ભગવાન થાવરાણી

વર્ષ ૨૦૨૪ માં સો ઉપરાંત ફિલ્મો જોઈ. એમાં અંગ્રેજી અને હિંદી ઉપરાંત બંગાળી, ઉડિયા, મલયાલમ, સંથાલી, ગ્રીક, સ્પેનીશ, ફિનિશ, પોલિશ વગેરે ભાષાઓની કેટલીક ઉત્કૃષ્ટ ફિલ્મોનો સમાવેશ થાય છે. મુબી, નેટફ્લીક્સ, પ્રાઈમ, ઈંટરનેટ આર્કાઈવ જેવા પ્લેટફોર્મનો આભાર કે આવી મહાન ફિલ્મો હવે ઘેર બેઠાં હાથવગી છે. એ ફિલ્મોમાં શ્રેષ્ઠ તો અલબત્ત જર્મન સર્જક વિમ વેંડર્સની જાપાનીઝ ભાષાની ફિલ્મ ‘ પરફેક્ટ ડેઝ ‘ ( ૨૦૨૩ ) જ. એ વિષે અગાઉ લખી ચૂક્યો છું ‘ ફૂલછાબ ‘ ની કટાર ‘ સંવાદિતા ‘ માં.

આજે વાત કરવી છે એ જ કક્ષાની ૨૦૨૧ ની અમેરીકન ફિલ્મ ‘ MASS ‘ માસ ની. ફિલ્મના સર્જક છે ફ્રાન ક્રાંઝ.

લગભગ બે કલાકની ફિલ્મનાં કેંદ્રમાં ચાર ચરિત્ર કલાકારો છે. બે મૃત કિશોરોના મા બાપ. ચારેય પ્રૌઢ વયે પહોંચી ચૂક્યા છે. જે અને ગેઈલ પેરી ( જેસન આઈઝેક્સ અને માર્થા પ્લીમ્પટન ) હાઈસ્કૂલમાં ભણતા ઈવાનના માબાપ છે. ચાલુ સ્કૂલે થયેલા નૃશંસ સામૂહિક હત્યાકાંડમાં એ માર્યો ગયો છે, અન્ય નવ બાળકો સહિત. રિચાર્ડ અને લિંડા ( રીડ બર્ની અને એન ડાઉડ) અન્ય કિશોર હેડનના માબાપ છે. એણે ચોરેલી બંદૂક વડે ઈવાન સહિતના દસ કિશોર – કિશોરીઓની હત્યા કરી છે. પછી તુરત એ જ ગન વડે પોતાને ગોળી મારી આપઘાત કરેલ છે.

અદાલતી ખટલો ચાલી ચૂક્યો છે. મૃતક હેડન કસૂરવાર સાબિત થઈ ચૂક્યો છે. એના માબાપ રિચાર્ડ અને લિંડા એની પરવરીશમાં બેદરકાર પણ સાબિત થઈ ચૂક્યા છે. એમની સમાજ અને દુનિયામાં પુષ્કળ વગોવણી પણ થઈ ચૂકી છે. એમની પીડાની પરાકાષ્ઠા એ કે એમના દીકરા હેડનના અંતિમ સંસ્કાર માટે કોઈ કબ્રસ્તાન તૈયાર નહોતું અને એના આત્માની શાંતિ માટે ‘ માસ ‘ યોજવા કોઈ ચર્ચ પણ નહીં ! મૃતક બાળકોમાંના કોઈ માબાપે રિચાર્ડ – લિંડા સામે દાવો માંડવાનું પણ માંડી વાળ્યું છે. વહાલસોયું બાળક ગયું પછી ફરીથી એ જ યાતનામાંથી શાને પસાર થવું ! એ ઘટનાને છ વર્ષ વીતી ચૂક્યા છે.

આ બન્ને યુગલો એકમેકના સમજવા અને એ દ્વારા થોડીઘણી સાંત્વના મળતી હોય તો પામવા એક વાર મળી ચૂક્યા છે પણ એ મુલાકાત ભારોભાર કડવાશમાં પરિણમેલી. હથિયાર ધરાવવાના કાયદા વિષે બન્ને પુરુષોના વિચારો વિપરીત હતા એટલે.

બન્ને યુગલ એક ચર્ચની મધ્યસ્થીથી ફરી મળવાનું નક્કી કરે છે. કડવાશ, વૈમનસ્ય અને તિરસ્કારમાંથી બહાર નીકળી જો બાકીનું જીવન એમાંથી મુક્ત થઈ જીવી શકાતું હોય તો એક વધુ પ્રયાસ કરવા માટે. એક સામાન્ય માણસ તરીકે આવી મુલાકાત આપણને વિચિત્ર અને કદાચ અર્થહીન લાગે. હવે આનો શો અર્થ ! બન્ને દંપતિનું હજુ એક એક સંતાન છે જ. એ દરમિયાન રિચાર્ડ અને લિંડા તો અલગ પણ થઈ ચૂક્યાં છે.

બન્ને દંપતિ મળે છે. એમણે નક્કી કર્યું છે કે પોતપોતાના સંતાનોની સ્મૃતિના જે સ્થૂળ અવશેષો છે એ એકબીજાને દેખાડવા લઈ જવા અને કોઈએ કોઈની ઊલટતપાસ ન કરવી. ચર્ચના વ્યવસ્થાપકો બન્ને દંપતિને એક કમરામાં ટેબલની સામસામે બેસાડી જતા રહે છે અને શરૂ થાય છે ખરી ફિલ્મ !

વાત ક્યાંથી શરૂ કરવી એની સમજ એમને પડતી નથી. અલબત્ત ગઈ મિટીંગમાં જે થયું એનો પશ્ચાતાપ બન્ને દંપતિને છે. લિંડા એમનો દીકરો જે બરણીમાં ગોકળગાય એકઠી કરતો એ દેખાડવા લાવી છે અને વાત વણસવાની શરૂઆત થાય છે. ( ‘ અચ્છા, તો હિંસા એનામાં પહેલેથી હતી એમ ને ! ‘ ). વાત આગળ વધતાં ઈવાનની મા ગેઈલ કબૂલે છે કે હું દિલથી ઇચ્છતી હતી તમે બન્ને પણ એ પીડા ભોગવો જે ઈવાનના માબાપ તરીકે અમે ભોગવી. એ મનોમન સમસમે છે. એને એવું લાગી રહ્યું છે કે પોતે આ મુલાકાત માટે તૈયાર થઈ એ ભૂલ હતી. એનો પતિ, જે એની પરિસ્થિતિ સમજે છે, એને સ્વસ્થ થવા મદદ કરે છે. થોડીક સ્વસ્થ થઈ એ કહે છે કે હું તમારા દીકરાની પ્રકૃતિ વિષે શક્ય હોય તેટલું જાણવા માગું છું કારણ કે એણે મારા પુત્રને મારી નાંખ્યો છે !

હેડનના માતા પિતા એના ઉછેરમાં પોતાનાથી થઈ ગયેલી બેદરકારીનો લૂલો બચાવ કરે છે. ‘ અમારો દીકરો શરમાળ હતો, અતડો પણ. એ કોમ્પ્યુટર પર ગેમ્સ રમ્યે રાખતો, પણ એ રમતો હિંસક નહોતી. એ કંઈ હલકટ નહોતો. ‘ ‘ એનામાં બદલાવ આવે એટલા માટે અમે શહેર બદલાવ્યું, સ્કૂલ બદલાવી. ‘ વાતચીતમાં ખબર પડે છે કે હેડન એના માતાપિતાનું અવાંછિત સંતાન હતો. એનામાં હતાશા હતી. આપઘાતકારી વૃતિ પણ. એના માતાપિતા એના મોટાભાઈ તરફ વધુ લક્ષ્ય આપતા એ ફરિયાદ પણ. એને માનસશાસ્ત્રી પાસે પણ લઈ જવો પડેલો. હત્યાકાંડ પહેલાં પાઈપ બોંબ બનાવી જાહેરમાં વિસ્ફોટ કરવા બદલ એની ધરપકડ પણ થયેલી. ‘ આ કાંડ પછી જે સંતાપ, ધિક્કાર અને બહિષ્કારમાંથી અમે પસાર થયા અને થઈ રહ્યા છીએ એનાથી ક્યારેક અમને એવું લાગતું કે આનાથી તો મરી જવું બહેતર ! કબૂલ કે અમે એક ખૂનીને ઉછેર્યો હતો પણ અમે એવાં ખરાબ માબાપ નહોતા.

જે અને ગેઈલ હરીફરીને એ વાત પર આવે છે કે એના માનસિક સ્વાસ્થ્ય માટે તમે બન્નેએ માબાપ તરીકે જે કર્યું તે પર્યાપ્ત નહોતું અને સમયસર પણ નહીં.

હત્યાકાંડ બન્યા પછી માલૂમ પડે છે કે એ જે કંઈ કરવા જઈ રહ્યો હતો એ વિષેની સિલસિલાબંધ વિગતો હેડને એના બેડરૂમમાં એક નોટબુકમાં લખી રાખેલી. તહકીકાત દરમિયાન એ પણ બહાર આવે છે કે એ અમુક સાથી વિદ્યાર્થીઓને મારી નાંખવાની વાત અવારનવાર કરતો.

હૈયાવરાળ કાઢતી વખતે ઈવાનના પિતા, એમનો દીકરો કઈ રીતે મર્યો, કઈ રીતે પહેલીવારના ગોળીબારમાં અધમૂઆ થયેલા એમના દીકરાને થોડીક મિનિટો પછી પાછા ફરીને હેડને પૂરેપૂરો મારી નાંખ્યો એ સમગ્ર હૃદયવિદારક કહાણી સિલસિલાબંધ વર્ણવે છે. લિંડા જવાબમાં કહે છે કે અમારો દીકરો માનસિક રીતે રુગ્ણ હતો. એની નજરમાં કોઈ ખાસ વ્યક્તિ નહોતી. એણે તો દુનિયાને ઈજા પહોંચાડવી હતી અને એ એણે પહોંચાડી. એને કોઈ ભોગ બનનાર ગણતું નથી ! દુનિયાએ દસ લોકોનો શોક કર્યો, અમે અગિયારનો ! અને એ અમે સમજી શકીએ છીએ. અમે કદાચ પૃથ્વી પરના સૌથી એકલા મનુષ્યો છીએ. અમને હજી પણ ધિક્કારના પત્રો મળે છે. ‘ શક્ય છે, હેડન વિનાનું વિશ્વ બહેતર વિશ્વ હોત પરંતુ એની મા તરીકે હું એવું ન કહું. મારા દીકરાની જિંદગીની કોઈ કીમત એટલા માટે નથી કે એણે આવું દુષ્કૃત્ય કર્યું. મને એ સ્વીકાર્ય નથી. ‘

જે અને ગેઈલ એ બન્નેની વાત સ્વીકારે છે. બન્ને દંપતિ એક બિંદુએ પહોંચ્યા પછી લિંડા ભાવુક બની ઈવાનના બાળપણ વિષે પૂછે છે. ગેઈલ ખુલ્લા દિલે એ વાતો કરે છે. ‘ મને એના વગર બહુ એકલું લાગે છે. ‘

અને ઉમેરે છે ‘ અમે અહીં આવ્યાં ત્યારે એવું ઈચ્છતા હતા કે તમને સજા મળવી જોઇએ. હવે થાય છે કે એ બરાબર નથી. પહેલાં લાગતું કે તમને માફ કરી દઈએ તો અમારા દીકરાને ગુમાવી બેસીશું. મનના કોઈક ખૂણે તો એ માફી ક્યારની અપાઈ ચુકી હતી. હું તમને માફ કરું છું. હું હેડનને પણ માફ કરું છું કારણ કે મારું હૃદય હવે જાણે છે કે એ રસ્તો ભૂલ્યો હતો. અગત્યની વાત એ કે અમે આ રીતે ભાર વેંઢારતા જીવી ન શકીએ. જે નિર્મિત થઈ ચૂક્યું છે એ ભૂતકાળથી અલગ ભૂતકાળ શાને માગવો ! એ આપણા જીવનનું ચાલક બળ બની ન શકે . એવું કરીએ તો ઈવાનને ભવિષ્યમાં ક્યારેય કલ્પી ન શકીએ. હું જાણું છું, હું એને ફરી મળીશ, જો હું માફ કરી શકું તો, જો પ્રેમ કરી શકું તો ! અમારે શાંતિ પાછી જોઈએ છે. હું આપણા ચારેય માટે એવું ઈચ્છું છું. દિલથી. ‘ ગેઈલ રડી પડે છે. ચારેયનું  મૌન પવિત્ર અને નિર્મળ છે. માથાં નમાવી બધા એકમેકની વિદાય માગે છે.

જતા રહેલાં લિંડા – રિચાર્ડ થોડીક વારે અચાનક પાછાં ફરે છે. લિંડાએ પોતાના દીકરા વિષે એક વાત કહેવાની રહી ગઈ હતી. ‘ એ સોળનો હતો. બહુ વ્યથિત રહેતો. એકવાર ઘરમાં અમે મા – દીકરા એકલાં હતાં. એ જમ્યો નહોતો. ચુપચાપ કોમ્પ્યુટર પર બેઠો હતો. મેં એને ઠપકો આપ્યો- તારે ખુશ રહેવું જોઈએ – એ કહે, મારે ખુશ રહેવું નથી. અમે એકબીજા સામે બરાડ્યા. એ હિંસક રીતે મને મારવા ધસ્યો. હું ભાગીને મારા રૂમમાં પૂરાઈ ગઈ. ‘

‘ હવે મને લાગે છે કે મેં એને મારવા દીધો હોત તો સારું થાત. મને ખબર તો પડત કે એ શું છે ! ‘ ગેઈલ લિંડાને ભેટી પડે છે.

મિટીંગ થઈ એ ચર્ચમાં ક્યાંક પ્રાર્થના – ગીત શરુ થાય છે. બન્ને માબાપને એવું લાગે છે કે એ પ્રાર્થના એમના દીકરા- ના, બન્નેના દીકરાઓ – નહીં, જગતભરના માબાપના મૃત સંતાનોના આત્માઓની શાંતિ માટેની પ્રાર્થના છે.

ફિલ્મના અમેરિકન સર્જક ફ્રાન ક્રાંઝ મૂલત: અભિનેતા છે. ૧૯૯૮ થી શરુ થયેલ એમની ફિલ્મ અને ટેલિવિઝન કારકિર્દી દરમિયાન એમણે અનેક યાદગાર ભૂમિકાઓ સફળતાપૂર્વક ભજવી છે. તેઓ નાટકો, વેબ સિરીઝ અને અનેક મ્યુઝિક વિડીયોના કલાકાર પણ છે. ‘ માસ ‘ એમની પહેલી અને નિર્દેશક તરીકેની અત્યાર સુધીની એકમાત્ર ફિલ્મ છે.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.