અમૃતાનુભવની ઉજાણી

દર્શના ધોળકિયા

તણખલાં’ રવીન્દ્રનાથનાં લઘુકાવ્યોનો – જેને ટાગોરે લાડપૂર્વક ‘કબિતિકા’ જેવું નામાભિધાન અર્પીને સન્માન્યાં છે – એનો સંચય છે. પોતાના જીવનના ઉત્તરાર્ધમાં ટાગોરની કલમમાંથી નીતરેલાં આ પ્રકારનાં લઘુ કાવ્યોના ‘સ્ટ્રે બર્ડઝ’, ‘ફાયર ફ્લાઈઝ’, ‘કમિકા’, ‘સ્ટુલિંગ’ અને ‘લેખન’ એવા પાંચ સંગ્રહો થયા. એમાંના પહેલા બે અંગ્રેજીમાં, બીજા બે બંગાળીમાં અને છેલ્લો દ્વિભાષી છે. બધાં મળીને આવાં ૧૧૦૦ જેટલાં મૌક્તિકોમાંથી અહીં જયંત મેઘાણીએ ૩૦૦ જેટલાં પસંદ કરીને અનુવાદિત કર્યા છે.

 

અહીં પસંદ થયેલાં મૌક્તિકોમાંથી એકસાથે (રવીન્દ્રનાથ ને જયંતભાઈની) જીવનાભિમુખતા, આસ્તિકતા ને સૌદર્યરાગિતાનું સાથે લાગું દર્શન થાય છે. ‘મોટા માણસનાં પગલાં પક્ષી જેવાં હોય છે.’ એવું નિરીક્ષતા મહાત્મા લાઓત્સેની લગોલગ વિચારતાં રવીન્દ્રનાથે ‘અમારી જાત પંખીની છે’ એમ કહીને એક બાજુથી પોતાની ઉડાનની પ્રિયતા દર્શાવી દીધી છે બીજી બાજુથી ખૂણે બેસીને ઝીણું કાંતતા, બનતાં સુધી અદ્રશ્ય રહેવા મથતા ને તેથી જ કંઈ કાચું ન રાખતા લાઓત્સેકથિત સુજ્ઞજનની ઓળખ પણ આપી દીધી છે. ‘તણખલાં’ને ચાહતા અનુવાદક પણ સર્જકનાં આંતરજગતને પ્રમાણી શકવામાં, અનુવાદની ભૂમિકાએ, સફળ થયા છે.

‘તણખલાં’માં પસંદ થયેલાં મૌક્તિકોમાં એક બાજુ ટાગોરની પર્યુત્સુક સૌંદર્યરાગિતા ડોકાય છે, બીજી બાજુ એમની તત્ત્વનિષ્ઠાને જીવનપ્રીતિનો ધીમો સૂર છેડાયો છે. પ્રકૃતિમાં એકેએક તત્ત્વને કવિએ કેવું તો આશ્લેષમાં લીધું છે ! ને કદાચ એનો પ્રારંભ અમાન્ય રીતે ઉપેક્ષા પામેલ ઘાસની થયો છે :

જીવનને ફળેફૂલે લાદી દેનાર
ઊંચા-રૂપાળાં વૃક્ષોને હું ભલે સન્માનું,
પણ જીવનને નિત્ય હરિયાળું રાખનાર
તરણાંને કાં વીસરી જાઉ? (પૃ.૩૧)

લઘુ રૂપ ધરીને છુપાયેલા અનંતને પ્રાપ્ત કરવાનું કવિએ જાણે બીડું ઝડપ્યું છે તેથી જ સૌંદર્યના સાધક કવિ ઉપેક્ષિતોને આરાધે છે :

‘ફળની સેવા મહામૂલી છે, ફૂલની સેવા મધુર છે,
પણ હું તો સમર્પણભાવથી છાંયડો પાથરતું
પાંદડું બનીને તારું સેવકપદ વાંછીશ.’(પૃ.૧૦૭)

રવીન્દ્રનાથે એક ચિત્રકારની હેસિયતથી, લસકરો કરી કેટલાંક અદભુત ચિત્રો દોરી આપ્યાં છે તે એના અનુવાદમાં કેવાં તો લયાત્મકતાથી, શબ્દસૂઝથી ઝિલાયાં છે એ નીચેનાં મુક્તકોમાં દેખાય છે :

Night’s darkness is a bag
that bursts with the gold of the dawn.

‘રાત્રિના અંધકારની ગાંસડી
પરોઢના સુવર્ણપુંજથી ફસકી પડે છે.’

The bird wishes it were a cloud,
The cloud wishes it were a bird.

પંખીને થતું, ‘વાદળ બનું’,
વાદળ ઝંખે પંખીનો અવતાર

The torrential glory of the cloud is over.
It emptily nervously peeps from the sky’s border.

મેઘનો વૃષ્ટિવૈભવ વિરમ્યો છે,
અને એ ક્ષિતિજના ઝરૂખેથી
ધરતી પર ડોકિયું કરે છે.’

Clouds are hills in,
hills are clouds in stone,
a phantasy in times dream.

વાદળોઝાકળની ટેકરીઓ છે,
ટેકરીઓ વાદળાંની શિલાઓ છે
કાળદેવતાની રમ્ય સ્વપ્ન –કથા જાણે !

અહીં ‘bag’ માટે ‘ગાંસડી’ ‘bursts’. માટે ફસકી પડવું’, ‘Sky’s border’નું ક્ષિતિજના ઝરુખેથી જેવું રૂપાંતર જેટલાં ટાગોરનાં ચિત્રોને તેટલાં જ જયંતભાઈનાં અનુવાદની મીનાકારીને વ્યક્ત કરે છે.

જીવનપ્રેમીઅને એ અર્થમાં આસ્તિક રવીન્દ્રનાથનું જીવનદર્શન ક્યાંક વેદનાસક્તિ હોવા છતાંય એમાં રહેલી વેદનાની સમજદાર સ્વીકૃતિને કારણે સહૃદયના માર્ગમાં અજવાળું પાથરે છે :

ચન્દ્ર નભને આંગણે અજવાળાં રેલાવે છે,
પણ પોતાનાં શ્યામ કલંક તો
ખુદ –ભીતરમાં જ સમાવેલાં રાખે છે. (પૃ.૧૨)

જીવનઅખૂટ છે એ જાણવા માટે
હું વારંવાર મૃત્યુ ઇચ્છીશ. (પૃ.૨૦)

‘જીવનનાં ઊંડા છાયાતલમાં અકથ્ય
વેદનાઓનો એકલવાયો આવાસ છે. (પૃ.૫૩)

આ પ્રકારનું જ એક મૌક્તિક, કદાચ આખા સંગ્રહમાં લગભગ શબ્દશઃ સીધો અનુવાદ પામ્યું છે :

I can not choose the best
The best chooses me.

હું શ્રેષ્ઠની પસંદગી નથી કરી શકતો,
શ્રેષ્ઠ જ મને પસંદ કરે છે.(પૃ.૬૭)

ક્યાંક આમલોકની અણસમજ વિષાદના આછા સ્પર્શની આલેખાઈ છે :

પ્રભુ, જેમની પાસે તારા સિવાય બધું છે એ લોકો,
જેમની પાસે તારા સિવાય કશું નથી એની હાંસી કરે છે.
ક્યાંય ફરિયાદ નહીં – માત્ર વેદનાની આછી લકીર !

જીવનને સાધકની શૈલીથી જીવી ગયેલા રવીન્દ્રનાથ સમજદારીએ ને જીવનના નિરીક્ષણે આપેલી ઝીણી વેદનાઓથી કેવા તો ઉપર ઉઠીને જીવનને અભિવાદી શક્યા છે એનાંય ઉદાહરણો, તેમના અંતિમ ઉદગાર શાં, એમના તરફથી મળેલા અમૂલ્ય ઉપહાર –શાં અહીં મળે છે :

મને તારું પાત્ર બનવા દે :
તારા માટે અને જે તારા છે એમને માટે હું છલકાઈશ.
સાંભળ, દોસ્ત,
મારો પ્રેમ પામીને તું મારો દેણદાર નથી બન્યો.
પ્રેમ પોતે જ મારો પરિતોષ છે.

નાવડીને ઉપાડી જતા વાયરાની પાછળ
સાગર –કિનારાનાં રુદન મિથ્યા છે.
મારા મૌનમાં તારે કાજે જે ઋણભાવ સંચિત છે
તેને મારી આભારવાણી ઝાંખપ ન આપો.

રવીન્દ્રનાથનો પ્રભુ કવિનો પ્રભુ છે. એનો ભાવ, એની ઓળખ એમને હોય એટલી બીજા કોને હોય ? કવિના પ્રભુપ્રેમમાં એક પ્રકારની આધુનિકતા, આગવાપણું છે.

હું મારા ભગવાનને ચાહી શકું છું.
કારણકે તેના અસ્વીકારનું તેણે મને સ્વાતંત્ર્ય આપ્યું છે.(પૃ.૩૯)

બંનેનું સખ્ય આપવાની બાબતમાં હોડમાં ઊતરે તેવું છે. પ્રભુએ કવિને સભર કરી દીધા તો કવિય કંઈ પાછા પડે તેમ નથી :

હું તને એક પુષ્પ ધરવા આવેલો,
પણ તેં તો મારું સકલ ઉદ્યાન માગી લીધું.
તો ભલે, તને એ અર્પણ છે. (પૃ.૩૯)

પ્રભુ શા માટે કવિનો યાચક બન્યો હશે એવા સહૃદયને સહેજે થતા પ્રશ્નનો ઉત્તર કવિએ પૃથ્વીપટે ફેલાવેલા પોતાના આજાનબાહુઓના વ્યાપમાં મળે છે :

હે પૃથિવી, હું તારા રળિયામણા તટ
ઉપર ઊતર્યો ત્યારે આગંતુક હતો ;
તારા સદનમાં રોકાયો અતિથિ બનીને,
આજે તારું સખ્ય પામીને વિદાય લઉં છું.(પૃ.૧૯)

પુર્થ્વી પર તૃણની હળવાશથી, તેને જરાય વજન આપ્યા વિના વસેલા કવિએમની હળવાશથી જ પ્રભુને, પૃથ્વીને આલિંગી શક્યા. તેમના પ્રાણરૂપ બની બેઠા. તૃણની નરમાશને કવિએ અહીં કેટકેટલાં રૂપે વ્યક્ત કરી છે ! પૃથ્વીતટ પર ને જગતમાંય જે આ તત્ત્વો નિર્ભર રહીને જીવ્યાં તેનો જ ટાગોરને મહિમા કરવો છે:

‘સોને મઢ્યાં વાદળાં આભ-સીમાડે
નિરંતર ચિતરામણ કરે છે,
પણ પોતાનાં નામઠામ કદી લખતાં નથી.’ (પૃ.૫૪)

ગીત ગાતા પંખીને ખબર નથી કે
એ સૂર્યોદયની છડી પોકારે છે,
વનરાવનમાં હસતાં ફૂલને જાણ નથી કે
એ પૂજાનાં અર્ધ્ય અર્થે છે.(પૃ.૬૨)

કવિનાં વિદાયવચનમાંય ઘાસના નિર્ભારપણાનું મૂલ્ય ઝિલાયું છે. સાથોસાથ જીવન જીવવાની અનાયાસ સાંપડેલી ચાવી અન્યનેય સંપડાવી છે !

મારા હળવાફૂલ શબ્દો કાળના પ્રવાહમાં
ગાતા –નાચતા વિહરતા રહેશે,
અને મારાં ભારેખમ સર્જનો લુપ્ત થશે.(પૃ.૧૩૨)

ટાગોરનાં ૧૧૦૦માંથી પસંદ થયેલાં ઉત્તમ મૌક્તિકોનો મૂળ અંગ્રેજી સાથે અહીં મુકાયેલો અનુવાદ બંને ભાષાનાં ગજાંને ચીંધે છે. આપોઆપ ગુજરાતી અનુવાદકની શબ્દસૂઝ, મૂળના વિચાર સાથેનું ભાવાનુંસંધન, ને કવિની નિરીક્ષણ -શક્તિ સાથે સધાયેલા લયસંવાદને પણ તાકે છે. એકાદ –બે જગાએ અનુવાદ ખૂંચે છે જેમ કે,

‘મારા મારગ પર નિજ પડછાયો પાથરું છું.’ (પૃ.૯૮)માં ‘my own shadow’ માટે ‘નિજ’  થોડું ઉભડક લાગે છે; એ જ રીતે આ મુક્તકમાં :

‘પ્રભાતનાં પુષ્પો દિવસની પ્રભાને ત્યજીને જતાં રહ્યાં છે; ગોરજટાણે બની –સજીને પાછાં આવે છે.’

અહીં સજી –ધજી’ને કદાચ વધારે ઉપયુક્ત લાગત, પણ આવાં સ્થળો જૂજ જ સાંપડે છે.

કૃતિમાં ટાગોર, નંદલાલ બસુ, યામિની રાય, નારાયણ બેન્દ્રે, પ્રદ્યુમ્ન તન્ના, જગદીપ સ્માર્ત, ભરત માલીનાં રેખાંકનો ચિત્રો, જે-તે મૌકિતકને અનુરૂપ કલાત્મક સૂઝથી મુકાયા હોઈ જે-તે મૌક્તિકને અનુરૂપ કલાત્મક સૂઝથી મુકાયા હોઈ જે-તે જાગે રહેલાં મૌક્તિકોનું પ્રત્યાયન સાધવામાં સાર્થક બન્યાં છે. રવીન્દ્રનાથના હસ્તાક્ષરોમાં મુકાયેલાં કેટલાંક મૌક્તિકો કવિની ઉપસ્થિતિનો જાણે અહેસાસ કરાવે છે.

ચીન-જાપાન ના પ્રવાસે ગયેલા રવીન્દ્રનાથે હસ્તાક્ષર વાંછુંઓને સંતોષવા આવાં લઘુકાવ્યો રચ્યા. પછીથી એનો વ્યાપ વિસ્તરતો રહ્યો. આ ‘કબિતિકાઓ’ એની જ ઉત્તમ ફલશ્રુતિ ! ને તેમાંથીય ચયન પામેલાં આ ત્રણસો મુક્તકોને જોતો ભાવક દમયંતીના સતીત્વના પ્રતાપે હરિએ વસાવેલાં સ્વર્ગીય મોતીઓને જોતાં. ‘એક એક પે અધિકાં મોતી, રાજમાતા ટગટગ જોતી. ‘નાં ‘નળાખ્યાન’ કથિત વિસ્મયરસમાં મુકાય છે.


સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.