ચેતન પગી

શિયાળાની ઋતુમાં જગત બે ભાગમાં વહેંચાઈ જાય છે. પહેલાવાળા એવું માને છે કે વહેલા જાગીને નહાઇ નાખવું જોઈએ. જ્યારે બીજા ભાગવાળા જીવદયાપ્રેમી છે. તેઓ મક્કમપણે એવું માને છે કે વહેલી સવારે નાજુક, નમણાં શરીર પર પાણી રેડવું એ પણ એક પ્રકારની હિંસા છે.
પહેલું સુખ તે નહાયા વિના પડી રહ્યાં એ તેમનું ધ્યેયસૂત્ર છે. પણ નહીં નહાવા માગતા લોકોની પીડાનો પાર નથી. જેમને પ્રેમ, આદર, આઇફોન બધું જ આપ્યું એવા સ્વજનો જ જ્યારે ‘નહાઈ નાખો હવે, નહાઇ લો, હજુ નહાવા ગયા નથી?’ પ્રકારના કડવા વેણ સંભળાવે ત્યારે એવું થાય કે ધરતી મારગ આપે અને સમાઈ જાઉં પણ બાથરૂમમાં તો નહીં જ પ્રવેશું. આ એવી પીડા છે જે માત્ર પોતીકાં જ આપે છે. ઘરની બહાર લારી લઈને નીકળતો શાકવાળો ‘સાહેબ, હવે તો નહાઇ લો’ એવું ક્યારેય નથી કહેતો. નહાવાની વાત આવે તો લાગી આવે કે ઘરવાળા કરતાં તો શાકવાળા વધુ પ્રેમાળ છે. સ્નાનવિરોધી સંગઠનના કંઈ કેટલાય સભ્યો તો મંદિરની બહાર ‘નહાઇને પ્રવેશવું’ એવું પાટિયું વાંચ્યા પછી નાસ્તિક થઈ ગયાના દાખલા છે.
શિયાળાની સવારે એક તો રજાઈનો ત્યાગ કરીને પથારીમાંથી બહાર નીકળવું એ જ પ્રચંડ પુરુષાર્થ માગી લેતું કામ છે. આ પુરુષાર્થના પરિણામે પ્રાપ્ત થતી ચા પીતા-પીતા અખબારના માધ્યમથી ચૂંટણીની સભામાં કોણ શું બોલ્યું, ફ્લાવર શોમાં કેટલાં ફૂલ ઊગ્યાં, સ્માર્ટ ફોન કે સ્માર્ટ ટીવી પર ક્યાં કેટલું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે જેવી આસપાસની દુનિયાની મહત્ત્વની અપડેટ મેળવી રહ્યાં હોઈએ ત્યાં જ ‘હવે નહાઇ લો, છાપુ પછી વાંચજો’ નામની મિસાઇલ કાનમાં ત્રાટકે છે. હજુ અડધા કલાક પહેલા માંડ જાગેલો માણસ સાંપ્રત જગતની સમસ્યાઓનું સમાધાન શું હોઈ શકે છે એવા મહાન વિચારમાં પરોવાયેલો હોય ત્યાં નહાવા જેવી ક્ષુલ્લક બાબતનો આગ્રહ કોઈ ક્રાંતિકારીને શાક સમારવા બેસાડી દેવા જેવો બિનજામીનપાત્ર ગુનો નથી તો શું છે?
કોઈ પણ જાગૃત નાગરિક સમજે છે કે બાથરૂમમાં પાણી ભરેલી ડોલને તાકી રહેવા કરતા અખબારમાં શેરબજારના સમાચાર વાંચવાના બહાને ત્રાંસી નજરે ફિલ્મી અભિનેત્રીની લેટેસ્ટ અપડેટ વાંચવી વધારે અગત્યનું કામ છે. શરીરનો મેલ દૂર કરતાં પહેલાં મનનો મેલ દૂર કરવો જરૂરી છે એ નહાવાનો આગ્રહ કરતા સ્વજનોને કોણ સમજાવશે? ‘નહાવાનો દુરાગ્રહ રાષ્ટ્રનિર્માણ આડેનો સૌથી મોટો અવરોધ છે’ એવું શાળાની દીવાલ પર કે વર્ગખંડના બ્લેકબોર્ડ પર વાંચવા ક્યારે મળશે? નહીં નહાવા માગતા લોકોએ જો ઈતિહાસ અને બંધારણનો પૂરતો અભ્યાસ કર્યો હોત તો આ પીડા ભોગવવાનો વારો આવ્યો નહોત.
શિયાળામાં નહાવું કેમ જરૂરી નથી એ માટેનાં અઢળક કારણો ઈતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. સ્વયં સ્વામી વિવેકાનંદે પણ ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહ્યો એમ કહ્યું છે. એમણે એવું ક્યારેય નથી કહ્યું કે ઊઠો, જાગો, નહાઇ લો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઈતિહાસમાં નોંધાયેલા યુદ્ધો કે ક્રાંતિઓનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે ડાબેરી, જમણેરી કે સરકારી એવી એકપણ ફ્લેવરના કોઈ ઈતિહાસકારે ક્યારેય લખ્યું નથી કે રાષ્ટ્રના નવનિર્માણ કાજની ક્રાંતિ કરવા માટે નહાઇ લેવું એ પહેલી શરત છે. ફ્રાન્સની ઐતિહાસિક ક્રાંતિએ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનાં ઉદાત્ત મૂલ્યો આપ્યાં હતાં. જેમાં નહીં નહાવાની સ્વતંત્રતાના વિચારનો પણ સમાવેશ થાય છે.
જગતની મહાન હસ્તીઓનાં જીવનચરિત્રો વાંચતાં ખ્યાલ આવશે કે ભાગ્યે જ કોઈએ એવું લખ્યું છે કે શિયાળાની સવારે હું અચૂક નહાઇ લેતો હતો કે નહાઇ લેતી હતી. સૌથી જડબેસલાક કારણો આપણા બંધારણમાંથી પ્રાપ્ત થાય છે. નાગરિકોની મૂળભૂત ફરજોમાં શિયાળાની સવારે નહાઇ લેવાની ફરજનો સમાવેશ નથી કરાયો. નહાઇ લેવાનો આગ્રહ કર્યા કરતી પત્ની કે મમ્મીનું મોં બંધ કરવા માટે આમ તો આટલી દલીલ પૂરતી છે (જો દલીલ કરવાની હિંમત હોય તો). આપણે પણ નહાઇ લેવાનાં કારણો કરતાં જેના નામે નહાઇ નખાય એવાં કારણો વધારે જ છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૨-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ

હુ બહુ ઠંડી હોય ત્યારે ન્હાવાને બદલે વ્હાલાની ગોળી લેતો હોઉં છું
LikeLike