સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
બાની ચિરવિદાય‘ થી આગળ
દમુનો લગ્નોત્સવ પતી ગયો. મારા બનેવી પોલીસખાતામાં હતા. દેખાવમાં પણ સારા હતા. જાનૈયાઓની સાથે દમુ સાસરે જવા નીકળી અને મહામહેનતે ખાળી રાખેલાં મારાં અશ્રુઓનો બંધ ભાંગી પડયો. હું ઘણું રડી. દમુ સાસરે ગઈ અને બાની દીકરી લીલા હવે એકલી થઈ ગઈ.
જાળિયામાં મારી સ્થિતિ ઘણી કફોડી થઈ ગઈ. ગામની છોકરીઓ સુધ્ધાં હવે મને ખીજવવા લાગી. “મોટી રહી ગઈ અને નાની પરણી ગઈ.’ કામવાળી બાઈએ. પણ મારી વિરુદ્ધ ઘરમાં બધાના કાન ભંભેરવાની શરૂઆત કરી. માણસ ગમે એટલો સારો હોય તો પણ તેની વિરુદ્ધ થતી વાતોની પરાકાષ્ઠા થાય ત્યારે તેના મન પર અસર થયા વગર રહે નહિ. આવો જ પ્રકાર અમારા ઘરમાં થવા લાગ્યો. કામવાળીની સતામણી મારા માટે અસહ્ય થવા લાગી. થયું, ક્યાંક નાસી જઉં. પરંતુ બીજી ક્ષણે વિચાર આવતો, મારા લગ્ન નથી થતા તેથી જ આ બધું મારા પર વીતી રહ્યું છે. આવી સ્થિતિમાં આવું નામોશીભર્યું પગલું ભરવા કરતાં થોડુંઘણું ભણીને પોતાના પગ ૫૨ ઊભા રહેવું સારું. ઘણો વિચાર કર્યા બાદ મેં નક્કી કર્યું કે લગ્ન માટે આવેલાં મારાં નાની હજી જાળિયા હતાં, તો તેમની સાથે વડોદરા જઈશ, અને આગળ શિક્ષણ મેળવીશ.
મેં મારો વિચાર બાબા અને કાકી સમક્ષ રજૂ કર્યો. તેઓ મને પોતાનાથી દૂર મોકલવા તેયાર ન હતાં. અંતે નાનીએ તેમને કહ્યું, “તમે વિચાર કરો, આ ગામડાગામમાં લીલા બીજું કરશે પણ શું?’ ઘણા વિચારને અંતે તેમણે મંજૂરી આપી.
મારી નાની બહેન કમા – બાબાની સૌથી નાની દીકરી મારી સાથે એટલી બધી હળી ગઈ હતી કે અમને એકબીજા વગર ચાલતું ન હતું. તેને છોડીને જવાનું મને જરાય ગમ્યું નહિ, પણ શું કરું? માની શીતળ છત્રછાયા ગયા બાદ મારું મન ઘણું અસ્વસ્થ રહેવા લાગ્યું હતું. દમુનાં લગ્ન થઈ ગયાને એક મહિનો થયો હતો અને હવે મેં તથા નાનીએ સૌની રજા માગી.
નાની સાથે હું એકલી વડોદરા જવાની હતી તેથી બાબા અને કાકીને અત્યંત દુઃખ થયું. તેમણે જેટલા પ્રેમથી મારું પાલનપોષણ કર્યું હતું તેનું ત્કણ આ જન્મે તો શું આવતા ભવે પણ ઉતારી શકીશ નહિ. મારા શરીરની ચામડીનાં જૂતાં બનાવીને મારાં પ્રેમાળ બાબા અને કાકીના પગમાં પહેરાવીશ તો પણ તેમનું પૂરું ઋણ હું ઉતારી શકીશ નહિ. મારા મનમાં અત્યંત દુઃખ ઊપજ્યું, પણ શું કરું? આ નાનકડા ગામમાં રહીને કોઈ હુન્નર શીખવા મળતો હોત તો મારા બાબા અને કાકીને છોડીને બાઈજીમાસીને ત્યાં કદાપિ ગઈ જ ન હોત. પરંતુ જાળિયા સાવ નાનું ગામ હતું, અને ત્યાં અમને સ્ત્રીઓને પડદો પાળવો પડતો હતો, તેથી ત્યાં રહીને મારાથી કશું પણ થઈ શકે તેમ હતું નહિ. અંતે મારાં માતા-પિતા સમાન કાકા અને કાકીને છોડી હું નાની સાથે વડોદરા જવા નીકળી.
ક્રમશઃ
