સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર

(મારા પ્રવાસ વિષે લોકો ગમે તેમ બોલો, પણ મને જે રૂડું અને ઠીક લાગ્યું તે મેં કરયું છે. આ બાબદમાં મારા ઉપર જે દુ;ખ પડે છે તે હું ધિરજથી સહન કરૂં છઉ, પણ મને મોટામાં મોટો સંતોષ તો એ જ છે કે હું એક મોટી અને રૂડી યાત્રા કરી આવ્યો છઉં. એ યાત્રાના સ્મરણથી મને મારા દુ;ખમાં જે સુખ ઉપજે છે તેમાં હું બહું આનંદ પામું છઉં. હું ધારું છઉં કે જેમ દેશના બચાવની લડાઇમાં ગમે તેટલું લશ્કર છતાં -લડાઇની પેહલી હારમાં ઉભેલા સીપાઇઓ કપાઈ જવા જ અથવા ઘાયલ થવા જોઈએ તેમ હરેક સુધારાના મોટા કામમાં પેહેલ કાહાડનારાઓ ઉપર દુ:ખ પડવું જ જોઈએ. એ દુ;ખમાં ભાગ લેવાને જ્યાં લગી સુધારાના સાથીઓ કે મિત્રો હિંમત પકડીને મેદાન પડશે નહી ત્યાં લગી આખી જાત કે આખી નાત પોતાની મેળે કોઇ પણ મોટા સુધારામાં દાખલ થઈ શકશે નહી. સુધારાનું કોઈપણ મોટું કામ આખી જાતનાં કે આખી નાતનાં એક મતથી અને એક વિચારથી કોઇ કાળે થઈ શક્યું નથી અને હું ધારું છઉં કે કોઇ કાળે થઈ શકશે પણ નહી)
એ સમયમાં કરસનદાસ ઇંગ્લેન્ડની ડેલીએ માત્ર હાથ અડકાડીને જ પાછા આવ્યા હોત તો પણ એક મોટું સાહસ ગણાત પરંતુ તેમાણે માત્ર સાહસ ખાતર સાહસ કર્યું ન હતું ઇંગ્લેન્ડના લોકોની રહેણીકરણી, સામાન્ય વિવેક અને બીજા જે કોઈ ગુણોથી મહાન બની હતી તે પ્રત્યક્ષ જોઈને પોતાના દેશની પ્રજાને તેનાથી અવગત કરવા ઉપરાંત તે ગુણો આપણી પ્રજામાં ઉતરે તેવી ભાવના તેમનામાં હતી. આથી જ પુસ્તકમાં તેઓ ઇંગ્લેન્ડની પ્રજામાં જે કાંઇ સારું છે તે બાબતે તેની સરખામણી આપણી પ્રજાની સાથે કરી છે. ત્યાંના લોકોની ધંધારોજગારની પદ્ધતિ અને પસંદગી બાબતે તેઓ લખે છે, “’મારો બાપ સુતારનો ધંધો કરે છે તેટલા માટે મારે પણ સુતારનો જ ધંધો કરવો’ અથવા ‘મારો બાપ ગાંધીની દુકાન માંડી બેસે છે માટે હું બીજા ધંધામાં કેમ પડું?’ એવી ઉંધી સમજ વીલાયતના લોકોમાં નથી. જે ધંધા ઉપર બચપણથી જ વળગણ લાગે તે ધંધો કરવાથી જેવો લાભ થાય તેવો લાભ બાપદાદાના ધંધાને વળગી રહેવાથી થતો નથી”
આપણા દેશમાં બાબદાદાનો જ ધંધો કરવા માટે સમાજનો દુરાગ્રહ કેવો હતો તેનું ઉદાહરણ આપતા લેખક કહે છે, “મેં એક ઘોડાવાળાને કહ્યું કે તને હું દસને બદલે બાર રૂપિયા મહિને આપું અને તું ઘોડાની ચાકરી કરવાને બદલે ઘરની ચાકરી કર, તે બોલ્યો કે મારા બાપદદાનો ધંધો મૂકું તો હું ન્યાત બહાર થાઉ!!
લેખક નોંધે છે કે ત્યાં જાતિભેદ ન હોવાને લીધે એકબીજાના હાથનું ખાવાપીવામાં અભડાઇ જવાનો સવાલ ન હતો. વળી ત્યાં જ્ઞાતિપ્રથા નહિ હોવાથી તેમને મુઠ્ઠીભર મણસોની જ્ઞાતિનાં દબાણ અથવા ગુલામીમાં રહેવું પડતું નથી. તેમ છતાં ત્યાં ચડતાઉતરતા ધંધા કે હોદ્દાના આધારે ભેદભાવ તો રાખવામાં આવે જ છે. ઉતરતા હોદ્દાના માણસો સાથે બેસીને જમવું અથવા તેને પોતાની પાસે બેસાડવો એમાં પોતે નાનપ સમજે છે. તો પણ તેઓ જેને હલકા વર્ગના ગણે છે તેમાનાં કોઈએ કોઇ મોટી સિદ્ધિ મેળવી હોય તો તેની સાથે તેઓ ભેદભાવ રાખતા ન હતા.
આપણા દેશમાં જ્ઞાતિનાં ભેદ અને બંધનને દૂર કરવાની તાતી જરૂરિયાત બાબતે કરસનદાસ લખે છે, ”આ દેશમાં જ્યાં સુધી જાતીભેદનું બંધન છુટશે નહી ત્યાં સુધી આપણા લોકોમાં સ્વતંત્રપણું આવશે નહી, અરે, આપણામાં એવો વિચાર ક્યારે આવશે કે જેણે સ્વતંત્રપણું ખોયું તેનું બધું જીવતર ફોગટ ગયું!” આ રીતે લેખકનો સ્વતંત્રતા માટેનો આગ્રહ અને પોતે પ્રજાની ઉન્નતિ માટે સ્વતંત્રતાને કેટલી મહતવની માનતા તે આપણે જાણી શકીએ છીએ..
એ વખતે ઇંગ્લેન્ડની સમૃદ્ધિ ગમે તેટલી હોય પરંતુ ગરીબો અને ભીખારીઓ તો ત્યાં પણ ઘણા હતા. આપણા દેશના ગરીબોની સાથે સરખામણી કરતા તેઓ જણાવે છે, “આપણા દેશનો ગરીબ કે ભિખારી માત્ર લંગોટી મારીને નાગો કમકાજ ઉપર જશે અને મમરા કે ચણા ફાકીને પોતાનો નિર્વાહ ચલાવી શકશે. વિલાયતમાં તમે તેમ જોશો નહી, ત્યાંના ગરીબ મજુર કે ભિખારીનાં શરીર ઉપર કપડાં જોશો અને તે એટલાં કપડાં કે આખું શરીર ઢંકાયેલું રહે, કપડાં કંઇ ઝીણી ખાદીનાં નહી પણ ગરમ જાડા” માત્ર ત્યાંની ઠંડીને કારણે જ તેમને આવા કપડા પહેરવા પડતા હશે એવા આપણા તર્કને નિર્મૂળ કરતા તેઓ લખે છે, “વિક્રમ રાજાના વખતમાં વિલાયતના લોકો તમામ જંગલી હાલતમાં હતાં ત્યારે તેઓને લંગોટી મારવાને પણ કપડું મળતું નહી હતું, પણ તેઓ માત્ર રંગ લગાડીને શરીરનો નાગો ભાગ ઢાંકતાં હતાં, તે વખતે વિલાયતની હવા જુદી હતી એમ સમજવું નહી. આ ઉપરથી સાબિત થાય છે કે વિલાયતનાં ગરીબ લોકો પોતાનું આખું શરીર ઢાંકી શકે છે તે એ દેશની ચઢતી કળાની એક મુખ્ય અને અગત્યની નિશની છે.”
માથે છાપરાં વિનાના ગરીબ અને ભીખારીઓને રાતવાસો કરવા માટે આપણા દેશમાં કેટલાક શહેરોમાં રેનબસેરા હોય છે. કરસનદાસે એ સમયમના ઇંગ્લેન્ડના રેનબસેરાની વાત પણ કરી છે. પરંતુ ત્યાંના રેનબસેરાનું ચિત્ર ખૂબ વરવું લાગતા તેઓ લખે છે, “આ મકાનોમાં જે અનીતિ ચાલે છે તેનો વિચાર કોણ કરી શકે? અરે એમાં કેવી નઠારી વાતો ચાલે છે ને કેવાં ભુંડા કમો થાય છે ! કેટલાક મકાનોમાં ભાયડાઓ અને બાયડીઓ, છોકરાઓ અને છોકરીઓ એકમેક સાથે થઈ જાય છે. જુવાન છોકરાઓ ઓરડામાં એક નાકેથી બીજા નાકે સંભળાય તેમ મોટેથી એક બીજા સાથે નઠારી વાતો કરે છે. છોકરીઓ એ વાતો સાંભળી ખુશ થાય ને કોઈવાર ફરીથી તેની તેજ વાત કરવાને ઉશ્કેરણી કરે. ત્રણ કે ચાર કે છ જુવાન છોકરાઓ તથા છોકરીઓ એક નાહાની પથારીમાં સુવે. કેટાલાએક એવાં કે જેઓને એક બીજા સાથે જનમમાં પણ ઓળખાંણ નહી, એ વેળાએ શરીર ઉપર કોઈ કપડું રાખે તો ઉલટી અડચણ પડે પછી જે અનીતિ ચાલે તે લખાય એવી નથી*[1].
ઇંગ્લેન્ડની જમીન આપણા દેશની જમીન જેટલી ફ્ળદ્રુપ ન હોવા છતાં તેની ખેતીમાં વધારે ઉપજનું શ્રેય લેખક ત્યાંની વૈજ્ઞાનિક ખેતીને આપતા જણાવે છે, “આપણા દેશની ખેતીવાડીમાં જે હથિયારો સો કે હજાર વરસની ઉપર વપરાતા હતા તેમાં અને આજે વપરાય છે તેમાં ઝાઝો અથવા મુદ્દલ ફેર તમે જોઈ શકશો નહિ. વિલાયતમાં ખેતીવાડીનાં જૂના હથિયારો બદલાઈ ગયાં છે એટલું જ નહી પણ નવી તરેહનાં અનેક હથિયારો બનાવીને ખેતીવાડીમાં તેઓ વાપરે છે, એવાં આસરે ‘ત્રણસો જાતના હથિયારો છે[2]” આ ઉપરાંત બીજું કારણ એ છે કે ત્યાંના શ્રીમંતોએ ખેતીમાં હાથ નાખ્યો છે. લેખકના જણાવ્યા પ્રમાણે મહારાણી વિક્ટોરિયાના પતિ પણ ખેતી કરતા હતા ઉપરાંત તેમણે પોતાના મહેલોની આસપાસની જમીનમાં ખેતી કરીને વૈજ્ઞાનિક રીતે ખેતી કરવાથી કેટલો લાભ થઈ શકે છે તે લોકોને બતાવી આપ્યું હતું. જો કે ત્યાં માત્ર શ્રીમંતો જ ખેતી કરતા એવું ન હતું. ઓછી જમીનવાળા મધ્યમ સ્થિતિના ખેડૂતો પણ હતાં અને તેમનું જીવંનધોરણ ઘણું સારું હતું ,તેઓ ભણેલા હતા અને વર્તમાનપત્ર કે સામાયિકો વાંચીને ખેતીમાં થતા સુધારા અને દેશવિદેશના સામાન્ય પ્રવાહોથી વાકેફ રહેતા.
ઇંગ્લેન્ડના લોકોની વ્યકતિગત અને પરસ્પરની રીતભાત(etiquette) તથા રિવાજને લેખક અનુક્રમે વિવેક તથા ચાલ તરીકે ઓળખાવે છે. આ વિવેક અને ચાલ અંતર્ગત ત્યાંના ગૃહસ્થનાં લક્ષણો, મહિલાઓનાં લક્ષણો , સ્ત્રીઓની સુંદર દેખાવા માટેની રીત તેમજ સૌંદર્યપ્રસાધનો, પોશાક વગેરે વિષે વિસ્તારથી લખ્યું છે. આ ઉપરાંત ત્યાંના લોકોની ભોજન કરવાની પદ્ધતિ, મહેમાનગીરી અને યજમાંનગીરી, પરસ્પર વાતચીત કરવામાં જરૂરી સભ્યતા વિશે પણ લ્ખ્યું છે. આ બધી રીતભાતો અને રિવાજોને લેખક અનુકરણીય લેખે છે. પરંતુ ત્યાંના બોલ ડાંન્સ જેમાં સ્ત્રીઓ પોતાના પતિ ઉપરાંત અન્ય પુરૂષો સાથે નાચે છે તે લેખકને પસંદ પડ્યું ન હતું. તેના કારણમાં તેઓ લખે છે કે આ નૃત્યુના બે પ્રકારો કુવાદ્રિલ અને વોલ્ઝમાં પુરૂષો સ્ત્રીઓને કમરમાંથી પકડી તથા સ્ત્રીપુરૂષ એકબીજાને વળગીને નાચે છે એ નાચમાં ગમે તેવી ખૂબી હોય પણ તેને લેખક નીતિભંગ થવાનો મોટો આરંભ અને પાયો ગણે છે કેમ કે સ્ત્ર્રીપુરૂષનું જ્યારે અંગેઅંગ એકઠું થાય છે ત્યારે માણસની સ્વભાવિક વૃતિને કાબૂમાં રાખવી અઘરી છે. આ તો તેમણે કરી તે સમયના યુરોપની વાત, પરંતુ શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ વર્ણવ્યા મુજબના કૃષ્ણ તથા ગોપીઓ તેમજ બળરામ અને ગોપીઓના રાસના જેવા એ વખતના નાચવાના રિવાજ પણ લેખકને પસંદ નથી!
આપણે ત્યાં તે કાળે બાળલગ્નો એ અપવાદ વગરનો રિવાજ હતો. કરસનદાસ પછી પચીસ વર્ષે જન્મેલા તિલક મહારાજ જેવાએ પણ બાળલગ્નનો માત્ર બચાવ જ નહિ પરંતુ તેના પરના પ્રતિબંધનો ધાર્મિક આધારે ઉગ્ર વિરોધ કરેલો! કરસનદાસે તો બાળલગ્નને એક મોટું અનિષ્ટ ગણેલું. ઇંગ્લેન્ડમાં તેમણે જોયું કે સામાન્ય રીતે છોકરાઓ બાવીસ વર્ષ અને છોકરીઓ વીસ વર્ષની ઉંમર પહેલા લગ્ન કરતી નથી. વળી લગ્ન કરવા માટે છોકરાને પગભેર થવું અત્યંત જરૂરી મનાતું. કોઈ મેળાવડામાં કે અન્ય કોઇ સ્થળે છોકરાછોકરીની મુલાકતમાં તેઓ એકબીજાને ગમી ગયા હોય તો લગ્નસબંધ માટે તૈયાર થતા. માબાપની સંમતિ પછીથી માગવામાં આવતી. અલબત માબાપ છોકરા કે છોકરીનાં કુળ બાબતે આગ્રહ રાખતા જ. લગ્ન માટે સંમત થયા પછી લગ્ન કરવા માટે થોડો સમયગાળો રાખવામાં આવતો અને એ દરમિયાન જો છોકરા કે છોકરીમાં કોઈ ખામી જણાય તો તે દૂર કરવાની તક આપવામાં આવતી .પરંતુ કોઈ મોટી ખામી હોય તો સબંધ તોડી નાખવામાં આવતો.
આ તો થઈ ઇંગ્લેન્ડની પ્રજાની રીતભાત, જીવનશૈલી અને સમાજજીવનની વાત. પરંતુ કોઇ પણ પ્રજાની જીવનશૈલી અને સમાજજીવનનો આધાર તે પ્રજામાં સામાન્ય (common) હોય તેવા વ્યક્તિગત ગુણો પર હોય છે. લેખકે ઇંગ્લેન્ડની પ્રજાના ઉદ્યમશીલત, કાર્ય કરવામાં કુશળતા, કોઈપણ ક્ષેત્રમાં આગળ આવવા માટે હરિફાઈ, સાહસિકતા, હિંમત, ટેકીપણું તેમજ પરોપકાર વૃતિ, કામને વેઠ નહિ સમજતા ઉત્સાહ પૂર્વક કરવું તેમજ હાથમાં લીધેલું કાર્ય હતાશ થયા સિવાય છોડવું જ નહિ વગેરે ગુણોના ભરપેટ વખાણ કર્યા છે. પરંતુ સૌથી મોટા ગુણ તરીકે ત્યાંની પ્રજાના રાજકીય અને વ્યક્તિગત સ્વતંત્રતા માટેના પ્રેમ અને આગ્રહને ગણાવ્યો છે. આ અંગે તેઓ લખે છે, “ગુલામી અવસ્થાનો જેવો ધિક્કાર ઇંગ્રેજી પ્રજામાં છે તેવો ધિક્કાર બીજી થોડી પ્રજામાં હશે. સ્વતંત્રપણું રાખવાને માટે તેઓ પોતાનાં સગાં વહાલાઓને છોડીને તરવાર કે બંદૂક ઉચકશે ને મરવું કે ઝીતવું એવો ઠરાવ કરીને મેદાને પડશે. અરે મારા જીવનું કેમ થશે-અરે મારા બાયડીછોકરાંઓની શી અવસ્થા થશે એવી બીહીક ભરેલી ચિંતા જરૂરની વેળાએ તેઓ કરવી છોડી દેશે. જો તેઓનાં જાણવામાં આવ્યું કે અમારૂં સ્વતંત્રપણું કોઇ લેવા આવે છે તો તેઓ બીજો બધો વિચાર છોડી લડાઇનાં હથિયાર કમરે બાંધશે આ સ્વતંત્રતાનો જુસ્સો એટલો બધો છે કે કોઈ પણ મોટો રાજા કે રાજપુત્ર કે કોઈ પણ મોટો પ્રધાન કે ગવર્નર આડો ચાલશે તો તેને વર્તમાનપત્રમાં અને પ્રસિદ્ધ મંડળીમાં ઠપકો આપવાને મુદ્દલ આંચકો ખાતા નથી. ફલાણા શેઠને કે ફલાણા સાહેબને મારા વિચારથી માઠું લાગસે માટે ‘સબસે બડી ચૂપ’ રાખું એવો વિચાર વિલાયતના લોકો કરતા નથી.”
માત્ર વૈચારિક સ્વતંત્રા જ નહિ પરંતુ પોતાને યોગ્ય લાગે તેવા કામ કરવા માટે સમાજ કે લોકોની બીક રાખતા નથી પોતાના મગજમાં એક વાત ઉતરી તો તો તેનો અમલ કરવા માટે તેમને કોઈ અટકાવી શકતું નથી આ માટે જરૂર પડ્યે તેઓ એટિકેટ જેવા મોટા ગુણને પણ છોડી દેતા અચકાતા નથી.
ઇતિહાસના સામાન્ય અભ્યાસને કારણે વાચક મિત્રો જેનાથી પરિચિત છે તે ઇંગ્લેન્ડની તે સમયની દુનિયાભરમાં સર્વોપરિતાનાં કારણો અને સંજોગો આપણે કરસનદાસની નજરે જોઇશું પરંતુ તે હવે પછીના પ્રકરણમાં
નોંધ- કેટલીક બાબતો કરસનદાસે પોતે ઉપર જણાવ્યા પ્રમાણે વાંચેલા પુસ્તકોના આધારે લખી છે.
[1] (*Landon Labour and the London poor volume volume I P 276
[2] **Rural life of England: P 53
