અમૃતાનુભવની ઉજાણી

દર્શના ધોળકિયા

મહાકવિ પ્રેમાનંદે ‘નળાખ્યાન’, ‘કુંવરબાઈનું મામેરું’ અને ‘સુદામાચરિત્ર’ જેવાં ઉત્તમ આખ્યાનો આપ્યાં છે. એમાં સુદામાચરિત્રનું શીર્ષક જુદું પડે છે. સુદામા એ પાત્ર નથી પણ ચરિત્ર છે. મહાભારતમાં યુધિષ્ઠિરનો રથ એક વેંત અધ્ધર ચાલતો હતો એવી વાત આવે છે એનો અર્થ વ્યાસ એમ સમજાવવા માગે છે કે આ માણસ નોખી મુદ્રાનો છે. દુનિયામાં જૂજ લોકો એવા હોય છે જે આવી મૌલિક મુદ્રા ધરાવતા હોય. આ સંદર્ભમાં પ્રેમાનંદે આવું ઉચિત શીર્ષક પસંદ કર્યું છે.

પ્રેમાનંદ આપણા મધ્યકાળના મોટા ગજાના કવિ છે. એમની એક વિશિષ્ટતા છે કથાની ત્વરિતતા. તેઓ વાર્તારસ એવો જમાવે છે કે સ્થળ-કાળ વિસરાઇ જાય. જ્યારે પણ એમની કૃતિમાંથી પસાર થઈ જઈએ ત્યારે કશુંક આપણામાં પણ બદલાઇ ગયું હોય એવું અનુભવાય.

આ કૃતિમાં કૃષ્ણ અને બલરામ સાંદીપનિના આશ્રમમાં ભણવા આવ્યા છે, પણ પ્રેમાનંદ જેનું નામ ! અડધી પંક્તિથી ચાલતું હોય તો આખી પંક્તિ પણ ન વાપરે. કૃતિના આરંભે પ્રેમાનંદ સાંદીપનિનો પરિચય ‘સુરગુરુ સરખા’ એવો આપે છે. કથાના આરંભે પ્રેમાનંદે પહેલા કડવાથી માંડીને અંત સુધી ધ્યાન ખેંચે એટલી વખત સુદામા માટે ઋષિ’ શબ્દનો પ્રયોગ કરે છે. આ આશ્રમમાં “ઋષિ સુદામો, વડો વિદ્યાર્થી કહાવે”. આ વાંચતા જ આપણને વિચાર આવે કે પ્રેમાનંદની કલમ અહીં લસકી પડી છે? કેમ કે આપણી ઋષિની કલ્પના પ્રમાણે તો જે બ્રહ્મચારી હોય, શાસ્ત્રાર્થ કરતો હોય, આશ્રમ ધરાવતો હોય એ ઋષિ હોય. જ્યારે અહીં તો સુદામા પહેલીમાં ભણે છે. અને છતાં ઋષિ? પણ ગુરુ સાંદિપનીની પસંદગીની કલા મુજબ તે સર્વ વિદ્યાર્થીમાં વડો છે. એનાં કારણો ભાવકને પછીથી જડે છે.

કૃષ્ણ અને બલરામ આવતાંની સાથે જ સુદામાના ગાઢ, અભિન્ન એવા મિત્રો બની ગયા. પણ કૃષ્ણ બલરામ તો અવતાર પુરુષ ! બે મહિનામાં બધી વિદ્યા મેળવી લીધી, જવાનો વખત આવ્યો ને કૃષ્ણ સુદામાને ભેટીને રોયા ત્યારે ઉક્તિ આવે છે કે, “મહાનુભાવ ફરીને મળજો..” આ ક્ષણે કૃષ્ણ સુદામા ને કહે છે કઈક માગી લેવા જણાવે છે અને સુદામો પસંદગીની કળામાં જીતી જાય છે. અને માગે છે, “ સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી.. અહીં કથાના બીજ નંખાઇ ગયા તે પ્રમાણે આ બંને ફરીને મળશે એવો ઈશારો કરીને પ્રેમાનંદની કથા આગળ વધે છે.

સુદામા પોતાનો સંસાર માંડે છે. તેને ગુણવાન પત્ની છે, અતિશયોકિતના ભાગ રૂપે કવિ આલેખે છે તેમ દસ બાળકો છે. સુંદર ગૃહસ્થ આશ્રમ છે. સુદામાનું મન સંન્યાસી છે : “મુનિનો મર્મ કોઇ નવ લહે, સૌ મેલો ઘેલો દરિદ્રી કહે.” સુદામા ના ચારિત્ર્યનું ઉત્તમ પાસું અહીં એ બતાવાયું છે કે એ અયાચક વ્રત પાળે છે. આ તેના બ્રાહ્મણત્વનું લક્ષણ છે. એ સ્વાભિમાનથી જીવે છે. તેની પત્ની ઓળખે છે કે પોતાનો પતિ મુનિ છે. પોતે સુદામાને પરણી ધન્ય થઈ છે. છતાં તેને ઘર સાચવવાનું છે. બાળકો ભુખથી ટળવળી રહ્યાં છે. ઘરમાં કોઈ સગવડ નથી. ગરીબાઈની હદ આવી ગઈ છે. આ પરિસ્થિતિમાં સુદામાપત્ની પતિને કહે છે તેમ આમ તો તમને માધવ(લક્ષ્મીપતિ) સાથે મિત્રાચાર છે. તો એમને મળીને કંઇક તો કરો. ત્યારે સુદામા સ્વાભિમાની ઉત્તર આપે છે, “જાચતાં જીવ જાય..” પણ છેવટે પત્નીને અનેક માર્મિક દલીલોને અંતે સુદામા પત્નીની વાત માનવા તૈયાર થઈ જાય છે. પણ ખાલી હાથે કેમ જવું? દરિદ્રતા છતાં તેઓ વિવેક ચૂકતા નથી. પત્ની પડોશણ પાસેથી બમણા કરીને પાછા આપવાની શરતે તાંદુલ લઈ આવે છે – તાંદુલ પણ નહીં પણ કાંગવા એટલે કે પૌંઆ કરતાં પણ હલકું ધાન. એ પણ છોતરા સમેત. વ્યવહારુ પત્ની તેને ઘરે લઈ આવી સાફ કરી તગતગતા તાંદુલ સુદામાને આપે છે. સુદામા ખુશ થઇ જાય છે.

દંપતીને બીજો પ્રશ્ન એ આવ્યો કે આ લઈ શામાં જવા? એને બાંધવા માટે  ઘરમાં કપડું પણ નથી. આથી નાનાં નાનાં ૧૦-૨૦ કપડાં ભેગાં કરી તાંદુલ બાંધી સુદામા પ્રયાણ કરે છે. ત્યારે તેઓ કેવા લાગે છે ? “થાય ફટાક ફટાક ખાસડાં, ઊડે ધૂમ્ર કોટાનકોટ ;  ઉપાન રેણુએ અભ્ર છાયો..” પગે ચપ્પલ નથી, ખાસડાં છે. ચાલતાં એટલી ધૂળ ઉડે છે કે એ પોતે જ આખા ભરાઈ ગયા છે. આ જોતાં યાદવોને લાગે છે કે કોઈ સૈન્ય ચડી આવ્યું કે શું? પ્રેમાનંદ છે એટલે અતિશયોક્તિને તો છોડી શકે જ નહી.

‘સુદામાચરિત્ર’ વિરોધનું કાવ્ય છે. પ્રેમાનંદે અહીં સામ-સામી પરિસ્થિતિ સરજી છે. એક બાજુ સુદામા છે અને બીજી બાજુનો પડદો હવે ઉઘડે છે જેમાં સોનાની દ્વારિકા નગરીનું અદભૂત વર્ણન છે. ચલચિત્રની માફક આ વર્ણનો આપણી આંખ સમક્ષ તાદ્રશ થાય છે.

સુદામા મહેલની નજીક પહોંચે છે અને દ્વારપાળને માંડીને વાત કરે છે. દ્વારપાળ એ વાત દાસીને જણાવે છે. દાસી સુદામાનો પરિચય પૂછે છે. સુદામા ઉત્તરમાં જણાવે છે તેમ કહેજો કૃષ્ણને કે એમનો મિત્ર આવ્યો છે જેનું વિપ્ર સુદામો નામ રે.. આ બાજુ થાકેલા, અપમાન સહન કરેલા સુદામા બહાર ઊભા છે અને બીજી ત૨ફ બંધ બારણે સોનાના ખાટ ઉપર પરમ આનંદમાં કૃષ્ણ પોઢયા છે. આઠ પટરાણી સેવામાં છે, શૃંગારનો મેળાવડો જામ્યો છે. વિરોધાભાસનું ઉત્તમ ઉદાહરણ અહીં છતું થાય છે. આવા માહોલની  વચ્ચે પેલી દાસી દાખલ થાય છે અને કૃષ્ણને જાણ કરે છે કે બહાર કોઈ તમને મળવા આવ્યું છે.  નથી એ નારદ, નથી કોઈ ઋષિ, કહે છે કે વિપ્ર સુદામો નામ ! આ સાંભળતાં જ જાણે ચમત્કાર થયો હોય તેમ એક ક્ષણમાં કૃષ્ણ આ વૈભવથી અલગ થઈ જાય છે. અને પંક્તિ આવે છે કે જે માત્ર પ્રેમાનંદ જ આપી શકે, “હેં હેં કરતો ઉઠ્યો શામળિયો, આવ્યો સુદામો? મુજ દુખિયા નો વિસામો?” ‘ વૈભવમાં આળોટતા હોવા છતાં જો તમને સમજનાર કોઈ વ્યક્તિ ન મળે તો તમે સુખી ન કહેવાઓ અને દરિદ્રતાની ખાણમાં હો અને સાથે કોઈક સમજનાર હોય તો તેનાથી મોટું કોઇ સુખ ન હોઇ શકે. આવી માર્મિક વાત પ્રેમાનંદે કૃષ્ણના મુખે કહેવડાવી છે.  કૃષ્ણ સુદામાને મળવા રીતસરના દોટ મૂકે છે તેમને પીતાંબર ઊંચુ કરવાનું ભાન પણ રહેતું નથી રુકમણી એ પીતાંબરને સરખું કરે છે અને કૃષ્ણને સંભાળે છે. સોળ હજાર રાણીઓ માંથી એક રુકમણી સુદામા મુનિને ઓળખી શકે છે. આમ એક ક્ષણમાં પ્રેમાનંદે રુકમણીનું પણ ચિત્ર પણ વ્યક્ત કરી દીધું છે. આટલી ઉતાવળ વચ્ચે કૃષ્ણ રાણીઓને પૂજા થાળ તૈયાર કરવાનો આદેશ કરે છે. અને  રાણીઓની કસોટી કરતા કહે છે કે, ” જે નમશે તેનાં ચરણ ઝાલીરે, એ સૌપેં મુજને વહાલી રે…” એક એક મિનિટ કૃષ્ણને એક એક યુગ જેવી લાગી છે.

કૃષ્ણને દીઠા સુદામાએ ને ફરી પક્તિ આવી “ સુદામે દીઠા શ્રીકૃષ્ણદેવ, આંસુ છૂટ્યાં શ્રાવણ નેવ”. આવો છે ભક્ત સુદામો ! દ્વારકામાં પ્રવેશતી વેળા યાદવ સ્ત્રીઓએ જ્યારે સુદામાની મજાક ઉડાવી એવી રડવાની ક્ષણે એ હસી પડેલો અને અત્યારે કૃષ્ણ દ્વારા સન્માન પામતી વેળા રડી પડ્યો ! બધાની વચ્ચે કૃષ્ણે સુદામાના પગે માથું મૂકી દીધું. અને કહ્યું  “મુનિ, પવિત્ર કર્યું મુજ ગામ હવે પવિત્ર કરો મુજ ધામ.”

વાજતે ગાજતે કૃષ્ણ સુદામાને અંદર લઈ જાય છે અને વિરલ પંકિત આવે છે :   “સુખ સજ્જાએ ઋષિ બેસાડી ચમર કરે છે ચક્રપાણિ” વર્ણાનુપ્રાસની મહત્તા તો કોઈ પ્રેમાનંદ પાસેથી શીખે !! અહીં દર્શાવાઇ છે ભક્તિની મજા, પસંદગીની કલાનો વિજય ! જેના હાથમાં સદાય ચક્ર હોય છે એ આજે ચામર કરવા બેસી ગયા. બધું જ પસાર કરતો કરતો માનવી ઈશ્વરનું સદા સ્મરણ કરે એનું આ પરિણામ પ્રેમાનંદ દર્શાવે છે. માટે જ સુદામા ચરિત્ર છે પાત્ર નથી. આવી જ એક પંક્તિ ફરીથી આવે છે.” થાળીમાં પગ મૂકીને પગ પખાળે સારંગપાણિ” જેના હાથમાં હંમેશ સારંગ ધનુષ છે એવા વિષ્ણુના અવતાર આજે આ કામ કરવા તત્પર બની ઊઠ્યા છે.

ભાવવિભોર હોવા છતાં કૃષ્ણ સુદામાની કસોટી કરે છે. તેમને જોવું છે કે તેમનો આ મુનિ મિત્ર પહેલા જેવો જ છે કે એનામાં કોઈ ફેર પડ્યો છે? અને ગોવિંદ ગોઠડી માંડે છે. સુદામાની કસોટી કરતાં તેઓ પૂછે છે કે તમારું લોહી કેમ શોષાયું છે? ખાવા ધાન નથી? કે પછી ગરીબાઇ છે? કે મારા ભાભી વઢકણાં છે?  વાત તો કરો, શું હાલ છે? પણ સુદામો જેનું નામ! પહેલો માર્મિક જવાબ આપે છે સુદામા આમ : તમે તો અંતર્યામી છો. તમને શી ખબર ન હોય? અને બીજો જવાબ આપે છે,  ‘છે એક જ દુઃખ વિજોગનું’ તમે આટલો સમયથી મળ્યા નથીને, પણ હવે પિંડ પુષ્ટ જ થશે…’ સુદામા તો મુનિ છે. મુનિને શું દુઃખ હોય? પણ કૃષ્ણ હજુ પાછા પડતા નથી અને પૂછે છે, તમને યાદ છે સુદામા, હું અને બલરામ તમને પાટી બતાવતા..? ત્યારે સુદામા જવાબ આપે છે, “મને મોટો કીધો મહારાજ, મને કેમ વીસરે રે?  ” કૃષ્ણ પામી જાય છે કે સુદામા હજુ પણ એવોજ નક્કર છે. ક્યાંય નાની તિરાડ સરખી પડી નથી!

પણ સુદામાની મૂંઝવણ હવે શરૂ થાય છે કે આટલા વૈભવની વચ્ચે પેલી નાનકડી તાંદુલની પોટલી કૃષ્ણને કેમ અપાય? માટે સુદામાએ પોટલી જાંઘ નીચે સંતાડવાનો પ્રયત્ન કરે છે, પણ કૃષ્ણ ભાઇબંધ પાસેથી પોટલી ઝૂંટવી જ લે છે. એક પછી એક ગાંઠ કૃષ્ણ ઉકેલતા ગયા છે અને સુદામાનાં ભવ બંધન છોડતા ગયા છે. એ પછીની પંક્તિ ઉપર આપણા કવિ લાભશંકર ઠાકર વારી ગયા છે : “ વેરાયા કણ ને પાત્ર ભરાયું.” એક નગરી સુદામા માટે તૈયાર થઈ ગઈ. થોડું લે ને ઝાઝું આપે તેનું નામ કૃષ્ણ ! મિત્ર ને આપતાં કૃષ્ણને સંતોષ ન થતાં છેલ્લો કોળિયો ભરતા કૃષ્ણે વિચાર્યુ રુકમણી સહિત સૌ નારીઓ સુદામાની સેવા કરે – ત્યાં જ રુકમણીએ કૃષ્ણનો હાથ પકડીને કહ્યું, ‘અમે અપરાધ શો કીધો નાથ?’ સામ સામે જોઈને દંપતી હસ્યાં અને કૃષ્ણે છેલ્લો કોળિયો સૌને વહેંચી દીધો.

ઘરે પહોંચેલા સુદામા ઘર જોઇને અવાક થયા છે. ત્યાં દ્વારકા જેવીજ નગરી ખડી થઈ ગઇ છે. એમની પત્ની પતિનો પંથ નિહાળતી ગોખમાં જ બેઠી છે. એમના મધુર દાંપત્યનું ચિત્ર પ્રેમાનદે સરસ રીતે ઉપસાવ્યું છે. પૂજા થાળ સાથે સુદામાપત્ની જેવા સુદામાને અંદર લે છે કે સુદામાનું રૂપ પણ કૃષ્ણ સમું થાય છે. ને એ બંન્ને રતિસુખ માણતાં એકમેકને વળગી પડે છે. સુદામા ઋષિ છે પણ સંસારથી અલિપ્ત નથી. એના સાથે જોડાયેલાં હોવા છતાં અલગ છે.

સુદામાને બધુંજ સુખ મળ્યાં છતાં આ આખ્યાનની અંતિમ પંક્તિ મનનીય બની રહે છે : “યદ્યપિ વૈભવ ઇન્દ્રનો, તોય ઋષિ રહે ઉદાસ.” પ્રેમાનંદનો સુદામો એના પાસે કંઈ ન હોતું ત્યારે પણ ઋષિ હતો અને સઘળું કંઈ પ્રાપ્ત થયું તે પછી પણ ઋષિ જ રહ્યો છે. આ છે વસ્તુસંકલનાની ખૂબી ! ઋષિથી શરૂ થયેલી યાત્રા ઋષિ પાસે જ અટકે છે.

અહીં આલેખાતી કૃષ્ણની વિચક્ષણતા ને નમ્રતા, રુકમણીની આંતરદ્રષ્ટિ, સુદામાપત્નીની ઋજુતા, વ્યવહાર કુશળતા, પાતિવ્રત્ય ને આભિજાત્ય પ્રેમાનંદની પાત્રા લેખનની ક્ષમતા સૂચવે છે; તો યાદવ સ્ત્રીઓનો અનુચિત વ્યવહાર પ્રેમાનંદના મનુષ્ય સ્વભાવની પરખનો પરિચય કરાવે છે. પણ પ્રેમાનંદને મન મૂલ્ય તો છે આ બધાની વચ્ચે ઉપર ઊઠી શકેલા સુદામાનો ક્ષમતાનું. ને એ રીતે મનુષ્યમાં પડેલી અનંત શક્યતાઓનું દર્શન કરાવવાનું. આ અર્થમાં આ આખ્યાન ઊર્ધ્વારોહણના મહિમાગાનનું છે.


સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.