પન્ના નાયક
છંદોની છીપમાં ઊઘડે મોતી અને લયમાં ઝૂલે છે મારું ગીત,
શબ્દોની સામે માંડી છે મીટ.
મારા આ શબ્દોમાં કોનો છે શ્વાસ અને ધબકે છે કોની આ પ્રીત,
શબ્દોની સામે માંડી છે મીટ.
અણસારાના અહીં ઊડે પતંગિયાં ભમરાઓ ભમતા ભણકારના,
દિવસનો કોલાહલ ડૂબી અહીં જાય રાતે અહીં આગિયા રણકારના.
મૌનના આ ઘૂંઘટને ખોલીને જુઓ તો ચહેરા પર અંકાયું સ્મિત,
શબ્દોની સામે માંડી છે મીટ.
પંખીનાં પગલાં આકાશે હોય નહીં,ને હોડીના હોય નહીં ચીલા,
ધુમ્મસ તો પકડ્યું પકડાય નહીં, હોય ભલે આપણા આ હાથ તો હઠીલા.
તડકો ને ચાંદની બન્ને રેલાય : એને નડતી નથી રે કોઈ ભીંત,
શબ્દોની સામે માંડી છે મીટ.
:રસદર્શનઃ
દેવિકા ધ્રુવ
ત્રણથી વધુ દાયકા પહેલાં છપાયેલ કવયિત્રી પન્નાબહેન નાયકનો કાવ્યસંગ્રહ ‘આવનજાવન’નું એક ગમતું ગીત આજે ફરી હોઠે ચડ્યું. “છંદોની છીપમાં ઉઘડે મોતી અને લયમાં ઝુલે છે મારું ગીત”.
આમ તો એમ મનાય છે કે,પન્નાબહેનની કલમે અછાંદસ કવિતાઓ વધુ આપી છે. પણ એમાં ઉમેરો કરતાં કહેવું છે કે, તેમણે ખળખળ વહેતાં ઝરણાં જેવાં લયબદ્ધ ગીતો પણ ઘણાં આપ્યાં છે. આ ગીતની પ્રથમ પંક્તિ જ આ હકીકતને પ્રસ્થાપિત કરે છે. છીપમાંથી ઉઘડતા મોતીની જેમ છંદ અને લયમાં ગીત ઝુલે છે અને મીટ તો શબ્દ પરથી ખસતી જ નથી. કવિને પોતાને જ પ્રશ્ન થાય છે કે, કોનો શ્વાસ આ શબ્દોમાં શ્વસે છે અને કોની પ્રીત આ ગીતમાં ધબકી રહી છે! શબ્દો પર તાકતી આ નજર શું શોધી રહી છે? કોની રાહ જોઈ રહી છે? પ્રશ્નોની આ પરંપરા સામાન્ય નથી. કોઈ ન કહેવાયેલી વાત આગળની પંક્તિઓમાં સિફતપૂર્વક ધીરેથી ખુલતી દેખાય છે.
ગમે એટલી મીટ માંડો પણ અહીં તો છે કેવળ પતંગિયાના અણસારા,ભમરાઓના ભણકારા અને દિવસના ઘોંઘાટ પછીનો માત્ર આગિયાનો રણકાર!
અણસારાના અહીં ઊડે પતંગિયાં,
ભમરાઓ ભમતા ભણકારના,
દિવસનો કોલાહલ ડૂબી અહીં જાય,
રાતે અહીં આગિયા રણકારના.
બીજી કશી ઝાઝી ચોખવટ નથી. એકલતાની કે વિષાદની કોઈ ભારેખમ વાત નથી કરી. મૌન રાખ્યું છે. વાચકના ભાવવિશ્વ પર અર્થઘટન છોડી દઈને આગળની પંક્તિમાં ખૂબ ખૂબીથી એ કહે છે કે,
“મૌનના આ ઘૂંઘટને ખોલીને જુઓ તો ચહેરા પર અંકાયું સ્મિત…
અહાહાહા…આ સ્મિતમાં કંઈ કેટલીયે અર્થછાયાઓ ઉઘડે છે. સ્મિત છે એટલે કે કોઈ ન હોવાની કે કંઈ ન હોવાની ઉદાસી નથી કે ફરિયાદ પણ નથી. જે છે તે મનમાં છે, મૌનમાં છે અને ઘણું બધું છે; જે સમજણના એવા શિખરે છે કે જ્યાંથી સ્મિત સરે છે. નબળા કે અબળા આંસુને સ્થાન જ નથી.
બીજો અંતરો પણ મઝાનો છે જે કલાત્મક અંત તરફ દોરી જાય છે અને તે પણ તાર્કિક રીતે, ક્રમિક રીતે. એ કહે છે કે,
પંખીનાં પગલાં આકાશે હોય નહીં
ને હોડીના હોય નહીં ચીલા,
ધુમ્મસ તો પકડ્યું પકડાય નહીં,
હોય ભલે આપણા આ હાથ તો હઠીલા.
પંખીને પાંખો મળી છે એટલે ઊડવાનું જરૂર પણ આકાશમાં એનાં પગલાં ન પડી શકે ને? એ જ રીતે હોડીએ તો પાણીમાં વહેવાનું પણ એના ચીલા ન પડે! અને આપણે ગમે તેટલા હવામાં હાથ વીંઝીએ પણ એમ કંઈ ધુમ્મસ પકડાતું હશે? જુઓ, અહીં રૂપકો પણ કેવાં માર્મિક પ્રયોજ્યાં છે? જેનો જે ગુણધર્મ છે કહો કે સ્વભાવગત જે ક્રિયાભાવ છે તે જરૂરથી બજાવવાનો જ છે, પણ કશાયમાં હરણફાળ કે તરંગીપણામાં રાચવાનું નથી. ક્યાંય ક્શીયે સ્પષ્ટતા નથી કે પ્રથમ અંતરામાં ઉદ્ભવેલા સવાલોના જવાબો નથી. પણ આ અનુત્તર રહેલ નિજી સંવેદના વાચકને પોતીકી લાગે એટલી હદે સ્પર્શે છે. વળી એમાંથી એક એ અર્થ પણ મળે છે કે, કે જે પોતીકું છે તે પરાયું થવાનું નથી અને જે આપણું નથી તેની ઝંખના વ્યર્થ છે. ન પકડાતા ધુમ્મસની જેમ.
અંતિમ પંક્તિમાં કવિતાનું હાર્દ નીખરે છે. વિરોધાભાસની વચ્ચે પણ કૌશલ્યતાને પામવાની વાત ખૂબ જરૂરી શબ્દોમાં વ્યક્ત કરી છે.
તડકો ને ચાંદની બન્ને રેલાય :
એને નડતી નથી રે કોઇ ભીંત,
સીધી વાત છે કે, ચાલનાર સૌ કોઈને ભીંત કે દિવાલ નડે. ભીંત એટલે જ નડતર. તેના જવાબમાં કવયિત્રી કહે છે કે, અરે, તડકો હોય કે ચાંદની; બંને સદા રેલાવવાનું જ કામ કરે છે. એને રેલાવા માટે કંઈ ભીંત નડતી નથી. અર્થાત્ અતિ સરળતાથી અને સ્વાભાવિક રીતે અને સમજણથી થતી પ્રવૃત્તિઓને કોઈ અવરોધ નડતા નથી. અહીં સ્થૂળ રૂપકોને ભીતરી સૂક્ષ્મ ભાવોથી ભર્યા છે.
આખાયે ગીતમાં તડકો અને ચાંદની સાથે સાથે અનુભવાય છે. તેમાં દિવસનો કોલાહલ છે અને રાતના આગિયાનો રણકાર પણ. મૌનનો ઘૂમ્મટ છે અને ભીતરનું ધુમ્મસ પણ. આમ એકી સાથે દ્વન્દ્વોના મોજાંઓ વચ્ચે કલમ ફરે છે; જેમ સ્વદેશ અને પરદેશની કરવત વચ્ચે વહેરાતાં, ટકરાતાં છતાં ટક્કર લેતાં પોતે ઊભાં છે અને તે પણ મગરૂરીથી. એટલે જ ફરી પાછી નજર જાય છે શબ્દ પર ‘શબ્દોની સામે માંડી છે મીટ’ કારણ કે એ જ જીવનનું ખરેખરું ચાલક બળ છે.
બે અંતરામાં રચાયેલું આ ગીત એનાં લય,ગતિ,વિષય,લાઘવ,રૂપક અને ઉચિત શબ્દોને કારણે કાવ્યતત્ત્વથી સભર અને રસપૂર્ણ બન્યું છે, આસ્વાદ્ય બન્યું છે. મૌનની કોખે ફૂટી ઉઠેલી શબ્દની પાંખે, હળવે હળવે, છંદની છીપમાં ઉઘડતા મોતીની જેમ લયમાં તેમનું આ ગીત ઉઘડીને ખીલ્યું છે. આ સશક્ત કલમને વંદન.
