ચેતન પગી
સવાલ આઇએમપી છે, પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે નહીં એમનાં મમ્મી-પપ્પાઓ માટે. લોકશાહી અને લીલવાની કચોરીમાં સામ્યતા હોઈ શકે ખરી? જવાબ હા છે.

લોકશાહીમાં અધિકાર કે હકો બધાંને માણવા હોય છે પણ મતદાન કરવાની કે ટેક્સ ચૂકવવા જેવી ફરજો નિભાવવાની વાત આવે ત્યારે ઘણાં લોકોનાં પેટમાં ચૂંક આવતી હોય છે. લીલવાની કચોરીના કેસમાં પણ આવું જ છે. ખાવી બધાંને હોય છે, પણ લીલી તુવેર ફોલવાની વાત આવે ત્યારે બધાંને અર્જન્ટ કામ યાદ આવી જાય છે.
ઈતિહાસ સાક્ષી છે કે તુવેરની કચોરી કોણે ખાવી છે એવું પૂછાય ત્યારે સેકન્ડના સોમા ભાગમાં બધી આંગળીઓ ઊંચી થઈ જાય છે પણ તુવેર કોણ ફોલશે એ સવાલના જવાબમાં લોકો ભૂલથી આંગળી ઊંચી ન થઈ જાય એ બીકે હાથ ખિસ્સામાં ખોસી દેતા હોય છે. લીલવાની કચોરી ખાતાં હોય એવો ફોટો સોશિયલ મીડિયા પર અનેક લોકો પોસ્ટ કરશે પણ તુવેર ફોલતાં હોય એવો ફોટો પોસ્ટ કરનાર વીરલા ભાગ્યે જ જડશે.
તુવેર ફોલવી એ ઢીલાપોચા હૃદયના માણસોનું કામ નથી – શાકની લારીવાળાઓએ આ ‘વૈધાનિક ચેતવણી‘ સ્પષ્ટ રીતે વંચાય એ મુજબ દર્શાવવી જોઈએ. શર્ટનું પહેલું બટન ખુલ્લું રાખી, આંખે કાળા ગોગલ્સ ચઢાવીને પાનના ગલ્લા ભણી બુલેટ હંકારતા દ્વિચક્રવર્તી સમ્રાટો ઘરમાં પલાંઠી વાળીને તુવેર ફોલી બતાવશે ત્યારે તેમની બહાદુરીની ખરી કસોટી થશે.
તુવેર ફોલવાના કામમાં હિંમત અને ધીરજની ખરી કસોટી થતી હોય છે (જેમનાં નામ હિંમત અને ધીરજ હોય એમને પણ આ વાત એટલી જ લાગુ પડે છે). તુવેર ફોલતી વખતે તમે મોબાઇલ ફોન મંતરી શકતા નથી, સારા દાણા ભેગા ક્યાંક સડી ગયેલો દાણો ભળી ન જાય એનું ધ્યાન રાખવાનું હોવાથી તમે તુવેર ફોલતાં ફોલતાં ટીવી પણ સારી રીતે માણી શકતા નથી.
મધ્યમ વર્ગના પરિવારોમાં આવક કરતાં જાવક વધારે હોય એવી જ સ્થિતિ તુવેર ફોલી લીધા પછી સર્જાય છે. ફોલેલી તુવેરના છોડાનો મોટો ઢગલો સર્જાય છે પણ દાણા તો માંડ વાટકો ભરાય એટલા જ નીકળે છે. કેટલાક શાક નિષ્ણાતોના મતે મેથી સમારતી વખતે પણ મહદઅંશે આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે.
જોકે, લીલી તુવેર જેવી પડકારજનક સ્થિતિનો સામનો વટાણા ફોલતી વખતે નથી થતો. વટાણાનું કુદરતી પેકિંગ એટલું સરસ હોય છે કે કિનારી પર હળવો હાથ અડાડવાથી જ ફાડમાં છુપાયેલા (જાણે ફેસિયલ કરાવીને આવ્યા હોય એવા સુંદર) દાણા વોટ્સએપના સ્માઇલીની જેમ હસું હસું કરતાં તમારી સામે પ્રગટ થઈ જાય છે. તુવેર ફોલતી વખતે આંગળીઓ પર કાળા ડાઘ પડી જાય છે પણ વટાણામાં આવી કોઈ સમસ્યા થતી નથી.
જોકે, વટાણાના કેસમાં આટલી બધી સાનુકૂળ સ્થિતિ હોવા છતાં લીલવાની કચોરી તો તમારે તુવેરમાંથી જ બનાવવી પડે છે. એટલે જ એને ફોલવાનું કામ ભલે કંટાળાજનક હોય તો પણ પરિવારમાં કોઈએ તો કુરબાની આપવી જ પડે છે. વાત જ્યારે તુવેર ફોલવાની આવે ત્યારે વિજ્ઞાન પણ આપણી મદદે આવી શકતું નથી. આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ આપણે તુવેર ફોલવાનું મશીન બનાવી શક્યા નથી એ વિચારવા જેવી વાત છે. ખરી આઝાદી ત્યારે મળશે જ્યારે લીલી તુવેર ફોલવાનું મશીન આવી જશે.
શિયાળાની ઋતુ તુવેર અને બોરની સીઝન માનવામાં આવે છે. ના, માત્ર ખાવાનાં બોર નહીં. તુવેર ફોલીને બોર થવાની સીઝન. ઠાકુર બલદેવસિંહ પણ મનોમન ગબ્બરસિંહનો આભાર માને એવું કંટાળાજનક આ કામ છે. મહાન પત્રકાર, વાર્તાકાર હરકિસન મહેતાને જો તુવેર ફોલવાની ફરજ પાડવામાં આવી હોત તો તેમણે ‘વેરના વળામણાં’ને બદલે ‘તુવેરના વળામણાં’ લખી હોત એ નક્કી છે. જેમાં તુવેર ફોલવાનું કામ આવી પડ્યું હોવાથી જગ્ગા ડાકુ વેળાસર વેર લઈ શક્યો નહીં એવું કથાનક હોત.
હરકિસનસાહેબને યાદ કરીએ તો અશ્વિની ભટ્ટ કેમ બાકાત રહે? અશ્વિની ભટ્ટ નવલકથા લખતાં પહેલાં રખડી-ભટકીને જાત અનુભવો લેવામાં માનતા. એમના રસ્તે ચાલીને લીલી તુવેરનો આ લેખ પણ દોઢ કિલો ફોલ્યા પછી લખાયો છે.
તુવેર ફોલવી એ કંઈ નાનું અમથું કમઠાણ થોડી છે?
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૫-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
