંથી પણ. દુનિયાનો સૌથી વધારે વરસાદ હવે શિલૉન્ગથી પંચાવન કિ.મિ. દૂર આવેલા મૌસિન્રામ ગામે પડે છે. ચાલો, મને થયું. નાનપણથી ભૂગોળમાં ભણેલાં તે ચેરાપુંજી જોવા માંડ માંડ હું મેઘાલય આવી ત્યારે વરસાદ ખસીને ક્યાંક બીજે જતો રહ્યો છે. ખેર.
ઍલિફન્ટ ફૉલ કહેવાતા ધોધને જોવા ઊંચાં-નીચાં ૧૭૫ પગથિયાં ઊતરવાં પડે. કોલસા જેવા કાળા ગ્રેનાઇટ પાષાણો પરથી ધોધ ત્રણ ભાગે પડે છે. નાનું એક ઝરણ. એનું આટલું જોશ, આટલો અવાજ, ને પછી ફરી એનું એ જ નાના સ્વરૂપમાં પહોંચી જવું. અહીંના પહાડો પરથી બધાં જ ઝરણાં નિમ્નગતિ કરીને બરાપાની તળાવમાં ભળી જાય છે. ધોધ પાસેની ચ્હાની છાપરી ચોખ્ખી હતી, જગ્યા વાળેલી હતી. ખાસી યુવતીએ ઊંચી એડી પહેરેલી, સહેજ પ્રસાધન કરેલું. એનું નામ રુમા હતું. પાસે એક વૃદ્ધા મકાઇ શેકતી બેઠી હતી. મોંઘા હતા મકાઈ. ક્યાંક દૂરથી લાવ્યા હશે. બહુ નરમ પણ નહોતા.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
ત્યાંથી બીજે લાંબે લાંબે રસ્તે ગયાં. ડ્રાયવર દૂરથી દેખાતા ધોધના નામ કહેતા હતા- બીડન ફૉલ, બિશપ ફૉલ વગેરે. ગોલ્ફ રમવાનું મેદાન હતું ખૂબ મોટું, પણ બહુ લીલું કે નરમ ઘાસવાળું નહોતું. ખોટો શોખ, એમ લાગે. પોલો ગ્રાઉન્ડ પણ હતું. અંગ્રેજોના જમાનામાં એનો મોભો હશે. હવે તો કાપીને ત્યાં ફૂટબૉલ ફીલ્ડ અને સ્ટેડિયમ બનાવાયાં છે. શહેરની ચારે તરફ મેં ફરી લીધું હતું. એક સમયે શું સુંદર હશે એ. અત્યારે તો એ કોઈ પણ એક શહેર હતું, બસ. લાચૌમિએરે, લૈતુમ્ક્રાહ, ધાનખેતી , માઉલાઇ જેવાં એના પાડોશનાં નામ હતાં. એમાંના અમુક સાંજ પછી બહાર નીકળવા માટે સારા નથી ગણાતા. મેઘાલયમાંનું પ્રતિકાર-જૂથ મુલા કહેવાય છે, અને ઉપદ્રવ કરતું રહે છે.
ં ં ં ં ં
મેઘાલય પ્રવાસ ખાતાની ચેરાપુંજી જોવા જવાની સફર ખૂબ સારી રહી. રાજ્યનો અંતરંગ દૃશ્યપટ અતિ-સુંદર હતો. પર્વતો જુદા જ લાગ્યા. એમના લીલોતરા, ઊંચા આકાર બહુ કર્કશ નહોતા. ઊંડી ખીણોનાં કોતર બનેલાં હતાં. તો બીજી તરફ સૂકું ને સપાટ હતું. આ ઉપરાંત, ટેકરી, ઝરણાં, નાની ગ્રમીણ વસાહતો. મૌફિયાન્ગ, મૌસ્માઇ, મૌસિન્રામ જેવાં નામ. ખાસી બોલીમાં મૌ એટલે પથ્થર. આ પહાડો લાઇમ ને ગ્રેનાઇટ સ્ટોન તથા કોલસાનાં તત્વોથી ભરપુર છે. એમને કાઢવાનું કામ ચાલુ હતું. ગામોમાં કબર થયેલી હતી, અને ઘંટ સાથેના મિનારવાળાં નાનાં ચર્ચ હતાં. છેક અહીં, ચૅરા ગામને નાકે, રામક્રિષ્ણ મિશનનાં મોટાં મકાનો થયેલાં છે. ઉત્તર-પૂર્વમાંથી સાતસો જેટલાં વિદ્યાર્થી અહીં હસ્તકળા ઉપરાંત અન્ય વિષયોનો અભ્યાસ કરી રહ્યાં હતાં. ચૅરા ગામમાં અઠવાડિયે બે દિવસ બજાર ભરાય છે. બાકીના દિવસોમાં વાહનો વગરનો, ધમાલ વગરનો, શાંત વીતતો સમય.
નોહ કાલિકાઇ નામનો ધોધ ઘણો પાતળો હતો. અહીં બધા ધોધ ૠતુ-આધારિત છે. ચોમાસામાં પાણી ખૂબ હોય, પણ ત્યારે ધુમ્મસ પણ એવું હોય કે કાંઈ દેખાય જ નહીં. અહીં કોઈ ઝાડ નહીં, જરા પણ છાંયો નહીં. અડધા કિ.મિ. દૂર વ્યૂ-પોઇન્ટ. ત્યાંથી સાવ નીચે બાઁગ્લાદેશનો સિલ્હેટ વિસ્તાર. તડકામાં જળ-ઝળહળ. આ ખાસી પહાડો પરથી સરકીને અગણ્ય ઝરણ નીચે પહોંચે છે, ને પારકા દેશમાં પૂર થઈને તારાજી ફેલાવે છે. અમારી ઉપર ઘેરાં વાદળ છવાવાં લાગ્યાં હતાં. કદાચ વરસાદ થઈને એ બાઁગ્લાદેશમાં વરસી રહ્યાં હતાં.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
મૌસ્માઇમાંની ગુફા વિષે અમને કહેવામાં નહોતું આવ્યું. અજબગજબ હતી એ. ઉત્તેજક હતી, ને ડરામણી પણ હતી. બહારથી ગાઢ વનસ્પતિથી ઢંકાયેલી હતી. અંદર હતું એકસો મિટર લાંબું કાળુંઘોર અંધારું, પગ નીચે અસપાટ જમીન, સતત ઝમતા પથ્થરની બનેલી છત. ટૂરમાં આવેલાં અડધાં તરત પાછાં જતાં રહ્યાં. અમે સાત બહાદુરો રહ્યાં. નસીબજોગે ગાઇડની પાસે એક મશાલ હતી. એના વગર એક છેડેથી બીજે છેડે જઈ જ ના શકાયું હોત. પથ્થરોના વિવિધ આકારોની સંકડાશમાં થઈ સાચવીને, ક્યાંક નમીને, ક્યાંક વળીને, ઉપર-નીચે પગ મૂકતાં જવું પડ્યું. ક્યાંક જરાક ખુલ્લું પણ આવી જતું હતું. બરાબરની ભેદી જગ્યા હતી. બહુ મઝા પડી.
પછી જોયો મૌસ્માઇ ધોધ. ઉત્તર-પૂર્વનાં સાત રાજ્યો પરથી એને સાત બહેનોનો ધોધ કહે છે. વરસાદની ૠતુમાં એ સાત ધારા થઈને પડે છે. અત્યારે બે જ પાતળી ધારા હતી. બધીયે ઊંડી ખીણમાં થતી નીચે ને નીચે બાઁગ્લાદેશને હેરાન કરવા પહોંચે છે. અહીં પણ ક્યાંયે છાંયો નહોતો. પિકનિક કરવા આવેલા કેટલાક લોકો તડકામાં બેસીને ખાઈ-પી રહ્યા હતા. એક ગોળ આરામગૃહ બનવા માંડ્યું છે. આવતા વર્ષે ખુલી જાય પછી વધારે લોકો આવતા થશે. ચેરાપુંજીની આસપાસ નારંગીની વાડીઓ છે. ઝાડ પર ફળ નથી થતાં, પણ એમનાં ફૂલોમાંથી બનાવાતું મધ વખણાય છે, ને બજારોમાં વેચાવા મૂકાય છે.
આહ્હા, આઠ કલાકની સફર હતી, પણ જાણે ખૂબ જલદી પૂરી થઈ ગઈ.
ં ં ં ં
શિલૉન્ગની અંદર ૧૮૯૫માં બનાવાયેલા વૉર્ડ લેકની ફરતે ચાલવાનું હજી બાકી હતું. લેકની આસપાસ સરસ ગાર્ડન છે. ચલનપથ, ચૅરી-બ્લૉસમનાં કમનીય ઝાડ, બોટિન્ગની વ્યવસ્થા, કાફે, અને એક સફેદ પુલ પણ છે. હું ફરતી હતી ને મેં ગાવાનો અવાજ સાંભળ્યો. જોયું કે ત્રણ-ચાર સ્ત્રીઓ ને પુરૂષો લેકના ઠંડા પાણીમાં ઊભાં હતાં. ઢળતા સૂર્ય તરફ મોઢાં હતાં, હાથ નમસ્કારમાં જોડેલા હતા. નક્કી કોઈ પૂજા થઈ રહી હતી. બીજા ઘણા લોકો કિનારે ઊભા ને બેઠા હતા. કોઈએ મને કહ્યું કે એ બધા વર્ષોથી શિલૉન્ગની આસપાસ રહેતાં બિહારીઓ હતાં. દિવાળી પછીની પાંચમ-છઠની સૂર્ય-પૂજા દર વર્ષની જેમ એ કરી રહ્યાં હતાં. અહીં વળી ગંગા તો શું, કોઈ પણ નદી ક્યાં? તેથી આ તળાવથી એ ચલાવી લેતાં હતાં. આ સ્થગિત પાણી કે જેમાં સહેલાણીઓ આનંદ-પ્રમોદ માટે હોડીઓ ચલાવતાં હતાં.
હું છેક નજીક ગઈ. ધરાવવા-પધરાવવા માટે ટોપલા ભરીને ચીજો લવાયેલી. કેળાંની ભારે લૂમોની લૂમો, મોટાં કાચાં નાળિયેર, રીંગણ-મૂળા-સૂરણ જેવાં તાજાં શાક, શેરડીના સાંઠા તો પાણીમાં ઉતારેલા, ઉપરાંત ખસ્તા કચોરી જેવી વાનગીઓ, બુંદીના લાડુ, ગલગોટાના હાર, દીવા, અગરબત્તી. બધું જીવનદાતા સૂર્યદેવને અર્પણ કરવામાં પરુષો મદદ કરતા હતા. બધી સ્ત્રીઓનાં સુરેખ લંબગોળ મોઢાં પર મોટો લાલ ચાંદલો, અને સેંથીમાં લાલચોળ સિંદૂર. ગંગામૈયાના નામથી ગીતો ગવાતાં હતાં. પાછળ છોકરાઓ ફટાકડા ફોડતા હતા.
હું જોતી જ રહી ગઈ. કશુંક અભૂતપૂર્વ જ નહીં, પણ અત્યંત શુકનવંતો પ્રસંગ જોવાની અનાયાસ તક મળી હતી. શું નસીબદાર બની હતી હું.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
