ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષ ઉપરાંત કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત હિમાંશીબહેન શેલતના નામથી ગુજરાતી વાચક અજાણ ન જ હોય.

હિમાંશીબહેનનો જન્મ સુરતમાં થયો. અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ મેળવીને તેમણે ‘વિ. એસ. નાયપોલની નવલકથા’ પર પીએચ.ડી.નો અભ્યાસ કર્યો. ૧૯૬૮ થી તેમણે સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકેનું કાર્ય સંભાળ્યું.

૧૯૯૫માં ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે લગ્ન થયા.

દક્ષિણ ગુજરાતનાં ‘આધુનિકોત્તર સ્ત્રી વાર્તાકાર’ તરીકે ખ્યાતિ પામેલાં હિમાંશીબહેન નવલકથાકાર, ચરિત્રકાર, વિવેચક તો છે જ સાથે તેમણે નાટક, અનુવાદ, કવિતા સહિત સાહિત્યના મુખ્ય પ્રકારોમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે.

હિમાંશીબહેન શેલતની એક વધુ નોંધપાત્ર સિદ્ધિ વિશે વાત કરીએ તે પહેલાં એમનાં સાહિત્ય સર્જન પર એક નજર…

* આઠ ટૂંકી વાર્તાસંગ્રહ.

* ‘આઠમો રંગ’-નવલકથા.

* ‘મુક્તિ-વૃતાંત’ આત્મકથા.

* ‘અંતર છબી’ અને ‘પહેલો અક્ષર’ જેવાં સંપાદન.

* ‘વિક્ટર’ તથા ‘સ્વામી અને સાંઈ’ જેવા નિબંધો જેમણે ગુજરાતી સાહિત્યને આપ્યાં છે એ હિમાંશીબહેન શેલત ૨૦૧૩-૨૦૧૭ના સમયગાળા માટે સાહિત્ય અકાદમીના સલાહકાર મંડળના સભ્ય રહી ચૂક્યાં છે. સાહિત્ય સર્જનની સાથે સાથે સમાજસેવા ક્ષેત્રે પણ એમનું યોગદાન નોંધપાત્ર છે.

હિમાંશીબહેનની વાર્તાઓમાં નારીગૌરવ અને સામાજિક દાયિત્યની ભાવના સવિષેશ જોવા મળે છે. કદાચ એનાથી જ એમનાં વ્યક્તિત્વ અને સર્જનની નોખી ભાત ઉપસે છે. ગુજરાતી લેખિકા દ્વારા ભાગ્યે જ આત્મકથાઓ મળી છે ત્યારે હિમાંશીબહેનની આત્મકથા ‘મુક્તિવૃત્તાંત’ સવિશેષ કહી શકાય.

ધૂમકેતુ, સરોજ પાઠક, કર્ણાટકનો નંજનગુડુ થીરૂમલમ્બા શાશ્વતી એવોર્ડ, જયંત ખત્રી-બકુલેશ પુરસ્કાર( વીનેશ અંતાણી સાથે સરખે ભાગે), ઉમાશંકર જોશી જેવા પુરસ્કાર પ્રાપ્ત કરનાર હિમાંશીબહેને ૨૦૦૧ પછી કોઈ પણ પારિતોષિક નહીં સ્વીકારવાનો નિર્ણય લઈને નવા સર્જકો માટે આગળ વધવાની તક ઊભી કરી.

હિમાંશીબહેને ભલે પારિતોષિક ન સ્વીકારવાનો નિર્ણય કર્યો, પરંતુ પારિતોષિક પ્રાપ્ત થાય એવું સર્જન કરવામાં વિરામ નથી લીધો.

માટે જ અત્રે પ્રત્યેક ગુજરાતી વાચક, ભાવકને આનંદ અને ગૌરવ થાય એવી સોનામાં સુગંધ જેવી એક વાતનો ઉલ્લેખ..

સુખ્યાત કન્નડ સાહિત્યકાર કુવેમ્પુની સ્મૃતિમાં રચાયેલ કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા ૨૦૧૩ થી દર વર્ષે ભારતીય ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જકને ‘કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કારમાં રજતચંદ્રક, પ્રશસ્તિપત્ર અને પાંચ લાખ રોકડનો સમાવેશ કરવામાં આવે છે.

વર્ષ/ ૨૦૨૪ ના આ કુવેમ્પુ રાષ્ટ્રીય એવોર્ડથી હિમાંશીબહેનને સન્માનિત કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પુરસ્કારથી ગુજરાતી ભાષાનું પણ સન્માન થશે એ સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

ગુજરાતી ભાષાનાં આવાં નોખા-અનોખા સર્જક હિમાંશી શેલતને વેબ ગુર્જરી તરફથી ખોબલે ખોબલે અભિનંદન.

રાજુલ કૌશિક


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.