પ્રવાસી યુ. ધોળકિયા

સનાતન પરંપરાના એક ઘટક પૌરાણિક હિંદુ ધર્મ પર હવે આપણે પ્રકાશ પાડીશું.

અગાઉના લેખમાં આપણે નોંધ્યું છે કે આગમ અને તંત્ર એ આ પૌરાણિક ધર્મના બે સ્તંભો છે. અત્રે આપણે એ પણ જણાવીએ કે પૌરાણિક ધર્મનાં બીજાં બે મહત્ત્વનાં અંગો રામાયણ અને મહાભારત છે.

પ્રસ્તુત લેખના આ પહેલા ભાગમાં આપણે આ બે મહાકાવ્યો પર સંક્ષિપ્ત ચર્ચામાં કથા પ્રારંભ, બન્ને મહાકાવ્યોનાં અલગ અલગ સંસ્કરણો, રામાયણ અને મહાભારત કાળનો સમાજ  જેવાં પાસાં આવરી લઈશું.

કથા પ્રારંભ

વાલ્મિકી રામાયણ અનુસાર એક વાર ઋષિ નારદ વાલ્મિકીના આશ્રમમાં પધાર્યા ત્યારે તેમણે (ચોવીસમા) વ્યાસે પૂછ્યું કે સંપૂર્ણ ગુણો ધરાવતી વ્યક્તિ આજે સંસારમાં કોણ છે. તેના પ્રત્યુત્તરમાં ઋષિએ જણાવ્યું કે આવા નરશ્રેઠ  અયોધ્યાના રામ છે. તેઓએ એવો પણ અનુરોધ કર્યો કે વાલ્મિકીએ રામના જીવન પર એક ગ્રંથની રચના કરવી જોઈએ. આ રીતે બન્ને ઋષિઓના સંવાદમાંથી રામાયણની કથાની રચના થાય છે.

મહાભારતના યુદ્ધ પછી પાંડવોના બચી ગયેલા એક માત્ર પુત્ર પરિક્ષિતનું નાગ કરડવાથી મૃત્યુ થાય છે ત્યારથી મહાભારતની કથાની રચનાનો પ્રારંભ થાય છે. પરિક્ષિતનાં મૃત્યુથી નાગજાતિ પર ક્રોધિત થયેલ પરિક્ષિતનો પુત્ર જન્મેજય નાગજાતિનો વિનાશ કરવા સર્પયજ્ઞ પ્રયોજે છે. નાગજાતિ સાથે રક્ત સંબંધ ધરાવતા આસ્તિક નામના જ્ઞાની તે સમયે જન્મેજયને આ યજ્ઞ ન કરવા સમજાવે છે. જોકે એ પ્રક્રિયામાં વિલંબ થવાથી તક્ષક નાગ સિવાયના બધા નાગ સર્પયજ્ઞમાં બળીને ભસ્મ થઈ ગયા હોય છે. એ પછી, જન્મેજયને આ બધી વાતનો સંદર્ભ સમજાવવા માટે, કથાની અંદર કથાનાં સ્વરુપે, મહર્ષિ વેદવ્યાસના પ્રિય શિષ્ય વૈશંપાયન દ્વારા જન્મેજયને આ કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી હતી

બન્ને મહાકાવ્યોનાં અલગ અલગ સંસ્કરણો

વ્યાસ પરંપરાનાં જે કુલ ત્રીસ નામો પુરાણ સાહિત્યમાં મળે છે તેમાં રામાયણની રચના કરનારા વાલ્મિકી વ્યાસનો ચોવીસમો ક્રમ છે. ભારતીય વિદ્વાનોને એવો ડર લાગ્યો કે આજથી લગભગ ૧૪,૦૦૦ વર્ષ પૂર્વે, ત્રેતા યુગમાં, જેની રચના થઈ હતી તે વાલ્મિકી રામાયણ કાળક્રમે લોકોના સ્મરણમાં ન રહે. તેથી, તે પછીના ત્રીજા,  દ્વાપર, યુગમાં પણ રામાયણ ગ્રંથની રચના કરવાનું વિદ્વાનોએ ચાલુ રાખ્યું. એ ગણતરી પ્રમાણે રામાયણની એકંદરે ૩૦૦થી વધુ, જુદી જુદી, કૃતિઓ રચાઈ છે. જેમાં વશિષ્ઠ રામાયણ, ગિરધર રામાયણ, આનંદ રામાયણ થતાં તુલસી કૃત પ્રાકૃત હિંદીમાં લખાયેલ રામચરિત માનસ અગ્રગણ્ય ગણાય છે.

રામના સ્વર્ગવાસના ૮,૪૦૦ વર્ષ બાદ મહાભારતની રચના અઠ્યાવીસમા વ્યાસ, વેદ વ્યાસે, કરી. બ્રિટિશ શાસન દરમ્યાન અંગ્રેજી ભાષા જાણનારા શિક્ષિત ભારતીયોનો એક બહુ મહત્ત્વનો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. તે પૈકી બે વિદ્વાનો, બંગાળના કે એમ ગાંગુલી અને એમ એમ દત્તે મહાભારતના અંગ્રેજી ભાષામાં અનુવાદો પ્રસિદ્ધ કર્યા.  ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ પૂનાની વિશ્વવિખ્યાત સંસ્થા, ભંડારકર ઓરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટે વિદ્વાન શ્રી વી એસ સુકઠણકરને મહાભારતનાં અંગ્રેજી સંસ્કરણનું કાર્ય સોંપ્યું.  આ વિદ્વાને પચાસ વર્ષના અથાક પરિશ્રમ બાદ મહાભારતનો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ કર્યો.[1] આ જ અરસામાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીના પ્રાચ્યવિદ્યા વિભાગે રામાયણનો પ્રમાણભૂત અંગ્રેજી અનુવાદ કર્યો. [2]

આ પછી પણ આ બન્ને મહાકાવ્યોના અંગ્રેજી અનુવાદનું કાર્ય ચાલુ જ રહ્યું. આ સદીના પ્રારંભમાં બહુશ્રુત વિદ્વાન વિવેક દેવરોયે આ બન્ને મહાકાવ્યોનો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ કર્યો. શ્રી દેવરોય જણાવે છે કે તેઓએ આ અનુવાદો માટે અનુક્રમે શ્રી સુકઠણકરનાં મહાભારત અને એમ એસ યુનિવર્સિટીના રામાયણના આધારભૂત ગ્રંથોનો ઉપયોગ કર્યો છે.

દેવરોય જણાવે છે કે રામાયણના સાત કાંડમાંથી પ્રથમ બાલકાંડમાં અનેક શ્લોકો પાછળથી ઉમેરવામાં આવ્યા છે. તેઓ એમ પણ માને છે કે સાતમો ઉત્તરકાંડ સંપૂર્ણપણે પ્રક્ષિપ્ત છે. રામાયણ કરતાં મહાભારત કદમાં ચાર ગણું છે. તેની રચના એવી છે કે તેમાં પ્રક્ષિપ્ત કરવાનું સાહસ ભારતના કોઈ પણ પંડિત કરી શકે તેમ નથી. સંશોધનને અંતે દેવરોયે રામાયણમાં ૧૮,૦૦૦ શ્લોક અને મહાભારતમાં એક લાખ શ્લોકને બદલે ૭૮,૦૦૦થી થોડા વધારે શ્લોકોને પ્રમાણભૂત માનીને તેનો અનુવાદ કર્યો છે.

રામાયણ અને મહાભારત પર અલગ લેખ કેમ?

વાચકોને એવી અનુભૂતિ ચોક્કસ થતી હશે કે અષ્ટાવક્ર ગીતા, બ્રહ્મસૂત્ર, તેના પર લખાયેલ ટીકાઓ, દક્ષિણ ભારતના શંકરાચાર્ય, રામાનુજ, માધવાચાર્ય, નિમ્બાર્ક અને વલ્લાભાચાર્યનાં વેદાંત પરના હિંદુ ધર્મના અનેક અદ્‍ભૂત ગ્રંથો  છે. તો પછી રામાયણ અને મહાભારત પર અલગ લેખ કેમ?

તેનો જવાબ પોંડીચેરી (હવે પુદુચેરી)ના શ્રી અરવિંદોએ આપેલા પ્રત્યુત્તરમાં જોવા મળે છે. તેઓ સંમક્ષ જ્યારે આ વિષયે ચર્ચા કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે પ્રાચીન ભારતમાં એક પણ ગ્રંથ લખાયો ન હોત અને તમામ મંદિરો અને સ્થાપત્યોનો નાશ થઈ ગયો હોત તો પણ રામાયણ અને મહાભારત દરેક ભારતીયનાં મનોવિશ્વમાં એટલાં વ્યાપ્ત છે કે તેઓ આપણાં રાષ્ટ્રીય સ્મારકો (national monuments) છે. તેમના થકી આપણી પૌરાણિક પરંપરા સચવાઈ છે.

રામાયણ અને મહાભારતની ચર્ચા સાથે સાથે કેમ?

આ બન્ને ઘટનાઓ વચ્ચે ૮,૦૦૦થી વધારે વર્ષોનો ગાળો હોવા છતાં બન્ને વચ્ચેનું સામ્ય આંખે વળગે એવું છે. રામાયણના નાયક, શ્રી રામ,નો જન્મ ઇક્ષ્વાકુ કુળમાં, આજથી લગભગ તેર થી ચૌદ હજાર વર્ષની વચ્ચે થયો હતો. અયોધ્યાના સૂર્ય વંશની સ્થાપના વૈવસ્ત મનુએ કરી હતી. પુરાણ ગ્રંથોમાં ઇક્ષ્વાકુ કુળના ૬૩ રાજવીઓની નામાવલી સચવાઈ છે. દિલીપ, ભગીરથ અને રઘુ જેવા પ્રતાપી રાજાઓ આ કુળમાં થયા હતા. રામના પિતા દશરથ આ કુળના આડત્રીસમા વંશજ હતા. આપણાં સદભાગ્યે નેપાળમાં મળી આવેલી ડાયરીમાં ઇક્ષ્વાકુ કુળના ૯૫ રાજવીઓના નામ દર્શાવાયાં છે. આ વંશે દુનિયામાં સૌથી દીર્ઘતર શાસન આ વંશે કર્યું હતું. વિવેચકો માને છે કે ખરી રીતે તો આ વંશમાં પાંચસોથી વધારે રાજવીઓ થયા હશે. પરંતુ, પુરાણકર્તાઓ નોંધે છે કે સ્થળ સંકોચને કારણે આ યાદી ટુંકાવાઈ છે

રામાયણનો અભ્યાસ કરતાં જણાય છે કે તે યુગમાં અખંડ ભારતમાં અયોધ્યા જેવાં ૨૦૦ રાજ્યો હતાં. પરંતુ, રામાયણમાં અયોધ્યા ઉપરાંત માત્ર મિથિલા (બિહાર–નેપાળ)ના સૂર્યવંશ અને કિષ્કિંધા (કર્ણાટક)ના વાનર અને સમુદ્રપાર દક્ષિણના રાક્ષસ કુળનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાભારતનો અભ્યાસ કરતાં જણાય છે કે તેમાં ચંદ્રવંશની કથા વર્ણવવામાં આવી છે. આ વંશની સ્થાપના ઇક્ષ્વાકુ મનુની પુત્રી ઇલાના પતિ બુદ્ધે કરી હતી. આ વંશનો વિસ્તાર તેના વંશજ પુરુએ કર્યો હતો પુરાણગ્રંથો અને મહાભારતમાં આ વંશનો ઇતિહાસ ત્રુટક ત્રુટક મળે છે. મહાભારતની કથા પ્રમાણે, ચંદ્રવંશનો અંતિમ તબક્કો ચાલતો હતો ત્યારે હસ્તિનાપુર ઉપરાંત અન્ય પચાસ રાજ્યો હતાં. કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે આ રાજ્યો બે ભાગમાં વહેંચાઈ ગયાં હતાં. મોટા ભાગનાં રાજ્યો કૌરવ પક્ષે યુદ્ધ લડ્યાં. પાંડવોના પક્ષે બહુ ઓછાં રાજ્યો હતાં. પરંતુ અવતાર પુરુષ શ્રીકૃષ્ણની સહાય પાંડવોના પક્ષે હતી એટલે યુદ્ધ બન્ને પક્ષના ૫૦-૫૦ પ્રતિશત બળથી લડાયું.

રામના ચારિત્ર્ય અંગેની ટીકાઓ

રામાયણ અને મહાભારતના તેમણે કરેલા અનુવાદની પૂર્વભૂમિકામાં વિવેક દેવરોય જણાવે છે કે રામનું વ્યક્તિત્વ બહુ ધીરગંભીર અને સરળ છે. મર્યાદાપુરુષ અને કુળની આબરૂ તથા ધર્મનાં સંવર્ધન માટે રામ કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવા કે વિગ્રહ વોરી લેવા સર્વદા તૈયાર હતા. તેમાં છતાં, આજની વિદેશી પ્રજાઓ અને ભારતનો શિક્ષિત વર્ગ રામની જે ટીકાઓ કરે છે તે જાણવા જેવી છે.

રામ વિશે મુખ્યત્વે આક્ષેપો છે કે,

૧) શુપર્ણખાનો બહુ વરવી રીતે પરિહાસ કરી રામે સ્ત્રીજાતિનું અપમાન કર્યું.

૨) સુગ્રીવને આપેલા વચન ખાતર વૃક્ષની પાછળ છુપાઈને વાલીનો છળકપટથી વધ કર્યો.

૩) રાવણની હત્યા પછી અયોધ્યા પાછા ફરતાં પહેલાં સીતામાતાને અગ્નિપરીક્ષા આપવા કહ્યું.

૪) અયોધ્યા પાછા આવ્યા પછી લોકટીકાથી ડરી જઈને ગર્ભવતી સીતાનો ત્યાગ કર્યો.

૫) સીતા ત્યાગ વખતે લક્ષ્મણે વિરોધ નોંધાવ્યો તો તેમને બહુ અપમાનિત કર્યા.

એક લેખમાં આ આક્ષેપોનો વિસ્તૃત ઉત્તર આપી શકવો સંભવિત નથી. તેથી, સંક્ષિપ્તમાં અત્રે તેની સમજ રજૂ કરી છે.

૧) રામ અને સીતાને પર્ણકૂટિમાં શુપર્ણખા મળે છે ત્યારે પોતાની મર્યાદા ચૂકી જઈને, અન્ય સ્ત્રી, સીતા,ને ખુબ અપમાનજનક ભાષામાં નીચાં પાડે છે. આથી વિવેચકોના મતે, શુપર્ણખા દંડને લાયક હતી.

તે ઉપરાંત, વાલ્મિકીએ ભારતીય શાસ્ત્રોના પ્રમાણિત નવ રસ પૈકી હાસ્ય રસનો પ્રયોગ અહીં કરેલો જોઈ શકાય છે. એટલે આ આખો પ્રસંગ એ પરિપ્રેક્ષ્યમાં લઈએ તો કશું અજુગતું નથી.

૨) વાલીનો અપરાધ અક્ષમ્ય હતો. માત્ર નાના વાંક માટે તેણે પોતાના વફાદાર ભાઈનો ત્યાગ કર્યોં એટલું જ નહીં પણ સુગ્રીવની પત્ની સાથે બળજબરીથી લગ્ન કરવાનો વધારે મહાન ગુનો કર્યો હતો. તેથી રામે તેનો વધ કર્યોં એમાં કોઈ દોષ નથી થતો.

૩) રાવણનો વધ કર્યા પછી રામે સીતા માટે નિંદનીય વાક્યોનો પ્રયોગ કર્યો ત્યારે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે સીતાજીએ અગ્નિપ્રવેશ કર્યો.  અહીં એ નોંધવું જોઈએ કે અગ્નિપ્રવેશ એવી વિધિ હતી જેનો પ્રયોગ વ્યક્તિ પોતાના ચારિત્ર્યની વિશુદ્ધતા સાબિત કરવા માટે કરે છે. પરીક્ષા દરમ્યાન વ્યક્તિએ અગ્નિ સમક્ષ ઊભા રહીને બોલવાનું હોય છે. એ સમયે અગ્નિની જ્વાળાઓ જો ઉર્ધ્વગમન કરે તો વ્યક્તિ નિર્દોષ છે તેમ સાબિત થાય. સીતાજીના કિસ્સામાં પણ આવું જ થયું. આ પ્રસંગ પછી તરત જ સીતાને સ્પર્શ કરીને રામ સીતાને કહે છે કે તમારી નિર્દોષતા વિશે મને કોઈ સંશય ન હતો.પરંતુ ભવિષ્યમાં પણ કોઈ આ બાબતે તમારા પર કોઈ આક્ષેપ ન થાય એટલે જ મેં આ પ્રયોજ્યું હતું.

(૪-૫) અયોધ્યા આવ્યા પછી શુદ્ર શમ્બૂકનો રામ દ્વારા વધ, ગર્ભવતી હોવા છતાં સીતાનો ત્યાગ અને તે સમયે આનાકાની કરતા લક્ષ્મણને અપમાનજનક શબ્દો કહેવા એ ત્રણેય પ્રસંગો રામાયણના સાતમા, ઉત્તરકાંડ, માં છે. આ સંપૂર્ણ કાડ પ્રક્ષિપ્ત છે. તેથી આ ત્રણ આક્ષેપ માટે રામને અપરાધી ઠેરવવાનો કોઈ આધાર નથી. સત્ય તો એ છે કે રાવણના વધ પછી રામે રાવણ, તેના ભાઈઓ અને અન્ય રાક્ષસોની મરણોપર્યાંત તર્પણ વિધિ કરી હતી. વિભિષણને વિધિવત શ્રીલંકાનું રાજ્ય સોંપ્યું. અને તે પછી, સીતા અને લક્ષ્મણ તેમજ હનુમાન, વિભિષણ અને યુદ્ધ દરમ્યાન સાથ આપનાર અન્ય સહયોગીઓ  સાથે પોતે, પુષ્પક વિમાનમાં અયોધ્યા પરત ફર્યા.

રામાયણ અને મહાભારત કાળનો સમાજ

તેમના બન્ને મહાકાવ્યોના અનુવાદની પૂર્વભૂમિકામાં વિવેક દેવરોય જણાવે છે કે બન્ને મહાકાવ્યોમાં ગદ્ય અને પદ્ય રચનાઓનો પ્રયોગ કરાયો છે. પાંડવ અને શ્રીકૃષ્ણ પહેલાં શ્રીરામ થઈ ગયા. પરંતુ આ કૃતિઓમાં સમાજનું જે ચિત્રણ જોવા મળે છે તેમાં મહાભારતના સમયનો સમાજ બહુ પહેલાંનો, પ્રારંભિક કક્ષાનો, જણાય છે. આ સમાજને અતિ ઘાતકી અને અમાનવીય બતાવાયો છે. રામયણનો સમાજ સુસંકૃત છે. એટલે કે તે મહાભારતના સમય પછીના સમાજ પછી અસ્તિત્વમાં આવ્યો હોય એવું સ્પષ્ટ જણાય છે. વિવેક દેવરોયનાં આ કથન સાથે આ લેખક સહમત નથી. સત્ય તો એ છે કે રામાયણનો સમાજ સત્(કૃત) યુગ પછીના ત્રેતાયુગનો છે, તેથી તેમાં સાદગી અને અહિંસા જોવા મળે છે.

ઉદાહરણ તરીકે, આ સંદર્ભમાં આધુનિક લેખક શ્રી રામના વિચારો જાણવા જેવા છે. તેઓ જણાવે છે કે કૈકેયીએ પોતાને અપાયેલાં વચનોની પૂર્તિ કરવા માટે દશરથ દ્વારા રામને ચૌદ વર્ષનો વનવાસ અપાવ્યો. પોતાનાં પત્ની, સીતા, અને નાના ભાઈ લક્ષ્મણ, સાથે જ્યારે રામે વન ભણી પ્રયાણ કર્યું ત્યારે અયોધ્યાનાં સમગ્ર પ્રજાજન તેઓની પાછળ પાછળ ચાલી નીકળ્યા અને રામ સાથે તેઓ પણ વનવાસ કરશે એવો સંકલ્પ જાહેર કર્યો. તેની સામે, જુગારમાં હાર્યા પછી અન્ય પાંડવો, કુંતી અને દ્રૌપદી સાથે યુધિષ્ઠિર ચૌદ વર્ષના વનવાસ માટે જ્યારે નીકળ્યા ત્યારે હસ્તિનાપુરની પ્રજાએ આવો કોઈ ઉમળકો પ્રદર્શિત નહોતો કર્યો.

આપણે પણ હજુ એક વધારે ઉદાહરણ લઈને વિવેક દેવરોયનાં વિધાનને ખોટું પાડી શકીએ. રામાયણમાં રામના વનવાસ દરમ્યાન શ્રી, નિષાદ, કેવટ અને શબરી જેવાં છેવાડાનાં લોકોને પણ સમાન દરજ્જો આપીને તે સમયના સમાજની સમગ્ર સમાવેશકતાની મહાનતા દર્શવાઈ છે. તે સામે મહાભારતમાં લાક્ષાગૃહની ઘટનામાં મહેલને આગ લાગે તે પહેલાં પાંડવો, કુંતી અને દ્રૌપદી પોતાની જગ્યાએ આગમાં હોમાઈ જવા જે વૃદ્ધ લોકોને મુકે છે તે આદીવાસીઓ છે. આમ મહાભારતના સમયમાં જ્ઞાતિપ્રથાનું દુષણ જોવા મળે છે. જેવાં કે,

૧) ધૃતરાષ્ટ્ર અંધ છે. ગાંધારીથી તેમને થયેલા ૧૦૦ પુત્રો લગભગ મૃત અવસ્થામાં જન્મ્યા હતા. તેમનો ઉછેર ઘડામાં મૂકીને કરવામાં આવે છે. વિવેચકોનું કહેવું છે કે ધૃતરાષ્ટ્ર અતિશક્તિશાળી અને કામી હતા. તેથી, ખરેખર તો આ પુત્રો મહેલની દાસીઓ અને અન્ય સેવાઓ આપતી કન્યાઓથી ધૃતરાષ્ટને જ થયેલાં સંતોનો હતા.

૨) તો વળી બધા જ પાંડવોનો જન્મ કુંતી અને માદ્રીના વેદવ્યાસ સાથેના નિયોગ સંબંધથી થયો છે, તે પર ઢાંકપિછેડો કરવા માટે પાંચ પાંડવોને ધર્મ, ઇન્દ્ર, અશ્વિનીકુમારો વગેરે સાથે સાકળવામાં આવ્યા છે.  કર્ણનો જન્મ પણ સૂર્ય સાથેના લગ્નેતર સંબંધથી જ થયો હતો.

૩) રામાયણમાં રાજા જનક હળ ખેડતા હોય છે ત્યારે ધરતીમાંથી મળેલા ઘડામાંથી  તેમણે દીકરી સીતા મળે છે. આમ સીતાને કૃષિ સાથે જોડીને સમાજની પ્રગતિશીલતા જોઈ શકાય છે, તેની સામે મહાભારતમાં દ્રૌપદીનો જન્મ અગ્નિજ્વાળામાંથી યેલો બતાવાયો છે. આમ અગ્નિની વિનાષક વૃતિને દ્રૌપદીના પાત્ર દ્વારા માનવીય રૂપ અપાયું છે. મહાભારતના યુદ્ધનામ મૂળમાં એક કારણ દ્રૌપદીનો ધખધખતો ક્રોધ પણ છે.

૪) દ્રોણ બ્રાહ્મણ હોવા છતાં યુદ્ધમાં એક ક્ષત્રિયની જેમ સક્રિય બને છે. ભીષ્મ ક્ષત્રિય હોવા છતાં આજીવન બ્રહ્મચર્ય ધારણ કરીને સન્યાસી જેવું જીવન ગાળે છે.

રામ-રાવણ યુદ્ધમાં અનેક પ્રકારનાં વિનાશક આયુધોનો ઉપયોગ થયો છે. રાવણ અને અનેક રાક્ષસોનો વધ પણ થાય છે. પરંતુ રાક્ષસ સંસ્કૃતિને કોઈ હાની નથી થઈ. લંકાનું રાજ્ય પણ કાયદેસરના ઉત્તરાધિકારી, વિભિષણ,ને જ સોંપી દેવાય છે. આમ, રામાયણમાં ભારતની આર્ય સંસ્કૃતિ, દક્ષિણ ભારતની અર્ધ આર્ય (વાનર) સંસ્કૃતિ અને લંકાની સંપૂર્ણ અનાર્ય (રાક્ષસ) સંસ્કૃતિઓને જોડાવાનો પ્રયાસ થયો છે.  દ્વાપર સમાજનાં વધી ગયેલાં દૂષણોને સુધારવાને બદલે મહાભારતનાં યુદ્ધ દ્વારા કુરુવંશ, પોતાના યાદવ વંશ ને એવા અનેક વંશોના નાશનો માર્ગ મહાભારતમાં અવતાર પુરુષ તરીકે શ્રીકૃષ્ણએ પસંદ કર્યો છે.

ભારતના ઇતિહાસના સુવર્ણ કાળ જેવો પ્રાચીન યુગ પણ અહીં કાયમ માટે અંત થાય છે, તે પછી આપણો દેશ એ મહાનતાની કક્ષા ક્યારે ય પહોંચી શક્યો નથી.


બે મહાકાવ્યો – શ્રીમદ્ રામાયણ અને મહાભારત’ – મણકાના હવે પછીના બીજા ભાગમાં ‘રામાયણ-મહાભારત કાળમાં વૈદીકકાળના યજ્ઞો અને ઋષિઓ, કુરુ વંશવૃક્ષ, મહાકાવ્યોમાં રામ અને કૃષ્ણની તુલના, મહાકાવ્યોના સંદર્ભમાં ચાર યુગોની કાળ ગણતરી તેમજ આ મણકા માટે આધાર લીધેલા અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિની વાત કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.


[1] The Mahabharata by V S Sukthankar

[2] The Valmiki Ramayana Edited By P. C. Divanji 1963 – Oriental Institute