વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સૂર્યદેવે વાદળોથી ઘેરાયેલા આકાશમાં હળવેકથી તેજ રેલાવાનો આરંભ કર્યો હતો. આસમાનમાં વાદળોનું સામ્રાજ્ય અને નીચે જંગલમાં ગીચ વૃક્ષોનું સામ્રાજ્ય, વચ્ચે વહેતી નદી અને એ સર્વથી અલિપ્ત નદીમાં ઊભેલા સૂર્યપૂજામાં લીન એક સંન્યાસી.
બે હાથ જોડીને જાણે ઈશ્વર સાથે વાત કરી રહ્યા હોય એમ મનોમન કહેતા હતા, “હે ઈશ્વર, તમે પ્રકાશમાન છો. તમે આ ધરતી પર ફેલાયેલા અંધકારના સંહારક છો. ધરતી પરનો અંધકાર તમે દૂર કરો છો, પણ ધરતી પર રહેતા માનવીઓનાં મનનો અંધકાર ક્યારે દૂર કરશો? ઘટ-ઘટમાં વસતા રામ એમનાં મનમાં ક્યારે દર્શન દેશે? વિશ્વાસ છે મને, આ વિશ્વમાં ફેલાયેલા અશાંતિના દાવાનળને તમે જ શાંત કરી શકશો. વિશ્વશાંતિ માટે હું મારું તપ, સુખ, સ્વર્ગ તમામ ન્યોછાવર કરવા તૈયાર છું પ્રભો, બસ આ વિશ્વમાં સુખ, શાંતિનું સામ્રાજ્ય ફેલાવી દો. હું એવી દુનિયા જોવા આતુર છું જ્યાં એક સસલું સિંહની પીઠ પર રમતું હોય, ગીધની ગોદમાં સાપ બેઠો હોય અને સૌ એક સમાન હોય.”
એ સમયે એક સમડી માળામાંથી ડોકું કાઢીને સૂર્ય તરફ જોઈ રહી હતી. સૂર્યદર્શનથી અતિ પ્રસન્ન સમડીનાં મનમાં મરઘીનાં નાનાં બચ્ચાંઓ રમી રહ્યાં હતાં. પાછળથી એની સોડમાં ભરાયેલા બચ્ચાં સામે વહાલથી નજર કરીને સમજ આપી.
“જાણું છું શિકારનો સમય થયો છે. થોડી વારમાં પાછી આવીશ. કાલે તું માળામાંથી નીકળવાં મથતું હતું, આજે ન કરીશ. તને ખબર નથી, તારી પાંખો હજુ કમજોર છે. દૂર આકાશમાંથી તારાં જેવાં નાનાં બચ્ચાંઓને હડપીને કૂંણું માંસ ખાવા કોઈકનું કોઈક તૈયાર જ છે. મારાં સમ છે તને, જો તું બહાર નીકળે તો. આજે તારાં માટે સરસ મઝાનું સાપોલિયું લેતી આવીશ.”
“સાપોલિયું એટલે?” બચ્ચાંએ પૂછ્યું.
“સાપોલિયું નાનું હોય એટલે સહેલાઈથી પકડી શકાય. મોટું થઈશ તો તું જાતે પકડી શકીશ.”
“સાપોલિયાને મા ન હોય, તું એને પકડીશ તો એની મા રોશે નહીં?”
સમડી મૌન થઈ ગઈ, પણ પછી બોલી.
“અરે, તું સાવ નાદાન છું. આપણી અને સાપની જાતિ અલગ છે. આપણું લોહી અલગ છે. એમની સાથે તો આપણી દુશ્મની છે.”
“દુશ્મની મતલબ?”
“સાપ સમડીનો વેરી હોય અને વેરીને તો મારી શકાય.”
“કેમ?”
“પેટ ભરવા.”
“આપણે બીજું કંઈક ખાઈ લઈએ તો?”
“સાવ ઘેલો… તારે તો પેલા સંન્યાસીના ઘેર જન્મ લેવા જેવો હતો, ભૂલથી મારી કોખમાં આવી ગયો.” કહીને વહાલથી બચ્ચાને ચૂમીને એણે ગગન ભણી જવા વાયુયાનની જેમ પાંખ પસારી.
એ જ સમયે એક ભીલ પોતાની ઝૂંપડીમાંથી તીર-કામઠું લઈને બહાર નીકળ્યો. જતાં જતાં પોતાના દીકરાને પ્રેમથી પાસે લીધો,
“કાલે તું રંગબેરંગી ફૂલો લેવા દૂર દૂર સુધી ગયો હતો ને? આજે એવું કશું ના કરતો. જંગલમાં ઝેરી સાપ હોય. એનાથી બચીને રહેજે.
“અરે, પણ બાબા…..”
“પણ-બણ કંઈ નહીં, કાલે તારે મરઘીનું બચ્ચું જોઈતું’તું ને? આજે પકડીને લઈ આવીશ. નિરાંતે એની સાથે રમજે. મંજૂર?”
“કેમ, એને મા નહીં હોય?”
“પાગલ, મા વગર બચ્ચું ક્યાંથી હોય?”
“બસ તો બાબા, મારાં માટે બચ્ચું ના લાવતા. એને પકડશો તો એની મા રોશે. યાદ છે. કાલે જંગલમાં ભૂલો પડી ગયો’તો મા કેટલું રડી હતી? રડી રડીને એની આંખો સૂજી ગઈ હતી.”
“તારે જંગલના પેલા સંન્યાસીના ઘેર જન્મ લેવા જેવો હતો. ભૂલથી અહીં મારા ઘરમાં જનમ લીધો. અરે પાગલ, આપણી અને પંખીઓની જાત એક નથી. જા ભાગ અહીંથી અને જઈને તીર-કામઠાથી રમ.
દીકરાને સમજાવીને ભીલ તીર-કામઠું લઈને માતૃભૂમિની રક્ષા કરવા નીકળેલા સૈનિકની અદાથી આગળ વધ્યો. એ સમયે સાપનું બચ્ચું સાપણને કહેતું હતું, “ મા તડકો આકરો થઈ ગયો છે, ચાલને ઘેર પાછાં જતાં રહીએ.
“ના, થોડી વાર ઊભો રહે. પેલા ભીલનો આવવાનો સમય થયો છે. એને ડંખ્યા વગર મને ચેન નહીં પડે.”
“અરે, કાલે તને ભૂલથી ચગદી હશે. એટલી વાતનો આટલો ગુસ્સો કરવો સારો નહીં. હું તો કેટલીય વાર તારા શરીર પર કૂદકા મારું છું.”
“સાવ પાગલ છું દીકરા તું. તારે તો જંગલના પેલા સંન્યાસીના ઘેર જન્મ લેવા જેવો હતો. ભૂલથી મારી પાસે આવ્યો.”
“તું એને ડંખીશ તો એનો દીકરો નહીં રડે?”
“ભલે રડતો. એથી મને શું ફરક પડશે? એમની અને આપણી જાત એક થોડી છે?”
ત્યાં તો સામેની ઝાડીમાંથી પાંદડાની સરસરાટ સંભળાઈ.
“હમણાં પળવારમાં આવી હું, તારું ધ્યાન રાખજે અને ઝાડી-ઝાંખરાંમાંથી બહાર ના આવતો. સમજ્યો?” કહીને પેટ પર સરકતી સાપણ આગળ વધી, જાણે વાંકાં-ચૂંકા રસ્તે સાગર તરફ નદી.
ભીલ સમડીનો માળો શોધવામાં મગ્ન હતો. આસ્તે આસ્તે સાપણ ભીલનો પીછો કરતી રહી. સહેજ ગગન તરફ નજર ગઈ તો એક સમડીને તીર ઝડપે જમીન તરફ ધસતી જોઈ. સાપણનાં રોમેરોમ કાંપી ઉઠ્યા. પાસેની ઝાડીમાં એ સંતાઈ. થોડી વારે જોયું તો સમડીએ પાછું ગગન ભણી પ્રયાણ કર્યું હતું. આજુબાજુ નજર કરી તો ભીલ પણ ન દેખાયો. એનું બચ્ચું એની પાછળ દોડી રહ્યું છે એની જાણ વગર હવે એણે ગુસ્સાભેર ભીલને શોધવા આમતેમ ભટકવા માંડ્યું. ભીલનો દીકરો પણ બાપનું અનુસરણ કરીને પાછળ ફરી રહ્યો હતો. સમડીનું બચ્ચું આકાશને આંબવાના આકર્ષણને લઈને માળામાંથી કૂદી પડ્યું હતું.
મા-બાપની શીખ છતાં સ્વચ્છંદતા જીવનક્રમની અભિન્ન પરંપરા બની જ રહી છે ને!
અચાનક એક સાથે ત્રણ ઘટના બની. સમડીનું બચ્ચું ભીલની નજરે પડ્યું. ધનુષમાંથી તીર છૂટ્યું. એ જ વખતે સાપણ ભીલને ડંખી. સમડીએ સાપનાં બચ્ચાંને ઝડપી લીધું
શાંતિના પરમ ઉપાસક સંન્યાસી સૂર્યપૂજાથી પરવારીને પર્ણકુટી તરફ પ્રયાણ આદર્યું ને દૂરથી સમડી, સાપ અને આદમીને એકબીજાની પડખે સૂતેલા જોઈને સજીવો વચ્ચે બંધુત્વની એમની ઇચ્છા પરિપૂર્ણ થઈ હોય એમ પોતાની સાધના-સિદ્ધિ માટે આનંદ થયો. જાણે એમની પ્રાર્થનાનો સ્વીકાર થયો.. ન તો સાપને સમડીનો ડર, ન માનવને સાપનો ડર. કેટલું સુંદર, મંગળ એ દૃશ્ય હતું!
બે હાથે ઈશ્વરને એ વંદી રહ્યા, “ધન્ય પ્રભો, નિશ્ચિત આ મારી તપસ્યાનો જય છે. તમારી લીલા અગાધ છે, અપાર છે.”
એમણે આગળ કદમ ઉઠાવ્યા અને ચમક્યા. એક આદમીની જોડે સમડી અને સાપનાં બચ્ચાંનાં શબ જોઈને એમનાં રોમેરોમ કાંપી ગયા. હાથમાંથી કમંડળ વછૂટી ગયું. હવે ગગન તરફ જોવાનું સાહસ ન રહ્યું. એમની આંખો જાણે ધરતીમાં સમાઈ જવું હોય એમ નમી પડી અને ધીમે-ધીમે વહેવા માંડી.
વિષ્ણુ સખારામ ખાંડેકર લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
