વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

કાળી કાજળ ઘેરી રાત, કારમી અસહ્ય ઠંડી માથે લઈને એક સોદાગર એક ગામથી બીજા ગામ જઈ રહ્યો હતો. રાત વધુને વધુ ઘેરી અને ઠંડી થતી જતી હતી. સોદાગરે આગળ જવાનો વિચાર માંડી વાળીને એક રાત પૂરતું ક્યાંક રોકાઈ જવાનો વિચાર કર્યો. શોધતા શોધતા રાતવાસા માટે માંડ એક સરાઈ મળી. સરાઈ સાવ સામાન્ય હતી. બીજો કોઈ સમય હોત તો કદાચ એણે અહીં રહેવાનો વિચાર સુદ્ધાં ન કર્યો હોત, પણ રાતના ઘેરા અંધકાર ઉપરાંત હાડ થીજાવી દેતી ઠંડીને લીધે એણે અહીં જ રોકાવાનો નિર્ણય કર્યો.

નિર્ણય તો કર્યો, પણ સામે માલિકની લાચારી મુસાફર કરતા જરાય ઓછી નહોતી. સરાઈનાં તમામ રૂમો ભરેલા હતા.

હવે? મુસાફર જાય તો ક્યાં જાય?

માલિક લાચાર હતો, પણ લાગણીશૂન્ય નહોતો. એની સરાઈનાં રૂમો મુસાફરોથી ભરેલા હતા એમ દિલ લાગણીથી ભરેલું હતું. એણે ઉપરના માળે સરાઈનો સામાન પડ્યો રહેતો હતો ત્યાં એક રાત પસાર કરવાનો બંદોબસ્ત કરી આપ્યો.

ઢંગનું કહી શકાય એવું ઓઢવા કે પાથરવાનું કશું બચ્યું નહોતું એટલે મુસાફર માટે એક સાવ જૂની રજાઈ કાઢી આપી.

થાકેલા મુસાફરે મને કમને આ  બંદોબસ્ત સ્વીકારી લીધો. ઠંડીમાં થથરતો, થાકેલો મુસાફર તરત જ નિદ્રાદેવીના શરણે પહોંચ્યો. થોડી વાર પછી અચાનક પાસેથી આવતા અવાજથી એની ઊંઘ ઊડી ગઈ. રૂમમાં કોઈ બે જણ વાતો કરતાં હોય એવું લાગ્યું. ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કર્યો તો સમજાયું કે, એ અવાજ બે બાળકોનાં હતાં.

“ભાઈ, તમને બહુ ઠંડી લાગે છે?” એક બાળકે બીજાને સવાલ કર્યો.

“તને પણ બહુ ઠંડી લાગે છે નહીં?”

થોડી વારે બીજા બાળકે પૂછ્યું.

અજબનો અનુભવ હતો. રજાઈમાં જ ઢબુરાયેલા રહીને મુસાફરે ધ્યાન દઈને સાંભળવાનો પ્રયાસ કર્યો. ફરી એ જ બે બાળકોનાં અવાજ અને એ જ સવાલ.

“ભાઈ, તમને બહુ ઠંડી લાગે છે?”

“તને પણ બહુ ઠંડી લાગે છે નહીં?”

એક નહીં બે ત્રણ આવા અનુભવ થયા. જેવો એ ઉંઘવા પ્રયાસ કરે અને બાળકોનાં અવાજ સંભળાય. પછી તો બેઠા થઈને આસપાસ ક્યાંથી અવાજ આવે છે એ જાણવા કાન માંડ્યા. અવાજ તો બીજે ક્યાંયથી નહીં, એણે ઓઢેલી રજાઈમાંથી જ આવતો હતો. એને થયું કે સરાઈના માલિકે જાણીને એને કોઈ જાદુઈ રજાઈ આપી છે કે શું? મુસાફરની તો ઊંઘ જ ઊડી ગઈ.

સવારે ઊઠીને માલિક પાસે જઈને એણે એ તિલસ્મી રજાઈની, રજાઈમાંથી સંભળાતી વાતો અંગે ફરિયાદ કરી. એની કેફિયત સાંભળીને માલિક પણ હેરાન…એને તો રજાઈ કે રજાઈમાંથી આવતા અવાજ અંગે કશી ખબર જ નહોતી. એણે તો આ રજાઈ કોઈ કબાડીખાનામાંથી લઈને મૂકી રાખી હતી.

મુસાફર તો એની મુસીબત અહીંથી જ ટળી એમ માનીને આગળ ચાલતી પકડી.

સરાઈનો માલિક રજાઈ લઈને પહોંચ્યો કબાડીની દુકાને અને આગલી રાત્રે મુસાફરને થયેલા અનુભવની વાત કરી.

કબાડીને રજાઈના ભેદનો આશરે અંદાજ તો હતો, પણ એણે માની લીધું હતું કે જગ્યા બદલાતાં એ અવાજ કાયમ માટે નહીં રહે.

*****

વાત જાણે એમ હતી કે, આ રજાઈ એક તૂટેલા-ફૂટેલા મકાનમાં રહેતાં બે નાનાં બચ્ચાંઓની હતી. આ રજાઈ ઓઢી એકબીજાને વળગીને પડ્યાં રહેતાં. બંનેનાં માબાપ એમને છોડીને ક્યાંક ચાલી નીકળ્યાં પછી કોઈ કારણોસર ક્યારેય પાછાં આ બચ્ચાંઓ પાસે આવ્યાં જ નહીં. જેમતેમ કરીને આ બચ્ચાંઓ પોતાના દિવસો પસાર કરતાં હતાં. એક દિવસ એ મકાનનો માલિક મકાનનું ભાડું વસૂલ કરવા જઈ પહોંચ્યો. બચ્ચાંઓને ડરાવી-ધમકાવીને એ રહીસહી એક આધાર સમી રજાઈ પણ છીનવીને એમને મકાનની બહાર કાઢી મૂક્યાં.

બચ્ચાંઓના એક માત્ર સહારા જેવી રજાઈ તો એમની પાસેથી ગઈ, પણ એમના અવાજ આ રજાઈમાં સચવાઈને રહી ગયા.


ભિષ્મ સાહની લિખીત વાર્તાનો ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.