પ્રકૃતિની પાંખો
હીત વોરા
આ શિયાળે, જ્યારે હું અમદાવાદ નજીક થોલ બર્ડ સૅન્ક્ચ્યુરીમાં યાયાવર પક્ષીઓના કલરવને માણી રહ્યો હતો, ત્યારે મેં એક બહેનને તેના સંબંધીને પૂછતાં સાંભળ્યું, “આ બતક અને હંસ બહુ ઊંચા ઉડી શકતા નહીં હોય, ખરું?”

કેવી અચરજની વાત છે કે વિશ્વના સૌથી ઊંચે ઉડતા અને સૌથી લાંબી યાત્રા કરતા કેટલાક પક્ષીઓ ઘણી વખત નિરલક્ષિત નજરોથી ચૂકી જાય છે. એમા “બાર હેડેડ ગૂઝ” એટલે કે રાજહંસ (Anser indicus) એક અદ્ભૂત ઉદાહરણ છે—જે સમુદ્રની સપાટીથી ૨૫,૦૦૦ ફૂટથી (૭,૦૦૦ મીટર) વધુ ઊંચા હિમાલયના પર્વતો પાર કરી, ઓક્સિજનની ઓછી માત્રા હોવા છતાં પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચી શકે છે! સેંકડો કિલોમીટરની સફર કરીને, તેઓ ગુજરાતના નળ સરોવર, થોલ અને કચ્છના રણના વેટલેન્ડ્સમાં શિયાળું વસવાટ કરે છે, જ્યાં તેમની સંઘબદ્ધ ઉડાન અને કલરવ કુદરતી દ્રશ્યોને સમૃદ્ધ બનાવે છે
બાર હેડેડ ગૂઝની ઓળખ, તેના સફેદ માથા પરના બે કાળા પટ્ટાથી થાય છે. આ પક્ષીનું ઉનાળુ નિવાસસ્થાન તિબેટ, રશિયા અને મોંગોલીયાના ઊંચાઈવાળા તળાવો છે જ્યાં તેઓ ટૂંકા ઘાસ પર ચરે છે અને શિયાળાનો સમય ભારતખંડના વેટલેન્ડ્સમાં પસાર કરે છે. આવો શિયાળુ પ્રવાસ તો બીજા ઘણા પક્ષીઓ કરે છે પણ રાજહંસને અનન્ય બનાવે છે તે છે એનો જોખમી અને લગભગ અશક્ય લાગતો માર્ગ ! હિમાલયને બાયપાસ કરી આગળ વધવાનો મર્ગ જે લગભગ બધા યાયાવર પક્ષીઓ પસંદ કરે છે એને બદલે, રાજહંસ પૃથ્વીના સર્વોચ્ચ શિખરો ઓળંગીને ઉડવાનું પસંદ કરે છે! લોકવાયકા એવી પણ છે કે રાજહંસ સૌથી ઊંચું પાંચમું શિખર માઉન્ટ મકલૂ (8,481 મીટર) અને સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ (8,849 મીટર) ઉપરથી ઉડતા જોવા મળ્યાં છે! પણ આના કોઈ પુરાવા નથી!
હજી એ ચોક્કસ નથી કે રાજહંસ માઉન્ટ એવરેસ્ટ જેટલી ઊંચાઈએ પહોંચી શકે છે કે નહીં, પરંતુ સંશોધન મુજબ તે 6,450 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોચે છે અને પર્વતીય-ઘાટ માર્ગો દ્વારા આગળ વધે છે. રસપ્રદ વાત એ છે કે, ભારતના નીચાણવાળા વિસ્તારોમાંથી તિબેટના પર્વતો સુધીનો પ્રવાસ તબક્કાવાર થાય છે, જેમાં મહાકાય હિમાલયને પાર કરવાનો પડકાર રાજહંસ માત્ર સાત કલાક જેટલી ટૂંકી અવધિમાં પૂર્ણ કરે છે!
હિમાલયની પાતળી હવામાં અને ઓક્સિજનની અછતમાં કીમતી ઉર્જા ખરચી ઉડવું એ અશક્ય લાગતી વસ્તુ છે, પરંતુ કુદરતની આ અજાયબીએ તેને સફળતાપૂર્વક શક્ય બનાવ્યુ છે! રાજહંસના આ વિસ્મયજનક વર્તનથી વૈજ્ઞાનિકો અને પ્રકૃતિવિદો ઘણા સમય સુધી મૂંઝવણમાં રહ્યા, પરંતુ વૈજ્ઞાનિક પ્રગતિ સાથે હવે આપણને સમજાવા લાગ્યું છે કે તેઓ આ ઉત્તમ ઊંચાઇઓ પર ઉડવા માટે કેવી રીતે અનુકૂળ થયેલા છે. અધ્યયનોએ દર્શાવ્યું છે કે ઓક્સિજનની ઓછી ઉપલબ્ધતા ધરાવતી પરિસ્થિતિઓમાં રાજહંસ વધુ ઊંડું અને અસરકારક શ્વસન કરે છે, જે ઓક્સિજનની શોષણ ક્ષમતા વધારવામાં સહાયક બને છે.તેમના રક્તમાં હેમોગ્લોબિનની ઓક્સિજન માટેની આકર્ષણશક્તિ અન્ય પ્રાણીઓ કરતાં વધુ હોય છે. ઉપરાંત, હૃદયના ડાબા ક્ષેપક (Left Ventricle)માં વધુ રક્ત કોશિકાઓ (કેપિલરીઝ) હોવાના કારણે, તે પર્યાપ્ત ઓક્સિજન પ્રાપ્ત કરે છે, જે તેને અત્યંત ઊંચાઈઓ પર પણ કાર્યક્ષમ રહેવામાં સહાય કરે છે. તેમની પાંખોની લંબાઈ પણ અન્ય હંસ કરતાં થોડી વધુ હોય છે, જે તેમને પાતળી હવામાં પૂરતી ઉંચાઈ મેળવવામાં મદદ કરે છે.
રાજહંસ પર્યાવરણ માટે પણ અગત્યની ભૂમિકા ભજવે છે, તેઓ વેટલેન્ડ્સના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ વનસ્પતિ અને જળચર જીવજંતુઓના પ્રજનન અને પ્રસરણમાં સહાય કરે છે, તેમજ પોષક તત્વોના પરિભ્રમણમાં ભાગ લે છે. વેટલેન્ડ્સ—જેને પૃથ્વીના ફેફસાં તરીકે ઓળખવામાં આવે છે—વરસાદના પાણીનું સંચય અને શુદ્ધિકરણ કરે છે, જમીનને રીચાર્જ કરે છે અને દરિયાની સપાટીને આગળ વધતા રોકે છે. તે માત્ર પ્રકૃતિ માટે જ નહીં, પણ માનવજાત માટે પણ અત્યંત ઉપયોગી છે, કારણ કે વેટલેન્ડ્સ ખેડૂતોને પાણી પૂરું પાડે છે, માછીમારો માટે જીવિકોપાર્જનનો સ્ત્રોત છે અને હવામાન બદલાવને મંદ બનાવવામાં પણ મદદ કરે છે. જોકે, શહેરીકરણ અને પ્રદૂષણના કારણે ઘણા વેટલેન્ડ્સ દિન-પ્રતિદિન ઘટી રહ્યા છે. જો આપણે આ મહત્વપૂર્ણ ઈકોસિસ્ટમ અને તેના રહેવાસીઓને સુરક્ષિત રાખવા માંગતા હોઈએ, તો જરૂરી છે કે આપણે તેના મહત્વને સમજીએ અને તેનું સંરક્ષણ સુનિશ્ચિત કરીએ.
રાજહંસ જેવા પક્ષીઓ પ્રકૃતિના સંકેતકો છે—તેમની હાજરી, સંખ્યા અને આચરણ પરથી આપણે આપણા પર્યાવરણના આરોગ્ય વિશે ઘણું જાણી શકીએ છીએ. આવા અજાયબી સર્જનારા કુદરતી પ્રદેશો અને પક્ષીઓની સંભાળ લેવા માટે, આપણને જાગૃતતા અને જવાબદારી સાથે આગળ વધવું જરૂરી છે.
થોલ પક્ષી અભ્યારણ : વેટલૅન્ડ સંરક્ષણની એક સફળ ગાથા:-
થોલ સરોવર પક્ષી અભ્યારણ એક માનવહસ્તકૃત સરોવર કેવી રીતે સમૃદ્ધ ઇકોસિસ્ટમમાં પરિવર્તિત થઈ શકે તે માટે એક ઉત્તમ ઉદાહરણ છે. મૂળ 1912માં મહેસાણા તાલુકામાં ગાયકવાડ શાસન દરમિયાન ખેડૂતોની સિંચાઈ માટે બનાવાયેલું આ સરોવર, ધીમે ધીમે સ્થાયી અને યાયાવર પક્ષીઓ માટે મહત્વના પરીસરતંત્રમાં બદલાઈ ગયું. તેની પર્યાવરણીય મહત્વતાને માન્યતા આપીને, ૧૯૮૮માં તેને પક્ષી અભ્યારણ જાહેર કરવામાં આવ્યું અને 2021માં રામસર સાઇટ તરીકે માન્યતા મળી, જે તેની આંતરરાષ્ટ્રીય મહત્વતાને દર્શાવે છે.
આજે, થોલ ૧૫૦ થી વધુ પક્ષી પ્રજાતિઓને આધાર આપે છે, જેમાં ફલેમિંગો, પેલિકન અને સારસ ક્રેન જેવા વિશિષ્ટ પક્ષીઓનો સમાવેશ થાય છે. નળસરોવર અને કચ્છના નાના રણની નજીક સ્થિત થોલ, ભારતખંડમાં યાયાવર પક્ષીઓ માટે એક સતત માઈગ્રેશન કોરિડોર જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અભ્યારણની સફળતા દર્શાવે છે કે વેટલૅન્ડ્સ માત્ર પ્રકૃતિ માટે જ નહીં, પરંતુ માનવજીવન માટે પણ અગત્યના છે—તેઓ જળચક્રને સંચાલિત કરે છે, પૂર અટકાવે છે અને જીવનસર્જક સાધન તરીકે સેવા આપે છે.
થોલનું સિંચાઈ માટે બનાવાયેલું સરોવર એક અભ્યારણ તરીકે વિકસ્યું તે સાબિત કરે છે કે જો માનવસર્જિત જળાશયોનું સાચી રીતે સંરક્ષણ થાય, તો તે અદ્ભૂત પર્યાવરણીય ખજાના બની શકે. વેટલૅન્ડ્સના મૂલ્યને સમજીને અને તેમના સંરક્ષણમાં સક્રિય હિસ્સો લઈને, આપણે એક એવું ભવિષ્ય નિર્માણ કરી શકીએ જ્યાં પ્રકૃતિ અને સમાજ બંને સાથે સુખી થાય.
આપણે ઘણી વખત વસ્તુઓને પોતીકી માની લઈએ છીએ, માત્ર આપણા ઉપયોગ માટે છે એમ માની લઈએ છીએ. ઘણાં લોકોને થોલ એક સામાન્ય તળાવ જ લાગે—વીકએન્ડ માટે એક લીલુંછમ પિકનિક સ્પોટ, અને તેમાંના પક્ષીઓ ફક્ત શોભા વધારવા માટે હોય એવું લાગે, જાણે હોટલનો ‘કમ્પ્લીમેન્ટરી’ નાસ્તો! પણ જ્યારે આપણે તેનો ઇતિહાસ અને મહત્વ સમજીએ, ત્યારે એ જગ્યાથી આપણું વધુ ઉંડું જોડાણ થઈ શકે.
અને હવે જો તમે કોઈ સફેદ હંસને તેના માથા પર બે કાળા પટ્ટા સાથે જુઓ, તો હવે તમે જાણતા હશો કે એ ફક્ત થોડું ઉડતા પક્ષી નહીં, પણ એક અદ્ભુત યાત્રિ છે! બસ એક ક્ષણ માટે કલ્પના કરો કે તેણે અહીં પહોંચવા માટે કેટલી સહાસિક સફર કરી હશે!
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

બહુ જાણકારી મળી. આભાર.
LikeLike