દેવિકા રાહુલ ધ્રુવ

બાજીગર શબ્દ કેટલો સરસ છે? અને સોગઠાં પણ કોઈપણ રમતપ્રેમીને ગમતો જ શબ્દ. તરત ઉપસતો અર્થ અને તસ્વીર તો સામાન્ય જ છે અને કદાચ એ બંને સર્વમાન્ય પણ ખરાં જ એમ મારું માનવું છે. છતાં ગુજરાતી ભાષાના અસીમ ખજાનામાંના આ શબ્દો પણ એક રસનો વિષય છે.

કોણ જાણે કેમ પણ મને દરેક જન્મદિવસની સવારે આકાશ તરફ નજર કરતાની સાથે જ, અચૂક આ અંગે વિચારો આવે જ, આવે. એની વધુ વાત કરતા પહેલાં નાનપણમાં જોયેલ એક જાદૂગરનું ચિત્ર નજર સામે ખડું થાય છે. ખૂબ ઊંચો, પાતળો, સોહામણો, આછી મૂછવાળો એ માણસ. હસે તો કોઈપણ મોહ પામી જાય અને બોલે તો બસ, જાણે સાંભળ્યા જ કરીએ. ક્યારેક ક્યારેક શેરીઓમાં આવે, જાદૂના ખેલ કરે, સૌને અચંબામાં મૂકી દે અને થોડુંઘણું કમાઈ ચાલતી પકડે. પણ એના ગયા પછી નાનાં ભૂલકાંઓથી માંડીને મોટેરાં સુધીના સૌ કોઈ એની વાતો કર્યા જ કરે, કલાકો સુધી એ જ વાતો ચાલે એટલું જ નહિ, એણે બતાવેલા ખેલ/બાજી/જાદૂ કરવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કરે. ધીરે ધીરે સમયની રફ્તાર આગળ ચાલે, સૌ કોઈ પોતાની ઘરેડમાં પૂર્વવત્ થઈ જાય. અચાનક ફરી પાછો પેલો જાદૂગર દેખા દે. ક્યારેક બાજી ખેલે તો ક્યારેક જાદૂ બતાવે. ક્યારેક મદદ માટે હાક પાડે,પોતે હાર્યા હોવાનો ડોળ કરે અને પછી એકદમ જ બાજી પલટી નાંખે.

આજે જ્યારે જીંદગીના અઠ્ઠાવીસ હજાર એકસો પાંચ દિવસો ચાલી લીધા છે ત્યારે, બાળપણની એ સ્મૃતિનો અર્થ સમજાય છે અને શા માટે એ દરેક જન્મદિવસે જ માની સાથે વધુ સાંભરે છે તેનું રહસ્ય પણ તાગી શકાય છે. જાદુ કહો કે બાજી કહો પણ માનવી તો માત્ર એક રસિક બાજીગરની રમતનાં સોગઠાં છે. કેટકેટલી રમતો, કેટલાં ખેલાડીઓ અને દરેક સોગઠાં પણ કેવાં ભાતીગળ. રમનારને ખબર પણ ન પડે કે પોતે રમે છે કે કોઈ એને રમાડે છે! અને એજ તો જાદૂ છે ને?! અરે, કોની રમત ક્યાં સુધી ચાલશે તેની પણ ક્યાં જાણ હોય છે?  હારજીત ચાલ્યાં જ કરે એમ લાગે પણ હકીકતે તો ચક્રાકાર ગતિ પર કોઈ આગળ નથી કે કોઈ પાછળ નથી. એ તો બસ સતત ચાલતું વર્તુળ છે. ક્યારેક અચાનક બંધ તો વળી ક્યારેક રમતાં રમતાં થાકી જાવ ત્યાં સુધી ચાલ્યાં જ કરે!

ખરેખર, અજબ ખેલ બાજીગરનો આ, કોઈ જીતે કોઈ હારે.

ચાલો, સોગઠાં બનીને બાજીગરને રમવા દઈએ, આપણે પોતે રમીએ છીએ એવી મઝા માણતાં રહીએ અને એ રીતે એને રીઝવતાં રહીએ, ચાલતાં રહીએ. જ્યાં સુધી એ સાથે છે, ચાલવાનો કે રમવાનો ક્યાં સવાલ જ છે!

આશ્ચર્યની વાત તો એ છે કે રમતનાં સોગઠાં જેવાં આપણે સતત કશાકની પ્રાપ્તિમાં દોડતાં રહીએ છીએ અને તેના પરિણામ મુજબ હર્ષ-શોકની લાગણી અનુભવીએ છીએ.

સંસ્કૃતનો  એક સરસ શ્લોક છેઃ

प्राप्तव्यमर्थं लभते मनुष्यो देवोऽपि तं लङ्घयितुं न शक्तः
तस्मान्न शोचामि न विस्मयो मे यदस्मदीयं न हि तत्परेषाम्

 આમાં ખૂબ સરસ વાત કહેલી છે કે, “પોતાને જે વસ્તુ મળવાની છે તે માણસને મળે જ છે. દેવો પણ તેનું ઉલ્લંઘન કરવાને શક્તિમાન નથી. તેથી મને દુઃખ કે નવાઈ લાગતી નથી. જે મારું છે તે બીજાંનું થવાનું નથી.”

કેટલી અર્થભરી સમજણ! અને કેવો અતૂટ વિશ્વાસ? ઘણીવાર તો એમ પણ લાગે છે કે, આવા વિશ્વાસના બળ પર જ ભલભલાની તકદીરનાં તાળાં ખુલી જતાં હોય છે. સાવ નાનકડી કે તુચ્છ જણાતી ઘટના કોઈ જાદૂની જેમ ક્યાંથી ક્યાં પહોંચાડી દેતી હોય છે? શોધવા પણ ન જવું પડે એટલા દાખલાઓ, પ્રસંગો, ઘટનાઓ અને વાર્તાઓ નજર સામે એવાં આવી જ જાય છે જ્યાંથી બાજીગરની જેમ આખો ને આખો ખેલ બદલાઈ જતો હોય છે.

ફિલ્મી દુનિયાનો એક મશહૂર સંવાદ યાદ આવે છે.

 कभी कभी जितनेके लिये कुछ हारना पडता है
हारकर जीतनेवालेको बाजीगर कहते है

બાજીગરની વાતો તો અજાણી નથી. પણ આ સોગઠાંનું શું? સોગઠાં વગર બાજી નથી અને બાજીગર વગર સોગઠાં નથી. કોણ ચડિયાતું કોણ જાણે? અંગ્રેજીમાં એક મઝાનું quotation છે.

Not only does God play dice, but… he sometimes throws them where they cannot be seen. …

બાઈબલમાં તો એટલે સુધી કહ્યું છે કે, We may throw the dice, but the Lord determines how they fall.

સમાપનમાં તો એટલું જ કહેવાનું કે, સોગઠાં બનીને રમવું છે અને એની શ્રદ્ધાના જોરે જીતવું છે. કોઈની ને પોતાની, બંનેની રમતને સાર્થક કરવી છે અને એ રીતે જ અંતિમ મુકામે પહોંચવું છે. આ વિચારના સમર્થનમાં,  કલમને/કીબોર્ડને અટકાવું તે પહેલાં તો  ચાર્લ્સ સ્વિન્ડૉલનું એક અતિસુંદર વાક્ય યાદ આવ્યું જે મને લાગે છે કે બિલકુલ યોગ્ય છે, સાચું છે.

તેમણે લખ્યું છે કે, We aren’t just thrown on this earth like dice tossed across a table. We are lovingly placed here for a purpose.


Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com