વીનેશ અંતાણી

 

દક્ષિણ કોરિયાની નવલકથાકાર હાન કાંગને વર્ષ ૨૦૨૪નું સાહિત્યનું નોબલ પારિતોષિક જાહેર થયું તે પહેલાં વર્ષ ૨૦૧૬માં એમની નવલકથા ‘વેજિટેરિયન’ને ઈન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યું હતું. આ નવલકથાથી હાન કાંગ આંતરરાષ્ટ્રીય ફલક પર જાણીતાં થયાં અને એની ઘણી ચર્ચા થઈ. ગુજરાતીમાં પણ એના વિશે લખાયું છે.

‘વેજિટેરિયન’ની નાયિકા યંગ-હેને એક રાતે સપનું આવે છે કે એ એક પ્રાણીને મારી એનું માંસ ખાય છે. હિંસક અને જુગુપ્સા ઉપજાવતું સપનું જોયા પછી એ માંસાહાર ત્યજી સંપૂર્ણપણે શાકાહારી બની જાય છે. એનો પતિ, એનાં માતપિતા અને એનો પરિવાર યેન-હેના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરે છે. એ ઘરમાં પતિ માટે પણ માંસ રાંધતી નથી. એક દિવસ એના પિતા બળજબરીથી એના મોઢામાં માંસનો ટુકડો ખોસે છે. એવી બળજબરી સહન ન થવાથી યંગ-હે છરીથી પોતાના હાથના કાંડની નસ કાપી નાખે છે. યેન-હેના માંસાહાર નહીં જ કરવાના અડગ નિર્ધાર અને બીજા લોકોના વિરોધની ઘટનાઓ પછી આગળ વધતી આ નવલકથા ઊંચું ઉડાન ભરે છે. એમાંથી કથાનાં નવાંનવાં પરિમાણો ઊઘડતાં જાય છે અને ‘વેજિટિરયન’ નવલકથા અનેક અર્થઘટનોની શક્યતા ખુલ્લી રાખતી વિશિષ્ટ નવલકથાની ઊંચાઈએ પહોંચે છે.

હાન કાંગે આ નવલકથા ૨૦૦૩થી ૨૦૦૫ના સમયગાળામાં લખી હતી. તે પહેલાં વર્ષ ૧૦૦૭માં એમણે એક વાર્તા લખી હતી – ‘ધ ફ્રૂટ્સ ઑફ માય વુમન’. તે વખતે જ એમને આ વાર્તા પરથી નવલકથા લખવાનો વિચાર આવ્યો હતો, પરંતુ તરત લખી શક્યાં નહોતાં. બીજી બે નવલકથા લખ્યા પછી એમણે ‘વેજિટેરિયન’ લખી. ‘ધ ફ્રૂટ્સ ઑફ માય વુમન’ વાર્તાના ઘણા અંશો ત્રણ ભાગમાં વહેંચાયેલી ‘વેજિટિરિયન’ નવલકથાના પહેલા ભાગમાં વિશેષ જોઈ શકાય છે.

એ વાર્તામાં ત્રીસીની આસપાસ પહોંચેલાં પતિ-પત્નીની વાત છે. ચારેક વર્ષના સામાન્ય લગ્નજીવન પછી એક દિવસ પત્ની એના પતિને કહે છે કે એને વાંસામાં નાનકડું ચાઠું થયું છે. પતિ ચાઠું જુએ છે, પરંતુ ગંભીરતાથી લેતો નથી. થોડા સમયમાં ચાઠું મોટું થતું વધારે ફેલાય છે. એથી પતિ પત્નીને ડૉક્ટર પાસે જવાનું કહે છે. ડૉક્ટરને પણ કશું ગંભીર જણાતું નથી. તેમ છતાં પત્નીમાં ન સમજાય એવાં પરિવર્તન આવવાં લાગે છે. એનું વજન ઘટવા લાગે છે. ખાવાનું ભાવતું નથી. વારંવાર ડિપ્રેશનમાં સરી પડે છે, બોલવાનું લગભગ બંધ કરી દે છે. એના સુંવાળા વાળ સૂકાં પાંદડાં જેવાં બરડ થઈ જાય છે. ચાઠું એની આખી પીઠ અને છાતી પર વિસ્તરે છે. એને કપડાં ઉતારી તડકામાં નગ્ન ઊભા રહેવાની ઇચ્છા થાય છે. એ કોઈ અલગ વ્યક્તિની જેમ દૂરદૂર ક્ષિતિજ પાસે ચાલી ગઈ હોય એવું લાગે છે. થોડા મહિના પછી પતિ ઑફિસના કામે બીજા શહેરમાં જાય છે. એક અઠવાડિયા પછી પાછો આવે છે ત્યારે પત્ની ઘરમાં ક્યાંય દેખાતી નથી. ઘણા દિવસ પહેલાં વપરાયેલાં વાસણો એઠાં પડ્યાં છે. પતિને નવાઈ લાગે છે કે એ અચાનક ક્યાં ચાલી ગઈ છે. ત્યાં જ બાલ્કનીમાંથી પત્નીનો ક્ષીણ અવાજ સંભળાય છે. પતિ જુએ છે તો એ બાલ્કનીમાં બંને હાથ ઊંચા રાખી આગળની બાજુ વળીને ઘૂંટણિયે બેઠી છે. એનું આખું શરીર ઘેરા લીલા રંગનું થઈ ગયું છે. મોઢાનો રંગ પાંદડાંના રંગ જેવો થઈ ગયો છે. પત્ની પાણી માગે છે. પતિ એને પાણી પાય છે પછી એના આખા શરીરે અને વાળમાં પણ રેડે છે, કરમાયેલા છોડ જેવી પત્ની પાણી મળવાથી તંદુરસ્ત છોડ જેવી બની જાય છે. એનું શરીર લીલા રંગમાં ઝગારા મારવા લાગે છે. સાથળમાંથી નવાં મૂળિયાંનાં અંકૂરો ફૂટ્યાં છે અને છાતીમાં લાલ રંગનાં ફૂલો ખીલ્યાં છે. એમાં ફળ પણ આવે છે. પાનખરમાં ફરી કરમાવા લાગે છે. એના પર ઊગેલાં પાંદડાં સુકાઈને ખરી પડે છે. વાર્તાના અંતમાં પતિ વિચારે છે – વસંત આવશે ત્યારે એ ફરી મહોરી ઊઠશે? એનાં ફૂલો કરી ખીલી ઊઠશે?

મારા અર્થઘટન પ્રમાણે આ વાર્તા માણસમાત્રમાં રહેલા પ્રાકૃતિક વનસ્પતિપણાની છે. માનવો જંગલમાં રહેતા ત્યારે એમનું પ્રકૃતિ સાથે ગાઢ સાંનિધ્ય હતું. માણસ કહેવાતી સભ્યતા તરફ આગળ વધતો ગયો અને ભૌતિકતા તરફ વળતો ગયો તેમતેમ એ પ્રકૃતિથી વિમુખ તો થઈ ગયો, સ્વાર્થ ખાતર એ જ જંગલો અને વૃક્ષોનો વિનાશ કરતાં પણ ખચકાયો નહીં. એ કારણે એનામાં રહેલું ‘વનસ્પતિપણું’ સુકાઈ ગયું છે. આજનો માણસ એનાં કુદરતી તત્ત્વો ગુમાવી બેઠો છે. ‘વેજિટેરિયન’ નવલકથામાં પણ મને એવો જ એક સૂર સંભળાયો છે. ‘ધ ફ્રૂટ્સ ઑફ માય વુમન’ વાર્તાની નાયિકા ખરેખર વૃક્ષ-છોડ બની જાય છે. ‘વેજિટેરિયન’ નવલકથાની નાયિકામાં પણ એ જ ઇચ્છા વારંવાર પ્રગટ થતી રહે છે. ઉત્તમ સાહિત્યકૃતિમાં એકથી વધારે અર્થઘટનોની શક્યતા રહેલી હોય છે. ‘વેજિટેરિયન’ના વાચકો પણ એમના દેશની સંસ્કૃતિ અને સામાજિક પરંપરા પ્રમાણે એનું અર્થઘટન કરી શકે એવો અવકાશ છે.

‘વેજિટેરિયન’ને બુકર પ્રાઇઝ મળ્યું પછી હાન કાંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ નવલકથા લખતાં હોય ત્યારે કેટલાક પ્રશ્નો એમના મનમાં હોય છે. નવલકથાઓ દ્વારા ‘એ માણસ હોવું એટલે શું’ એવા સવાલનો જવાબ શોધવા માગે છે, પરંતુ નવલકથાના અંત સુધી પહોંચે ત્યારે એ સવાલ સવાલ જ રહી જાય છે. ‘વેજિટેરિયન’ નવલકથામાં પણ કશાકનો અનુત્તર રહેલો જવાબ શોધવાનો પ્રયાસ છે. દરેક વાચકને જે જવાબ મળશે તે એનો પોતાનો જ હશે.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.