વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

કામનાનું મન આશંકાથી ઘેરાઈ ગયું. જેવો એણે ગલીમાં પગ મૂક્યો કે સામે કાકીના ઘર પાસે ભીડ દેખાઈ.

“સોનૂ? ના..ના.. એમ તો કેમ બને?”

કાલે રાત્રે અકસ્માતના સમાચાર મળ્યા કે તરત રાતની ટ્રેનમાં એ અહીં આવી ગઈ. કાકાએ તો ફોન પર એમ જ કીધું હતું કે, મામૂલી ઈજા છે. સોનૂના જીવન પર કોઈ જોખમ નથી. પપ્પા સાથે વાત થઈ તો એમણે એમ જ કીધું હતું કે, ચિંતાનું કોઈ કારણ નથી પણ તું આવી જાય તો સારું છતાં એક અંદાજ તો એણે કાઢ્યો કે, સોનૂને ગ્વાલિયર લઈ જવાનો મતલબ ઈજા વધારે જ હશે. ગલીથી ઘર સુધી પહોંચતામાં કામનાને કેટલાય વિચારો આવી ગયા.

સોનૂ એટલે કામનાના કાકાનો સૌથી નાનો દીકરો. ઘરમાં પ્રવેશતાં જ પૉલિથીન બેગમાં લપેટાયેલો લોહીથી લથપથ સોનૂનો દેહ નજરે પડ્યો. અત્યંત રોક્કળ વચ્ચે કાકીનું આક્રંદ સમજાય એવું હતું, સોનૂ કાકીનો સૌથી લાડકો દીકરો. લાડકા દીકરાની પત્ની રશ્મિ પણ કાકીને એટલી જ વહાલી હતી પણ, તેથી શું? દીકરા અને વહુમાં અંતર તો ખરું જ તો !

અચાનક કામનાનું ધ્યાન સ્ત્રીઓનાં ટોળા વચ્ચે પૂતળાની જેમ સ્થિર બેઠેલી રશ્મિ તરફ ગયું. એના ચહેરા પર ન કોઈ ભાવ, ન કોઈ પ્રતિક્રિયા, શરીર તો જાણે જડ. આવો નિર્વિકાર ચહેરો?

આ ક્ષણે રશ્મિનાં માસૂમ ચહેરા પર બિંદી, સેંથીમાં સિંદૂર હતું. એ એવી તો રૂપાળી લાગતી હતી કે, જાણે કોઈ ઢીંગલી જોઈ લો પણ જ્યારે આ બધી જ સૌભાગ્યની નિશાનીઓ ઉતરી જશે ત્યારે કેવી લાગશે?

કાકી તો એકદમ રૂઢિચુસ્ત, વિધવાધર્મના આગ્રહી. એ ક્યાં રશ્મિના સાજ શણગાર રહેવા દેશે? કોણ જાણે હવે રશ્મિના શું હાલ થશે? દીકરાના અપમૃત્યુનું આળ રશ્મિ પર આવશે. દીકરાને ભરખી ગઈ જેવા ટોણાં વરસાવશે. પોતાના લાડકા દીકરાને ગુમાવવાના આઘાતમાં કાકી શું નહીં કરે?

માંડ પંદર દિવસ પહેલાં પરણીને આવી ત્યારે એની મ્હોં જોવાની રસમ માટે પિયરથી મોકલેલી ચૂડીઓ ન જોતાં કાકીએ કેવો ઉપાડો લીધો હતો? માંડ સમજાવીને ઘરમાંથી સોનાની ચૂડીઓથી લાવીને રસમ પૂરી કરાવી હતી. એ કાકી રશ્મિનાં ચૂડી કે ચાંદલો ક્યાં રહેવા દેશે?

કામનાનાં મનમાં કેટલાય વિચારો આવી ગયા. એને રશ્મિની દયા આવી. દુનિયાદારીથી પરે, સાવ અલ્લડ હતી!

પણ, આ શું? ત્રીજા દિવસે જ્યારે સ્ત્રીઓ રશ્મિના સાજ ઉતારવા આવી ત્યારે કાકી પહાડની જેમ વચ્ચે ઊભાં રહી ગયાં.

“સોનૂ નથી તો શું? રશ્મિએ સુખ જોયું જ ક્યાં છે? સોનૂંનું જીવન આટલું ઓછું છે એવી ખબર હોત તો હું એને પરણાવત જ નહીં. કોઈ સાજ શણગારથી એ વંચિત નહીં રહે. એ અત્યારે છે એમ જ રહેશે.. આજથી રશ્મિ મારો સોનૂ બનીને રહેશે.”

******

સમય પસાર થતો રહ્યો. છ મહિના પછી કામના કાકીને મળવા આવી તો ખબર પડી કે રશ્મિનાં કરિયાવરનો સામાન કાકીએ સાચવીને રાખ્યો છે.

“કમ્મો, રશ્મિએ ક્યાં કોઈ સુખ જોયું છે? કોઈ સરસ છોકરો હોય તો રશ્મિનાં લગ્ન કરાવીને સુખી કરવી છે. એનું મન હળવું થાય એટલે એને પિયર પણ મોકલું છું પણ, એ કાયમી ઉપાય નથી. કાલ ઊઠીને અમે નહીં હોઈએ ત્યારે રશ્મિનું કોણ? સાધારણ સ્થિતિનાં એનાં માબાપે આ લગ્ન માંડ ઉકેલ્યા હતાં. એનો કરિયાવરનો સામાન સાચવીને રાખ્યો છે, પણ બાકીના રૂપિયા કે વ્યવહારની ચિંતા પણ અમારાં માથે. એનું કન્યાદાન અમે જ કરીશું.”

એકાંત મળતાં જ કાકીએ કામનાને કહ્યું. કામના માટે આ સાવ અણધારી વાત હતી.

આ એ જ કાકી હતાં જે વિધવાઓએ વિધવાઓની જેમ રહેવું જોઈએ એ આગ્રહપૂર્વક માનતાં. પડોશીની નાની દીકરી પાછી આવી ત્યારે એ ચૂડી-પાયલ પહેરતી અને બિંદી કરતી ત્યારે, કાકીએ કેટલો વિરોધ કર્યો હતો, બાપરે…!

સમય પસાર થતો રહ્યો. કાકીએ હકપૂર્વક હઠ કરીને રશ્મિનું ભણવાનું શરૂ કરાવ્યું. રાત્રે ઊઠીને કાકી એના માટે ચા બનાવતાં. આમ એનું ગ્રેજ્યુએશન પૂર્ણ થયું. કામનાને કાકી પર માન થઈ આવ્યું. સોનૂનાં અવસાનનાં એક વર્ષ બાદ કાકીએ રશ્મિનાં વિવાહ નક્કી કર્યા. છોકરો બેંકમાં કામ કરતો હતો. એની પત્નીનું અકસ્માતમાં અવસાન થયું હતું.

પૂરેપૂરા ઉત્સાહથી કાકીએ લગ્ન લીધાં.

લગ્નનો દિવસ આવ્યો ત્યારે બખેડો ઊભો થયો. પંડિતનું કહેવું હતું અને છોકરાવાળાનું પણ માનવું હતું કે, એકવાર જેણે સપ્તપદીના ફેરા લીધા હોય એ કન્યા ફરી ફેરા ન લઈ શકે.

“સપ્તપદીના ફેરા વગર તો લગ્ન અધૂરાં. જો છોકરો ફેરા લઈ શકે તો છોકરી કેમ ફેરા ન લઈ શકે? હું ઝાઝું ભણી નથી પણ મને એટલી ખબર છે કે શાસ્ત્રો લખનાર આપણે જ ને, તો પછી એને કેમ બદલી ના શકાય?”

ઘણી ચર્ચા પછી હંમેશાં વડીલોની સામે મર્યાદામાં રહેલાં કાકીએ નમ્ર છતાં દૃઢ અવાજે પોતાનો મત દર્શાવ્યો. કાકીના તર્ક સામે કોઈની પાસે જવાબ નહોતો.

રશ્મિને આનંદપૂર્વક કાકીએ વિદાય આપી.

કાકી બહારનો એક ગઢ જીત્યાં હવે ઘરની અંદરનો મોરચો સંભાળવાનો હતો.

લગ્નનો માંડવો ઉતરતાની સાથે કાકીએ આ લગ્નનો ખર્ચો ક્યાંથી કાઢ્યો એ અંગે સોનૂના બે મોટા ભાઈઓ વચ્ચે ચાલતી ચણભણ કાકી સુધી પહોંચી.

“વારસામાં સૌને એક સરખો ભાગ મળવો જોઈએ, એ તો તમને ખબર છે ને? આ હવેલી વેચી એમાંથી ઉપજેલા આઠ લાખના ચાર ભાગ પાડી દીધા છે. એ હિસાબે તમને બે બે લાખ મળી જશે. હવે તમે બંને તમારા રહેવાની વ્યવસ્થા શોધી લેજો. અમારા ભાગે આવતાં બે લાખમાં અમે ડોસા-ડોસી આરામથી જીવી લઈશું.”

“અને બાકીના બે લાખ?”

મોટાએ સવાલ કર્યો. એને લાગ્યું મમ્મી પાગલ થઈ ગઈ છે કે શું?

“એ બે લાખ લગ્ન માટે વાપર્યા. રશ્મિને કરિયાવર તો મળેલું જ હતું. એ એને આપી દીધું, પણ લગ્નનો ખર્ચો તો કાઢવો પડેને? સોનૂ હોત તો એના ભાગે બે લાખ આવત. સોનૂ કે રશ્મિ, મારા માટે તો બંને એક જ છે.”

કાકીનાં ચહેરા પર નિશ્ચિંતતાના જે ભાવ હતા એ જોઈને સમજાયું કે, આજે રશ્મિની સાથે સાચા અર્થમાં સોનૂને પણ વિદાય આપી દીધી.


ડૉ. પદ્મા શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.