વનિતાવિશેષ

રક્ષા શુક્લ

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

                                                 – રાજેન્દ્ર શુક્લ

જ્યારે નારીવાદના નારા સાંભળવામાં નહોતા આવતા એ સમયે એઇલીન કેડીનો સ્વર સર્વત્ર વિસ્તરેલો હતો. શૂન્યથી શિખર સુધીની સફરમાં એઈલીને હજારો હોનારતો અને સેંકડો સંઘર્ષોનો સામનો કર્યો કર્યો હતો. બાળપણમાં એઇલીનને અંતરનો અવાજ આવ્યો કે બાઈબલનું અધ્યયન કર. એઇલીનને વાંચવાનો કંટાળો આવતો હતો. વળી સ્કૂલના દિવસોમાં ધાર્મિક વાચન ? પણ એ અંતરના અવાજને અનુસરે છે. ૨૬ ઓગસ્ટ, ૧૯૧૭માં ઈજીપ્તમાં જન્મેલા આ ડેશિંગ લેડી ડિસેમ્બર ૨૦૦૬માં અવસાન પામે છે. ૮૯ વર્ષે અવસાન પામ્યાની છેલ્લી ક્ષણ સુધી એ સજ્જ અને સજ્જન હતા. એમણે અંતરમાંથી આવેલો અવાજ જ્યારે જ્યારે અનુસર્યો ત્યારે ત્યારે એ સાચા ઠર્યા અને લાભદાયી પણ નીવડ્યા. ત્યાર પછી લોકોને અંતરનો અવાજ અનુસરવા કહેતા. આમ કરવાથી હજારો લોકોના જીવનમાં ચમત્કારો થયા છે. એથી જ એને લોકો ‘ભીતરના ભગવાન’ અને ‘અંતરના અલ્લાહ’ કહેતા હતા. મનોજ ખંડેરિયા કહે છે કે…

ચલો મારી અંદર ભર્યા લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

 ડાયેના કુપર કહે છે કે ‘પાવરહાઉસ જેવી વિદ્યુત વેગીલી વાગ્મિતા સામે કોઈ પણ ટકી ન શકે. ટાંકણી પડે તો પણ સંભળાય એવી શાંતિ એમના લેકચર દરમ્યાન રહેતી’. એઇલિનનો એક શબ્દ પણ શ્રોતા જતો કરવા તૈયાર ન હતા. ઓશો જેમ એમની કેટલીક વાતો સમય પહેલાની હતી. કેટલાક કમઅક્કલ લોકોને એમની વાત સમજાતી નહોતી અને કેટલાક વિઘ્નસંતોષીએ એમના નામે વિવાદ ઊભા કર્યા હતા. કેટલાક એમને રહસ્યવાદી ગુરુ ગણતા હતા. ખરેખર તો એમનું જીવન અને કવન સાવ સરળ હતું. ગહન ઉપદેશ પણ સરળ રીતે કહેતા હતા. પ્રસિદ્ધિના પહાડ પર બિરાજમાન હોવા છતાં વિનમ્રતા કદી છોડી ન હતી. કહેવાય છે કે આભને અડવું સફળતા નથી પણ જમીન સાથે જોડાયેલા રહેવું સફળતા છે. ભલભલી ભયંકર સ્થિતિમાં પણ ‘મિસ ફૂલ’ બની રહ્યા હતા.

૧૬ વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ અને બે’એક વર્ષ બાદ માતાનું પણ મૃત્યુ થયું. એમના ઘરની નજીક રહેતા એન્ડ્રુકાંબેએ ‘વિલ યુ મેરી મી’ કહ્યું. અંતરમાંથી ‘ના’ નો જવાબ આવ્યો છતાં એઇલીને ‘હા’ ભણી. પરિણામ એ આવ્યું કે જતા દિવસે બંને અલગ થયા. કામ્બેએ એના રસ-રુચિને સમજવાનો ક્યારેય પ્રયત્ન કર્યો જ ન હતો. ત્યારથી એઇલીને નક્કી કર્યું કે અંતરના અવાજને કદી અવગણવો કે ઉવેખવો નહીં. ઓરેલિયસે કહ્યું છે કે ‘વસ્તુઓને છુટ્ટી પાડી જોશો તો જ્ઞાન મળશે અને વસ્તુઓને એકઠી કરી જોવાથી ડહાપણ આવે છે.’ એઇલીનનું ડહાપણ એનાં સંઘર્ષમાંથી ઊતરી આવ્યું છે.

પીટરને જોતા જ અંદરથી અવાજ આવ્યો કે ‘આ તારું પાત્ર છે’ અને એ અવાજને અનુસરી બીજા લગ્ન પીટર સાથે કર્યા. પછી તો દામ્પત્યના દરબારમાં હર્ષ હાજર… એકવાર કલની હિલ હોટેલના મેઈન કૂક ચાર્લ્સે ખૂબ ડ્રીંક કર્યું હતું. હોટેલમાં પ્રતિષ્ઠિત ગેસ્ટ આવવાના હતા એટલે પીટર મૂંઝાઈ ગયો તો એઇલીનના અંતરમાંથી અવાજ આવ્યો કે ‘હજુ વધુ એક પેગ પીવડાવો’ અને એમ કરવાથી આશ્ચર્ય વચ્ચે ચાર્લ્સ ઊભો થઈ કામ કરવા લાગ્યો. પીટરની નોકરી છૂટી તો અવાવરું જગ્યાએ રહેવા લાગ્યા. પહાડ જેટલી મુશ્કેલી હતી પણ એઇલિનનો હોંસલો આકાશ જેવો બુલંદ હતો. રેતાળ જમીનમાં શાકભાજીનો બગીચો ઊભો કર્યો અને ખૂબ સફળ રહ્યા. જેની મુલાકાતે ખેતીના નિષ્ણાંતો આવ્યા અને પૂછ્યું કે ‘આ ચમત્કાર કઈ રીતે કર્યો ?’ ત્યારે હસીને એઇલીને કહ્યું કે ‘અંતરનો અવાજ’. ૧૯૬૯માં ટી.વી. કેમેરાએ દેખા દીધા. બીબીસીના કાર્યક્રમમાં એઇલીન આવ્યા. એ પછી તો એમના ‘ઇનર વોઈસ’નો કોન્સેપ્ટ અનેક લોકો સુધી પહોંચ્યો. ઈશ્વરના અનંત આયોજનના અંશ જેવા આપણે પહેલું પગલું સાચું ભરવું. આવતીકાલ નામના બીજા પગલાંની ચિંતા કરવી નહીં.

એમના શબ્દો અનેક જિંદગીનો સધિયારો બન્યા છે. ‘જેટલા તમે ખાલી થશો એટલું સારું છે. તમારામાં નવું પ્રવેશવાની જગ્યા થશે. જ્યારે તમારી પાસે કંઈ નહીં હોય ત્યારે બધું જ હશે. જે પ્રતીક્ષા કરી શકશે એ જ પામી શકશે.’ માઈકલ સ્કોટે કહ્યું કે ‘એઇલીને સમગ્ર વિશ્વમાં પ્રવચનો કરી આધ્યાત્મની અંદરની ઊંડાઈને માપી છે.’ અંતિમ દિવસોમાં જ્યારે પ્રથમ પતિના પાંચ બાળકોએ મળવાની ઇચ્છા વ્યક્ત કરી તો એઇલીને કહ્યું કે ‘સમગ્ર સૃષ્ટિ મારો પરિવાર છે. મને કોઈ માટે રાગદ્વેષ નથી.’ એમના શબ્દોમાં નારી ચેતનાનો ધબકાર સંભળાય છે. આત્મકથા ‘ફ્લાઈટ ઇન ટુ ફ્રીડમ’, ‘ધી ફિન્ડહોર્ન ગાર્ડન’, ‘ધ મેજિક ઓફ ફિન્ડહોર્ન’ વગેરે પુસ્તકો બેસ્ટસેલર થયા. એમનું ‘ઓપનીંગ ડોર્સ વિધિન’ પુસ્તક વિશ્વની મોટા ભાગની ભાષામાં અનુવાદિત થઇ ચુક્યું છે. એઇલીન એટલે  સ્ત્રી સંવેદનનું સરનામું  છે.


ઇતિ

સૌની પાસે એક ઝગમગતો દીવો હોય છે, જે સૌને રસ્તો બતાવે છે અને એ દીવો છે, આપણો અનુભવ…

–પેટ્રીટ હેની


સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.