સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

                            (કરસનદાસ મૂળજી – ૧૮૩૧ થી ૧૮૭૨)

(પેહેલ કાહાડનાર ઉપર જુલમ પડ્યાથી કંઇ સુધારો અટકશે નહિ, વિલાયત જનાર પેહેલા થોડાએક ગૃહસ્થો ઉપર દુ:ખ પડ્યાથી વિલાયતનો રસ્તો બંધ પડશે એમ તમે કદી માનશો ના. ભાઈ મહિપતરામ ઉપર આ બાબદમાં દુ:ખ પડ્યું તે જોઈને જેમ હું અટક્યો નહી એમ મને જોઈને બીજા અટકશે નહી એમ હું માનું છું. ઇંગ્રેજી કેળવણીથી ઇંગ્રેજી છૂટાપણાનો ખરો વિચાર જ્યારે આપણા દેશીઓમાં આવશે ત્યારે દરએક ગૃહસ્થને એમ જ લાગશે કે -મેં મારુ છુટાપણું મારી નાત્યને વેચ્યું નથી ને હું કંઇ તેમનો ગુલામ થયો નથી. જે કામ મને રૂડુ અને જરૂરનું લાગ્યું તે કરવાથી મને કોઇ અટકાવે અથવા મારા હાથપગ બાંધી રાખે – તો તેવી સ્થિતિમાં મારે રેહેવું તેના કરતાં મરવું ભલું” છૂટાપણાનો આવો જુસ્સો જ્યારે આપણા દેશીઓમાં આવશે ત્યારે જ નાતનો જુલમ અને દસ્ત ટૂટી જશે અને ત્યારે જ સુધારાના દરવાજા ઉઘાડા થશે. હું છેલ્લીવાર ફરીથી કહું છઉં કે મારા પ્રવાસ વિષે લોક ગમે તેમ બોલો પણ તેનું ફળ રૂડું જ નિપજશે એવી હું આશા રાખું છઉં. હો ઈશ્વર! તું આ આશા વહેલી પુરી પાડ અને મારા દેશીભાઇઓને જ્ઞાતિના બંધનમાંથી છોડાવ તથાસ્તુ.

                                        કરસનદાસ મૂળજી તેમનાં પુસ્તક ‘ઇંગ્લે‌ન્ડમાં પ્રવાસ’ માં)


કરસનદાસ જેને આપણે ગુજરાતી ગદ્યનો પિતા કહીએ છીએ તે કવિ નર્મદના સમકાલીન હતા. ગુજરાતીમાં સર્જનાત્મક ગદ્યની હજુ શરૂઆત જ હતી. ભાષા પોતે શબ્દોની શોધમાં હતી. તેવે સમયે કરસનદાસે આપણને પકડી રાખે તેવું આ પ્રવાસવર્ણન લખ્યું હતું. તેથી તેનું સાહિત્યિક મૂલ્ય પણ છે. તેમણે ઇંગ્લેન્ડમાં જે કાંઈ જોયુ તે દરેકનું વર્ણન આ લેખમાં કરવું શક્ય નથી, પરંતુ તેમણે જે દૃષ્ટિએ બધું જોયું તે જાણવાથી તેમનાં વ્યાપક રસરુચિ તથા પોતાના દેશની પ્રજાની ઉન્નતિ કરવાની ખેવના ઠેરઠેર દેખાય છે. હવે આપણે તેમણે જોયેલા સ્થળો અને તે અંગે તેમના પ્રતિભાવો જોઈએ.

લંડનના આવેલા ક્રિસ્ટલ પેલેસને તેઓ બિલોરી મહેલ તરીકે ઓળખાવે છે. ૨,૮૦૦ ફૂટ લાંબા, ૪૦૦ ફૂટ પહોળા અને ૧૭૫ ફૂટ ઉંચા આ મહેલે ૨૦૦ એકર જમીન રોકી છે. આ મહેલ જોઇને અત્યંત ખુશ થતા તેઓ લખે છે, ‘માત્ર આ મહેલ જ જોવાને કોઇ દેશી વિલાયત જશે તો તેનાં જવા આવવાના ખરચનો બદલો વળી જશે. આ મહેલ દરબાર માટે નહિ પણ રૈયત માટે બાંધેલો છે. અહીં બજારો છે, છાપખાનું અને પુસ્તકાલય છે. એક મોટા દિવાનખાનામાં વાજિંત્રો તો છે સાથે સાથે ત્રણ થી ચાર હજાર ગવૈયાઓ એકી સાથે એક રાગમાં ગાય છે. આ બધું જોઇને હું બોલી ઉઠ્યો, “અરે હું વાણિયો કેવો ભાયગવાન કે આવી જગ્યા ઉપર આવી બેઠો છ‌ઉં?””

દિવસે લંડનની અને રાત્રે પેરિસની અનુભૂતિ થાય એવું કોલેજિયમ લેખકે લંડનમાં જોયું. લંડનની ત્રણ મોટી નાટકશાળાઓ ‘હર મેજેસ્ટી થિયેટર’,’ રોયલ ઈટાલિયન ઓપેરા’ તથા “પ્રિ‌ન્સેસ થિયેટર’ પણ જોઈ. દરેક નાટકશળાઓનું બારીકાઇથી વર્ણન કર્યું છે એટલું જ નહિ પોતાનાં આઠ મહિનાનાં રોકાણ દરમિયાન બધાં મળીને કુલ 6 નાટકો પણ જોય!. એ નાટકો, તેનું સંગીત, એક સાથે સવા સો વાદકો દ્વારા વગાડાતા વાજિંત્રો, સ્ટેજ પર ઉભા કરાતા સેટની ખૂબીઓ, નાટકને અંતે છોકરીઓ દ્વારા થતાં નૃત્યોનું પણ તેમણે વર્ણન કર્યું છે,

આ ઉપરાંત તેમણે જ્યાં સુંદર રોશની થતી હોય, વાજિંત્રો વાગતા હોય તથા ઘોડા પર સવાર થ‌ઇને કસરતો થતી હોય તેવા લંડનના ક્રિમોન નામના બગીચાની મુલાકતત લઈને તેના વિશે વિગતે લખ્યું છે. મીણના પુતળાઓનું સંગ્રહસ્થાન, ચિત્રોનું સંગ્રહાલય એવી નેશનલ ગેલેરી અને તેમાનાં જુદા જુદા ચિત્રોની કિંમત પણ તેમણે જાણી છે. ભારત સહિત દુનિયાભરમાં થતા ફૂલોના એક મ્યુઝિયમને જોઈને તેઓ ખૂબ જ રાજી તો થયા, પરંતુ તે સ્થ્ળે તેમને એક અંગ્રેજે એક માર્મિક ટકોર કરી તે તેમનાં શબ્દોમાં “તમે ફુલોનો આથી વધારે સારો દેખાવ તમારા દેશમાં જોતા હશો, મેં કહ્યું કે અમારા લોકોમાં તમારા જેવી મહેનત અને ઉલટ નથી; નહિ તો તમારો દેશ આ બાબદમાં અમારા દેશ કરતા ચહડે નહી જ.”

લંડનમાં દર વર્ષે કૂતરાઓનો ‘ડોગ શો’ થાય છે. લેખક હજારો કૂતરાઓનો મેળો જોઈને આશ્ચર્ય પામે છે તો બીજી જગ્યાએ એક સાથે દસ હજાર જેટલા છોકરાઓને સાથે મળીને એક જ રાગમાં ગાતા જોઈને પોતાને થતા રાજીપા અંગે લખે છે, “ કોઈ કવિરાજનું કાવ્ય પણ આ ખુશી અને આ ગંભીરાઈનું વર્ણન કરી શકે નહિ ત્યારે હું શું વર્ણન કરૂં? એ વર્ણન કરવાને મારી કલમમાં શક્તિ નથી”.

પોતે પ્રિ‌ન્સ આલ્બર્ટના પૂતળાનાં અનાવરણ પ્રસંગે હાજર રહ્યા. તે સમયે વીસ હજાર જેટલા ઇંગ્લે‌ન્ડના પ્રજાજનોના અનંદમાં સહભાગી થતી વખતે પોતાના મનોભાવ વ્યકત કરતા લખે છે, ‘જેવું માન આ રાજકુંવરને હાલ મલે છે તેવુ હમેશ મળો: જેવો પ્યાર ર‌ઇતનો હાલ તેના ઉપર છે તેવો હંમેશ સુધી કાયમ રહો; અને એની કારકીર્દીમાં આખાં બ્રિટનની અને હિંદુસ્તાનની આબાદી વધો, અસ્તુ!’

આપણે ત્યાંની મુંબઈમાં થતી ઘોડાદોડ એ સમયે લંડનમાં પણ થતી. આથી લેખકે કરેલું તેનું વર્ણન લખવાની જરૂર નથી. પરંતુ તેમનો પ્રતિભાવ આ પ્રમાણે છે, ”ઇંગ્રેજ લોકોની મોટામાં મોટી આ ગમત અને રમત પસંદ કરવા જોગ નથી; કેમ કે એમાં મોટો જુગાર રમાય છે અને ઘોડા જેવા ભલા અને ઉપયોગી પ્રાણી ઉપર મોટું ઘાતકીપણું ગુજરે છે” આથી આપણને ખ્યાલ આવે છે કે લેખક અંગ્રેજોના આંધળા પ્રશંસક ન હતા.

તેમણે ઇંગ્લે‌ન્ડની પ્રજાની જીવનશૈલી અને સમાજજીવન વિશે ‘લોકોની સંસારી હાલત’ નામનાં પ્રકરણમાં જુદા જુદા આર્થિક વર્ગના લોકોના જીવનધોરણ બાબતે લખ્યું છે. તે ઉપરાંત ત્યાના લોકોના સ્ત્રીઓ સાથેના વ્યહવહારથી તેઓ ખાસ પ્રભાવિત થતા જણાવે છે,

“વિલાયતના લોકો સ્ત્રી જાતને ઘણું માન આપે છે, સ્ત્રી જાત ઘણી નબળી છે અને તેનું તન અને મન કોમળ છે. તેનાં કોમળ તનને ઇજા ન પોહોચે અને તેના કોમળ મનને દુ:ખ ન થાય એવી તજવીજ વિલાયતના લોકો રાખે છે. સ્ત્રીની મરજી બને ત્યાં સુધી તેઓ સાચવે છે. સ્ત્રી બેઠી ન હોય ત્યાં સુધી પુરુષથી બેસાય નહીં. તમે કોઈ સ્ત્રીને ઓળખતા નહી હો તે છતાં તે તમારી પાસે ઉભી હોય અને તમે બેઠા તો તેને જગ્યા આપવી જોઈએ. હરેક મંડળીમાં સ્ત્રીને પહેલું માન મળે છે. સ્ત્રી બોલતી હોય તો તેની વાત પેહેલી સાંભળવી. મંડળીમાં ખાવાપીવાની જણસ આણી હોય તો તે સ્ત્રીને પેહેલી આપવી. સ્ત્રીને કંઇ જોઈતું કરતું હોય તો પેહેલું આપવું. ટુંકામાં હરએક રીતે અને હરેક વાતે જેમ બને તેમ સ્ત્રીનું માન રાખવું”

લોકોની દિનચર્યાનું વર્ણન કરતાની સાથે તેમની રીતભાતની વાત પણ લેખકે કરી છે. ઇંગ્લે‌ન્ડની શિક્ષણ વ્યવસ્થાનું વર્ણન કરતા તેઓ લખે છે કે મુસાફરી એ તેમના શિક્ષણનો એક ભાગ છે. ત્યાંના શ્રીમંતો સાથે દેશના શ્રીમંતને સરખાવતા લખે છે કે ઇંગ્લે‌ન્ડના શ્રીમંતોમાં આપણા દેશના શ્રીમંતો કરતા વિદ્યાપ્રીતિ ખૂબ જ વધારે છે એટલું જ નહિ ત્યાંના શ્રીમંતો પોતાના પૈસા વડે નહિ પરંતુ પોતાના વિદ્યા અને હુન્નરનાં બળે પ્રખ્યાત થવા ઇચ્છે છે.

ઇંગ્લે‌ન્ડના અને ખાસ કરીને ત્યાંના શ્રીમંત લોકોનો પ્રવાસ કરવાની રીતને અપણા લોકોની રીત સાથે સરખાવતા તેઓ લખે છે, “વિલાયતના શ્રીમંતો જ્યારે મુસાફરી કરવા નીકળે છે ત્યારે પોતાની સાથે માણસોનો ખટલો રાખતા નથી. આપણા દેશના શ્રીમંતો એમ સમજે છે કે જેમ વધારે માણસો લઈને બાહાર નિસરે તેમ વધારે શ્રીમંતાઈ માલમ પડે, આવી ખોટી પતરાજી દેખાડવાને વીલાયતના શ્રીમંતો મુદલ ઈચ્છતા નથી. વિલાયતના રાજાઓ પણ જ્યારે મુસાફરી કરવા નીકળે છે ત્યારે જરૂર કરતા વધારે માણસો સાથે લેતા નથી.” પછી તરત જ જાણે નિસાસો નાખતા હોય તેમ લખે છે, “અરે આપણા દેશીઓમાં મુસાફરી કરવાની પ્રીતિ કેટલી થોડી છે? આપણા દેશીઓ જ્યાં સુધી સુધરેલા દેશોમાં પ્રવાસ કરવા નીકળસે નહીં ત્યાં સુધી આ દેશનો દાહાડો ઉઘડશે નહીં. અરે આવી મુસાફરીનો શોખ આપણા શ્રીમંતોમાં ક્યારે ઉત્પન્ન થશે? તેમાં અગત્ય કરીને હિંદુ શ્રીમંતો ક્યાં સુધી ન્યાતની બિહિક રાખીને ઘરના ખૂણામાં ભરાઈ રહેશે? આ વિશે જરા વિચાર કરવો જોઈએ.”

ત્યાંના લોકોના કેળવણી વિષયક વિચારો અંગે જણાવે છે કે પોતાના બાળકોની કેળવણી પાછળ લોકો પૂરતો ખર્ચ કરે છે. પ્રવાસને પણ ત્યાં શિક્ષણનો ભાગ ગણવામાં આવે છે. ગાંધીજીએ આત્મકથામાં પોતાના પ્રાથમિક શાળાના શિક્ષણ વિશે લખ્યું તે પરથી આપણને લાગે છે કે આપણે ત્યાં પ્રાથમિક શળામાં બાળકો બીજું કાંઇ ભલે ના શીખે પણ ગાળ બોલતા તો શીખે જ છે. પરંતુ લેખકના કહેવા પ્રમાણે ઇંગ્લેંડના બાળકો અપશબ્દો બોલતા નથી. તેઓ ખરાબ કામ કરતા નથી કે તેઓ સારી રીતભાત અને બોલવચાલવામાં વિવેકી હોય છે. આ બાબતને જ કેળવણીની શોભા ગણવામાં આવે છે.

નીતિ અને અનીતિ તો દરેક સમાજમાં હોય છે, પરંતુ નીતિની પ્રતિષ્ઠ માત્ર કહેવા ખાતર જ નહિ પણ વ્યહવારમાં પણ હોવી જોઇએ જેના દર્શન કરસનદાસને ઇંગ્લે‌ન્ડના સમાજમાં થયા.તેમણે જોયું કે ઇંગ્લે‌ન્ડમાં કોઈ પુરૂષ વ્યભિચારી હોય કે કોઇ સ્ત્રી બદચલન હોય તો ગૃહસ્થો તેમને પોતાની મંડળીમાં બેસવા દેતા નથી. કોઇપણ આબરૂવાળો માણસ તેની સાથે બોલતો નથી કે રસ્તામાં મળે તો સલામ પણ કરતો નથી”. તેની સાથે આપણા દેશના લોકોની સરખામણી કરતા તેઓ લખે છે. “આપણા દેશમાં આવું કાંઇ છે જ નહી.. કેટલાએક પુરુષો તો તરકટથી અને લુચ્ચાઈથી દ્રવ્ય એક્ઠું કરવામાં અથવા કોઇ કુળવાન અને ખુબસુરત સ્ત્રી સાથે વ્યભિચાર કરવમાં મોટી બહાદુરી સમજે છે અને એ બહાદુરી વિશે પોતના મિત્ર આગળ પત્રાજી મારે છે! કેટલાક શેઠીઆઓ ઉઘાડે દહાડે અને ઉઘાડે ચોકે વેશ્યાના ઘેર રખડે છે: કેટલાએક શેઠીઆઓ મોટા તરકટ કરી તથા વિધવાને રડાવીને દ્રવ્યવાન થયા છે: તે છતાં તેઓને તેમના દ્રવ્ય માટે સઉ આદરમાન આપે છે અને અપલક્ષણો સામે ન જોતાં તેના પૈસાના જોરમાં સઉ દબાઈ જાય છે. એટલા માટે હું કહું છું કે વિલાયતના ચહડતા વર્ગની નીતિ આપણા દેશના ચહડતા વર્ગની નીતિ કરતાં ચહડતી છે.”

ઇંગ્લે‌ન્ડના ધર્મ (ખ્રીસ્તિધર્મ)ની હાલત આપણે ત્યાંના ધર્મની હાલત કરતા વધારે સારી છે તેમ સ્વીકારવાં છતાં બધા જ ધર્મો અને ધર્મશાસ્ત્રો બાબતે તેમના સ્પષ્ટ વિચારો જણાવતા તેઓ લખે છે, ”ધર્મસબંધી ભોળાપણું સુધરેલા લોકોમાં નથી એમ તમે ના સમજશો. વિદ્યાના પ્રકાશથી અને સાધારણ બુદ્ધિથી જે વાત બની ન શકે તે છતાં તે વાત ખરી માનવી અને તે ઉપર વિશ્વાસ મૂકવો એ ભોળપણું કેહેવાય. નિરાકાર ઈશ્વર આ પૃથ્વિ પર અવતાર લેવા આવે: અથવા પોતાના દીકરાને મોકલે, અને તે વેળા ગગનના તારલા બંધ પડે, સૂર્ય ઊભો રહે, ઇત્યાદિ ચમત્કારની વાતો માનવી એ જ ભોળપણું.” અહીં આપણને કરસનદાસના રેશનલ વિચારો પણ જોવા મળે છે.

દરેક ધર્મમાં ફાંટાઓ કે અલગ અલગ સંપ્રદાયો બાબા આદમથી પડતા આવ્યા છે. આપણે ખ્રિસ્તી ધર્મના રોમન કેથલિક અને પ્રોટેસ્ટ‌ન્ટ એમ બે પંથોથી તો વાકેફ છીએ જ. પરંતુ લેખકે ઇંગ્લે‌ન્ડમાં ખ્રિસ્તી ધર્મના પચાસ કરતા વધારે પંથોના નામો તેમના આ પુસ્તકમાં લખ્યા છે. એ બધા નામો નહિ જણાવતા ત્યાંના ‘સોસાયટી ઓફ ફ્રે‌ન્ડ્ઝ’ નામના પંથના મત વિશે લેખકે કરેલી વાત કરીને આ પ્રકરણ પુરું કરું છું

  • કદી સમ ખાવા નહિ,કોર્ટમાં કે કોઇ ઠેકાણે ‘બાઇબલ’ ના નામે સમ આપે તો લેવા નહિ
  • લગ્ન ક્રિયા તથા ધર્મ સબંધી ક્રિયા(અથવા કર્મકાંડ) કરવાની જરૂર નથી.
  • કોઈ માણસ ગમે તેવો મોટો હોય પણ તેને “તમે” કહીને નહિ પણ તું કહીને બોલાવવો.
  • “યોર હોલિનેસ” અથવા “યોર મેજેસ્ટી” અથવા ‘યોર એક્સલંસી’ ઇત્યાદી માનનાં વચનથી કોઇપણ મોટા ધર્મગુરૂને કે કોઈપણ મોટા રાજાને કે મોટા ગવર્નરને અથવા કોઈપણ મોટા માણસને બોલાવવો નહીં
  • મંડળીમાં ટોપી ઉતારવી નહીં.
  • જેમ બને તેમ સાદો પોશાક પહેરવો.
  • મુવેલાનો શોક પળવો નહિ.
  • દેવળમાં ભક્તિને માટે લોકોને બોલાવવા ઘંટ કદી વગાડવો નહિ.
  • બચ્ચાઓ (બાળકો)ના નામ પાડવાને દેવળમાં લઇ જવા નહિ.
  • કોઇની સાથે વેર લેવું નહિ અને કોઇ સાથે લડાઇ કરવી નહિ

 (નોંધ: જ્યાં જ્યાં પુસ્તકમાના અવતરણો ટાંક્યા છે ત્યાં ભાષા અને જોડણી જેમની તેમ રાખી છે. વાચક મિત્રો અનેકવાર વપરાયેલા ‘પતરાજી’ કે ‘પત્રાજી’ શબ્દનો અર્થ તેની આગળપાછળના સંદર્ભથી સમજી શકશે. ભગવદગોમંડલમાં તેનો અર્થ ‘શેખી; ડંફાસ; ખાલી બડાઈ; મિથ્યાભિમાન; હૂંપદ; ડોળડમાક અને ગર્વ.’ એવો આપેલો છે.)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.