તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આસપાસ સ્પંદિત માહોલમાં કંઈક લખવા ધારું છું તો આઝાદ હિંદમાં ગુજરાતને મળેલા એકના એક આંદોલનપુરુષ ઈન્દુલાલ યાજ્ઞિક સ્મરણમાં દડી આવે છે. ૧૯૭૧માં અમદાવાદથી ચોથી વાર ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા છે: યુરોપીય સમાજવાદી આંદોલનમાં, એમાં પણ ખાસ તો ફ્રાન્સમાં સમાજવાદની ભૂમિકામાં સ્ત્રીઓની આઝાદી ને પ્રેમની મુક્તિની ભાવના ભળેલી હતી એ વધુ વાંચતાં ગુજરાતમાં સ્ત્રી કેળવણી ને મહિલા જાગૃતિ સાથેનાં આરંભકાળનાં સંભારણાં આળસ મરડી ફેરજાગૃત થયાં છે. વાંચન અને વિચારવિનિમય સર એ દ્વારે દ્વારે ભમે ભટકે છે, ને ત્યાં દિલ્હીમાં ડેનિયલ લતીફીને ઘરે જઈ પહોંચે છે- કેમ કે લતીફીનાં પત્ની સ્ત્રી સ્વાતંત્ર્યવાદી છે અને નારીમુક્તિ ક્ષેત્રે નવચિંતનના પ્રવાહોમાં રમેલાં છે.

રહો, આ લતીફી કોણ તે વિશે ઉતાવળે બે શબ્દો કહું. ૧૯૮૫માં ખાસા ગાજેલા ને છેવટે રાજીવ ગાંધીની સરકારને લઈ ચાલેલા શાહબાનુ ચુકાદાની સિદ્ધિ ધારાશાસ્ત્રી લતીફીને નામે ઈતિહાસજમે છે. કોંગ્રેસના સ્થાપક સભ્ય અને ત્રીજા અધિવેશનના પ્રમુખ બદરુદ્દીન તૈયબજીના એ પૌત્ર. એમણે ક્રિમિનલ પ્રોસીજર કોડને અન્વયે શાહબાનુને ફારગતી બાદ મળવામાત્ર પતિસહાય વાસ્તે યશસ્વી અદાલતી લડત લડી જાણી હતી. હવે પાછા એપ્રિલ ૧૯૭૨ની એ રાત ભણી જ્યારે શ્રી અને શ્રીમતી લતીફી સાથે ઈન્દુલાલ બરાબરના જામ્યા છે. નારીચળવળ સંબંધે એમની સમૃદ્ધ લાઈબ્રેરી મન ભરીને જોઈ છે, અને એ પૈકી એક પુસ્તક, ‘ફેમિનિન મિસ્ટિક’ ચહીને લાવ્યા છે ને રાતવરત વાંચવા મંડી પડ્યા છે. વળતે અઠવાડિયે (૧૧-૪-૭૨ના રોજ) એમની ડાયરીનોંધ બોલે છે: ‘મારા મનમાં એક વિચાર ઊપસ્યો છે કે જેમ ‘ફેમિનિન મિસ્ટિક’ની લેખિકાએ ઘણી સ્ત્રીઓને પૂછીને, મુલાકાત લઈને તેને આધારે પુસ્તક લખ્યું તેમ હું પણ સ્ત્રીઓના જીવન વિશે પ્રશ્નપત્રો તૈયાર કરી તેના જવાબ નાની-મોટી સ્ત્રીઓ પાસેથી મેળવું અને તે પરથી પુસ્તિકા લખું.’

આ લેખિકા તે બેટી ફ્રીડાન. ૧૯૬૩માં તેઓ ‘મિસ્ટિક’ લઈને આવ્યાં. મનોવિજ્ઞાનના અભ્યાસ સાથે એ પત્રકારિતામાં હશે તે દરમ્યાન એમને આ પ્રકલ્પ સૂઝેલો અને સંખ્યાબંધ સ્ત્રીઓ સાથે મુલાકાત બાદ તે એ તારણ પર પહોંચેલાં કે સ્ત્રીઓ લગ્ન સાથે બાળઉછેર અને ઘરકામને એ હદે અગ્રતા આપતી થઈ જાય છે કે એમની ઘણી હોંશ અતૃપ્ત રહે છે. એમની સામે ઊપસાવાતું આદર્શ રોલ મોડેલ પણ ગૃહિણી તરેહનું હોય છે. આ પુસ્તકનું પ્રકાશન અમેરિકાનાં સેકન્ડ વેવ ફેમિનિઝમ તરીકે ઊંચકાયું. સ્ત્રી મતાધિકારનાં પચાસ વરસ નિમિત્તે ૧૯૭૦ના વિરાટ આયોજન પાછળ પણ ‘મિસ્ટિક’કાર ફ્રીડાનની ઠંડી તાકાત હતી. એમ કરતાં, ૧૯૭૫ના આંતરરાષ્ટ્રીય મહિલા વરસ સાથે યુનાઈટેડ નેશન્સે 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો: આજે ૨૦૨૫નું વરસ બરાબર એની પચાસીનું વરસ છે.

આ જોગાનુજોગ સંભારીએ ત્યારે એંશી લગોલગના ઈન્દુલાલ કેવા ને કેટલા તરોતાજા હશે, એનો અંદાજે અહેસાસ આવે છે. હશે, પણ આઠમી માર્ચ જ કેમ: ૧૯૦૭થી ૧૯૧૭ સુધીનો યુરોપ-અમેરિકાનો દસકો આખો એની પાછળ ભાગ ભજવી ગયો છે. ૧૯૦૭માં સ્ટુટગાર્ટમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી મંડળી (સેકન્ડ ઈન્ટરનેશનલ) મળી હતી. ગુર્જર ભારતવાસી તરીકે ૧૯૦૭ના સ્ટુટગાર્ટ મિલનનો મહિમા આપણે સારુ અમથોયે અગાઉથી મેડમ કામાએ ત્યાં સ્વતંત્ર હિંદનો પહેલો ધ્વજ લહેરાવ્યો હતો એ વાતે છે સ્તો. આ સ્ટુટગાર્ટ મિલનમાં જ જર્મન માર્ક્સવાદી ક્લેરા ઝેટકિને સમાજવાદી પરિષદની સાથોસાથ, સમાજવાદી સંસ્કૃતિના બહોળા પટ પર સ્ત્રી સંગઠનની પણ હિમાયત કરી હતી. ક્રાંતિકારી રાષ્ટ્રવાદી તરીકે ઓળખાતાં મેડમ કામા અને માર્ક્સવાદી ક્લેરા ઝેટકિન… એકમંચ ને એકસ્વર! સમજાય છે કંઈ?

રાષ્ટ્રવાદના હાલના વિશેષ વાર્તિકથી ઉફરાટે કામાબાઈનો રાષ્ટ્રવાદ મુદ્દલ સંકીર્ણ નહોતો. વ્યાપક આંતરરાષ્ટ્રીય પરિમાણ સમેત ન્યાયી સમાજનો મુદ્દો એની બુનિયાદમાં હતો. ૧૯૦૮માં આવા જ કંઈક સમાજવાદી રુઝાનથી ન્યૂયોર્કમાં વિરાટ મહિલા રેલી નીકળી હતી, જેમાં કામદાર યુનિયનની રચનાનો અને મતાધિકારનો મુદ્દો પ્રધાન હતો. એ તારીખ આઠમી માર્ચ હતી. ૧૯૧૭માં રશિયામાં પણ એક અનોખી આઠમી માર્ચ ઊજવાઈ હતી: પેટ્રોગાડની કામદાર મહિલાઓ શાંતિ અને રોટીના સાદ સાથે રસ્તા પર આવી, ફેક્ટરીઓ બંધ રહી, બગાવતનો દાવાનળ ભભૂકી ઊઠ્યો. આગળ ચાલતાં, ૧૯૨૩માં, લેનિને આઠમી માર્ચને મહિલા દિવસનો દરજ્જો જાહેર કર્યો. ૧૯૦૭થી ૧૯૧૭ની આ બધી મથામણ ૧૯૭૫ પહોંચતે પહોંચતે યુનાઈટેડ નેશન્સ થકી જગત તખતે આઠમી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ લેખે સુપ્રતિષ્ઠ થઈ. અલબત્ત, ગુજરાત છેડે ઈન્દુલાલના કેમિયો પ્રવેશ ઉપરાંત પણ નિરાંતે ને વિગતે વાત કરવી રહે છે. ઘણું જોવું, સમજવું, તપાસવું રહે છે.

એક પા અખિલ હિંદ મહિલા પરિષદ જેવા ઉન્મેષો તો બીજી પા આગળ ચાલતાં જ્યોતિસંઘ, સેવા, અવાજ સરખી રચનાત્મક પહેલ- અનેક રીતે, બહુધા, આ બધું જાણવાજોગ છે. નમૂના દાખલ બે ઈલાબહેનો (ઈલા ભટ્ટ, ઈલા પાઠક)ની ઉભડક જિકર કરું. જોગાનુજોગ, વાયકા તો એવીયે ખરી કે બેઉનાં નામ ચંદ્રવદન મહેતાને આભારી છે. ઉપલા મધ્યમ વર્ગની (કહો કે કંઈક ભદ્ર વર્ગની) મહિલા પ્રવૃત્તિને મોટે પટે સેવા અને કેટલેક અંશે અવાજ શ્રમજીવી મહિલા લગી ગઈ ગયાં. એક બાજુ જો સ્ત્રીની કેવળ કુટુંબગત ઓળખને બદલે સ્વતંત્ર ઓળખનો સવાલ હતો તો બીજી બાજુ મહિલા પ્રવૃત્તિ સમાજ નવરચનાના વ્યાપક અભિગમથી અળગી પડીને ન ચાલે એનો પણ સવાલ હતો ને છે.

મેં નમૂના દાખલ ‘સેવા’ ને ‘અવાજ’ બે નામ લીધાં, પણ ગુજરાતમાં નાને પાયે એકાધિક મહિલા પ્રવૃત્તિ કેન્દ્રો છે જેને વિશેય ધોરણસરની નોંધને અવકાશ છે. અહીં તો માત્ર, આરંભે જ કહ્યું તેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પચાસીએ સ્પંદિત માહોલમાં ચપટીક નિરીક્ષા ને લગરીક નુક્તેચીનીનો ખયાલ છે, એટલું જ.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૨ – ૦૩– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.