પ્રફુલ્લ કાનાબાર
ચાલીસ આસપાસનો અનિરુધ્ધ સવારે કિશનગઢ રેલ્વે સ્ટેશને ઉતર્યો. હવાની જાણીતી લહેર જાણેકે તેને સ્પર્શ કરીને અદૃશ્ય થઈ ગઈ. બહાર આવીને તેણે ટાઉનહોલ જવા માટે રીક્ષા પકડી. અનિરુદ્ધે જોયું કે આટલા વર્ષોમાં શહેર ઘણું બદલાઈ ચૂક્યું હતું. સમય સઘળું બદલી નાખે છે. શહેરને પણ અને માણસને પણ…જોકે જ્યાં બાળપણ વીત્યું હોય એ શહેર સાથે માણસની અનેક યાદો જોડાયેલી હોય છે. દરબારગઢ પાસેથી રીક્ષા પસાર થઈ એટલે અનિરુદ્ધના મનમાં પપ્પાના અવાજના પડઘા પડી રહ્યા….
“લેખક ? દરબારનો દીકરો લેખક બને?”
“પપ્પા, તમે તો નોકરીને કારણે સોળ કલાક ઘરની બહાર જ રહેતા. મમ્મીના અવસાન બાદ મારા વાંચન અને લેખનના શોખને કારણે જ હું ટકી ગયો છું”.
“અનિરુધ્ધ, આજે તું મારી સામે આ રીતે બોલે છે એ જોઈને મને લાગે છે કે તું ખરેખર મોટો થઈ ગયો છે”. વીસ વર્ષના અનિરુધ્ધની સામે ઝાલા સાહેબે તેમની લાલઘુમ આંખોથી તાકીને કહ્યું હતું.
ઝાલા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર હતા. તેમની આંખો કાયમ લાલ જ રહેતી ક્યારેક ગુસ્સાથી તો ક્યારેક દારૂના નશાથી. આખા શહેરના ગુનેગારો ઝાલા સાહેબથી ડરતા..ખાસ કરીને તેમની લાલઘૂમ આંખોથી. ઉગીને ઊભો થતો ઝાલા સાહેબનો એક માત્ર દીકરો અનિરુધ્ધ એ આંખોમાં આંખ મેળવીને આજે વાત કરી રહ્યો હતો !
“પપ્પા, દરબારનો છોકરો શા માટે લેખક ન બની શકે ?”
“કારણકે એનો બાપ પોલીસ ઇન્સ્પેક્ટર છે”. ઝાલા સાહેબ તાડૂક્યા હતા.
“તો મારે શું બનવું જોઈએ ?” અનિરુદ્ધે હિમતપૂર્વક પૂછ્યું હતું.
“બેશક, તારે પોલીસ ખાતામાં જ કરિયર બનાવવી જોઈએ. જો ડોકટરનો દીકરો ડોક્ટર બનતો હોય, વકીલનો દીકરો વકીલ બનતો હોય તો પોલીસ ઇન્સ્પેક્ટરનો દીકરો એના બાપના પગલે શા માટે ચાલી ન શકે? વળી લખવાની લાઈનમાં કમાવાનુ શું ? ”
“માન સન્માન.”
“માન તો આખું ગામ મને પણ આપે જ છે ને ?”
“પપ્પા, લોકો તમને નહી તમારા હોદાને અને તમારી સત્તાને માન આપે છે”.
“અનિરુદ્ધ, તેં જર્નાલિઝમમાં એડમિશન લીધું ત્યારે પણ મેં તને ના પાડી હતી પણ તું તારી જીદ પૂરી કરીને જ જંપ્યો હતો. હવે અમદાવાદના અખબારમાં નોકરી મળી છે પણ એમાં જે પગાર મળશે એ સરકારી નોકરી જેવો તો નહી જ હોય. વળી તેમા ઉપરની આવકના તો કોઈ સ્કોપ જ નહી ને?”
“પપ્પા, તમે તમારા આ દીકરાના ઉચ્ચ વાંચન વિષે જાણતા જ નથી તેથી જ આવું બોલી રહ્યા છો. હું ભૂખ્યો રહેવાનું પસંદ કરું પણ હરામની કમાણીને તો હાથ પણ ન લગાડું”.
હરામની કમાણી.. અનિરુદ્ધના એક જ શબ્દે બાપ દીકરાના સબંધમા આગ લગાડવાનું કામ કર્યું હતું.
સાંજે અનિરુધ્ધ નદી કિનારે અનિતા પાસે બેઠો હતો ત્યારે અપસેટ હતો. “અનિતા, પપ્પાને હું સમજાવી નથી શકતો કે પૈસો મારા જીવનનુ લક્ષ્ય નથી. ભવિષ્યમાં હું પપ્પાના અનીતિના પૈસાને પણ હાથ લગાવવાનો નથી. મારો જીવ સાહિત્યના આકાશમાં જ ભટકે છે. અમદાવાદ જઈને અખબારમાં નોકરી તો હું મારો ખર્ચ કાઢવા માટે જ કરવા માંગું છું. એક વખત લેખક તરીકે મારી ઓળખ ઉભી થઈ જાય પછી પૈસા તો બાય પ્રોડક્ટ છે”.
બીજે જ દિવસે અનિરુદ્ધે અમદાવાદની વાટ પકડી હતી.
એકાદ માસ બાદ અનિરુધ્ધના સેલફોનમાં અનિતાનો મેસેજ આવ્યો હતો.. સોરી અનિરુધ્ધ, મારા એરેન્જ મેરેજ આકાશ સાથે થઈ ગયા છે. એ અમેરિકાથી એક મહિના માટે જ આવ્યો હતો. આજે હું કાયમ માટે ઇન્ડિયા છોડીને જઈ રહી છું.
મેસેજ વાંચીને અનિરુધ્ધ પડી ભાંગ્યો હતો. ગમે તેમ તો પણ અનિતા તેનો પ્રથમ પ્રેમ હતી. જીવનમાં પ્રેમનું સ્ટેશન વારંવાર આવતું નથી. સ્ત્રીની બેવફાઈ વિષે અનિરુદ્ધે વાર્તામાં વાંચ્યું હતું. ફિલ્મોમાં પણ જોયું હતું પણ જીવનનો આ કડવો અનુભવ તેને પહેલી જ વાર થયો હતો. અનિતાએ ભલે કોઈ જ સ્પષ્ટતા કરી નહોતી પણ અનિરુધ્ધને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે પૈસાની સામે તેનો પ્રેમ હારી ગયો હતો. ટૂંકા પગારમા નોકરી કરતા મુફલિસ પ્રેમી કરતાં અમેરીકામાં અઢળક ડોલર કમાતા આકાશ પર અનિતાએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો. અનિરુદ્ધે ધીમેધીમે તેની અંગત પીડાને સર્જનાત્મક લખાણમાં તબદીલ કરી હતી. કહેવાય છે કે પીડામાંથી જ ઉત્કૃષ્ટ સર્જન થતું હોય છે. રોજ પ્રેસની નોકરીમાંથી ઘરે આવીને અનિરુધ્ધ લખવા બેસી જતો. ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત નિર્માતા નિર્દેશક અરીહંત જૈનને ખબર પડી કે અનિરુદ્ધે તદ્દન નવા જ વિષય પર નોવેલ લખી છે. તેમણે અનિરૂધ્ધને તેમની ઓફિસે મળવા માટે બોલાવ્યો હતો. ચર્ચા દરમ્યાન અનિરૂધ્ધની કલ્પના શક્તિથી અરીહંત જૈન પ્રભાવિત થયા હતા.
થોડા સમય બાદ અનિરુધ્ધની એ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. માત્ર એટલું જ નહીં એ ફિલ્મ સફળતાને વરી હતી. અનિરુધ્ધ જે અખબારમાં નોકરી કરતો હતો એ અખબારના તંત્રી અને માલિક શશીકાંત શેઠને આ વાતની જાણ થઈ એટલે તેમણે તેમના અખબાર માટે અનિરુધ્ધ પાસે નવી નવલકથાની માગણી કરી હતી. અનિરુધ્ધને તો દોડવું હતું અને ઢાળ મળવા જેવો ઘાટ સર્જાયો હતો. પાંચેક વર્ષમાં અનિરુધ્ધની એક પછી એક એમ પાંચ નવલકથા એ જ અખબારમા સ્થાન પામી હતી. બહોળો વાચકવર્ગ ધરાવતા અખબારને કારણે અનિરુધ્ધ લોકપ્રિય લેખક બની ગયો હતો. ગુજરાતી સાહિત્યજગતમા અનિરુધ્ધ ઝાલાનુ નામ લોકો આદરથી લેવા લાગ્યા હતા.
એક વાર પપ્પાનો ફોન આવ્યો હતો..”દીકરા, મને એ વાતનું ગૌરવ થાય છે કે અહીં આપણા ગામમાં બધા મને અનિરુધ્ધ ઝાલાના પિતા તરીકે ઓળખવા લાગ્યા છે. મારા અનુભવ પરથી કહું છું કે નિવૃત્ત અધિકારીની કોઈ જ ઓળખ હોતી નથી. મારી તબિયત હવે સારી રહેતી નથી. લીવર બગડ્યું છે. પૈસાથી જ બધું સુખ મળી જાય છે એ મારો ભ્રમ હતો”.
બીજે જ દિવસે અનિરુધ્ધ ઓફિસમા રજા મૂકીને વતનમાં પપ્પા પાસે પહોંચી ગયો હતો. એ જ દિવસે પપ્પાની તબિયત વધારે બગડતા એમ્બ્યુલન્સ બોલાવીને અનિરુધ્ધ પપ્પાની બાજુમાં બેસી ગયો હતો.
“દીકરા, તું હવે લગ્ન માટે વિચારે તો સારું”. ઝાલા સાહેબે અનિરુધ્ધનો હાથ પકડીને ત્રુટક ત્રુટક અવાજે કહ્યું હતું.
“પપ્પા, હવે તો મારી કલમ જ મારી દુલ્હન છે”. અનિરુદ્ધે અનાયાસે જ કહ્યું હતું.
હોસ્પિટલે પહોંચતા પહેલાં જ ઝાલા સાહેબે દેહ છોડી દીધો હતો. સ્મશાનમા ગણ્યા ગાંઠયા માણસોની હાજરીમા અનિરુદ્ધે પપ્પાના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કર્યા હતા. પપ્પા તરફથી મળેલી તમામ મિલકતનું ગામના જ એક વડીલની મદદ લઈને માનવસેવા ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જેનો મૂળ હેતુ ગરીબોને સહાય કરવાનો હતો.
અખબારના માલિક શશીકાંત શેઠ પણ ઓફિસમા અનિરુધ્ધના કામથી ખુશ હતા. માત્ર એક દસકામાં તો અનિરુધ્ધ ચીફ એડિટર બની ગયો હતો. તેણે લખેલી મોટાભાગની કથાઓ પરથી ફિલ્મો બનવા લાગી હતી.
રીક્ષા આંચકા સાથે ટાઉનહોલ પાસે ઉભી રહી. અનિરુધ્ધ ફ્લેશબેકમાંથી બહાર આવી ગયો. અનિરુદ્ધે જોયું કે શહેરનો ટાઉનહોલ પ્રેક્ષકોથી છલકાઈ ગયો હતો. એક સ્વયંસેવકનુ ધ્યાન પડ્યું એટલે એ તરત અનિરુદ્ધને વિવેકપૂર્વક એસ્કોર્ટ કરીને આગલી હરોળ સુધી લઈ ગયો. વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર પ્રતિભાઓનું આજે મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવાનો કાર્યક્રમ હતો. લેખન ક્ષેત્રમાંથી અનિરુધ્ધ એકલો જ હતો. આજે પોતાના જ વતન કિશનગઢમાં ખુદનુ સન્માન થાય એ વાત અનિરુધ્ધ માટે સ્પેશીયલ હતી. થોડીવાર બાદ મુખ્યમંત્રીએ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કર્યું. અનિરુધ્ધને જયારે એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો ત્યારે તેની આંખમાં આંસુના તોરણ બંધાયા. સતત વીસ વર્ષની તપસ્યા અને સરસ્વતીની આરાધનાનું ફળ અનિરુધ્ધને આજે મળી રહ્યું હતું. તાળીઓના ગડગડાટ વચ્ચે અનિરુદ્ધે એ રકમ વતનમા જ ચાલતા ખુદના માનવસેવા ટ્રસ્ટને અર્પણ કરવાની જાહેરાત કરી. હા.. આજે લક્ષ્મીજી અને સરસ્વતીની રેસમાં સરસ્વતીની જીત થઈ હતી!
પ્રફુલ્લ કાનાબાર : મોબાઈલ +૯૧ ૯૯૨૫૬૬૫૬૦૫
