સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
‘પુનઃશ્ચ વર સંશોધન‘ થી આગળ
બા પાછી આવી અને અમે વિજાપુર કાયમ માટે છોડયું. બાબાની સાથે અમે જાળિયા-દેવાણી (જ્યાં તેમની નિમણૂક હતી) પહોંચ્યાં અને બા ગંભીર રીતે માંદગીમાં પટકાઈ પડી. હું તો ઘણું રડી. એવું લાગ્યું જાણે ભગવાન હવે મારા મસ્તક પરથી મારી માની છત્રછાયા પણ ખૂંચવી લેવાના છે. બાબાએ બા માટે દવાદારૂમાં કરી ઊણપ આવવા દીધી નહિ. ઘણી કાળજી લીધી છતાં જરા જેટલો ફેર પડયો નહિ. હાલત એટલી ખરાબ થઈ ગઈ કે હવે તો તે પથારીમાંથી ઊઠી શકતી ન હતી. હું જ તેની સેવાચાકરી કરતી હતી. બાબા પણ બા માટે જે વસ્તુ જોઈએ. તે હાજર કરતા હતા અને કોઈ વરતુની ખોટ પડવા દીધી નહિ. દિવાળીમાં બાની હાલત એટલી બગડી ગઈ કે તે હવે જાય છે એવું અમને લાગ્યું. બાબાએ તાર કરીને નાનીને બોલાવી લીધાં. મારાં ઘરડાં નાની દીકરીને મળવા વડોદરાથી એકલાં ઠેઠ જાળિયા દેવાણી આવ્યાં. માતૃમિલનથી બાને ઘણું સારું લાગ્યું. એક મહિનો રહ્યા
બાદ નાની પાછાં વડોદરા ગયાં અને મારા માટે મુરતિયા શોધવાનો કાર્યક્રમ ફરીથી શરૂ થયો.
બાની હાલત પાછી બગડી. તેનું એક અંગ ખોટું પડી ગયું. હું હવે ચોવીસે કલાક બાની સેવાશુશ્રૂષા કરતી રહી. કાકીની નાની દીકરીઓ મને ઘરનું કશું કામ કરવા દેતી ન હતી. “લીલુતાઈ, તમે બા પાસે જ રહો. અમે બધું કામ સંભાળીલઈશું,’ એમ કહેતી.
એક દિવસ બાએ બાબાને બોલાવીને કહ્યું, “દિયરજી, મારી લીલાને કોળી કે વાઘરી – જે મળે તેને ત્યાં પધરાવો, પણ મારી આંખ સામે તેનાં લગ્ન થઈજાય તેવું કરી આપો.’ બાના મન પર મારી ઘોર ચિંતા કેટલાય વખતથી તોળાઈ હતી તેનો આનાથી ખ્યાલ આવે. મને થતું કે, આ દુર્દેવી લીલાના પાપને કારણે મારી બા પથારીવશ થઈ હતી.’ શું કરીએ.? મારાં નસીબ!
એક સવારે પરોઢિયે પાંચના સુમારે બાની સ્થિતિ અત્યંત ગંભીર થઈ ગઈ. તે વખતે મેં બાને કહ્યું, “બા, સાંભળ, મારાં લગ્ન નક્કી થઈ ગયાં. તું સાજી થઈ જા એટલે બાબા મારાં લગ્ન ધામધૂમથી કરાવશે.’
બાની આંખમાં સંતોષની ઝલક આવી. તેના મનને સમાધાન થયું હોય તેવું લાગ્યું. અર્ધા કલાક બાદ, સવારે સાડા પાંચના સુમારે મારી બા અમને બે બહેનોને કાયમ માટે છોડી પરમાત્માના ઘેર પહોંચી ગઈ.
મારા માટે તો આ પ્રલય હતો. એવું લાગ્યું જાણે આકાશ અને પાતાળ એક થઈ ગર્યા. પૃથ્વી રસાતળ ગઈ. બાપુજી ગયા ત્યારે હું એટલી નાની હતી કે તેમનું અવસાન થયું એટલે શું, તેનો અર્થ પણ સમજાયો ન હતો. પણ બાના વિયોગથી મન ચૂર ચૂર થઈ ગયું. ઈશ્વરે અમારા મસ્તક પરથી માની છત્રછાયા ઝૂંટવી લીધી. અત્યંત દુઃખ થયું. બાએ અનેક કષ્ટ સહન કરીને અમને મોટા કર્યા હતાં. આવી મહાન જનની અમને રડતાં મૂકીને જતી રહી. અમારા સૌના મનમાં દિલાસા જેવી કોઈ વાત હોય તો તે અમારા બાબા હતા. જ્યારથી અમે તેમની પાસે રહેવા ગયાં, ત્યારથી તેમણે બાને કશાની અછત ભાસવા દીધી નહિ કે કોઈ પણ વાતનું ઓછું આવે તેવું બાને તેમણે કદી કહ્યું નહિ. તેમણે અને કાકીએ હંમેશાં બાનો આદર કર્યો.
બાના અવસાનના છએક મહિના બાદ ભાવનગરથી એક મુરબ્બી પોતાના ભાઈ માટે કન્યા જોવા – એટલે મારી વધૂ-પરીક્ષા માટે જાળિયા આવ્યા. તેમણે મારી ‘પરીક્ષા’ લીધી, પણ ત્યાં અમારી આસપાસ ફરતી દમુને તેમણે જોઈ લીધી. જમ્યા પછી મહેમાને પૂછ્યું, ઊઆ છોકરી કોણ છે? અમને તો આ કન્યા પસંદ છે. તેની સાથે અમારા ભાઈનાં લગ્ન કરવા અમે તેયાર છીએ.’
બાબાએ. કહ્યું, “આ નાની દીકરી છે. અમારી મોટી દીકરી લીલાનાં લગ્ન થયા વિના અમે દમુનાં લગ્ન કરવાનાં નથી.’
“એવું હોય તો અમે બે વર્ષ રોકાવા તૈયાર છીએ. અમને તો નાની જ પસંદ પડી છે.’
મને તો આ સમગ્ર વાતની જાણ, પણ ન થઈ. અંદરોઅંદર વાત થઈ કે મહેમાનને કન્યા પસંદ પડી ગઈ છે તો દમુનાં સગપણ કરી નાખવા જોઈએ. બીજે દિવસે સગાઈની રસમની તૈયારી થવા લાગી ત્યાં સુધી મને એમ જ લાગ્યું કે આ બધું મારા માટે થઈ રહ્યું છે. જ્યારે મેં સાંભળ્યું કે દમુની સગાઈ થાય છે, ત્યારે મેં કાકીને પૂછ્યું, “કાકી, દમુની સગાઈ કોની સાથે થવાની છે?’ કાકીએ કહ્યું કે મહેમાને મને નાપસંદ કરી હતી, અને મારી જગ્યાએ. દમુનું સગપણ થતું હતું. આ મારાં નસીબ, નહિ તો બીજું શું? નવાઈની વાત તો એ હતી કે કન્યાને “જોવા” માટે મુરતિયો આવ્યો જ ન હતો. કન્યાએ અને છોકરાએ એકબીજાને જોયાં પણ ન હતાં અને ઉતાવળે સગાઈની રસમ પૂરી થઈ રહી હતી!
કાકીને ચાર દીકરીઓ પછી દીકરો આવ્યો. અમને ભાઈ મળ્યો તેના આનંદમાં અમે બાનું દુઃખ અંશતઃ વીસરી શક્યાં. કાકીની સુવાવડ અમે બે બહેનો – મેં અને દમુએ. કરી.
દિવસ વીતવા લાગ્યા. અમારો ભાઈ મોટો થવા લાગ્યો.
જાળિયા રજવાડી ગામ હતું. જુનવાણી રીતરિવાજ હોવાથી સ્ત્રીઓ માટે ઘરની બહાર નીકળવાની પ્રથા ન હતી. કોઈ વાર રાણીસાહેબની ગાડી મને લેવા આવે તો અમે દરબારગઢ જતાં. બાકી આંગણાના દરવાજામાં તો શું, બારી પાસે ઊભા રહેવાની સુધ્ધાં અમને આજ્ઞા ન હતી.
એક દિવસ અમારી નાનકડી કમુ (ભારી સૌથી નાની પિત્રાઈબહેન)ને હું આંગણામાં રમાડતી હતી. કોઈકે બહારની ડેલીનું બારણું ક્યારે ખોલ્યું અને બંધ કર્યા વગર ગયું તેની મને ખબર ન રહી. એટલામાં બાબા બહાર જવા નીકળ્યા અને દરવાજો ખુલ્લો જોઈને ઘણા ગુરસે થયા. મને કહ્યું, “લીલા, તેં જાણી જોઈને દરવાજો ખુલ્લો રાખ્યો છે, ખરું? પેલા બહાર ઊભા કાળમુખા છોકરાઓનાં મોઢાં જોવા માટે જ આ દરવાજો ખુલ્લો રાખ્યો છે.’
મને તો આની લેશમાત્ર ખબર ન હતી. બસ ત્યારથી બાબાનું મન મારા પરથી ઊતરી ગયું અને હું તેમની અણગમતી દીકરી થઈ ગઈ. વિચાર કરું છું, આવું કેવું મારું નસીબ! એક તો મારાં લગ્નનું કોઈ ઠેકાણું પડતું ન હતું અને આવી વિપરીત ઘટના થઈ ગઈ. તે વખતે મને એટલું લાગી આવ્યું કે વિષ ખાઈને મરી જવાનું મન થયું. સાચે જ ભગવાન કોઈ જીવને સ્ત્રીજન્મ ન આપતા. આવી અમારી સ્થિતિ હતી. આજની આધુનિક યુવતીઓ આવા બંધનમાં રહી શાકે ખરી?
અમારો ભાઈ સવા વર્ષનો થયો. દમુની સગાઈ થયે એક વર્ષ થઈ ગયું, પણ મારાં લગ્નનું કોઈ ચિહ્ન, દેખાતું ન હતું. દમુનાં સાસરિયાં લગ્ન માટે ઉતાવળ કરવાં લાગ્યાં. ઘરમાં લોકો કહેવા લાગ્યા, પતાવી નાખોને દમુનાં લગ્ન !’ તે વખતે મોટી દીકરીનાં લગ્ન પહેલાં નાનીનાં થાય તો સમાજમાં વાત થતી કે મોટીમાં જરૂર કોઈ ખોટ હોવી જોઈએ. મારામાં કોઈ ખોટ નહોતી, છતાં આ હાલત હતી. આ મારા દુર્દેવી નસીબના ખેલ હતા.
અંતે દમુનાં સાસરિયાંના દબાણ હેઠળ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી. તૈયારીઓ થવા લાગી. બાઈજીમાસીએ મારાં લગ્ન માટેના પૈસા મારા પિતરાઈ મામા પાસે રાખ્યા હતા તેની મોઘમ જાણ બાએ એકાદબે વાર બાબા પાસે કરી હતી, તેથી બાબા આ પૈસા લેવા વડોદરા ગયા. મામા સરળ સ્વભાવના હતા. તેમણે તરત જ પૈસા બાબાને આપ્યા, પણ હિસાબમાં બાકી લેણાં નીકળતા પૈસા બાઈજીમાસીએ. આપ્યા જ નહિ. આ વાત ઉપર જ બન્ને બહેનો – મારી બા અને બાઈજીમાસી – વચ્ચે બોલાચાલી થઈ હતી. બાએ લોકોનાં કામ કરીને, તનતોડ મહેનત કરીને અમને મોટાં કર્યા હતાં, છતાં બાઈજીમાસી અમને અને બાને હંમેશાં સંભળાવતી કે તેણે જ અમને તિભાવ્યાં હતાં. હું ભગવાનને એટલું જ કહું છું કે આવા દિવસ, પ્રભુ, વેરીને પણ ના દેખાડશો.
વડોદરાથી પૈસા લાવ્યા બાદ બાબાએ. લગ્નની તૈયારી એટલી સરસ કરી! અમારા ઘરનું આ પ્રથમ શુભ કાર્ય હોવાથી બાબા ઘણા ખુશ હતા. મારાં નાની ઠેઠ વડોદરાથી એકલાં લગ્નમાં હાજર રહેવા આવ્યાં. નવાઈની વાત એ હતી કે ૭૫ વર્ષનાં મારાં નાની પૌત્રીનાં લગ્નમાં હાજરી આપવા આવ્યાં, પણ બાઈજીમાસી આવ્યાં નહિ. મારી ફોઈના દીકરાઓ, તેમની પત્નીઓ અને બાળકો અને બીજાં સગાંવહાલાં પણ આવ્યાં. વરને પહેરામણીના ત્રણસો રૂપિયા રોકડા, અને ઉપરથી વાસણ, કપડાં, દમુને ઘરેણાં જુદાં અપાયાં. વરપક્ષના માણસો ઘણા પછાત હતા. તેમને સરખી રીતે મરાઠી ભાષા પણ બોલતાં આવડતી ન હતી, અને સ્ત્રીઓને તદ્દન ઓઝલ પડદામાં રાખતા હતા. મારા બનેવી તો ફક્ત ગુજરાતીમાં જ વાત કરતા હતા.
લગ્નનો દિવસ આવી પહોંચ્યો. જાન અને જાનૈયાઓના સ્વાગતની બાબાએ.ઉત્તમ રીતે તૈયારી કરી હતી. જાળિવામાં મહારાષ્ટ્રીયન પદ્ધતિનાં લગ્ન કોઈએ જોયાં ન હતાં તેથી સમગ્ર વિધિ જોવા લોકોની ભીડ સમાતી ન હતી. મારા બાબા ૪૦ ગામના ફોજદાર હોવાથી ગામેગામના લોકો લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. એટલું જ નહિ, ખુદ રાણીસાહેબ પણ પધાર્યા હતાં. ખૂબ ધામધૂમથી લગ્ન થયાં. મેં મારા મનનો ઉદ્ન્ેગ દબાવી, મારી નાની બહેનનાં લગ્નનો આનંદ મનાવી લીધો હતો.
ખરેખર તો આ મારાં લગ્ન હતાં. ફક્ત મંડપમાં વધૂના બાજોઠ પર મારા સ્થાને દમુ બેઠી હતી.
ક્રમશઃ
