ફિર દેખો યારોં

બીરેન કોઠારી

પ્લાસ્ટિકની શોધ વિવિધ ચીજોના વિકલ્પ તરીકે થઈ હશે, અને એ હેતુ અમુક હદે સર્યો હશે ખરો, પણ તેને કારણે ઊભો થયેલો પ્રદૂષણનો ગંભીર ખતરો કદાચ શરૂઆતમાં ધ્યાને ન આવ્યો હોય એમ બને. એ હકીકત છે કે પ્લાસ્ટિક અનેક ચીજોના સબળ વિકલ્પ તરીકે ઊપસી આવ્યું છે, પણ તેના ઊપયોગ પર વિવેકની લગામ અઘરી છે. પ્લાસ્ટિક અને તેના થકી જીવસૃષ્ટિ તેમજ જૈવપ્રણાલિ પર તોળાતા ખતરાને કાબૂમાં લેવાની જવાબદારી સૌ કોઈની છે, પણ વિકસીત એટલે કે પ્રથમ વિશ્વના દેશોની વિશેષ કહી શકાય, કેમ કે, તેમની પાસે પૂરતાં નાણાં છે, જેના જોરે તેમણે પ્લાસ્ટિકના ઉપયોગને વકરાવ્યો છે. પ્લાસ્ટિકના ઉપયોગને પગલે તેની આડપેદાશ જેવી પ્લાસ્ટિકના કચરાની સમસ્યા જગતભરના દેશો માટે માથાનો દુ:ખાવો બની રહી છે.

અમેરિકાના મહત્ત્વના કહી શકાય એવા પ્લાસ્ટિકના વ્યાપારી સંગઠન ‘અમેરિકન કેમિસ્ટ્રી કાઉન્‍સિલ’ (એ.સી.સી.) દ્વારા પ્લાસ્ટિકના કચરાનો અંત લાવવાની ઝુંબેશનો આરંભ ૨૦૧૯માં કરવામાં આવ્યો હતો. ‘પ્લાસ્ટિકના ઉપયોગ પર મૂકાતા ટૂંકા ગાળાના પ્રતિબંધ’ને બદલે આ સંગઠને પ્લાસ્ટિકના કચરાને જ ખતમ કરવાની ઝુંબેશની ઘોષણા કરી. આ સંગઠનમાં ડાઉ કેમિકલ્સ, મિત્સુબીશી કેમિકલ હોલ્ડિંગ્સ, પ્રોક્ટર એન્‍ડ ગેમ્બલ, શેલ, એક્ઝોનમોબીલ, શેવરોન ફીલીપ્સ કેમિકલ્સ જેવી વિરાટ કદની કંપનીઓ સભ્ય છે. એ સૌએ સંયુક્ત રીતે પ્લાસ્ટિકના કચરાને એકઠો કરવા અને રિસાયકલ કરવાના પ્રયત્નો પાછળ ૧..૫બીલીયન ડોલર (સો કરોડ રૂપિયા) જેવી માતબર રકમ ફાળવવાની પ્રતિજ્ઞા કરી છે. જો કે, આજ સુધી એટલે કે પાંચ વર્ષમાં તેમણે એના ચોથા ભાગની રકમ પણ ફાળવી નથી એમ એક અહેવાલમાં જણાવાયું છે. અલબત્ત, આ સંગઠનની વેબસાઈટ પર દર્શાવાયા મુજબ પાંચ વર્ષમાં તેમણે ૧,૧૮, ૫૮૦ ટન જેટલા પ્લાસ્ટિકના અનિયંત્રીત કચરાને બચાવ્યો છે. ‘ગ્રીનપીસ’ નામના વિશ્વવ્યાપી સંગઠનના અહેવાલમાં જણાવાયા અનુસાર આ સંગઠનની કાર્યકારી સમિતિની સભ્ય એવી ફક્ત પાંચ કંપનીઓ દ્વારા જ ૧૩.૨ કરોડ ટન પ્લાસ્ટિક આટલા સમયગાળામાં પેદા કરવામાં આવ્યું છે. આ પાંચ કંપનીઓમાં રસાયણની બે કંપનીઓ ડાઉ કેમિકલ્સ, શેવરોન ફીલીપ્સ અને તેલની ત્રણ કંપનીઓ એક્ઝોનમોબીલ, શેલ તેમજ ટોટલ એનર્જિઝનો સમાવેશ થાય છે.

ગ્રીનપીસના અહેવાલમાં જણાવાયા અનુસાર પ્લાસ્ટિકના પ્રદૂષણને ખતમ  કરવા માટે રચાયેલા સંગઠનના સભ્યોએ સંગઠનની સ્થાપનાથી આજ દિન સુધીમાં પ્લાસ્ટિકના કચરાની નાબૂદીને બદલે એક હજાર ગણા કરતાંય વધુ પ્લાસ્ટિક પેદા કર્યું છે.

સ્વાભાવિકપણે જ આ મામલે વાડ ચીભડાં ગળે એવી સ્થિતિ થઈ છે. આ સંગઠનના ચાવવાના જુદા અને દેખાડવાના જુદા હોવાનું પુરવાર થયું છે. સંગઠનના આ કાર્ય માટે ‘ગ્રીનવૉશિંગ’ શબ્દ વપરાય છે, જેનો સાદો અર્થ થાય છે પર્યાવરણના મામલે લોકોને ગેરમાર્ગે દોરીને છેતરપીંડી કરવી. એટલે કે પર્યાવરણ પર પડતી નુકસાનકારક અસરોને છુપાવીને એવું દેખાડવું કે પોતાની કંપનીનાં ઉત્પાદન, લક્ષ્ય કે નીતિઓ પર્યાવરણ સાથે સુસંગત છે.

આમ તો દાયકાઓથી પ્લાસ્ટિકના ઉત્પાદકો આ કામ કરી રહ્યા છે. પ્લાસ્ટિકના પ્રદૂષણની પર્યાવરણ પર થતી ગંભીર અસરોને છુપાવીને તેઓ ગ્રાહકોને એમ ઠસાવીને છેતરી રહ્યા છે કે પ્લાસ્ટિકના પ્રદૂષણનો વાસ્તવિક અને વ્યાવહારિક ઊકેલ રિસાયકલિંગ જ છે. અને પોતે એને અનુસરી રહ્યા છે. એમાંય પેટ્રોકેમિકલ કંપનીઓ સ્વતંત્રપણે, સંગઠનો તેમજ વિવિધ જૂથો દ્વારા ગ્રાહકોને, નીતિ ઘડનારાઓને તેમજ નિયંત્રકોને બરાબર છેતરીને એમ માનવા પ્રેરી રહ્યા છે કે અનેક ખોટા ઊકેલો સૂચવીને તેઓ પ્લાસ્ટિકના કચરાની કટોકટીને કાબૂમાં લઈ શકશે. હકીકત એ છે કે વિશ્વભરમાં વરસેદહાડે પેદા થતા ચાલીસ કરોડ ટન પ્લાસ્ટિકમાંથી ફક્ત નવ ટકા પ્લાસ્ટિક જ સફળતાપૂર્વક રિસાયકલ કરવામાં આવે છે.

પ્લાસ્ટિકનો મૂળભૂત સ્રોત અશ્મિજન્ય ઈંધણ છે, જેને વિઘટન થતાં સદીઓ લાગી જાય છે. તે ઘસાતું જાય છે, અને નાના ટુકડામાં વિભાજીત થઈ જાય છે, જેને ‘માઈક્રોપ્લાસ્ટિક’ કહેવાય છે. માઈક્રોપ્લાસ્ટિક હવે સર્વવ્યાપી બનતું જાય છે. દરિયાઈ જીવો, સસ્તન પ્રાણીઓના મળમાં, ખોરાકમાં, શીશીમાં મળતા પાણીમાં, અને માનવરક્તમાં સુદ્ધાં માઈક્રોપ્લાસ્ટિક મળી આવે છે. હજી સંશોધનનું આ ક્ષેત્ર નવુંસવું હોવાથી આ કણોની માનવ અને પ્રાણીઓ પર લાંબે ગાળે થતી અસર વિશે સચોટ અંદાજ બાંધી શકાયો નથી.

અહીં મુદ્દો પ્લાસ્ટિક, તેના થકી ફેલાતા પ્રદૂષણ અને તેની ગંભીર અસરો કરતાં વધુ તો ‘ગ્રીનવૉશિંગ’નો એટલે કે પર્યાવરણના મામલે કરાતી છેતરપીંડીનો છે. જે હેતુ માટે સંગઠન રચવામાં આવે એ હેતુને કોરાણે મૂકીને તેની સભ્ય કંપનીઓ ધરાર મનમાન્યું કરે એ કેવી વિચિત્ર વાત છે! આ કંપનીઓ શું એમ માનતી હશે કે પોતાની પાસે નાણાં છે એટલે એના જોરે તેઓ જે કરે એ ચાલી જશે? આ હદની નફાખોરી પૃથ્વી પરના અન્ય લોકોને નુકસાન કરશે તો શું તેઓ પોતે આમાંથી બાકાત રહેશે? આ મામલે નાણાંની લાલચ કરતાંય વધુ તો લોકોને છેતરવાની વૃત્તિ વધુ આઘાતજનક છે. આ અહેવાલ પ્રકાશિત થયા પછી પર્યાવરણ ક્ષેત્રે કામ કરી રહેલા અનેક કર્મશીલોને આંચકો લાગ્યો છે. હવે આ કંપનીઓ પર શા પગલાં લેવાય છે એ જોવું રહ્યું. જો કે, એ કંપનીઓએ પોતે આ અહેવાલને નકાર્યો છે કે સ્વીકાર્યો છે એ જાણવા મળ્યું નથી.

અમેરિકા જેવા વિકસીત ગણાતા દેશમાં મહાકાય કંપનીઓ કાનૂન, સત્તા અને નૈતિકતાને કોરાણે મૂકીને પર્યાવરણને ગંભીર નુકસાન કરતી હોય ત્યાં અન્ય દેશોની કંપનીઓ પાસે કે સત્તાધીશો પાસે શી અપેક્ષા રખાય!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૧૨– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)