ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આ કડીમાં સુષીર ફૂંકવાદ્યો વિશે વધુ જાણીએ. આ વાદ્યોમાં માઉથપીસ(જ્યાંથી વાદ્યમાં ફૂંક મારી, હવા દાખલ કરવામાં આવે છે)થી સહેજ આગળ રીડ તરીકે ઓળખાતી રચના આવેલી હોય છે. રીડ એટલે સાદી ભાષામાં સાવ પાતળી, ફૂંક મારવાથી જેમાં કંપન પેદા થઈ શકે તેવી પટ્ટી. તેને તળપદી ભાષામાં પતરી પણ કહેવાય છે. આવાં વાદ્યોને પણ બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે – સીંગલ રીડ અને ડબલ રીડ.
રીડ અને માઉથપીસની વચ્ચે હવા દાખલ કરવાથી રીડમાં કંપન ઉત્પન્ન થાય છે, જેને લીધે ધ્વની પેદા થાય છે. અત્રે ધ્યાન ખેંચવું જરૂરી છે કે હાર્મોનીકા/માઉથ ઓર્ગન જેવું પહેલી નજરે રમકડા જેવું લાગતું વાજીંત્ર પણ એક પ્રકારનું રીડવાદ્ય છે.
બ્રાસ પ્રકારનાં ફૂંકવાદ્યોમાં હવા દાખલ કરવામાં આવે ત્યારે તે પડઘાઈને બહાર નીકળતી વેળા ધ્વની પેદા કરે છે. વાદ્યોનો આ સમૂહ ‘લેબ્રોફોન્સ’ તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારનાં વાદ્યોમાંથી બહાર આવતી હવાને નિયંત્રિત કરી, ધાર્યો સૂર ઉપજાવવા માટે બટન્સની વ્યવસ્થા હોય છે. મુખ્ય બે પ્રકાર પ્રમાણે જે તે વાદ્યમાં વાલ્વ અથવા હવાનળીને સરકાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. મૂળભૂત સિધ્ધાંત એક જ હોવા છતાં આ વાદ્યોમાં તેમની રચના. આકાર તેમ જ વગાડવાની પધ્ધતિને અનુલક્ષીને અનેકવિધતા જોવા મળે છે. ટ્રમ્પેટ, કોર્નેટ અને ફ્રેંચ હોર્ન ઉપરાંત અન્ય પણ વાદ્યો આ સમુદાયમાં સમાવિષ્ટ છે. નીચે અનુક્રમે ટ્રમ્પેટ, કોર્નેટ અને ફ્રેંચ હોર્નની છબીઓ જોઈ શકાય છે.

આ વાદ્યો સામાન્ય રીતે રસ્તે ચાલતા વરઘોડા સાથેનાં બેન્ડમાં વગાડાતાં જોવા/સાંભળવા મળે છે. આથી જનસામાન્યને મન તેમની બહુ કિંમત નથી હોતી. હકીકત અલગ છે. એ સમજવા માટે આપણે ટ્રમ્પેટને કેન્દ્રમાં રાખી, આગળ વધીએ.
હિન્દી ફિલ્મી સંગીત પાર્શ્વગાનરૂપે શરૂ થયું તેની શરૂઆતના તબક્કામાં સ્થાનિક કક્ષાએ પ્રાપ્ય એવાં વાદ્યોનો જ ઉપયોગ થતો હતો. એકાદ દસકા પછી વાદ્યવૃંદમાં ધીમેધીમે ફેરફારો થવા લાગ્યા અને તેમાં પાશ્ચાત્ય વાદ્યો ઉમેરાવા લાગ્યાં. તે પૈકીનું એક હતું ટ્રમ્પેટ. માત્ર ત્રણ જ બટન્સ વડે સૂરોને નિયંત્રિત કરવાના હોવાથી ટ્રમ્પેટનું વાદન અઘરું અને પડકારદાયક છે. કારણ સ્પષ્ટ છે – કોઈ પણ ધૂન વગાડવા માટે માત્ર ત્રણ બટન્સની મદદથી જ ધ્વનિનિયંત્રણ કરવાનું હોય છે. આમ હોવાથી આરોહ અવરોહની નજાકતને બહુ સ્થાન નથી મળતું. નિયંત્રણ ન રહે તો આ વાદ્યના સૂરોને કર્કશ થતાં વાર ન લાગે, કારણ કે આ સ્વરો આમ પણ બહુ કોમળ નથી હોતા. જો કે ઉસ્તાદ સાજીંદાઓ શી રીતે આ પડકારને ઝીલે છે તે સાંભળવાથી જ ખ્યાલ આવશે.
કિશોર સોઢા નામના એક પીઢ કલાકારે ટ્રમ્પેટ ઉપર વગાડેલું ફિલ્મ મેરે હમદમ મેરે દોસ્તનું ગીત ‘ના જા, કહીં અબ ના જા’ સાંભળતાં ખ્યાલ આવશે કે આ સામાન્ય દેખાતા વાદ્યનો ઉપયોગ કરતી વેળા ફૂંક્ની તીવ્રતા અને માત્ર ત્રણ જ બટન્સના નિયંત્રણ વડે કેવા કેવા સૂરો નિપજાવી શકાય છે.
હવે સાંભળીએ કેટલાંક ટ્રમ્પેટ પ્રધાન હિન્દી ફિલ્મી ગીતો.
૧૯૪૬માં પ્રદર્શિત થયેલી અને અસાધારણ સફળતાને વરેલી ફિલ્મ અનમોલ ઘડીના ગીત ‘આવાઝ દે કહાં હૈ’માં સંગીતકાર નૌશાદે ટ્રમ્પેટનો બખુબી ઉપયોગ કર્યો છે.
ફિલ્મ દુલારી(૧૯૪૯)નું અતિશય મધુર ગીત ‘સુહાની રાત ઢલ ચૂકી’ આજે ૭૫ વર્ષ પછી પણ એટલું જ લોકપ્રિય છે, જેટલું શરૂઆતના ગાળામાં હતું. આ ગીતમાં ટ્રમ્પેટના અંશો આસાનીથી પારખી શકાય છે. સ્વરનિયોજન નૌશાદનું છે.
સંગીતકાર બેલડી શંકર-જયકિશને તેમની પહેલી જ ફિલ્મ બરસાત(૧૯૪૯)થી જ હિન્દી ફિલ્મી વાદ્યવૃંદમાં નવાનવા પ્રયોગો કરી, ક્રાંતિ સર્જી દીધી હતી. આ ફિલ્મનું ટ્રમ્પેટપ્રધાન ગીત ‘પતલી કમર હૈ’ સાંભળીએ. ગીતની શરૂઆતથી જ ટ્રમ્પેટના અંશો કાને પડતા રહે છે.
૧૯૫૧ની એક સંગીતપ્રધાન ફિલ્મ ઢોલકના સંગીતકાર શ્યામસુંદરના સ્વરનિયોજનમાં બનેલા ગીત ‘મૌસમ આયા હૈ રંગીન’ના વાદ્યવૃંદમાં વિવિધ વાદ્યો સાથે ટ્રમ્પેટના ટૂકડાઓ પણ સંભળાતા રહે છે.
શંકર-જયકિશનના નિર્દેશનમાં સ્વરબદ્ધ થયેલાં ફિલ્મ ન્યુ દિલ્લી (૧૯૫૬)નાં ગીતો ખુબ લોકપ્રિય બન્યાં હતાં. તે પૈકીના ગીત ‘નખરેવાલી’માં શરૂઆતથી જ ટ્રમ્પેટના યાદગાર અંશો સાંભળવા મળે છે.
૧૯૫૮માં પરદા પર રજૂ થયેલી ફિલ્મ ચલતી કા નામ ગાડીની સફળતામાં સચીનદેવ બર્મનનાં સ્વરબદ્ધ કરેલાં ગીતોનો મોટો ફાળો હતો. આ ફિલ્મનું એક યુગલગીત ‘હાલ કૈસા હૈ જનાબ કા’ માણીએ. ટ્રમ્પેટના અંશો આસાનીથી પારખી શકાય છે.
ફિલ્મ આનંદ(૧૯૭૦)નાં ગીતોનું સંગીત સલિલ ચૌધરીએ તૈયાર કર્યું હતું. તેનાં ચારેચાર ગીતોની લોકપ્રિયતા આજે પાંચ દસકા પછી પણ બરકરાર છે, આમાંનું ગીત ‘જીંદગી કૈસી હૈ પહેલી’ સાંભળતાં ખ્યાલ આવે છે કે મન્ના ડેની ગાયકી જેટલો જ પ્રભાવ ટ્રમ્પેટવાદન ઉભો કરે છે.
૧૯૭૨માં પ્રદર્શિત થયેલી ફિલ્મ રામપુર કા લક્ષમણ માટે રાહુલદેવ બર્મને ગીતો તૈયાર કર્યાં હતાં. તે ફિલ્મનુ એક ટ્રમ્પેટપ્રધાન ગીત ‘અલબેલા રે રૂક જાના’ માણીએ.
ફિલ્મ યાદોં કી બારાત (૧૯૭૩) માટે પણ સંગીત રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું, આ ફિલ્મના એક સદાબહાર ગીત ‘લે કર હમ દિવાના દિલ’ના વાદ્યવૃંદમાં ટ્રમ્પેટના ધ્યાનાકર્ષક અંશો સમાવિષ્ટ છે.
ફરી એક વાર સલિલ ચૌધરીનું સ્વરબદ્ધ કરેલું એક ટ્રમ્પેટપ્રધાન ગીત ‘કંઈ બાર યૂંહી દેખા હૈ’ સાંભળીએ. આ ગીત ૧૯૭૪ની ફિલ્મ રજનીગંધામાં સમાવાયું હતું.
૧૯૭૭ની સાલમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ હમ કિસી સે કમ નહીં નાં ગીતોએ એ અરસામાં ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી. સંગીત રાહુલદેવ બર્મનનું હતું. આપણે આ ફિલ્મનું ગીત ‘બચના એ હસીનોં, લો મૈં આ ગયા’ સાંભળીએ. શરૂઆતથી જ ટ્રમ્પેટના ટૂકડાઓ કાને પડતા રહે છે, વળી પરદા ઉપર નાયકના હાથમાં આ વાદ્ય જોઈ શકાય છે.
આ કડીની આખરમાં ફિલ્મ ધરમ વીર (૧૯૭૭)નું લક્ષ્મીકાંત-પ્યારેલાલ દ્વારા સ્વરબદ્ધ કરાયેલું ગીત ‘સાત અજૂબે ઈસ દુનિયા મેં’ સાંભળીએ. વાદ્યવૃંદમાં ટ્રમ્પેટનો ધ્યાનાકર્ષક ઉપયોગ થયો છે.
આવતી કડીમાં ફરીથી મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
