તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

સુદૂર બ્રિસ્ટોલમાં અધ્યાપક મિત્ર રોહિત બારોટના નિધનના સમાચાર બે’ક અઠવાડિયાં પર જાણ્યા ત્યારે દિલમાં એક અપરિભાષિત ખટાકો બોલી ગયો. અમારે સારુ લંડનની ગુજરાતી લિટરરી એકેડેમીના વર્તમાન પ્રમુખ વિપુલ કલ્યાણી થકી એ ડાયસ્પોરા છેડે એક સાંસ્કૃતિક એલચી સરખા હતા; કેમ કે બ્રિસ્ટોલના રાજા રામમોહન રાયના સ્થાનકની અમારી યાત્રા અને કંઈક સમજ એમના સથવારાને આભારી હતી.

હમણાં મેં સુદૂર બ્રિસ્ટોલ એમ કહ્યું, પણ નૈઋત્ય ઈંગ્લેન્ડનું આ નગરવિશેષ મને કંઈ નહીં તો પણ ત્રણેક દાયકાથી ઢૂંકડું જ વરતાતું રહ્યું છે. ૧૯૮૩માં આપણા એકના એક કમળાશંકર પંડ્યાની સરક્યુલરી સ્ફૂર્તિથી ગુજરાતમાં રાજા રામમોહન રાયના મૃત્યુની સાર્ધ શતાબ્દી સાથે જોડાવાનું બન્યું તે વારાથી જ્યાં રાજા રામમોહન રાયની આખર પથારી થઈ હતી તે બ્રિસ્ટોલ હૃદયસરસું બની ગયું. યજમાનપુત્રી મેરી કાર્પેન્ટરને મળેલી સેવાદીક્ષા વિશે જાણ્યું એથી તો બધું નજીક નજીક આવી લાગ્યું, કેમ કે ગુજરાતની ઓગણીસમી સદીની વિકાસવાર્તામાં ઓક્ટોબર ૧૮૬૬ના અરસામાં સુરત-અમદાવાદની, આ કાર્પેન્ટરબાઈની કેમિયો તો કેમિયો મુલાકાતનોયે કંઈક હિસ્સો છે જે એમણે પોતે, ‘સિક્સ મન્થ્સ ઈન ઈન્ડિયા’ (૧૮૬૮)માં આલેખેલ છે.

બ્રિસ્ટોલના મુલાકાતીઓએ (અને અલબત્ત આ લખનાર જેવા યાત્રીઓએ) નોંધ્યું જ હોય કે સિટી કાઉન્સિલ અને કોલેજ ગ્રીન પરિસરમાં રાણી વિક્ટોરિયા અને રાજા રામમોહન રાયની પ્રતિમાઓ કંઈક સામસામે ખડી છે. ઘરઆંગણે અંગ્રેજ નવશિક્ષણથી માંડી સતીપ્રથાના વિરોધ સમેતની કારકિર્દીના પૂર્વરંગ સાથે ૧૮૩૧માં રાજા રામમોહન રાય ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. એમની ‘રાજા’ એ માનવાચક સંજ્ઞા તત્કાલીન દિલ્હીના નામક વાસ્તે બાદશાહ અબુ-નાસર મુઈનુદ્દીન અકબરને આભારી હતી. બાદશાહના દૂત તરીકે એ ઈંગ્લેન્ડના રાજદરબાર સમક્ષ વર્ષાસન વૃદ્ધિની માંગણી સારુ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સતીપ્રથાની નાબૂદી માટેની એમની હિલચાલ સામે પ્રિવી કાઉન્સિલમાં રજૂઆત થવાની હતી એના પ્રતિવાદનો પણ ખયાલ હતો. વળી, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ચાર્ટરનીયે ચર્ચાનો અવસર હતો. ત્રણે મુદ્દે-મોરચે રાજા રાય યશસ્વી રહ્યા અને ૧૮૩૩માં બ્રિસ્ટોલ પહોંચ્યા તે યુનિટેરિયન ચર્ચના મિત્રને મળવા જ્યાં તેમની પુત્રી મેરીને રાયના જીવનકાર્યમાં રસ જાગ્યો અને એક અંતરાલ પછી તે સંદર્ભે એ હિંદ પણ આવી.

આપણે બ્રિસ્ટોલ ઓથે વ્યાપક અર્થમાં ઈંગ્લેન્ડની અને હિંદની છેલ્લાં બસો વરસની સંબંધગાથાનાંયે પડ ઉકેલીએ છીએ. રાજાના મૃત્યુ પછી ખાસાં સાડત્રીસ વરસે કેશવચંદ્ર સેન બ્રિસ્ટોલ પહોંચ્યા હતા અને એમના સહયોગમાં એક ઈન્ડિયન એસોસિયેશનનીયે સ્થાપના મેરી કાર્પેન્ટરે કરી હતી. સેનથી ઘણા પહેલાં બ્રિસ્ટોલ જતીઆવતી પ્રતિભાઓ પૈકી ખાસ તો દ્વારકાનાથ ટાગોર હતા, રવીન્દ્રનાથના દાદા. એમણે સ્તો બ્રિસ્ટોલમાં રાજા રામમોહન રાયની સુંદર છત્રી (ભુજ જાવ તો જેને છતરડી કહે છે, તેવું કાંક) નિર્માણ કરી હતી. એક તબક્કે ખાસો મજૂરકાફલો ઈંગ્લેન્ડ હિંદથી પહોંચ્યો હશે તે પછીનો દોર બંગાળના અભિજાત ભદ્રલોકનો હતો. કલકત્તા (કોલકાતા) ત્યારે અંગ્રેજ રાજધાની હતું અને બંગાળ-ઈંગ્લેન્ડનો દેશના બીજા ભાગો કરતાં કંઈક વિશેષ સંપર્ક હોય એ સહજ હતું.

બ્રિસ્ટોલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના અધ્યાપનની લાંબી કામગીરી અને વિધિવત નિવૃત્તિ પછી પણ વિઝિટિંગ ફેલો રહેલા રોહિતભાઈએ અઠ્ઠાવીસેક પાનાંની પુસ્તિકામાં હિંદ-બ્રિસ્ટોલ સંબંધગાંઠની ઠીક વિગતો આપી છે. કેશવચંદ્ર સેનના સહયોગથી અસ્તિત્વમાં આવેલ ઈન્ડિયન એસોસિયેશન પછી લાંબે ગાળે બીજું એક ઈન્ડિયન એસોસિયેશન અસ્તિત્વમાં આવ્યું, જેનો આગલી સમાજસુધારાની ને મવાળ રાજકારણની ધારા કરતાં સ્વાતંત્ર્યચળવળ જોડે વધુ સક્રિય સંબંધ રહ્યો. એનું નેતૃત્વ કરનાર બ્રિસ્ટોલવાસી ડો. સુખસાગર દત્તા હતા. સુખસાગર દત્તા લંડન પહોંચ્યા ત્યારે શ્યામજી કૃષ્ણવર્મા અને ‘ઈન્ડિયા હાઉસ’ના સંપર્કમાં મૂકાવું સહજ હતું. એક તબક્કે એ અને સાવરકર એક જ ખોલીમાં સહભાડુઆત પણ હશે. ધીમે ધીમે એમનું દિલ ખુલ્લા રાજકારણ ભણી વળ્યું ને લેબર પાર્ટીમાં ગોઠવાયું. આ પાર્ટી હિંદની આઝાદી પરત્વે અભિમુખ હતી અને એમાં જહાલ કાર્યક્રમ સાથે લોકશાહીની અજબ મિલાવટ હતી- છેવટે તો, એના આરંભકારોની એક પ્રેરણા તો રસ્કિન અને ‘અન ટુ ધી લાસ્ટ’ હતી, જે ગાંધીની પણ હતી.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૧-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.