સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર

(જ્યારે માણસ પોતાની મરજી પ્રમાણે ફરી હરી શકે નહીં ત્યારે તે ગુલામની સ્થિતિમાં કહેવાય છે.સ્વતંત્ર માણસ પોતાની મરજી પ્રમાણે છૂટથી ફરી શકે છે ન્યાત જાતની બિહિકથી પોતાના દેશના ખુણામાંથી બાહાર નિસરી ન શકાય અને સુધરેલા દેશમાં પ્રવાસ કરવા જઈ ન શકાય એને ગુલામગીરીની સ્થિતિ શિવાય બીજું શું નામ ઘટે? કોઇ જુલમી રાજા તમને તમારા ઘરમાં પુરી અને ઘરની બાહાર જવા ન દે ને જાઓ તો તમને શિક્ષા કરે તો તે જુલમ તમે કેમ સહન કરી શકશો? તમે એમ જ કહેશો કે એવી ગુલામી સ્થિતિમાં રહેવું, તે કરતાં મરવું બેહેતર. હવે એ જ પ્રકારે એક જુલમી રાજા તમને એમ કહેશે કે તમને હું મારા દેશની બાહાર જવા નહીં દઉં, તમે મારા દેશના ખુણામાં ચુડો પેહેરીને ભરાઈ બેસો, તો એ જુલમી રાજાના જુલમમાંથી છુટવાને શું તમે વિચાર નહીં કરશો? એ જુલમી રાજા તે કોણ તે તમે કહી શકશો, ન્યાતની બીક એ જ જુલમી રાજા છે. એ બીક કાહાડી નાખી હિંમતથી બાહાર પડશો તો એ જુલમી રાજા તમારા તાબામાં આવી જશે)
: :કરસનદસ મૂલજી તેમનાં પુસ્તક ‘ઇંગ્લેન્ડનો પ્રવાસ’ની પૂર્વભૂમિકા(પ્રસતાવના)માં
લેખકે અંગ્રેજ પ્રજાના સામાન્ય ગુણોની વાત તો કરી છે ઉપરાંત એ પ્રજાના જે વિશેષ ગુણો અને પરિસ્થિતિને કારણે દુનિયાભરમાં બ્રિટનનો વાવટો ઉંચો રહયો તે વિશે પણ લખ્યું છે .અંગ્રેજ પ્રજાની વિદ્યાપ્રીતિથી પ્રભાવિત થવા ઉપરાંત નવી નવી શોધો કરવાનો અને જુદી જુદી કળાઓમાં પારંગત થવાના ઉત્સાહને તેમની સર્વોપરિતા માટે જવાબદાર ગણ્યા છે. ત્યાંનું ઠંડુ હવામાન મહેનત કરવા માટે અનુકૂળ હોવાથી સખત પરિશ્રમ કરવા છતાં લોકોને થાક લાગતો નથી. આપણે જાણીએ છીએ કે સૌ પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડમાં થઈ. યંત્રો અને કારખાનાઓ ચલાવવા માટે જરૂરી કોલસો ત્યાંની જમીનમાં વિપુલ પ્રમણમાં દટાયેલો છે અને એટલું જ જરૂરી લોખંડ પણ ત્યાં ધરબાયેલું છે. માલસામાન વહેવા માટે ખૂબ જ આવશ્યક એવી રેલ્વેલાઇનનો ત્યાં ઝડપથી વિકાસ થયો. કરસનદાસ લખે છે કે ૧૮૬૪ની આખર સુધીમાં ઇંગ્લેન્ડ અને તેની સાથે જોડાયેલા દેશોમાં 12,300 માઈલ સુધી રેલ્વેલાઇન પથરાઈ ચૂકી હતી જ્યારે તે સમયે ભારતમાં ૩૧૦૦ માઈલ રેલ્વેલાઇન હતી.
બ્રિટનનાં ભૌગોલિક સ્થાનને કારણે તે દેશને પોતાનું નૌકાદળ મજબૂત રાખવું પડેલું અને તેના સહારે અનેક યુદ્ધો જીતાયેલા.. મજબૂત નોકાદળનું રક્ષણ મળવાને કારણે તે દેશનો દરિયાઈ વેપાર પણ ખૂબ જ ખીલેલો. કરસનદાસ લખે છે, “ઇંગ્લેન્ડ દેશની પ્રજાનું મોટામાં મોટું પરાક્રમ તેની સમુદ્રની ફોજમાં છે અને તેથી એ દેશની મોટાઈ આખી પૃથ્વિમાં માલમ પડી છે. દરિયામાં મોટાં મોટાં વહાણો તથા મોટી મોટી આગબોટ ઉપર લશ્કર તથા તોપગોળા ને લડાઇનો સામાન રાખવો અને જરૂર પડે ત્યારે દરિયામાં વહાણ ઉપરથી જ લહડાઈ કરવી. આ કળામાં ઈંગ્રેજી પ્રજાની ચાલાકી જેવી માલમ પડી છે તેવી ચાલાકી બીજી કોઈક જ પ્રજાની જણાઇ હશે.”
લેખક વધારે સમય તો લંડનમાં જ રહેલા, તો પણ ઇંગ્લેડના અન્ય શહેરો અને ગામોની મુલાકાત પણ તેમણે લીધી જ હતી. હાર્ટફોર્ડ નામના એક ગામમાં તેમણે એક પ્રિન્ટિંગ પ્રેસ જોયો, જેમાં સંસ્કૃત અને ફારસી ભષામાં છપાયેલા પુસ્તકો જોયા. આ પુસ્તકો એટલી સરસ રીતે છપાયા હતા કે તેની છપાઇને કારણે પ્રિન્ટિંગ પ્રેસના માલિકને ઇંગ્લેન્ડની મહારાણી તરફથી ચંદ્રક મળેલો. ત્યાંથી તેમણે કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત એવા માન્ચેસ્ટર શહેરની મુલાકાત લીધી, તેમને અહીંના કાપડનાં કારખાનાં અને મુંબઈના કાપડનાં કારખાનાં વચ્ચે કોઇ ફરક ન જણાયો. છતાં તેમના લખ્યા મુજબ માન્ચેસ્ટરમાં તે સમયે કાપડના લગભગ એક હજાર કારખાના હતાં. અહીં ગાલીચા બનાવવાનું એક કારખાનું પણ તેમણે જોયુ. આ કારખાનાના માલિક સાથેના એક પ્રસંગની વાત આપણે લેખકના શબ્દોમાં જ જાણીએ,
“આપણા દેશને લગતી કેટલીએક વાત સાંભળી આખા કુટુંબને ખુશી અને અચરતી ઉપજતી હતી. આપણા દેશના જ્ઞાતીભેદ સબંધી વાત નિકલી અને એક જ્ઞાતિના લોક બીજી જ્ઞાતિના હાથનું રાંધેલું કે અડકેલું જમી શકે નહી તે સાંભળી તેઓ બહુ જ અચરત પામ્યા.હતા. *[1]જનાવરના ખોરાક સબંધી વાત નિકળતા તેઓ અજબ થયા કે તમે એ વગર કેમ રહી શકતા હશો! મેં કહ્યું કે હું રહી શકું છું, મને એ ખોરાક મુદલ પસંદ નથી. કોઇ જનાવરનાં શરીરના જુદા જુદા ભાગ કાપીને ખાવા એ વિચારથી જ મને કંટાળો ઉપજે છે. તેઓએ કહ્યું કે એમાં કંટાળો શાનો? મેં જણાવ્યું કે ફ્રેન્ચ લોકો દેડકાને બાફીને ખાય છે પણ ઘણાખરા અંગ્રેજોને એ પકવાથી કંટાળો ઉપજે છે. દેડકાનું નામ જ સાંભળતાં એ કુટુંબની મુખ્ય ધણીઆણીને એટલો તો કંટાળો છુટ્યો કે તેનાથી પછી ખવાયું જ નહી.”
પછી લખે છે,
“હું મારા અવિવેકને માટે જરા દલગીર થયો પણ મારા કહેવાની સાબેતી તરત જ મળી તેથી આખું કુટુંબ મોટી ખુશીમાં આવીને હસવા માંડ્યું અને મને ‘બ્રેવો’ બ્રેવો’ કહીને સાબાસી આપી. લેડીનું મન કચવાયું હશે એમ સમજીને મેં માફ માગી. પણ તે ભલી સ્ત્રી બોલી કે તેની જરાય ચિંતા કરશો ના. મારું મન મુદલ કચવાયું નથી પણ હવે હું સમજી શકું છું કે તમને બચપણથી જનાવરના ખોરાક્નો કંટાળો હશે, તે કંટાળો ઘણો જ મજબુત હશે.” અહી કરસનદાસ અને અંગ્રેજ પરિવારનું ઉમદાપણુ તો આપણને જણાય છે જ ઉપરાંત તે પરિવારની અન્યના મત કે માન્યતાને સમજવાની ક્ષમતા અને તૈયારીનો પણ પરિચય થાય છે.
માન્ચેસ્ટરથી તેઓ લીવરપુલ ગયા. ત્યાં તેમણે 1500 મોટા વહાણોનો સમાવેશ થઈ શકે તેવી બંદરની ગોદી જોઈ. લીવરપુલથી એડિનબરોના રસ્તા પર આવેલા ‘સેન્ટહિલ’ નામનાં ગામમાં તેઓ કાચનું કારખાનું જોવા ઉતરેલા પરંતુ કોઇ કારણસર તે કારખાનું બંધ હતું, છતાં એક અજાણ્યા ગૃહસ્થે તેમને લોખંડ ગાળવાની ભઠ્ઠી જોવા લઈ ગયા અને ત્યાંની તમામ કામગીરી તેમને સમજાવી. અહીં આપણને ઇંગ્લેન્ડની પ્રજાના ઉમદાપણા અને કરસનદાસની જિજ્ઞસાવૃતિના એકી સાથે દર્શન થાય છે. સેંન્ટહિલથી તેઓ યુનાઈટેડ કિંગડમના સૌથી સુંદર શહેર એડિનબરો ગયેલા જ્યાં તેમણે પ્રિન્સેસ સ્ટ્રીટ નામે ઓળખાતા ત્યાંના સુંદર મોહલ્લામાં ઉતારો કર્યો. અહીં તેઁમણે વોલ્ટર સ્કોટ નામના પ્રખ્યાત કવિની સમાધિ માટે ઊભો કરાયેલો મિનારો જોયો. નેશનલ ગેલેરી અને રોયલ ઇન્સ્ટિટ્યુટની ઈમારતો અને તેની પછવાડે આવેલા ત્યાંના પ્રખ્યાત કિલ્લા ઉપર ચડીને તળેટીએ દેખાતા એડિનબરો શહેર તેમજ પ્રકૃતિનો નજારો માણ્યાપછી ઉપડ્યા ગ્લાસગો શહેર જ્યાં છીંટનું કાપડ અને તેની પર ડિઝાઇન બનાવવાનું કારખાનું તો જોયું, ઉપરાંત આપણા દેશમા પહેરવામાં આવતા ધોતિયા બનાવવાનું કારખાનું તેમજ એ ધોતિયાની કોર પર ભાત(ડિઝાઈન) કઈ રીતે વણાતી તે બારીકાઈથી નિહાળ્યું. ગ્લાસગો શહેરમાં જાય અને કાચનું કારખાનું જોવાનું કેમ બાકી રાખે? કાચના કારખાનાના ભલા માલિકે તેમને કાચની ભઠ્ઠી અને તેની બાજુમાં ઉકળતા કાચના રસમાંથી એક ભૂંગળી વડે કાચના જુદા જુદા આકાર બનતા તે દેખાડ્યું. કાચ પર ડિઝાઈન બનાવવાની પ્રક્રિયા પણ લેખકે જોઈ.
ઇંગ્લેન્ડના ગામો અને શહેરોની મુલાકાત લીધા બાદ તેમણે સ્કોટલેન્ડના માઈલોના વિસ્તારમાં પથરાયેલા લોમંડ(Lomand) અને ક્વાટ્રાઇન(Katrine) નામના બે મીઠા પાણીનાં સરોવરોમાં આગબોટવિહાર કરતા સરોવરોનું તેમજ આજુબાજુના પહાડોનું સૌંદર્ય માણ્યું. સરોવરને કાંઠે પહોંચ્યા પછી વરસતા વરસાદમાં પહાડો વચ્ચે આવેલા એક જંગલમાં પ્રવેશ્યા. ત્યાંનું સૌંદર્ય જોઈને એટલા પ્રભાવિત થયા કે ઈંગ્લેન્ડના કોઈ પ્રખ્યાત કવિની કાવ્યપંક્તિઓ તેમને યાદ આવી
“ So wondrous wild, the whole might seem
The scenery of a fairy dream”
કુદરતનું આ સૌંદર્ય માણ્યા બાદ તેમણે સ્કોટલેન્ડના સ્ટર્લિન્ગ કેશલ નામના પ્રખ્યાત કિલ્લા પર આરોહણ કર્યું. ત્યાં એક મહિલા ગાઈડે કિલ્લામાં જન્મેલા રાજાઓના તથા કિંગ બીજા જેમ્સની કતલ કરીને મૃતદેહને કિલ્લા પરના એક રૂમની બારીમાંથી ફેંકી દેનારા ડેગ્લાસ નામાના અમીરની ઐતિહાસિક ઘટનાનું વર્ણન કર્યું.. કિલ્લા પરથી ખીણ અને તેની આસપાસનું સૌંદર્ય જોયા પછી તેઓ એડિનબરો પરત ફર્યા. છેલ્લે પ્રવાસકથા પુરી કરતા લખે છે,
“સ્કોટલેન્ડમાં ૧૫૦ માઇલની પ્રદક્ષણા કરીને બીજીવાર એડિનબરોમાં હું આવી પહોંચ્યો. ત્યાં એક દાહાડો વિસામો લઈ બીજે દીને સાંજના રેલ્વેમાં બેઠો, ને ત્રીજે દાહાડે દસ વાગતામાં ૪૦૦ માઈલની મજલ કરી લંડનમાં આવી પહોંચ્યો આ પ્રમાણે વિલાયતના ગામોમાં આવવા જવાની મળીને આસરે ૧૦૦૦ માઈલની મુસાફરી કરી. વધારે વખત અને જોગવાઈ હોત તો વધારે ગામોમાં જવાની અને તેમાંનાં બીજા કારખાનાં અને ખેતરો જોવાની વધારે હોંસ હતી. ઈશ્વર કરશે તો એ હોંસ તથા યુરોપનાં બીજા દેશો જોવાની તથા અમેરિકા જવાની હોંસ કોઈ વખત પુરી પડશે.”
આ રીતે નવા પ્રવાસ માટે સંકલ્પબદ્ધ એવા કરસનદાસને પેરીસ, માલ્ટા, કેરો અને એડન થઈને ઇ સ ૧૮૬૩ના સપટેમ્બરની આખરે સ્વદેશ પહોંચાડીને હું લેખમાળાની સમાપ્ત કરતા સુજ્ઞ વાચક મિત્રોને હું જણાવી દઉં કે પુસ્તક પરિચય એ તો એક બહાનું હતું, ખરેખર તો મારે બહુ ઓછા ગુજરાતીઓ જેમને જાણે છે એવા માત્ર ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર દેશના જ્યોતિર્ધર એવા કરસનદાસ મૂળજીનો આછેરો પરિચય આપવો હતો. અહીં લખાયેલા ચારેય પ્રકરણના આરંભે મૂકાયેલા અવતરણો વાંચવાથી કરસનદાસની વિચારસરણી, તેમની હિંમત અને સાહસ અને કાંઇક અંશે તેમના વ્યક્તિત્વનો ખ્યાલ આવી શકે છે. કરસનદાસ જો જર્મનીમાં હોત તો માર્ટિંન લ્યુથરના બરોબરિયા હોત. પણ કમનસીબે વ્યાપક સમાજના ગુજરાતીઓ અને ભારતીયોને તેમનાં નામ સુધ્ધાની જાણ નથી. ભારતમાં ઓગણીસમી સદીમાં પાખંડ અને અંધશ્રદ્ધા જેટલા પ્રમાણમાં હતા તેટલા પ્રમાણમા અને કદાચ સ્વરૂપ ભેદે વધુ પ્રમાણમાં આજે પણ છે. કરસનદાસને તે સમયની રાજસત્તાનો ટેકો હતો, આજે પરિસ્થિતિ વિપરીત છે. મતનું રાજકરણ તો સમાજસુધારકો અને પાખંડનો વિરોધ કરનારાની સામે છે પાખંડ અને અંધશ્રધ્ધાનો વિરોધ કરવો કેટલો દુષ્કર છે તે સમજવા માટે ગોવિંદ પાનસરે કલબુર્ગિ, દાભોલકર અને ગૌરી લંકેશના ઉદાહરણો આપણી સમક્ષ છે જ. આ સમયે લેખકો, છાપાના કોલમીસ્ટો, સોશિયલ મિડિયાના સહારો લઈને લખતા લેખકોની ફરજ બની રહે છે કે કરસનદાસે હિંમતભેર લડેલા મહારાજ લાયબલ કેસની વિગત અને કરસનદાસના સુધારા અંગેના તેમજ અંધશ્રદ્ધા વિરોધના વિચારોનો વ્યાપક સમાજમાં પ્રસાર કરે. માત્ર ઓગણચાલીસ વર્ષના આયખામાં ધર્મસત્તા અને એ વખતની પ્રબળ જ્ઞાતિસંસ્થા સામે હિંમતભેર ઝઝુમનાર એ વીર પુરૂષનાં જીવન અને વિચારોને આજના સંદર્ભમાં મૂકીને વધારે ને વધારે ફેલાવવા એ જ તેમનો સાચો ઋણસ્વીકાર છે.
[1] માસાહાર
(નોંધ::આ લેખમાળા મૂળ શ્રી કરસનદાસ મૂળજીએ ઇ સ ૧૮૬૬માં લખેલા અને ત્યાર બાદ ગુજરાત સાહિત્ય અકાદમીએ ઇ. સ. ૨૦૦૧ માં પ્રગટ કરેલા શ્રી ભોળાભઈ પટેલ અને ર.લ. રાવલ દ્વારા સંપાદિત પુસ્તક ‘ઇંગ્લેન્ડમાં પ્રવાસ’ના આધારે લખાયેલ છે જે હું પ્રથમ પ્રકરણમાં જ જણાવી ગયો છું. ૨૦૦૧માં ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરેલ આ પુસ્તક કરસનદાસે લખેલા મૂળ પુસ્તકનો શબ્દેશબ્દ જેમનો તેમ રાખીને લખાયેલ છે. બીજી મહત્વની વાત એ છે કે ૧૮૬૬માં આ પુસ્તકની કિંમત રૂપિયા ૧૨ એ સમયે ઘણી જ વધારે ગણાય. સામાન્ય પ્રજાને તો પરવડે જ કઈ રીતે? આથી જ આ પુસ્તકના આગોતરા ગ્રાહકો કરવામાં આવેલા. આવા ૧૫૬ ગ્રાહકો જેમાં તે વખતના મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફિચર સહિત અનેક વ્યક્તિઓ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને કેટલાક પુસ્તકાલયોનો સમાવેશ થાય છે. આગોતરા ગ્રાહકોમાં ૬૪ જેટલા તો પારસી મિત્રો હતા જેમાનાં કેટલાકે કરસનદાસ સામે મહારાજ જદુનાથે કરેલા બદનક્ષીના કેસમાં કરસનદાસને સહાય કરી હતી વળી. સૌથી વધુ -૧૦૦-નકલ ખરીદનારા બે વ્યક્તિઓમાંથી એક પારસી જમશેદજી જીજીભાઈ બેરોનેટ અને બીજા શેઠ પ્રેમચંદ રાયચંદ હતા. મુંબઈ અને કચ્છ-કાઠિયાવાડ- ગુજરાત ઉપરાંત પંજાબ અને સિંધ-કરાંચીના તેમજ દરિયાપાર એડનના કેટલાક લોકો પણ આગોતરા ગ્રાહક બનેલા).
