ધર્મ અને વિજ્ઞાન

ચિરાગ પટેલ

પ્રયાગરાજમાં યોજાતા આધુનિક કુંભ મેળાનું મૂળ માઘ મેળામાં છે જે આદિ શંકરાચાર્યે આયોજિત કરેલો. એનું મૂળ ‘જય’ (મહાભારત) ગ્રંથના આદિપર્વમાં વર્ણીત માઘ ઉત્સવમાંછે. એ પછી પરંપરા બની. કુંભ મેળા કે માઘ મેળા અંગે અનેકગણી માહિતી ઇન્ટરનેટ પર મળી આવે છે. માઘ મેળો લગભગ જાન્યુઆરી/ફેબ્રુઆરીમાં જ્યારે ચંદ્ર અને સૂર્ય ચોક્કસ સ્થાનમાં હોય ત્યારે યોજાય છે. ગુરુ ગ્રહ પૃથ્વી સંદર્ભે પ્રતિ બાર વર્ષે એક ખગોળીય ભ્રમણ પૂરું કરે છે. એટલે, ગુરુ ચોક્કસ સ્થાનમાં હોય એ માઘ મેળો કુંભ, અર્ધ કુંભ કે મહા કુંભ બને છે.

(આકૃતિ ૧
સાભાર: https://webbtelescope.org/contents/articles/what-is-the-center-of-our-galaxy-like)
(આકૃતિ ૨
સાભાર: https://galacticcenter.astro.ucla.edu/learn-about-our-galaxy.html)

 

પૃથ્વીને છોડી થોડી વાર માટે આકાશમાં દૃષ્ટિ માંડીએ. પૃથ્વીના સંદર્ભે આપણી દૂધ ગંગા આકાશગંગાનું કેન્દ્ર લગભગ ૨૬,૦૦૦ પ્રકાશ વર્ષ દૂર સ્થિત સેગીટેરિયસ એ* નામના કૃષ્ણ વિવર (બ્લેક હૉલ)માં છે. એ કૃષ્ણ વિવર પાશ્ચાત્ય રાશિચક્ર પ્રમાણે ધનુ રાશિ અને વૃશ્ચિક રાશિ વચ્ચે સ્થિત છે જે આકૃતિ ૧માં રક્તિમ વર્તુળમાં જોઈ શકશો. એમાં ૨૪ અંશ ઘટાડતા ભારતીય જ્યોતિષ પ્રમાણે તુલા અને વૃશ્ચિક રાશિ વચ્ચેનું સ્થાન આવે છે. કેન્દ્રનો વિસ્તાર લાખો તારાઓનો બનેલો છે જેના કેન્દ્રમાં કૃષ્ણ વિવર છે. આ વિસ્તારની ઘનતા સમજવા પૃથ્વીનું દૃષ્ટાંત લઈએ. પૃથ્વી માટે સૂર્ય પછી સહુથી સમીપ તારો જય (આલ્ફા સેન્ટોરી) ૪.૩ પ્રકાશ વર્ષ જેટલા અંતરે છે. આકાશ ગંગાના કેન્દ્રે આટલા અંતરમાં લગભગ દશ લાખ તારા છે! અને, કેન્દ્રમાં સ્થિત કૃષ્ણ વિવરનું દળ ચાલીસ લાખ સૂર્ય જેટલું છે. આવા કદાવર વિવરના અવિરત ચાલતા યજ્ઞમાં જે પદાર્થ હોમાય છે એનાથી અનેકગણો પ્રકાશ ઉત્પન્ન થાય છે. સાથે અનેક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો અને ગુરુત્વાકર્ષણના તરંગો ઉત્પન્ન થાય છે.

આપણે ગ્રહોની સ્થિતિ ખગોળની દૃષ્ટિએ પ્રયાગરાજમાં યોજાતા ૨૦૨૫ના પૂર્ણ કુંભ મેળા સંદર્ભે જાણીએ. પ્રત્યેક વર્ષે સૂર્ય નવેમ્બર / ડિસેમ્બર મહિનાઓમાં આકાશ ગંગાના કેન્દ્રની રાશિઓમાં હોય છે, અને ડિસેમ્બર ૨૨ કે ૨૩ પછી ધનુ રાશિના પૂર્વ અષાઢા નક્ષત્રમાં પ્રવેશે છે, જેને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ. ૧૪ કે ૧૫ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ફેબ્રુઆરી ૨૫ પછી કુંભ રાશિમાં પ્રવેશે છે. પ્રયાગ રાજમાં જ્યારે કુંભ મેળો હોય એ વર્ષે આ સમગ્ર સમયગાળામાં (નવેમ્બરથી ફેબ્રુઆરી) ગુરુ વૃષભ રાશિમાં હોય છે. અર્થાત્ વૃશ્ચિક રાશિ અને ગુરુ વચ્ચે પૃથ્વી હોય છે. એટલે કે, આકાશગંગાના કેન્દ્ર અને પૃથ્વીને જોડતી રેખાની લગભગ વિરુદ્ધ દિશામાં ગુરુ હોય છે. સૂર્યની કુંભ સંક્રાંતિ સમયે આકાશગંગાના કેન્દ્ર અને પૃથ્વીથી પૃથ્વી અને સૂર્યને જોડતી રેખા કાટખૂણો બનાવે છે. સાથેની આકૃતિ ૩ અને ૪ જુઓ એટલે સ્પષ્ટ સમજાશે.

(આકૃતિ ૩
સાભાર: https://www.theplanetstoday.com/hindu_astrology.html)

આલ્બર્ટ આઈન્સ્ટાઈને સમજાવ્યા પ્રમાણે પ્રકાશના કિરણો પર ગુરુત્વાકર્ષણની અસર થતી હોય છે. અવકાશી પદાર્થ જેટલો મોટો એટલો એ કાલ-આકાશ (સ્પેસ ટાઈમ)માં ઊંડો ખાડો પાડે. ખાડો ઊંડો હોય એ પ્રમાણે પ્રકાશના કિરણો કે ગુરત્વકર્ષણના તરંગો એટલા પ્રમાણમાં વળીને બીજી બાજુ જાય! પૃથ્વી પર અનુભવાતા અવકાશી ગુરુત્વાકર્ષણમાં ચંદ્ર, સૂર્ય અને ગુરુનો સિંહફાળો હોય છે. ૧૨ વર્ષે યોજાતા કુંભ મેળામાં ગ્રહોની સ્થિતિ એવી બને છે કે જેથી પૃથ્વી પરથી દેખાતા આકાશગંગાના કેન્દ્રને અન્ય કોઈ અવકાશી પદાર્થના ગુરુત્વાકર્ષણની અસર ના થતી હોય. એટલે કે, ત્યાંથી આવતાં પ્રકાશના કિરણો કે અન્ય તરંગો લગભગ સીધા જ આવતાં હોય છે, કૃષ્ણ વિવરની દૃશ્ય સીમા સુધીના સ્થાનેથી આવતાં પ્રકાશ કિરણો કે કૃષ્ણ વિવરના ગુરુત્વાકર્ષણ કે અન્ય પ્રકારના કિરણોની આપણે અહિ ચર્ચા કરીએ છીએ. છેવટે, પૃથ્વીની નિકટ રહેલાં પદાર્થોની અસરથી તો એ મુક્ત જ રહે છે. આપણે એવો તર્ક પણ કરી શકીએ કે, જૂન-જુલાઈમાં ગુરુ અને સૂર્ય વૃષભ રાશિમાં હોય એવું બાર વર્ષે બની શકે છે જ્યારે કેન્દ્રના કિરણો પર સૂર્યની નહિવત અસર થાય. તો એ જ મહિનાઓમાં કુંભ મેળો (કે વૃષભ મેળો) કેમ નહીં? ભારતમાં એ મહિનાઓ વર્ષા ઋતુના છે એટલે સહુથી આદર્શ પરિસ્થિતિ જાન્યુઆરી-ફેબ્રુઆરીમા બને એ સ્વાભાવિક છે. તદુપરાંત, તુલા, ધનુ અને વૃશ્ચિક દક્ષિણ ગોળાર્ધની રાશિઓ છે. જાન્યુઆરી/ફેબ્રુઆરીમા પૃથ્વીનો દક્ષિણ ગોળાર્ધ સૂર્ય બાજુ ઝૂકેલો હોય છે.

પરંપરાગત, હરિદ્વારમાં કુંભ મેળો જ્યારે ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે (ફેબ્રુઆરી-એપ્રિલ) યોજાય છે. પ્રયાગરાજમાં ગુરુ મેષ અને ચંદ્ર-સૂર્ય મકર રાશિમાં હોય અથવા ગુરુ વૃષભ અને સૂર્ય મકર રાશિમાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી) હોય ત્યારે યોજાય છે. નાસિકમાં ગુરુ સિંહ રાશિમાં હોય અથવા ગુરુ-સૂર્ય-ચંદ્ર યુતિ કર્ક રાશિમાં થાય ૯ ઓગસ્ટ-સપ્ટેમ્બર) ત્યારે કુંભ મેળો હોય છે. અવંતિકા(ઉજ્જૈન)માં ગુરુ સિંહ અને સૂર્ય મેષ અથવા ગુરુ-સૂર્ય-ચંદ્ર યુતિ તુલા રાશિમાં (એપ્રિલ-મે) હોય ત્યારે થાય છે. આ સર્વે ખગોળીય ઘટનાઓમાં આકાશગંગાના કેન્દ્ર અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણનો લઘુત્તમ હસ્તક્ષેપ હોય છે.

કુંભ મેળાના ઉત્સવ નિમિત્તે આપણે ચોક્કસ સ્થળે કેમ જવું? ખગોળીય ઘટનાની માનવ શરીર અને મન પર થતી સૂક્ષ્મ અસરો સમજી શકીએ એટલા પ્રબુદ્ધ આપણે નથી થયાં. તો પણ ઘર બેઠા આપણને ખગોળીય અસરો અનુભવાશે જ ને. પરંતુ, આપણે ઘરે હોઈએ તો દૈનિક ઘટમાળથી છૂટા થઈ અવકાશી અસરો મેળવવા પ્રયત્ન નથી કરવાના. કુંભ મેળાને નિમિત્ત બનાવી કોઈ પ્રાકૃતિક સ્થળે, કોઈ નદી કે ઝરણામાં કે સમુદ્રમાં સ્નાન ઇત્યાદિનો આનંદ લઈ પૂજા-પાઠ કે ધ્યાનથી મનને સ્થિર કરીએ તો અવકાશી ઘટનાનો મોટો લાભ લઈ શકીએ. છેવટે તો પ્રયાગરાજ જઈને ત્રિવેણીસ્નાન કરીવાનું એ જ તો મહત્વ છે. તો શાસ્ત્ર સહમત પ્રાચીન પરંપરાનું પાલન કરવાથી એક મહત્વની ખગોળીય ઘટનાના આપણે સાક્ષી બની શકીએ છીએ અને એની જે અસરો આપણે સમજી નથી શકતાં એનો પ્રભાવ લઈએ છીએ એ કેટલો મોટો લાભ! આમ પણ સર્વે પરંપરાગત ઉત્સવો પ્રકૃતિ સાથે તાલમેળ જાળવવા માટે છે!

|| ૐ તત્ સત્||


શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com