કપિલ શાહ

શ્રમ અને સમય બચાવવા માણસજાત ઉત્ક્રાંતિ દરમ્યાન સાધનો (Tools) વાપરતી આવી છે. શરૂઆતનાં સાધનો હાથ-પગથી થતાં કામોમાં રાહત આપતાં થયાં. ચાલવાને બદલે સાયકલથી માંડી બીજાં વાહનો શોધાયાં. હાથે સીવવાને બદલે સીંગરના મશીનથી માંડી જંગી ટેક્સટાઈલ મશીનરી આવી. શરૂઆતમાં સાધનો યાંત્રિક હતાં.
ગણતરી સહેલી કરવા ૧૬૭૨માં પહેલું કેલ્ક્યુલેટર વિકસાવાયેલું. તેનાં ૧૪૮ વરસ પછી ૧૮૨૦માં એક યાંત્રિક કેલ્કયુલેટર બજારમાં મળતું થયું, જેનું નામ એરિથોમીટર હતું. ૧૯૫૪માં ટ્રાન્ઝીસ્ટર આધારિત કેલ્ક્યુલેટર શોધાયું. ૧૯૬૧માં સંપૂર્ણપણે ઈલેક્ટ્રોનિક ડેસ્કટોપ કેલ્ક્યુલેટર શોધાયું. ભારતનાં સામાન્ય ઘરોમાં ૧૯૭૫ થી ’૮૦ની વચ્ચે કેલ્કયુલેટર વપરાતું થયું અને ફટાફટ ગણતરી કરતાં મુનિમજીઓ કેલ્ક્યુલેટરના સહારે બીલ બનાવતા થયા. ઘડિયા ગોખવાનો કાર્યક્રમ સમય જતાં હાસ્યાસ્પદ ઇતિહાસ બનવા માંડ્યો. મગજનું આ કામ યંત્રએ લીધું. કૃત્રિમ બુદ્ધિ (AI)ની આ શરૂઆત! આજે તો કલનશાસ્ત્ર, ત્રિકોણમીતિ અને તેથી આગળ રંગીન ગ્રાફીક્સ પેદા કરનારા કેલ્ક્યુલેટર્સ પણ મળે છે.
કેલ્ક્યુલેટરનું જ એડવાન્સ સ્વરૂપ કમ્પ્યુટર છે. કમ્પ્યુટર શબ્દની વ્યૂત્પત્તિ ’Computare’માંથી થઈ. જેનો અર્થ થાય છે, ગણતરી, સરવાળો કરવો, વિચારવું. કમ્પ્યુટર એટલે એવું મશીન જે માત્ર ગણતરી ન કરે પણ તેને આપેલ પ્રોગ્રામ પ્રમાણે તર્કસંગત કામો પણ કરે. જેમ કે આંકડામાંથી ગ્રાફ બનાવે. એટલે ગણતરીથી આગળનાં તાર્કિક કામો પણ મનુષ્યની બુદ્ધિથી બહાર થવા માંડ્યાં. રોબોટ આવતાં તેની સાથે હાથ-પગનું સ્વયંસંચાલન ધરાવતી કૃત્રિમ માનવાકૃતિઓ ફેક્ટરીઓમાંનાં જોખમી, એકાંગી-એકધારાં, ગંદકીમાં કરવાનાં કામો ય રોબોટ દ્વારા થવા માંડ્યાં છે. આપણાં સ્માર્ટ ફોન્સ પણ એક જાતનાં કમ્પ્યુટર્સ જ છે અને માનવમગજ સિવાયની કૃત્રિમ બુદ્ધિથી ચાલે છે.
મુસાફરી માટે રિઝર્વેશન કરવાં, નિયત સ્થાને રસ્તા શોધવા, ડ્રોન થકી ફોટોગ્રાફી કરવી કે ખેતીમાં જંતુનાશક છાંટવાં, ગમતાં રેસ્ટોરન્ટમાં મનભાવતી વાનગી મંગાવવી, નાની-મોટી ચીજો ખરીદવા માટે ઓન-લાઈન એપ વાપરવા રોજિંદું છે. ટેલી આપણા હિસાબો લખીને સરવૈયાં તૈયાર કરી આપે છે એટલે રોજમેળમાંથી ખતવણી કરવાની માથાકૂટ બંધ, ફોટોશોપ આપણાં ચિત્રો અને ફોટોગ્રાફને સુધારી-મઠારી આપે છે, સ્પેલચેક અને ગ્રામરલી જોડણી અને વ્યાકરણ સુધારી દે છે. બોલો એટલે ટાઈપ કરે અને લખેલું આપમેળે વાંચી સંભળાવે છે, ઘરમાં માલિકની ગેરહાજરીમાં દૂરસંચાર દ્વારા કચરો-પોતું કરી દે છે. રિમોટ કેમેરા દ્વારા ઘર-ઓફિસમાં ચાલી રહેલી ચહલ-પહલ પર દૂર બેઠાં બેઠાં સ્માર્ટ ફોન્સ દ્વારા નજર રાખી શકાય છે. વિવિધ સર્ચ એન્જિન દ્વારા વિવિધ વેબસાઈટ પરથી માહિતી મેળવવાનો લાભ પણ આપણે મેળવીએ છીએ.
આમ, રોજિંદી બનેલી વપરાશી બાબતોમાં અનેકવિધ રીતે કૃત્રિમ બુદ્ધિ (AI)નો ઉપયોગ થાય છે. જે નિયત પ્રોગ્રામ કે સોફ્ટવેરની મદદથી માહિતી (Data) એકત્રિત કરે છે, સંઘરે છે, પ્રોસેસ કરે છે અને પ્રદર્શિત કરે છે. આમાં સોફ્ટવેરને વિચાર કરવાનો હોતો નથી. કમાન્ડ આપનાર અપેક્ષિત પરિણામ મેળવી શકે અને વાપરનારા આવનારા પરિણામ પર મહદંશે કાબૂ પણ રાખી શકે.

કૃત્રિમ બુદ્ધિ (AI)
ટેક્નોલોજીનો વિકાસ હવે એ હદે પહોંચ્યો છે કે માનવ ડ્રાઈવર વિનાની ઓટોનોમસ કાર રોડ ઉપર સવારી આપતી થઈ ગઈ છે. અને તેની કંપનીઓ આગામી વર્ષોમાં 5000 કાર શરૂ કરવાની ખેવના ધરાવે છે! સર્જનના અવાજ અને શબ્દોના કમાન્ડને આધારે ઓપરેશન થિએટરની લાઈટ, ટેબલની પોઝિશન અને સર્જરી માટેનાં સાધનો ચલાવી શકાય છે. વિશ્ર્વના જુદા જ ખંડમાં રહ્યા રહ્યા અત્યંત ચોક્સાઈપૂર્વકની સર્જરી કરાય છે.
હવે આ કૃત્રિમ બુદ્ધિ (AI) મશીન પાસે એવાં કામો કરાવી શકે છે જેનું પરિણામ કમાન્ડ આપનાર વ્યક્તિને અણધાર્યું લાગી શકે. પ્રતિભાવો પરથી લાગે છે કે કૃત્રિમ બુદ્ધિ માત્ર માહિતી નથી આપતું તે વિચાર, કલ્પના, ભાવના અને પ્રાસ પણ સમજે અને વાપરે છે. અને કંઈક અંશે સાચા અર્થમાં માનવબુદ્ધિનો વિકલ્પ પૂરો પાડી શકે તેમ છે. ક્યારેક તો માનવબુદ્ધિ કરતાં ય કાર્યક્ષમ પરિણામો/પ્રતિભાવો આપે છે. જાહેરજનતા બિના રોકટોક આ ટેક્નોલોજી વાપરવા માંડી છે.
અલબત્ત, તે હજી બાલ્યાવસ્થામાં છે, તેમાં ભૂલો (ખામીઓ અને અપુખ્તતા) તરત નજરે પડે છે પણ ગૂગલ દ્વારા થતાં ભાષાંતરની ગુણવત્તામાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં જે રીતે સુધારો થઈ ગયો છે તે જોતાં આ ખામીઓ દૂર કરી તેને ઘણું વધુ પરફેક્ટ કરી દેવામાં આવશે.
સાદી ભાષામાં કહીએ તો કૃત્રિમ બુદ્ધિ (AI) એક એવી ટેકનોલોજી છે જેમાં કમ્પ્યુટર સાયન્સ અને થોકબંધ માહિતીનો ઉપયોગ કરીને અને તથા તેમાંથી જાતે શીખીને પરિણામ લાવે છે. તે મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગને પોતાનામાં સમાવી લે છે.
કૃત્રિમ બુદ્ધિ (AI)ના સ્તર પ્રમાણે ત્રણ પ્રકારો પાડવામાં આવે છે. ડ્રાઈવર વિનાની સ્વયંસંચાલિત કાર, અવાજ-ચહેરાની ઓળખ સુધીની ટેક્નોલોજીને આર્ટીફિસિયલ નેરો ઈન્ટેલિજન્સ (ANI) કહેવામાં આવે છે. તેથી આગળ આર્ટીફિસિયલ જનરલ ઈન્ટેલિજન્સ (AGI) આપણાં બારણાં ખખડાવવાની તૈયારીમાં છે, તે માનવમગજ જેવી સક્ષમતાથી કામ કરશે અને ભાવના અને વિવેક પણ દર્શાવી શકશે. દુ:ખી વ્યક્તિને સાંત્વન આપી શકશે. તેથી આગળ આર્ટીફિસિયલ સુપર ઈન્ટેલિજન્સ (ASI) તૈયાર થશે, જેને 8-10 વર્ષ લાગશે. તે મનુષ્યની બુદ્ધિની મર્યાદા ઓળંગીને મનુષ્યને કાબૂમાં પણ રાખી શકે!
આ ટેક્નોલોજીએ વિશ્ર્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આર્થિક, સામાજિક, ટેક્નોલોજી, નીતિ-મૂલ્યોના સંરક્ષણ ક્ષેત્રે નવી શક્યતાઓ અને પડકારો ઊભાં કરી દીધાં છે. આ ટેક્નોલોજી વિજ્ઞાન, વિકાસ, શિક્ષણ, લશ્કર, વાણિજ્ય-વેપાર, આરોગ્ય સેવાઓ ઉપરાંત કળા અને સાહિત્ય અથવા કલ્પના કરો તે તમામ ક્ષેત્રમાં વ્યક્તિથી માંડી સરકાર સુધીની તમામ એજન્સીઓ દ્વારા વપરાશે.
વિજ્ઞાનીઓ કયા કયા રસાયણોના સંયોજનોથી કેવા પ્રકારનાં નવાં રસાયણો બનાવી શકાય કે ઘાતક રાસાયણિક હથિયારો, જંતુનાશકો કે ઔષધો બનાવી શકાય તેનું મોડલિંગ કરી શકે. થોડીક માહિતી આપીને સંશોધનપત્ર ય તૈયાર થઈ જાય, શિક્ષણ માટે તો હવે શાળા-કોલેજોમાં જવાની જરૂર રહેશે કે નહીં? તે લશ્કરની વ્યૂહરચના ઘડવામાં ય કામ લાગશે. પાઈલોટ વિનાનાં વિમાનો અને મિસાઈલ્સ એવી રીતે કામ કરશે કે જેમાં દારૂગોળાના જથ્થા કરતાં સોફ્ટવેરની ગુણવત્તા વધુ મહત્ત્વની બની જશે. માનવ ચહેરાને ઓળખવાના સોફ્ટવેર આજે સોશ્યિલ મીડિઆ પર વપરાય છે, તેની સાથે ડ્રોનની ટેક્નોલોજી જોડીને વિશેષ વિનાશ વિના ચોક્કસ વ્યક્તિ પર હુમલો કરી શકશે. તે માટે મધમાખીઓના ઝૂંડની જેમ બધા ડ્રોન એકમેક સાથે ભારે સંયોજન કરી અને અથડાયા વિના એક-મેકના વિકલ્પે કામ કરશે.
સાહિત્ય ક્ષેત્રે માનવહસ્તક્ષેપ વિના નાટકો, કવિતાઓ અને નિબંધો લખાશે. કળા ક્ષેત્રે તો એવું બન્યું કે, એક વિશ્ર્વપ્રસિદ્ધ ફોટોગ્રાફી સ્પર્ધામાં જે ફોટાને પ્રથમ ઈનામ મળ્યું એ રજૂ કરનાર ફોટોગ્રાફરે એ ઈનામ લેવાની ના પાડી. તેણે ભંડો ફોડ્યો કે આ તો ફોટોગ્રાફી સ્પર્ધા છે અને મેં જે ચિત્ર રજૂ કરેલું તે ફોટો હતો જ નહીં, કૃત્રિમ બુદ્ધિ (AI)થી તૈયાર કરેલ ચિત્ર હતું! કરો વાત, ફોટોગ્રાફર્સના વ્યવસાયનું શું થશે? કૃત્રિમ બુદ્ધિ (AI)થી અવાજની આબેહૂબ નકલ કરીને, માનાં હાલરડાં બાળકને સંભળાવી શકાશે. આબેહૂબ અવાજ દ્વારા કોઈને છેતરી પણ શકાશે !
રોગ-જીવાતના ફોટા મોકલો અને ડ્રોન આપમેળે આવીને યોગ્ય માત્રામાં ખેતરોમાં જંતુનાશક છાંટી જાય છે અને લેસરની મદદથી નિંદામણ કરી આપે છે. ઝેરી જંતુનાશકો છાંટવાથી દર વરસે હજારો લોકોને ઝેર ચડે છે અને મરે છે. ઉભડક પગે નીંદામણ કરતી મહિલાઓને વૈતરામાંથી મુક્તિની જરૂર ખરી? શું કૃષિનો શ્રમ હંમેશાં વૈતરું હોય છે? – સવાલો વિચારતા કરી મૂકે છે.
રખે માનતા કે આ બધી કલ્પનાઓ છે, તે હવે વાસ્તવિકતા થવા માંડી છે. અને તે વર્ષમાં એક-બે વાર અપગ્રેડ થઈને ખૂબ જ ઝડપથી પરફેક્ષન તરફ જઈ રહી છે. તે સમસ્યાને સમજવાના નવા પરિપ્રેક્ષ ખોલી રહી છે, ન વિચાર્યા હોય તેવા ઉકેલો અને પડકારો ઊભા કરવા માંડી છે. અને તાજજુબની વાત એ છે કે તેના નિયમન માટે સરકારો પાસે કાયદા નથી, કાયદાની વાત તો જવા દો તેને સમજવા માટેની પૂરતી શક્તિ સુધ્ધાં છે ખરી?
કેટલીક મૂળભૂત નિસ્બત
રોજગાર : જ્યાં દાક્તરોની અછત છે ત્યાં આ રીતે થતાં નિદાન કામ લાગશે, જ્યાં શિક્ષકોની અછત છે ત્યાં આ રીતે થતું શિક્ષણ કામ લાગશે પણ તેનાથી શું માણસો કામ વિનાના થઈ જશે? દાક્તરી વ્યવસાયમાં રેડિઓલોજિસ્ટ અને પેથોલોજિસ્ટોએ હવે હાથ ઘસવાનો વારો આવે તો નવાઈ નહીં! યોજના પ્રમાણે સાનફ્રાંસિસ્કોમાં ઓટોનોમસ કાર ચાલશે તો 5000 ડ્રાઈવરોના રોજગાર જશે!
પૂર્વગ્રહ : આવા સોફ્ટવેરને તૈયાર કરવા જે માહિતી વપરાય તે પોતે પૂર્વગ્રહયુક્ત હોય. દા.ત. અમુક દેશના લોકોની જ વિગતો હોય, અમુક કોમના લોકોની જ વિગત હોય, અંગ્રેજી ભાષાની વિગતો વધુ વપરાય.
અધૂરપ અને ખામીઓ : ઈન્ટરનેટ પર હોય તે જ વિગતો વપરાય. ઘણા દેશોમાં મૂળભૂત આંકડાની જ ખામી છે. જેમ કે, ભારતમાં વપરાતાં જંતુનાશકોની આધારભૂત માહિતી મળતી જ નથી એટલે ખોટા અને અધૂરા આંકડાને આધારે તાલીમ પામેલ સોફ્ટવેર ભારે ગરબડ કરે. તેનું તાજું ઉદાહરણ સેટેલાઈટની મદદથી ગુજરાતમાં થયેલ જમીન માપણી છે, જેમાં ભાગ્યે જ કોઈ ખેતરની માપણી સાચી છે અને રાજ્યનો સમગ્ર રેવન્યુ રેકર્ડ ગરબડવાળો થઈ ગયો છે. એટલે તેને આધારે જંતુનાશક છાંટવા નીકળેલું ડ્રોન કોઈ ફળિયા ઉપર છાંટી આવે તેવું કેમ ન બને?
ઉકેલનું સાર્વત્રીકરણ અને એકધારાપણું : સોફ્ટવેર વિકસાવનારની સમજની મર્યાદાનું સાર્વત્રીકરણ થઈ જાય. માનવબુદ્ધિમાં સ્થળ, કાળ, સંજોગ પ્રમાણે વિકસેલ અને હજી વિકસનાર વૈવિધ્યનો ખાત્મો થઈ જાય. કોઈ સમસ્યાને ઉકેલવા માટેનો કોઈ એક માત્ર અને માત્ર યાંત્રિક રસ્તો નથી હોતો! માનવબુદ્ધિના ભાવનાત્મક પાસા થકી ઉકેલાતી સમસ્યાનો છેદ તો નહીં ઊડી જાય ને!
ઝડપ : કૃત્રિમ બુદ્ધિ (AI) મનુષ્યની બુદ્ધિ કરતાં અનેક ગણી ઝડપથી વિચારી શકે છે. આજે ચેસના સર્વોત્તમ પ્રોગ્રામથી રમતા કમ્પ્યુટરને માનવપ્લેયર હરાવી શકતો નથી.
કલ્પનાશક્તિને અસર : માનવજાતની કલ્પનાશક્તિને અસર નહીં પહોંચે? પોતાના મનોભાવોને પીંછી લઈને કેનવાસ પર કંડારતા ચિત્રકારોને કા એક ચિત્ર કરતાં 15 દિવસ લાગે પણ તેના કરતાં ઓછા દિવસમાં આકર્ષક અને ભાવવાહી ચિત્ર કમ્પ્યુટર બનાવી આપે તો એ સસ્તું નહીં પડે ? તો પછી માનવજાતની કલ્પનાશક્તિનું શું થાય? તેને મળતા સર્જનના આનંદનું શું થાય? અને શું માણસજાત વધુ ને વધુ ટેકનોલોજી આધારિત બનીને વધુ પાંગળી તો નહીં બને ને!
ગોપનીયતાને ખતરો : વ્યક્તિની અંગત માહિતીની ગોપનીયતા જોખમાય તે રીતે વપરાશે.
અમીરો અને સત્તાધારીઓનું પ્રભુત્વ : ઇતિહાસ બતાવે છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ અને ઉપયોગમાં સમાજના અમીરવર્ગનું પ્રભુત્વ વધતું જાય છે. સ્માર્ટફોન વાપરનાર ઝડપથી રિઝર્વેશન કરાવી લે છે અને ટિકિટ બારીની હરોળમાં ઊભા રહેનાર આદિવાસીની તક આસાનીથી ઝડપી લે છે. કૃત્રિમ બુદ્ધિ (AI) શોષણ અને ભેદને ઊભા કરવાની નવી તક નહીં પૂરી પાડે? સત્તાધારીઓને તો આવી ટેક્નોલોજી ખૂબ માફક આવી જશે.
બૌદ્ધિક સંપદા અધિકાર પર અસર : જ્યારે વિશ્ર્વભરની માહિતીની સુલભતા અને તેને પ્રોસેસ કરવાની ક્ષમતા અમર્યાદ રીતે વધી જાય ત્યારે અગાઉ થયેલાં સર્જનો અને શોધો પરના બૌદ્ધિક સંપદા અધિકારનું ઉલ્લંઘન જાણે અજાણ્યે થયા જ કરે. આવા મુદ્દે કાનૂની લડાઈઓ શરૂ થઈ ચૂકી છે.
ઉત્ક્રાંતિ પર અસર : ઉત્ક્રાંતિમાં જે અંગો નથી વપરાયાં તેનો વિકાસ નથી થતો કે ખરી પડે છે તે વૈજ્ઞાનિક સત્યને સ્વીકારીએ તો શું ભવિષ્યની માનવજાતના મગજનું કદ નાનું થશે? અમુક જ લોકોનાં મગજ વધુ ચાલશે ને બાકીનાં બધાં બુદ્ધુ રહેશે?
વળી જ્યારે ઇચ્છિત વ્યકિતઓના ઇચ્છિત ગુણો ધરાવતાં જનીનો (Genes) ભેગાં કરીને ડિઝાઈનર બેબી વિકસાવવાનો વિચાર થવા માંડ્યો છે ત્યારે પ્રયોગશાળામાંથી અલગ અલગ કામ માટેના માણસોનો જુદો જુદો ફાલ – મજૂરો, વિજ્ઞાનીઓ, રમતવીરો, કલાકારો પેદા કરવામાં આવશે? કલ્પના આકરી લાગે છે પણ જે દિશા અને ગતિએ કામ થઈ રહ્યું છે તે જોતાં અનેક નૈતિક સવાલો ઊભા થાય છે! આજે કૃત્રિમ માંસ ઉદ્યોગ જમવાના ટેબલ પર સેલીબ્રીટીનું માંસ પીરસવાની પેરવીમાં છે. (AI) આવી અપ્રાકૃતિક ચેષ્ટાઓની ઝડપ અને તકો વધારશે.
Chat GPT થી માંડી GPT4 સુધીની ટેક્નોલોજી વિકસાવનાર કંપનીના વડા ગ્રેગ બ્રોકમેન કહે છે કે અમે ‘ટેક્નોલોજીના દુરુપયોગ માટે ચિંતિત હોવા છતાં તેનો દુરુપયોગ નહીં થાય તેની ખાતરી નથી.’
સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩
