ચેતન પગી
આ સવાલ જેને જેન-ઝી નામે ઓળખવામાં આવે છે એ પેઢીને લાગુ પડતો નથી. (આ જનરેશનને તો આમ તો ‘પેઢી’ શબ્દ સાથે પણ લેવાદેવા નથી). વર્ષ ૧૯૯૯ પછી અને ૨૦૧૨ પહેલા પૃથ્વીલોકમાં પધારેલા આ અવતારી બાળકોને ખુશ કરવા બહુ આસાન છે. એમને જાદુ બતાવવા માટે ટોપીમાંથી કબૂતર કાઢવાની જરૂર નથી. સોયના નાકામાંથી દોરો પસાર કરી બતાવશો તો પણ એ ‘વાઉ’ પોકારી ઉઠશે. જો કે જેન-ઝી પછીની પેઢીનાં બાળકોને રાજી કરવા માટે નાકામાંથી દોરો પસાર કરવાની પણ જરૂર નહીં પડે. માત્ર સોય બતાવીશું તો પણ એમના મોંઢામાંથી ‘માઇન્ડબ્લોઇંગ’ સરી પડશે.

આધુનિક ભારત હવે સોયથી લઈને રોકેટ સુધીની બધા જ અણિયાળાં ઉપકરણો જાતે જ સર્જી શકે છે. જે ગતિએ આપણે અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યાં છે એ જોતા એક દિવસ આપણે અણિયારા સવાલોનું ઉત્પાદન પણ કરતા થઈ જશું એ નક્કી છે. બાય ધ વે, ઉપગ્રહને ભ્રમણકક્ષામાં તરતો મૂકવાના ઇસરોના મિશન જેટલું જ પડકારજનક કાર્ય સોયના નાકામાંથી દોરો પસાર કરવાનું છે. આપણે આંખો ઝીંણી કરીને બાજુવાળો (કે વાળી) વૉટ્સએપમાં કોની જોડે શું ચૅટ કરે છે એ જોવા ટેવાયેલા છીએ પણ એ જ આંખોને ઝીણી કરીને નાકામાંથી દોરો પસાર કરવાની કળા આપણે હાથે કરીને વિલુપ્ત કરી રહ્યાં છીએ.
આ કળાને નષ્ટપ્રાય થતી બચાવવા માટે ઓલિમ્પિકમાં તિરંદાજીની જેમ સોય-દોરો પરોવવાની રમત પણ સામેલ કરી શકાય છે. દિવસમાં પાંચ વખત સોય-દોરો પરોવવાની પ્રવૃત્તિ આંખો માટે સારી કસરત પુરવાર થઈ શકે છે. તેનાથી ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવાની આંખોની ક્ષમતામાં વધારો થશે.
જો કે આ કસરત કર્યા પછી ઇન્સ્ટાગ્રામ પર સોયમાંથી વગર જફાએ દોરો પસાર કરવાની કોઈ નવી તરકીબ મળી આવે તો નવાઈ નહીં. દોરાનો છેડો પકડીને નાકામાંથી પસાર કરતી વખતે આંખોની સાથે ધ્યાન અને એકાગ્રતાની પણ કસોટી થાય છે. તમે માર્ક કરજો. નાકામાંથી દોરો પસાર થઈ રહ્યો હોય બરાબર ત્યારે જ આપણા મુખારવિંદના નાકા સમાન નાકમાં મીઠી ખંજવાળ ઊપડે છે. એટલું જ નહીં તમે એક હાથેથી પકડેલા દોરાના છેડા કે બીજા હાથમાં રાખેલી સોયની અણી વડે નાકમાં ખંજવાળી શકતા નથી. આ સ્થિતિમાં તમારે શસ્ત્રો હેઠાં મૂકીને નાક સમક્ષ શરણાગતિ સ્વીકાર્યા વિના છૂટકો નથી. મોબાઇલની રિંગ, કૂકરની સીટી કે દૂધનો ઉભરો જેવી તાકીદે હાથ ધરવી પડે એવી કામગીરી સોયના નાકામાંથી દોરો પસાર કરતી વેળાએ જ કરવાની આવે છે.
અત્યાર સુધી શાંત ચાર રસ્તે અચાનક ટ્રાફિક જામ સર્જાય કંઇક એવી આ સ્થિતિ છે. સોય-દોરો પરોવવાની ઘટના પણ કેટલી સાહિત્યિક હોઈ શકે છે એ વિશે આજસુધી કોઈ સર્જકે વિચાર્યું કેમ નથી. સાહિત્ય સંસ્થાઓ આગામી બેઠકમાં ‘ગાજ-બટન અને સોય-દોરાની જુગલબંધી એક સાહિત્યિક પરિકલ્પના’ નામે સત્ર યોજી શકે છે. ઘોંચપરોણા માત્ર હરીફ સાહિત્યકારની સાથે જ કરી શકાય એવો ઠરાવ ક્યાં કોઈ પસાર કર્યો છે? માત્ર સાહિત્યકારો જ નહીં ચિંતકો અને વિચારકોએ પણ આ વિચારોત્તેજ ઘટનાની અવગણના કરી છે. જેના છેડે હૃદયને વીંધી નાખે એવી અણી છે એવી સોય પોતાના જ હૃદયને નાજુક નમણા દોરા થકી વિંધાવે એ ઘટના કેમ કોઈ ચિંતકને પજવતી નથી? વસંતની પરોઢે કોયલનો ટહુકો સાંભળીને ઊર્મિઓની ભરતી અનુભવતા કવિઓએ ક્યારેક સોયના નાકામાંથી પસાર થતા દોરાને શાંત ચિત્તે નિહાળવા જેવો છે. શાંત પાણીમાં હળવે હળવે તરી રહેલી માછલીની જેમ દોરો પણ નાકામાંથી પસાર થવાની મથામણ કરે છે. નટખટ કાનુડો ગોપીઓને પજવે એમ દોરાનો છેડો પણ નાકામાંથી પસાર થવાની આનાકાની કરીને સોયની સુક્ષ્મ દિવાલને અડીને યુ-ટર્ન મારી લે છે. આટલેથી અટકતું નથી. એ પછી દોરાનો છેડો જાણે ‘દોરા ગંગા કિનારે વાલા…’ ગાતો હોય એમ મસ્તીભરી નજરે આપણી સામે તાકી રહેશે. સોય-દોરાની આ જુગલબંધી ક્યારેક એટલી લાંબી ચાલે છે કે શું સાંધવાનું હતું એ પણ ભૂલાઈ જાય છે.
જેમની પાસે પંચાગ હાથવગું હોય તેઓ વિજય મુહૂર્તમાં આ કામગીરી કરે તો સફળતા મળવાના ચાન્સિસ વધારે છે. જેમ લોઢું લોઢાને કાપે એમ અણીદાર સોયના નાકાની આરપાર કાઢવા માટે દોરાના છેડાને બે હોઠ વચ્ચે દબાવીને અણીદાર બનાવવામાં આવે છે. મોટાભાગના કેસમાં આ ઉપાય અસરકારક નીવડે છે. પણ શક્ય છે કે સોયમાં દોરો પરોવી લીધા પછી તમને યાદ આવે કે તિરાડો એટલી પહોળી થઈ ગઈ છે કે સોય-દોરાથી સંધાઈ શકે એમ નથી.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
