પ્રો. અશ્વિનકુમાર ન. કારીઆ
૨૦૧૨માં નિર્ભયા કાંડને પગલે બળાત્કારને લગતા કાયદાઓની જોગવાઈઓ કડક થયા બાદ, પ્રજાને હાશકારો થયો હતો કે હવે આવા જઘન્ય બનાવો અટકશે. પરંતુ આ આશા ઠગારી નીવડી છે. સરકારી સૂત્રો પ્રમાણે દેશમાં રોજેરોજ ૮૬ જેટલા બનાવો બળાત્કારના બને છે. જાતીય સતામણી, દહેજ મૃત્યુ, છેડતી, ઘરેલુ હિંસાના બનાવોની આમાં ગણતરી નથી.
આ માહોલ વચ્ચે ઉત્તરાખંડના નૈનિતાલ વહીવટી તંત્રે શાળાએ જતી કિશોરીઓ કે નોકરીએ કે ખરીદી માટે જતી સ્ત્રીઓ સાથે થતી છેડછાડ અટકાવવા હાથ ધરેલ નવતર અને પ્રશસ્ય અભિગમની નોંધ લેવી જોઈએ. બન્યું એવું કે હલ્દવાનીમાં જાહેરમાં સ્ત્રીઓની થતી છેડછાડ અંગેનો એક વિડીઓ વાયરલ થયો. જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના સિંગે તેની તત્કાળ નોંધ લઈ, પાંચ મહિલા અધિકારીઓની ટીમની રચના કરી અને તેને શહેરની તમામ શાળાઓમાં લૈંગિક સંવેદનશીલતા (gender sensitisation) કાર્યક્રમો યોજવા જણાવ્યું. આ ટીમે હલ્દવાનીની ૪૧ શાળાઓમાં કુલ મળી ૫૦૦૦ કિશોરીઓ સાથે ચર્ચા યોજી. આ ૫૦૦૦ કિશોરીઓ સાથે થયેલ ચર્ચાના આધારે તેમના માટે ૪૮૦ સ્થળો અસલામત સ્થળો તરીકે તારવવામાં આવ્યાં. તે પૈકી ૮૯ સ્થળો અસલામત સ્થળો તરીકે ઓળખવામાં આવ્યાં. આ સ્થળોમાં રીક્ષા સ્ટેન્ડ, દૂરનાં એકાંત સ્થળો, મોલ, બગીચા, શાળા-કૉલેજ તરફ આસપાસના રસ્તાઓનો સમાવેશ થતો હતો.
જિલ્લા વહીવટી તંત્રે પોલીસનો સાથ લઈ આ તમામ સ્થળોએ દરોડા પાડ્યા અને ૧૦૨ આવારા તત્ત્વોની અટકાયત કરવામાં આવી. કિશોરીઓ અને મહિલાઓને સુરક્ષાનો અહેસાસ થયો. વંદના સિંગે જણાવ્યું કે પોતે સ્ત્રી તરીકે કિશોરીઓનાં મા-બાપની વેદના સમજી શકે છે. આ ઝુંબેશ માત્ર કામચલાઉ નથી, પરંતુ કાયમ માટે ચાલુ રહેવાની છે. આ ઝુંબેશમાં હેલ્પલાઈન નંબરો તમામ કિશોરીઓને આપી દેવાયા છે. ઉપરાંત, રીક્ષાઓ, બગીચાઓ, શાળા-કૉલેજો, મોલ પર આ નંબરો ફરજિયાત દર્શાવાયા છે. રીક્ષા ડ્રાઈવરની ઓળખ માટે તેમના માટે ૧ ડિસે.થી ડ્રેસ કોડ અપનાવવા આદેશ પ્રગટ કરાયો છે.
દેશના એક જિલ્લા વહીવટી તંત્રની ઝુંબેશથી જો કિશોરીઓ તેમજ મહિલાઓ સુરક્ષા અનુભવતી હોય, તો મહિલા સુરક્ષાનો પ્રશ્ર્ન દરેક નાના-મોટા નગરમાં હોય છે, ત્યાં પણ આ અભિગમ-ઝુંબેશ અપનાવવા યોગ્ય છે. કારણ કે અસલામત વાતાવરણની કિશોરીઓના અભ્યાસ પર અવળી અસર થતી હોય છે. ગ્રામ વિસ્તારોમાં દૂરનાં સ્થળે ચાલીને શાળા-કૉલેજ જવાનું હોય ત્યારે અનેક મા-બાપો પોતાની દીકરીઓનો અભ્યાસ ટૂંકાવી દે છે અને તેમને કાં તો ઘરકામ કે ખેતરમાં જોતરી દે છે અથવા તેમનાં લગ્ન કરી નાખવામાં આવે છે. આમ કિશોરીઓની કારકિર્દી રોળાય છે. રાજ્ય આટલાં પગલાં લઈ શકે તો રાષ્ટ્રને અનેક બાહોશ કિશોરીઓની સેવા પ્રાપ્ત થઈ શકે.
