તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
બસ હવે બે વરસ માંડ, અને બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી પચાસ વરસ પૂરાં કરશે. પચાસી લગોલગ પહોંચતા બ્રિટનની ગુજરાતી અકાદમીએ કાપેલું અંતર, એની વયસ્કતા/પ્રૌઢિ લગીની મજલ એક વિશ્વગુજરાતી તરીકે બેશક વિચારણીય વિષય બની રહે છે. બ્રિટનની અકાદમીએ હજુ ગયે અઠવાડિયે અમદાવાદમાં અદમ ટંકારવીની વિશેષ ઉપસ્થિતિમાં મુસાજી ઈસપજી હાફેસજી કહેતા દીપક બારડોલીકર (૧૯૨૫-૨૦૧૯)નાં પાંચ પુસ્તકોનું મરણોત્તર પ્રકાશન, બરાબર શતાબ્દીટાણું ઝડપીને કર્યું. આ અવસર, પ્રકાશન્તરે, વિદેશવાસી ને કાળક્રમે ડાયસ્પોરી ગુજરાતી સર્જકતા ને વ્યક્તિતા વિશે પણ સહવિચાર નુક્તેચીનીનો બની રહે છે.
મુસાજી મૂળે બારડોલીના. ભાગલા પછી પાકિસ્તાન ગયા, પણ બારડોલી એમ કેડો મેલે શાનું. ગઝલની વાહે એ દીપક બારડોલીકર બની રહ્યા તે બની જ રહ્યા. ૧૯૯૫ના માર્ચમાં ખાસા અંતરાલ પછી એ બારડોલી ગયા ત્યારે જાતરાની રીતે વાત માંડતાં મુખડો બાંધે છે કે ‘બારડોલી એટલે સરફરોશોની ભૂમિ.’ વળી કહે છે કે અહીં ‘સરદાર પટેલનું નામ એટલી હદે ગુંથાઈ ગયું કે પછી લોકો એય ભૂલી ગયા કે સરદાર મૂળ ખેડા જિલ્લાના કરમસદ ગામના હતા.’ અને હવે રંગભરી આપવીતી શી એક ફરિયાદ: ‘મારા બારડોલીના સરનામે આવતા કેટલાય કાગળો ખેડા ચાલ્યા જતા.’
પાકિસ્તાનવાસી જિકર લગીર રહીને કરું, પણ નિવૃત્તિ પછી એક તબક્કે પુત્રને ત્યાં માન્ચેસ્ટર રહેવા ચાલી જવાનું અનિવાર્ય બન્યું ત્યારે પોતાના ઈંગ્લેન્ડના વસવાટનો હૃદ્ય ઉઘાડ ૧૯૯૫માં એ બાટલી મુકામે યોજાયેલા ઐતિહાસિકવત્ મુશાઈરા (મુશાયરા)ને સંભારીને કરે છે. અમેરિકાથી આદિલ મનસૂરી ખાસ આવ્યા હતા. એ પણ એક ડાયસ્પોરી શખ્સિયત, અમદાવાદ હતા ત્યારે કરાંચીની ‘રણછોડ લેઈન’ સંભારીને ગણગણતા- અને વખતે અમદાવાદ છોડવાનું બને એવી પરિસ્થિતિ સરજાઈ ત્યારે ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ એ તરજ પર એમનું દર્દ પ્રગટ થયું છે. કાળક્રમે અમેરિકા જઈ વસ્યા અને બાટલીના મુશાઈરામાં જે ત્રૂઠ્યા છે! પણ હિંદ-પાક પછી હવે માન્ચેસ્ટરી દીપકને ત્યારે યાદ રહી ગયેલી આદિલ-પંક્તિઓ છે: ‘કેવી શું-શાં સાંકળે છે આજે પાંચે ખંડને/એક ગુજરાતી ગઝલ સેતુ બનાવી જાય છે.’ સ્વદેશવત્સલ સીમિત ઓળખે નહીં અટકતાં જે એક વ્યાપક સંધાન ગુજરાતી સર્જકતા અનુભવી શકે તેનું ઉત્તમ નિદર્શન આદિલના ગઝલોદગારમાં તેમ એને અંગેની દીપકની સોલ્લાસ સહૃદય અનુમોદના થકી મળે છે એમ જ કહેવું જોઈશે.
દીપકનો પાકિસ્તાનવાસ ઠીક ઠીક સંઘર્ષનો કાળ છે. એ શિક્ષક તરીકે કામ કર્યા પછી અખબારી કામગીરીમાં જોતરાયા છે અને યુનિયનમાં પણ સક્રિય છે. પ્રેસ ફ્રીડમના મુદ્દા પર એ તવાઈનો ભોગ બન્યા છે. ‘સાંકળોનો સિતમ’ એ આત્મકથામાં ત્યારનું ચિત્ર ઝીલાયું પણ છે. ‘ઉછાળા ખાય છે પાણી’ એ એમના બારડોલીકાળનાં સ્મરણો છે, અને ‘સાંકળોનો સિતમ’ પાકિસ્તાનવાસની દાસ્તાં છે. એક તળ ગુજરાતી- કહો કે ગુર્જરભારતી તરીકે પાકિસ્તાનને જોવાના આપણા પરિપ્રેક્ષ્યને દીપક પાક છેડેથી જરી ઝંઝેડે પણ છે. ગાંધીજી માટેનો આદર એકંદરે અકબંધ રાખી એ ઝીણાની નિજહૃદયસ્થિત છબી ખાસ તો પાક બંધારણસભા સમક્ષના એમના ઐતિહાસિક સંબોધનને ટાંકીને સુરેખ મૂકી આપે છે. ૧૯૪૭ની અગિયારમી ઑગસ્ટે ઝીણાએ કહ્યું હતું: ‘તમો મુક્ત છો. તમો તમારાં મંદિરોમાં જવાને મુક્ત છો, તમો તમારી મસ્જિદોમાં, પાકિસ્તાન રાજ્યમાંની અન્ય કોઈ પણ ઈબાદતગાહમાં જવાને મુક્ત છો. તમો કોઈ પણ ધર્મ યા નાતજાત યા સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા હો તેને રાજ્યના વહીવટી કાર્યક્ષેત્ર સાથે કોઈ લેવાદેવા નથી. હવે હું ઈચ્છું છું કે આપણે એ હકીકતને આપણા આદર્શ તરીકે આપણી સમક્ષ રાખવી જોઈએ અને પછી મતે જોશો કે સમય જતાં હિંદુ, હિંદુ રહેશે નહીં અને મુસ્લિમ મુસ્લિમ રહેશે નહીં, પણ ધાર્મિક અર્થમાં નહીં, કેમ કે તે પ્રત્યેક વ્યક્તિની અંગત માન્યતા છે- બલકે (એ એકતા) રાજ્યના શહેરીઓ તરીકે રાજકીય એકતા રહેશે.’
પાક તંત્રવાહકોએ ઝીણાના આ બોલને પ્રકાશનમાં અને વ્યવહારમાં દાબ્યા એની વાત કરતા આપણા આ કવિ-પત્રકારનો મિજાજ ઝાલ્યો રહેતો નથી અને એમને નિ:સંકોચ ‘ગધેડા’ તરીકે ઓળખાવે છે. જોકે, ભાગલા વખતે પાકિસ્તાન જવાની તક ઝડપતાં એમણે કરેલી એક ટિપ્પણી સમજી શકાય તેવી છતાં સંપૂર્ણ ગ્રાહ્ય નથી તે પણ અહીં કહેવું જોઈએ. એમની દલીલ એ છે કે ઝીણા મુસ્લિમ અધિકાર અને સુવિધાપૂર્વકનું હિંદ ઝંખતા હતા. પણ હિંદુઓની વાત કરતી હિંદુ મહાસભા અને ‘હિંદીઓ’ની વાત કરતી કોંગ્રેસના માહોલમાં એ શક્ય ન બન્યું. બાકી, એમના શબ્દોમાં ‘કાયદે આઝમ માટે છે એટલું જ માન અમને ગાંધીજી માટે છે.’ બલકે, ‘ગાંધીજી સમગ્ર ઉપખંડના નેતા હતા.’ કેમ કે એ એક ગરવો વડલો હતો જે ‘વેરી હોય કે વાલમો, આપે સૌને છાંય.’
તો, આ એક અજંપ ઉપખંડવાસી, રૂંવે રૂંવે ઈસ્લામને વરેલ- પણ મજહબી હવાલે આતંકવાદનું સમર્થન મુદ્દલ નહીં. લંડનના બોમ્બ વિસ્ફોટ વખતે માન્ચેસ્ટરબેઠા લખે છે: ‘માનવ તો નહીં જ/નહીં નહીં માનવ તો નહીં જ/શેતાનના સહોદર હોઈ શકે છે/અને ભૂલશો નહીં. શેતાન તો ઉઘાડો શત્રુ છે આદમનો/આદમની ઔલાદોનો.’ બ્રિટનની ગુજરાતી અકાદમી વિશે ને મિશે વિશેષ ચર્ચાને અવશ્ય અવકાશ છે, પણ હમણાં તો એણે રાષ્ટ્રીયતા નિરપેક્ષ ધોરણે ગુજરાતીભાષી માત્રને પોતીકા ગણવાની જે ગરવી પ્રણાલિ વિકસાવી છે, તેને સલામ.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૯-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
