નીલમ  હરીશ દોશી

તજો વિવાદી, વાદી, સંવાદીને લયમાં સાધી,
અલખ, અનાદિ નાદ સધાતાં લાગે સૂર સમાધિ,

લલિત વર્મા

પ્રિય સખા,

દોસ્ત, આજે તો તને અભિનંદન આપવાનું મન થાય છે. આજે તેં મને ખુશ કરી દીધો.આજે એક નવી કેડી તેં કંડારી.બની શકે આવતી કાલે એ કેડી પરથી અનેક લોકો પસાર થાય અને કેડી રાજમાર્ગ બની રહે. અને એનું શ્રેય તને પ્રાપ્ત થાય.

તારી પાસે અઢળક સંપત્તિ છે અને તારા એકના એક દીકરાના લગ્ન હતા.સ્વાભાવિક રીતે જ તને અને તારા સ્વજનોને હોંશ હોય કે દીકરાના લગ્ન ધામધૂમથી થાય અને આખું ગામ જોઇ રહે. ધાર્યું હોત તો તું એ જરૂર કરી શકયો હોત. અનેક શ્રીમંત લોકો એમ કરે જ છે. પણ એને બદલે તેં નવી કેડી કંડારી. આ લગ્ન દરેક રીતે મને ગમ્યા. એક તો તેં તારા દીકરાએ પસંદ કરેલી યુવતીને હોંશથી સ્વીકારી . એની જ્ઞાતિ તારા કરતા અલગ અને તારા સમાજની દ્રષ્ટિએ ઉતરતી હોવા છતાં તેં એને દિલથી આવકારી.નાતજાતના ભેદભાવ મિટાવવાનો એક નાનકડો પ્રયાસ.બીજું દીકરીના પિતા પાસેથી દહેજ લેવાનો તમારા સમાજનો નિયમ તેં સાવ જ નેવે મૂકયો. પહેરેલા કપડે જ દીકરીને તારા ઘરમાં આવકારી અને સૌથી મોટી વાત .દીકરાના લગ્નમા બંને પક્ષના  ફકત  અગિયાર માણસો જ હાજર રહેશે અને કોઇ દેખાડા નહીં થાય. લગ્ન કંઇ નવી નવાઇના નથી થતા.દુનિયા આખી લગ્ન કરે છે એમ મારો પુત્ર પણ કરે છે તો એમાં કંઇ એ મોટું પરાક્રમ નથી કરતો. અને લગ્નના ખર્ચ કરવાન એબદલે એ બધો પૈસો તેં હોસ્પીટલમાં ગરીબ દર્દીઓ માટે ફાળવ્યો. હા, દીકરાના લગ્નમાં તમે મન મૂકીને નાચ્યા, આનંદ જરૂર કર્યો. પણ આનંદ ફકત પૈસાથી જ થઇ શકે એ વાતને તેં ખોટી સાબિત કરી.

વાહ.મારા દોસ્ત, હું તો હરખાઇ ગયો. તારા જેવી સાધન સંપન્ન વ્યક્તિ  જયારે આવી કોઇ નવી કેડીએ ચાલવાની શરૂઆત કરે તો અન્ય લોકો એમાંથી જરૂર પ્રેરણા લઇ શકે. દોસ્ત, સલામ તને.

દોસ્ત, લોકો બીમાર પડે છે  ત્યારે  ચમત્કારિક રીતે તુરત  સાજા થવાની  પ્રાર્થના કરે છે. પણ દોસ્ત એવું પણ બની શકે છે કે એ સમયે તને રોગમુકત કરવા માટે  અનેક ડોકટરો, વૈદ્યો, દવાની શોધ કરી રહ્યા હોય, થાકયા વિના મહેનત કરી રહ્યા હોય,  તેમની તપસ્યા નિષફળ ન જાય એ તરફ મારું ધ્યાન કેન્દ્રિત થયુ હોય. કેમકે તારા જેવા બીજા અનેક રોગીઓ છે જેમને એ દવાની જરૂર પડી શકે.

લિ. તારો જ ઇશ્વર.

પ્રાર્થના એટલે..

 કોઇ લેવડદેવડ નહીં, પણ કોઇ સૂક્ષ્મ, અદીઠ આવનજાવન..

જીવનનો હકાર….

આબાર આસિબો ફિરે. હું આવીશ …. જગત એટલુ સુન્દર છે કે હુ ફરી ફરીને અહીં આવીશ


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે