યંગ ક્લબ

“ઉજળો આવકાર” ગુરુવર્ય શ્રી તાકતસિંહ પરમારે યંગ ક્લબ નાં નાટકો નું પહેલું પુસ્તક બહાર પડ્યું  તેમાં લખેલી પ્રસ્તવના છે.

નીતિન વ્યાસ

ઘણાં વર્ષોથી નાટયક્ષેત્રે પ્રવૃત્ત નહિ હોવા છતાં ૧૯૩૫ થી લગભગ ૧૯૬૦ સુધી, નાટયલેખન અને મંચનના ક્ષેત્રે નવો ચીલો પાડનાર યંગ કલબે ભજવેલાં ચાલીસેક લધુનાટકો–એકાંકીઓ પૈકી સાત નાટકો અહીં રજુ થાય છે ત્યારે ” સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે ” જ્યારે કોઈ પણ પુસ્તક છપાય ત્યારે તેની ‘પ્રસ્તાવના’ કોઈ સિદ્ધહસ્ત, વિદ્વાન લેખક કે વિવેચક આલેખે … અમે આ પુસ્તક છપાવીએ છીએ ત્યારે એ ચાલને ચાતરીને ચાલવું છે” ને તે છતાં ભાઈ પીયૂષ પારાશર્ય અને અન્ય મિત્રોનાં સૂચન થી મારે થોડુંક કહેવું છે; વિવેચક તરીકે કે વિદ્વાન તરીકે નહિ, પણ આ નાટકો જેણે જોયેલાં અને માણેલાં છે.

જે.બી.પ્રિસ્ટલીના Dangerous Corner કે Inspector Calls ના રૂપાંતરોના પૂર્વપ્રયોગ–રીહર્સલ–પછી બાબુભાઈ વ્યાસ અને ડૉ. અરવિંદ મહેતાએ કરેલી નુકતેચીનીમાં સામેલ થવાની તક પણ જેને પ્રાપ્ત થઈ છે, અને એ બન્ને વ્યકિતઓની સાથે શિશુવિહાર બુધસભાના સ્થાપક સભ્ય બનવાનો લહાવો જેને મળ્યો છે એવી વ્યકિત તરીકે મારે થોડુંક કહેવું છે. આ સાત નાટકોને થોડા શબ્દોમાં આવકાર આપવો છે.

૧૯૩૩ ના જૂનમાં ભાવનગર આવવાનું થયું. આ નાટકોમાં ને પંચવટીમાં સક્રિય રહેલા હરિભાઈ ચૌહાણ મારા પાડોશી, સહાધ્યાયી. (આ મૈત્રી ૧-૮–૧૯૯૫ સુધી તેમના દેહાવસાન સુધી ચાલુ રહી). બનતાં સુધી તેમનાં જ સૂચનથી આલ્ફેડ હાઈસ્કુલના ક્રિકેટ મેદાનમાં ખુલ્લા મંચ પર ભજવાતા નાટયપ્રયોગો જોવાનું મળ્યું. ’૩૪ ના ફેબ્રુઆરીમાં, હું ભૂલતો ન હોઉં તો ઈન્દુલાલ ગાંધીના બીજા એકાંકી સંગ્રહ ‘પલટાતાં તેજ’ માનું ‘પલટાતાં તેજ’ (હેતુલક્ષી રચના) અને ધનસુખલાલ મહેતાનું ‘તરસ’ જોવા મળ્યું. તેમનું જ જાણીતું પ્રહસન ‘પગરખાંનો પાળિયો’ યંગ કલબે તે પછી ભજવ્યું. ( આ જ મેદાન પર ક્રિકેટની રમતમાં બાબુભાઈએ છક્કો મારેલો ને એક બહેનની દોણી ફૂટી ગએલી એવું પણ ઝાંખું ઝાંખું યાદ છે.) ખુલ્લા મંચ પરથી એ.વી. સ્કૂલ, – આજની ધનેશ મહેતા માધ્યમિક શાળા–ના નાનકડા રંગમંચ ને સાંકડે માંકડે ચારસો પ્રેક્ષકો બેસી શકે તેવા મધ્યખંડમાં  નાટકો ભજવવા લાગ્યા. અન્યત્ર લખાયું છે તેમ નાટયપ્રયોગોને અંતે ખર્ચની રકમ જાહેર કરવામાં આવે ને અનુકૂળતા હોય તો પ્રેક્ષક છ આના ( આજના સાડાત્રીસ પૈસા ) એ જ ખંડમાં, બીજે દિવસે નિયત સમયે પહોંચાડે.

દર વર્ષે ઓકટોબરની રજાઓમાં દિવાળી આસપાસ, નાટકો ભજવાય, તૈયારીઓ થાય. આ નાટકોનું, એનાં મંચનનું, ગુજરાતી નાટય સાહિત્યના અને તેના મંચનના ઈતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન છે. આજના જેવાં ધ્વનિપ્રસારણ કે ધ્વનિપટ્ટિકાઓ, પ્રકાશ-આયોજનની સગવડતા નહિ. તદ્દન ઓછા ખર્ચે, સન્નિવેશની ખાસ લપછપ વિના આ નાટકો ભજવાય. પ્રેક્ષકોને સામાન્યતઃ ઊંચી ડોક રાખીને જ, નાટકની પરિભાષામાં કહીએ તો Sit back નહિ પણ Sit up ની ૧ સ્થિતિમાં બેસવું પડે. દાદા આ મંચ પર ક્યારે પ્રવેશ્યા તેતો બાબુભાઈ કહે ત્યારે, ઘણા ખરા દાદાઓએ, દાદા થયા પછી, જીવનમાંથી વિદાય લીધી છે.—પણ આ એક વિલક્ષણ પ્રયોગ હતો. પ્રેક્ષકોની વચ્ચેથી દાદાઓ પ્રવેશે, તત્કાલીન ઘટનાઓ વિષે વક્રોકિતપૂર્ણ વાકયોમાં, કયારેક ધારદાર તો ક્યારેક સૂક્ષ્મ નર્મ-મર્મ યુકત પ્રહારો થતા રહે; જેના પર પ્રહાર થતો હોય તે પણ માણે એવી ખેલદિલી તેમાં હોય – હાસ્ય હોય પણ ડંખ ન હોય. અમે શ્રી મનહરકુંવરબા રાજપૂત વિધાલયમાં બાપુનો ડાયરો’ નો આ પ્રકારનો જ પ્રયોગ ૧૯૪૩ થી શરુ કરેલો (હમણાં બાપુ આરામ પર છે) ને નાટયવિદ્દ, કુશળ નટ, દિગ્દર્શક શ્રી કિરીટસિંહજી ગોહિલે શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યાવિદ્યાલયમાં ‘બઈજી’ નો પ્રયોગ શરુ કર્યો. યંગ કલબનાં નાટકોનાં લેખનમાં સહ ભાગી રવિભાઈ મહેતા, બાબુભાઈ વ્યાસ, મુનિકુમાર ભટ્ટ, જગદીપભાઈ વીરાણી તેના સાથીનેં સહભાગી. આવાં નાટકોને પાછળથી Improvisation જેવું મોટું નામ મળ્યું. દાદાઓ ને ફરી પાછા બોલાવવા જેવા. માત્ર ભાવનગરમાં નહિ, ભાવનગરની બહાર પણ યંગકલબનાં નાટકોની નોંધ ગૌરવ પૂર્વક લેવાતી હતી.

આપણે નાટયક્ષેત્રે આજે (૧૯૯૯માં) ઠીક ઠીક ગતિ કરી હોવા છતાં, આપણું નાટક-સાહિત્ય સમૃધ્ધ નથી. વાંચવાનું નાટક અને

ભજવવાનું નાટક–સાહિસસત્યિક નાટક અને રંગભૂમિક્ષમ નાટક ની જુદી નાત હતી ને – -7 સાહિત્યિક નાટક – વાંચવાનું નાટક વિશેષ ગૌરવ પામતું હતું. એમાં, ફેરફાર થયો છે, ન ભજવાય તે નાટક નહિ એવું સ્વીકારાવાથી લાગ્યું છે– પણ આ સૈકાના ચોથા પાંચમાં દાયકામાં – ને છઠ્ઠા દાયકામાં પણ યંગ ક્લબનું નાટક એ વિરલ ઘટના હતી. ભજવનાર પાત્રોની ક્ષમતાને લક્ષમાં રાખીને મિત્રો આ નાટકો લખતા ને પૂર્વપ્રયોગ દરમિયાન ફેરફાર પણ થતાં રહેતા. એટલે જ સમગ્ર ગુજરાત એની નોંધ લેતું. આ અંગે એક જાત અનુભવ નોધું. વર્ષનો ખ્યાલ થોડો ચૂકાઈ ગયો છે, પણ સંભવતઃ ૧૯૫૫ ના ઓકટોબરમાં સૌરાષ્ટ્ર લેખક મિલનનું બીજું અધિવેશન ભાવનગરમાં મળ્યું. ત્યારે શિશુવિહારના રંગમંચ પર ‘અણધાર્યા ઊતરાણ’ અને સંભવતઃ ‘આત્માના આંસુ’ વગેરે ભજવાયાં. સૌરાષ્ટ્રભરના સો ઉપરાંત સાહિત્ય પ્રેમીઓનો આનંદ ઉભરાયા · વાહ, વાહ ‘ ના ઉદ્દગારો સતત સંભળાયા કરે ને ‘આવું તો કયાંય નથી’ એવું વારંવાર બોલાયા કરે, શ્રી વજુભાઈ શુકલ સાથે  બોલનારમાં મુખ્ય, શ્રી જયમલ્લભાઈ પરમાર સાથે આવેલ રાજકોટની મિત્રમંડળી. આપણાં તો કોટના બટ્ટન તૂટયાં વિના ન રહેને.

એવા ચાલીસેક નાટકો પૈકી સાત નાટકો અહીં ગ્રંથ સ્વરૂપે, એ ભજવાયાં પછી લગભગ પચાસેક વર્ષે આપણી સમક્ષ આવે છે. વીતેલાં વર્ષો દરમિયાન નાટકની ટેકનિક તેમ નાટક વિશેના ખ્યાલ અંગે ઘણા ફેરફારો થયા છે. તે સમયે જેનું મંચન મુશ્કેલ બનતું તેનું મંચન આજે ધ્વનિ–પ્રકાશ ને પરિવર્તિત–ફરતા–રંગમંચને કારણે શકય બને છે. રેડીઓ-નાટક જુદી જ રીતે ઉપસ્યું છે. તે છતાં આ નાટકો વાંચતી વખતે, એનું મંચન થતું હોય તેવું કલ્પનાની આંખે જોઈ શકાય છે (મેં તો એ નાટકો જોયાં હોવાથી ફરીથી માણ્યાં), ને નાટકની શોધમાં સતત ફાંફા મારતી નાટયમંડળીઓને આમાંથી પસંદગી કરી, નાટકો ભજવવાનું ગમશે એવી મારી શ્રદ્ધા છે.

મારો ખ્યાલ છે ત્યાં સુધી આ નાટકોનાં લેખનમાં, ઉપર નોંધ્યા છે, ને અન્ય પણ નોંધાયા છે, તે નામોમાં ઈન્દુકુમાર છ. દવે ( વકીલનો અસીલ અને બીજા નાટકો’ ના કર્તા) નો પણ સમાવેશ કરવો ઘટે. વિશેષ બાબુભાઈ જાણે !  નાટયક્ષમ ક્ષણ પારખતાં લેખકોને બરાબર આવડી છે; એટલે જ નાટયને આવશ્યક ચમત્કૃતિ અહીં આપી શકાય છે.

નાટક “આત્માનાં આંસુ”: મૃત પુત્રના આત્મા સાથે વૈજ્ઞાનિક શોધને પરિણામે પાછો બોલાવી શકતા ને એ કારણે કીર્તિ રળતા વૈજ્ઞાનિક અંધ પ્રોફેસર, અને ભાઈને ખુબ ચાહતી બહેનની સ્થિતિ એ સૈનિકપુત્ર કદરૂપ ચહેરે પાછો આવે ત્યારે શું દશા થાય; જેના મૃત્યુને કારણે પ્રોફેસર શોધ કરી શકયા તે તો જીવંત છે એવો ખ્યાલ આવે તો એમના યશનો મહેલ તૂટી જ પડે ને ? પેલા યુવકે બહેનની વાત જાણી બહેન બહુ જ યુકિતપૂર્વક શું કરવું? ભાવપૂર્વક, ભાઈ પ્રત્યેનો પ્રેમ અડીખમ રીતે સાચવી રાખીને, તેને વાત કરે છે ને પુત્ર પિતા સમક્ષ–દુનિયા સમક્ષ હવે જીવંત રૂપે દેખાવા માંગતો નથી એ પુત્રના મિત્ર હોવાનો પાઠ ભજવે છે, પણ એના ગયા પછી એ જ સ્પર્શથી ને એક જૂના અનુભવના સ્મરણથી પિતા એ પુત્ર જ હતો તેમ પારખી શકે છે એ ‘આત્માનાં આંસુ’ નાટકની ઘટના છે. આરંભ માં હળવાશ, ચબરાકી ને પાછળથી ઘન કરુણા.

આ નાટક ભજવાયું ૧૦ ઓકટોબર ૧૯૪૮ ની સાંજે. તે જ સાંજે તેની સાથે મજવાયું ‘હાલરડું’. ૧૯૨૦ થી લગભગ ૧૯૪૦-૪૧ સુધીના ભારતના રાજકીય ઈતિહાસની ઝાંખી કરાવતું આ નાટક લેખકની દેશપ્રીતિનું સૂચક છે ‘આત્માનાં આંસુ’  વાંચતા—જોતાં W.W.Jacobs નું Monkey’s Paw કે ધૂમકેતુની એક વાર્તા ને ભુલાઈ ગયેલા વાર્તાકાર બચુભાઈ ઉમરવાડિયાની એક વાર્તા ‘આકાશવાણી’ યાદ આવે તેને આ નાટક વાંચતા W. B. Yeats નું ‘કેથલીન ઓફ હોહોલીના’ યાદ આવે ત્યાં કેથેલીન આયર્લેન્ડનું પ્રતિક અહીં ભારતમાતનું પ્રતિક છે નજીકની ઘટનાઓનો સમયગાળો લાંબો છે, એટલે પોત પાંખુ પડી ગયું છે, રેડીયો નાટક તરીકે તે બરાબર રજૂ થાય. અહીં રજૂ થયેલ કલ્પનાઓની વાસ્તવિકતા અંગે બયાન  ન હોઈ શકે (તે છતાં ઘણું બધુ તો એમ જ બન્યુ કે તે સ્વીકારવું રહ્યું) તે કહેવાની જરૂર ન હોય.

આવી જ રીતે બધા નાટકો વિશે લખવા બેસું તો લખાણ બહુ લાબું  થઈ જાય. યશવંત પંડયાના ‘સાહિત્ય સેવકોની મેચ’ કે ચં. ચી. મહેતાનાં ‘વજો તાંતરિયો’નું સ્મરણ કરાવતું મુનશી શરદબાબુ, ચં. ચી. મહેતા, ગોકુળદાસ રાયચુરાના સાહિત્યની લાક્ષણિકતા કાક, દેવદાસ, બાદશાહ બિરબલ, નાયક જેવા પાત્રો દ્વારા નર્મ – દ્વારા કરાવી આપતું પ્રહસન કોટિનું, ૬ નવેમ્બર૧૯૪૮ માં ભજવાયેલું, મીનળ સ્ત્રી નહિ પણ પુરુષ મીનળ છે તેવું પ્રતિપાદન કરતું ‘વિવેચક અથવા મુનળ’ ગિજુભાઈની વાર્તા ટીડા જોષીનાં બુદ્ધિચાતુર્યને આલેખતું, તેમની મશ્કરી કરવા આવનારને, ચાટ પાડતું નર્મ મર્મ સભર પ્રહસન ટીડા જોષી ભજવાયું ૧૯૫૦માં); વૃદ્ધ સ્નેહને- પુનઃ સ્મરણ દ્વારા, પરિવર્તિત ઘટનાઓ દ્વારા આલેખતું, કિશોર–યુવાન–વૃદ્ધ અવસ્થાના પ્રશ્નોને વાચા આપતું, અનેક વખત ભજવાયેલું, ઘટના કરતાં સંવાદ દ્વારા વિકાસ સાધતું, ‘જગતને બાંકડે’ (પ્રથમ વખત ભજવાયું ૧૯૫૧ માં); પૈસા દ્વારા ઉભાં થતાં અનિષ્ટોને રજૂ કરતું, સુખ સંપત્તિ, શાહુકારી કે વૈભવમાં નથી તેનું પ્રતિપાદન કરતું, તેમ કરવામાં ‘દિવા-સ્વપ્ન’ નો આશ્રય લેતું, ૧૯૫૧ માં જ પ્રથમ વખત ભજવાયેલું ‘દિવા સ્વપ્ન’ યંગકલબની મુદ્રાથી અંકિત છે જ. પણ ‘દિવાસ્વપ્ન’ પછી છ વર્ષે ભજવાયેલું સંગ્રહ નું છેલ્લું ‘ખેલદિલી’ આપણાં એકાંકી સાહિત્યમાં ‘આત્માનાં આંસુ ની માફક, વિશિષ્ટ સ્થાનનું અધિકારી છે. યુદ્ધ મોરચે આંખ ગુમાવી બેઠેલ સુરેશ તેની એક વખતની પ્રેયસી રેખા કિરીટ સાથે જોડાતા રોકે, તે માટે દેખતા હોવાનું નાટક ભજવે છે; પણ સફળ થતો નથી. કિરીટ પ્રત્યે એણે તે પહેલાં બે વખત ખેલદિલી દાખવેલી છે; એનાં નાટકની સફળતાનો ખ્યાલ રેખા કિરીટને આવી ગયો છે એટલે ખેલદિલી દાખવવાનો અધિકાર સુરેશને જ ન હોઈ શકે, પોતાને પણ હોઈ શકે તેવું વર્તન એ કરે છે ને માત્ર આ જ નાટકમાં નટ–નટીના સ્નેહની ઝાંખી કરાવતું આછેરું આલિંગન અંતે દર્શાવેલ છે.

વસ્તુચયન, તેનું નિર્વહણ, સંવાદોની સહજતા સરળતા ને “આત્માનાં આંસુ” કે ‘ ખેલદિલી ’ માં ઉપજતા પાત્ર વ્યકિતત્વ ને કારણે આ નાટકો આવકાર પાત્ર છે – ઉજળા આવકાર પાત્ર છે.

‘અણધાર્યા ઊતરાણ’ શીર્ષકથી બાકીનાં નાટકો હવે ગુજરાતને પ્રાપ્ત થાય. દીર્ઘ નાટકો પણ મળે તેવી ટહેલ ગુજરાત વતી નાખું છું. યંગકલબને હાર્દિક અભીનંદન !

તખ્તસિંહ પરમાર
વિદ્યાનગર,
ભાવનગર-ર.
૧૭ એપ્રિલ, ૧૯૯૯


સંપર્કઃ 

નીતિન વ્યાસ:   ndvyas2@gmail.com