નલિની નાવરેકર

આપણે હંમેશ એવું જ વિચારીએ છીએ કે કચરો એટલે ફેંકવાની વસ્તુ ! પરંતુ ફેંકીએ પણ ક્યાં ? ઘરનો કચરો ઘરની બહાર, શહેરનો કચરો શહેરની બહાર, રાજ્ય અને દેશનો; રાજ્ય અને દેશની બહાર ! આ વિનોદ કે અતિશયોક્તિ નથી, હકીકત છે. આવું કરવામાં આવે છે. આવું કરવાની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે.

આજે દુનિયા એકસરખી થઈ ગઈ છે. આખા વિશ્ર્વની જીવન-પદ્ધતિ એકસરખી થઈ જવાથી આ જીવનશૈલીને પરિણામે કચરાનો પ્રશ્ર્ન દુનિયાભરમાં ઊભો થઈ જવા પામ્યો છે. કચરો નદી કે દરિયામાં નાંખવામાં આવે તો જળપ્રદૂષણ, જમીન પર કે ખાડામાં નાંખવામાં આવે તો જમીનનું પ્રદૂષણ અને ગંદકી પણ ફેલાય છે. બાળવામાં આવે તો હવાનું પ્રદૂષણ થાય છે – કચરો ફેંકીએ પણ ક્યાં ?

કચરાથી હિંસા : મોટાં શહેરોમાં દરરોજ ત્રણ હજાર ટનથી ઉપર કચરો પેદા થાય છે. આટલા બધા કચરાને ઉપાડવો અને તેનો નિકાલ કરવો એ એક બહુ મોટું કામ છે. ઘણાં રાજ્યોમાં કચરો ઉપાડવા માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટરો વ્યવસ્થાના અભાવે તથા પૈસા બચાવવા ખાલી જગ્યા જોઈને પૂછ્યા વિના જ જ્યાં ત્યાં કચરો નાંખી દે છે. તેના પરથી કેટલેક ઠેકાણે ઝઘડા, મારામારી પણ થઈ જાય છે. ઘણી જગ્યાએ કચરાના પ્રશ્ર્ન માટે આંદોલન પણ થયાં છે.

કેટલાંક શહેરોમાં નિશ્ર્ચિત જગ્યાઓએ કચરાના ડેપો (સંગ્રહસ્થાન) હોય છે. તેમાંના કેટલાક આદર્શ સ્થિતિમાં છે. પરંતુ સામાન્ય રીતે આ કચરાડેપોમાં બધા પ્રકારનો કચરો નાંખી દેવાય છે. આવા પચાસ-સો એકરમાં ફેલાયેલા કચરા ડેપોમાંથી કેટલીક ઉપયોગી વસ્તુઓ વીણવા ઘણી બહેનો અને બાળકો આખો દિવસ એ કચરામાં કામ કરતાં જોવા મળે છે. કચરામાંથી નીકળતી ગરમ વરાળ, ગંદી વાસ વગેરેને કારણે ‘આ પ્રકારનું કામ’ કરવું એ જ માંદગીઓને આમંત્રણ આપવા સમાન છે. આવી પરિસ્થિતિઓમાં અકસ્માત તેમજ દુર્ઘટના પણ થતાં હોય છે. કચરો લઈ જવા માટે આવતા વાહનમાં કામ કરનારા કારીગરોની પણ આ જ હાલત હોય છે.

એક શહેરમાં બનેલી આ ઘટના છે. એક નાની છોકરી પોતાની ફોઈ સાથે કશુંક વીણી રહી હતી. કચરાનો ખૂબ મોટો ઢગલો હતો – નાની ટેકરી જેવો. પરંતુ આગલી ક્ષણે એ ઢગલો ધસી ગયો અને એ બંને (ફોઈ અને દીકરી) અદૃશ્ય થઈ ગયાં. ઢગલાની નીચે દબાઈને તેમના રામ રમી ગયા.

વડોદરા શહેરમાં કોઈક માંદગીના સંદર્ભમાં ધાત્રી માતાઓનાં દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું. તો તેમાંથી પોલીક્લોરીનેટેડ ડાયબેંઝો-પી-ડાયોક્સીન ડાયબેંઝોફ્યુરાન અને બાયોફીનોલ્સ – આ જોખમી સંયોજનોના પ્રમાણ ખૂબ વધારે માત્રામાં મળી આવ્યાં. ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’એ વધુ ઊંડાણથી અભ્યાસ કર્યો કે બાળકોના પેટમાં ઝેરનો કેટલો અંશ પહોંચતો હશે ? એક કિલો અનાજમાં ચાર પાયકોગ્રામ ઝેરી પદાર્થનો અંશ એ માન્ય માત્રા મનાય છે. ભારતમાં માતાઓના દૂધમાં આ પ્રમાણ સો પાયકોગ્રામ જેટલું મળી આવ્યું છે. આ જ્યારે બાળકોના પેટમાં જાય છે ત્યારે તેમના મજ્જાતંત્ર પર માઠી અસર પડે છે. આ અભ્યાસ કચરાના ઢગલા (ડેપો)ની પાસે રહેનારી બહેનોમાં કરવામાં આવ્યો હતો.

આ કિસ્સો ભલે વડોદરાનો હોય, અન્ય શહેરો અને ગામોમાં પરિસ્થિતિ કંઈ જુદી નથી.

આ બધું જે કંઈ થઈ રહ્યું છે તે શેને કારણે થાય છે ? આપણે જ તો એના માટે જવાબદાર છીએ. આવી દુર્ઘટના અથવા સીધી કે આડકતરી જે હિંસા છે તેનું કારણ આપણે સમજ્યા-વિચાર્યા વિના મોટા પ્રમાણમાં જે કચરો ઘરની બહાર નાંખી દઈએ છીએ તે છે.

અસંગ્રહ એ જ ઉપાય :

કચરાની સમસ્યા હલ કરવા માટે અથવા તો દૂર કરવા માટે ત્રણ કે ચાર ‘આર’ની વિચારધારા સામે આવી છે: રીફ્યુઝ, રીડ્યુસ, રિયુઝ અને રિસાઈકલ.

રીફ્યુઝ : જેના વિના ચાલી શકે તેમ છે, જેની જરૂર નથી, જે કચરામાં વધારો કરે છે તેવી વસ્તુઓનો નકાર કરો. કચરો આપોઆપ ઓછો થશે.

રીડ્યુસ : ઓછી વસ્તુઓનો ઉપયોગ, ઓછી વસ્તુઓની ખરીદી કરો જેથી કચરો પણ ઓછો થશે.

રીયુઝ : જૂની વસ્તુઓનો પુનરુપયોગ કરો. કચરો હજુ ઓછો થશે.

રીસાઈકલ : પુન:ચક્રીકરણ કરીએ – જૂની વસ્તુઓનું રૂપાંતર કરીને જ શક્ય તેટલી વાપરીએ. તો કચરો નામની વસ્તુ બચશે જ નહીં.

મીનીમલીઝમ એક વિશેષ વિચારધારા છે. જેની શરૂઆત યુરોપમાં થઈ. આ વિચારધારા પ્રમાણે લોકો સાદાઈપૂર્ણ જીવનશૈલી અપનાવે છે. પોતાની જરૂરિયાતો ઓછી કરવા તરફ આગળ વધે છે.

આપણે ત્યાં તો અપરિગ્રહવ્રત પહેલેથી જ છે. પ્રાચીનકાળથી આપણા સાધુસંત, સાધક અહિંસા, સત્ય, અસંગ્રહ વગેરે વ્રતોનું પાલન કરતા આવ્યા છે. ગાંધી-વિનોબાની વિશેષતા એ છે કે તેમણે કહ્યું કે આ બધાં વ્રતો સમાજસેવકો માટે પણ એટલાં જ જરૂરી છે. આમ જોવા જઈએ તો મનુષ્યમાત્રએ આ વ્રતોનું પાલન થોડે સુધી તો કરવું જ રહ્યું.

અપરિગ્રહનો અર્થ છે, ઓછામાં ઓછી જરૂરિયાતોમાં જીવન ચલાવવું. આ વ્રત આધ્યાત્મિક સાધનાનું અંગ તો છે જ સાથેસાથે સામજિક જીવનમાં પણ સુખશાંતિ આપનારું છે. અને કચરાની સમસ્યા ઉકેલવા કે ઓછી કરવામાં પણ ઉપયોગી છે.

કચરામાંથી કંચન :

સફાઈ કરી રહેલ એક સાધકને વિનોબાજીએ એક વાર કહેલું, ‘આ કચરાનો ઢગલો નથી, આમાં તો ખાતર થવાની શક્તિ સમાયેલી છે. કેટલી સાચી વાત છે. કચરો ગંદો નથી હોતો, આપણે તેને ખોટી જગ્યાએ નાંખીને ગંદકી ફેલાવીએ છીએ. કચરો તો ઉપયોગી વસ્તુ છે. તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ.

કચરાનું વ્યવસ્થાપન :

કચરાના મુખ્ય ત્રણ પ્રકાર છે. એક વિઘટનશીલ કચરો અને બીજો અવિઘટનશીલ કચરો અને ત્રીજો જોખમી કચરો. આ કચરાઓના અન્ય ઉપપ્રકારો પણ છે. કચરાનું વ્યવસ્થાપન કરવું હોય તો પ્રથમ તો પ્રકાર પ્રમાણે કચરો છૂટો પાડવો પડશે. ઓછામાં ઓછો ત્રણ પ્રકારનો કચરો ત્રણ ડબ્બાઓમાં નાંખવો પડશે. આમ કરવાથી આ કચરાનો ઉપયોગ સહેલો બનશે.

  •             વિઘટનશીલ કચરો એટલે કે જે ઓગળી શકે છે જેમ કે ઘાસ, નીંદામણ, ઝાડનાં પાન, ધૂળ, રાખ વગેરે. આ બધા વિઘટનકારી કચરાનું સારું ખાતર બને છે. એને માટેની સૌથી સારી રીત છે, છોડની નીચે, ઝાડની નીચે, ખેતરમાં આ કચરો નાંખવો. જમીનને ઢાંકતા રહેવું, આચ્છાદન કરવું. ગરમી, ઠંડી, વરસાદની ઋતુમાં તે જમીનનું રક્ષણ કરે છે. પછી ધીરે ધીરે કચરો સડી જઈને તેનું ખાતર બની જાય છે. જ્યાં આ શક્ય ન હોય ત્યાં જુદી પદ્ધતિથી પણ ખાતર બનાવી શકાય છે. કંપોસ્ટ, નેડેપ કંપોસ્ટ, વર્મીકંપોસ્ટ વગેરે. આમાં પણ ઘણા પ્રકાર હોય છે.
  •             અવિઘટનશીલ કચરામાં કાગળ, કપડાં, ધાતુ, કાચ તેમજ પ્લાસ્ટિક, થર્મોકોલ વગેરેનો સમાવેશ થાય છે. આવા કચરાનો સારો પુનરુપયોગ થઈ શકે છે. કેટલાકનો કારખાનામાં તો કેટલાક નો ઘર-ઘરાઉ સ્તર પર પણ. જૂનાં કપડાં-કાગળ વગેરેનો ઘર કે ગામના સ્તરે ઉપયોગ થઈ શકે તેમ હોય છે. પ્લાસ્ટિક અને થર્મોકોલના પુનરુપયોગમાં ઘણી મર્યાદાઓ તેમજ મુશ્કેલીઓ રહેલી છે.

કાપડ તેમજ કાગળનો પુનરુપયોગ :

જૂનાં કપડાંના ઉપયોગ વિશે આમ તો સહુ જાણે જ છે. ગોદડીથી માંડીને પગલૂછણિયાં  તેમજ થેલીથી લઈને રમકડાં સુધી ઘણી ચીજ વસ્તુઓ તેમાંથી બની શકે છે. જૂના કાગળના વળી વિશેષ ઉપયોગો છે. કાગળની લુગદી બનાવીને તેમાંથી ટોપલીઓ તેમજ પારંપરિક નૃત્ય માટેનાં કેટલાંક સાધનો, ઘર વપરાશનાં સાધનો બનાવી શકાય છે. અગાઉ ગામોમાં આ પ્રકારે થતું હતું. આજે તો વળી ઘણી ઉપયોગી વસ્તુઓ બનાવવાના પ્રયોગો થઈ ચૂક્યા છે. ટોપલીઓ, ટ્રે, ડબ્બા, ટીપૉય, બેસવા માટેનાં સ્ટૂલ, રમકડાં, સુશોભનની વસ્તુઓ વગેરે કાગળના માવામાંથી બનાવાય છે.

કાગળના ઉપયોગથી ત્રણ લાભ થાય છે. એક તો પુનર્ચક્રીકરણથી કાગળના કચરાનો નિકાલ થાય છે. બીજું, એક મર્યાદા સુધી પ્લાસ્ટિકનો  વિકલ્પ આપી શકાય છે. અને ત્રીજું લાકડાની વસ્તુઓનો પણ એક મર્યાદા સુધી વિકલ્પ તેમાંથી મળે છે.

  •             જોખમી કચરો : આ છે ઈ-વેસ્ટ, રાસાયણિક કચરો, ટ્યૂબલાઈટ, બેટરીઓ, દવાખાનાનો કચરો (મેડિકલ વેસ્ટ) વગેરે. અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીનો એક અભ્યાસ જણાવે છે કે ‘શહેરના કચરામાંથી કુલ એક સો પ્રકારનાં ઝેરી સંયોજનો નીકળે છે, જે મનુષ્ય શરીરમાં સહેલાઈથી પ્રવેશ કરીને સંગ્રહાયેલાં રહે છે.

આપણે શું કરીશું ?

કચરાનું વ્યવસ્થાપન વિકેન્દ્રિત જ હોવું જોઈએ. જ્યાં કચરો પેદા થાય છે ત્યાં જ તેનો ઉપયોગ થવો જરૂરી છે. સરકારનું પણ કહેવું છે કે પોતાના કચરાની જવાબદારી જનતા પોતે જ ઉઠાવે. કરવાનું આપણે છે. તો આપણે શું વિચારીએ છીએ ?

આપણા ઘરના કચરાનું વ્યવસ્થાપન આપણે પોતે જ કરવું જોઈએ. કચરાના પુનરુપયોગ અને પુનર્ચક્રીકરણની તાલીમ યુવાનો, મહિલા વગેરે લેશે તો તેમને માટે તે આવકનું એક સાધન પણ બની શકશે. આપણું કામ આપણા ઘરમાંથી નીકળેલા કચરાને તેમના સુધી પહોંચાડવાનું રહેશે.


– નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)


સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ ઑગસ્ટ, ૨૦૨૪