સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
‘ પૂર્વકથા ‘થી આગળ
લક્ષ્મણદાદાના, અવસાન બાદ કોંકણની જમીનોનું ત્યાં રહીને અંગત રીતે ધ્યાન રાખનારું કોઈ ન રહ્યું. જમીનની આવક ઘટવા લાગી. અમારા દાદાકાકાએ વર્ષમાં એક વાર ત્યાં જઈ હિસાબ-કિતાબ જોવાની અને મળતા પૈસા લાવવાની તૈયારી બતાવી. દાદાજી ઘરના મોટા પુત્ર હોવા છતાં તેમણે નાનાભાઈને આ જવાબદારી સોંપી. દાદાકાકા વતન જઈને જે મળે તે લાવવા લાગ્યા. મરજી થાય તો તેમાંથી થોડી રકમ અમને આપે પણ દાદાજીએ કદી પણ તેમની પાસે હિસાબ માગ્યો નહિ. પરિવારમાં આવી અંધાધૂંધી ચાલવા લાગી.
આ જાણે અપૂરતું હોય, મારા જન્મ બાદ બાપુજીને દારૂનું વ્યસન લાગ્યું. ઘરખર્ચમાં વધારો થતો ગયો અને અહીં ખેતીની આવક ઘટવા લાગી. બાપુજીનો પગાર સીધો બહાર જવા લાગ્યો. દાદાકાકાએ તો જમીનની આવક વાપરવા સિવાય બીજું કંઈ કર્યું હોય તેવું લાગ્યું નહિ, કારણ કે જમીનનું મહેસૂલ ન ભરાવાને કારણે અમારી કેટલીક જમીનો. સરકારમાં જપ્ત થઈ ગઈ હતી. લક્ષ્મણદાદાએ જે માણસો પર વિશ્વાસ મૂક્યો હતો. અને જમીનની દેખરેખ માટે વફાદારીની આણ લીધી હતી તેમણે દગો આપવાની શરૂઆત કરી. ઘરખર્ચ ચલાવવાનું કામ મુશ્કેલ થઈ જતાં મારા દાદાને વડોદરાની એક હવેલી વેચવી પડી. હજી પણ આ હવેલી ફડકેવાડાના નામે ઓળખાય છે. દાદાજીએ પારિવારિક મિલકત અને જમીનની ઊપજમાંથી પ્રામાણિકતાથી કરેલ વહીવટના ફળસ્વરૂપ ઊભી થયેલ વાસ્તુ અને વસ્તુઓ ધીરે ધીરે વેચાવા લાગી.
મારા નાના કાકા – યશવંતકાકા – જેમને અમે બધાં બાળકો પ્રેમ અને આદરથી “યેસુબાબા’ કહીને બોલાવતા – તેમને પણ બાપુજીની ઘણી ચિંતા થતી. એક દિવસે તેમણે પણ બાપુજીને કહ્યું, “મોટાભાઈ, આપને જેટલી પીવી હોય એટલી પીઓ, પણ મહેરબાની કરી ઘેર બેસીને. બહાર ના લેતા.’ પણ ઘેર દાદાજી હતા, તેમની હાજરીમાં મદ્યપાન કરવામાં સંકોચ થયો હશે કે કેમ, પણ તેમણે યેસુબાબાની વાત માની નહિ. રાજમહેલનું કામ પતે કે તરત પીઠામાં જાય અને રાત્રિએ – અધરાત્રિએ પાછા આવે. મારાં પગલાં પડતાં આ અવદશા આવી. પહેલાં તો લક્ષ્મણદાદા ગયા. ત્યાર બાદ બાપુજીને આ વ્યસન લાગ્યું. પાંચમી કન્યા તરીકે હું જન્મી હતી. હું કેમ કરીને કોઈને ગમવાની હતી?
કોંકણમાં અમારી મિલકતની હાલત બગડતી ગઈ. ત્યાં રહીને જમીનનું ધ્યાન ચખનારું કોઈ હોત તો અમારા પરિવારના વાર્ષિક ઉત્પન્નમાં કાંઈક ફેર પડયો હોત. હવે તો આવક સાવ ઘટીને નહિવત્ થઈ ગઈ હતી. તેમાંથી બે-બે ઘરનો – એટલે અમારો અને કાકાદાદાના ઘરનો ખર્ચ ચલાવવાનું કામ એટલું મુશ્કેલ થઈ ગયું હતું કે અમને અમારી મોટી હવેલી પણ વેચવી પડી.
એક તરફ પારિવારિક મિલકતો હાથમાંથી જવા લાગી, અને બીજી તરફ બાપુજીનું વ્યસન વધવા લાગ્યું. આમ છતાં એટલું તો સાચું કે બાપુજી કામે કદી પણ પીને જતા નહિ. એટલું જ નહિ, પોતાના વ્યસનની મહારાજસાહેબને જરા પણ ખબર પડવા ન દીધી. પોતાના કામમાં જરા જેટલી પણ કસૂર થવા દીધી નહિ.
બાપુજીની ચિંતામાં નારાયણદાદાની જિજીવિષા સમાપ્ત થઈ અને એક ટૂંકી માંદગીમાં જ તેમણે શરીર છોડી દીધું. આમ અમારા પર એક પછી એક આપત્તિઓ આવવા લાગી. નારાયણદાદા ગયા પછી બે આંખની શરમ ન રહેતાં ગોવિંદદાદા દર વર્ષે કોંકણ જતા, અને જમીનની આવકમાંથી અમને મન થાય તો આપતા.
જોકે આવા ‘આપવા’ના પ્રસંગો ભાગ્યે જ આવતા.
બાપુજીને મહેલમાંથી ઘણી વસ્તુઓ મળતી, પણ તેમાંથી તેમણે કદી. પણ કશું સ્વીકાર્યું નહિ. બધું તેમના હાથ નીચેના માણસો લઈ લેતા. કામમાં નિયમિતતા અને પારદર્શક વહીવટને કારણે તેમના પર મહારાજા સયાજીરાવની કૃપા અને વિશ્વાસ વધતો ગયાં. મોટા મોટા લોકોનો પરિચય થતો ગયો, અને ઘણા લોકપ્રિય થયા. પણ તેમના સહકારીઓ અને અન્ય કારભારીઓ તેમનો ઉત્કર્ષ સાંખી શકતા નહોતા. તેમની ઈર્ષ્યા અને બાપુજી વિરુદ્ધના કાવાદાવા વધતાં ગયાં.
હું ચાર વર્ષની થઈ અને મને છઠ્ઠી બહેન આવી. ઘર નિરાશાની વાદળીમાં ઘેરાઈ ગયું. ફરીથી મારા નામ પર ફિટકાર વરસ્યો. આ વખતે ભાઈ આવ્યો હોત તો મને સુખના બે રાબ્દો સાંભળવા મળ્યા હોત. લોકો કહેત, “ચાલો આ વખતે લીલા પોતાની પાછળ ભાઈ લઈ આવી.’ પણ હું ક્યાં એટલી ભાગ્યવાન કે મારી પાછળ એક ભાઈ આવે?! મારી નવજાત બહેન જન્મતાં જ દમની બીમારી લઈ આવી હતી. બધાંએ. તેનું નામ દમુ રાખ્યું.
બીજી તરફ મારા પિતરાઈ કાકાને ત્યાં પ્રથમ પુત્ર બાદ એક દીકરી આવી, અને ત્યાર પછી બીજા બે દીકરા. આમ તેમને ત્યાં તો દૂધ અને દહીં બન્નેની નદીઓ વહેવા લાગી.
ઘરની હાલત તો સાવ બગડી ગઈ હતી. દાદીમા માંદાં પડી ગયાં અને લાંબી માંદગી બાદ તેઓ પણ પ્રભુદ્ધારે ગયાં. અમારા માટે હવે ઘણા કઠિનાઈભર્યા દિવસ આવ્યા હતા. એટલી હદ સુધી કે મારી બન્ને મોટી બહેનોને પહેરવા માટે પૂરતાં કપડાં પણ નહોતાં. પણ બન્ને બહેનો એટલી શાણી હતી કે તેમણે કદી કશાની અછત એક અક્ષરથી પણ પ્રદર્શીત કરી નહિ. સૌથી મોટાં બહેનને બધા લોકો માનથી મનાબાઈ અને વત્સલાબાઈને બાઈજી કહીને બોલાવતા.
બાપુજી ઘણી વાર રાતે દારૂ પીને ઘેર આવતા. એક વાર મોડી સાંજે ઘેર દારૂ પીવા બે-ત્રણ મિત્રોને લઈ આવ્યા. ઘરમાં યુવાન દીકરીઓ હતી અને બા બિચારી એટલી ગભરાઈ ગઈ કે તેણે મનાબાઈ અને વત્સલાબાઈને વેસુબાબાને ત્યાં પાટણ મોકલાવવાનો વિચાર કર્યો.
દિવસ વીતતા ગયા. દાદાકાકા અને તેમનાં પત્ની પુત્ર-પૌત્રોનું સુખ જોઈ સ્વર્ગે સિધાવ્યાં. તેમના અવસાન બાદ કોંકણની જમીનનો વહીવટ અમારા મોટા પિતરાઈ ગણેશકાકાના હાથમાં ગયો. હવે તેઓ જ દર વર્ષે કોંકણ જઈને પૈસા લાવવા લાગ્યા. ત્યાંથી પૈસા આવે કે તેમના ઘરમાં દરરોજ મિજબાની ચાલે, અને પૈસા ખલાસ થાય કે પછી કાલે શું ખાવું તેની ફિકરમાં બેસે. કામમાં તો તેઓ કાંઈ હોશિયાર નહોતા. આટ-આટલાં વર્ષોની નોકરી બાદ પણ તેઓ માંડ માંડ હવાલદારના પદ સુધી પહોંચ્યા હતા. તેમને એક દીકરો હતો, જે ઘણો હોશિયાર અને ખરેખર પ્રેમાળ સ્વભાવનો હતો. પણ તે હજી નાનો હતો અને ભણતો હતો, તેથી તેમના એકલાના પગાર પર જ ઘર ચાલતું હતું.
મારાં વડદાદી. હજી પણ સ્વસ્થ હતાં. શરીર નીરોગી અને સ્વાસ્થ્ય સારું હોવાથી તેઓ એકલાં જ બાની કાળજી લેતાં હતાં. બા ક્યાંય પણ જાય તે બાપુજીને ગમતું ન હોવાથી તે અને મારી મોટી બહેનો મનાબાઈ અને વત્સલાબાઈ તો કદી નાનાજીને ઘેર પણ જઈ શકતાં નહોતાં. ગાયકવાડીમાં શિક્ષણ ફરજિયાત હોવાથી અને નિશાળ ઘરની નજીક હોવાથી બન્ને મોટી બહેનો ભણવા જઈ શકતી હતી. સરકારે તો રાજ્યમાં ગરીબ પ્રજા માટે ઘણા સુધારા કર્યા હતા. દવાખાનાં ખોલ્યાં હતાં અને પ્રજાને મફત દવા મળે તેની પણ જોગવાઈ કરી હતી. સયાજીરાવ મહારાજ ઘણા દયાળુ રાજા હતા.
તે સમયે મહારાજને ફરીથી ઇંગ્લેન્ડ જવાનું થયું. તેમણે બાપુજીને પહેલેથી જ હુકમ આપ્યો હતો કે આપણે વિલાયત જવાનું છે, તો તમે તૈયાર રહેજો. આ વખતે બાપુજીના વિરોધીઓના કાવાદાવા એટલી હદ સુધી વધી ગયા કે તેમણે મળીને નક્કી કર્યું કે આ વખતે રાજેને મહારાજસાહેબ સાથે જવા દેવાનો નથી.
આ વાત મહારાજને કાને જતાં તેમણે બધાને બોલાવીને તતડાવ્યા અને કહ્યું, “રાજે મારી સાથે જાય કે નહિ તેનો નિર્ણય મારે કરવાનો છે. બીજા કોઈએ આમાં બોલવાનું નથી.’ આ સાંભળી તે વખતે બધા ચૂપ થયા, પણ તેમના દ્વેષની કોઈ સીમા રહી નહિ.
બાપુજીની નિમણૂક એવા સ્થાન પર હતી કે તેમના હાથમાં લાખો રૂપિયાનો વહીવટ હતો. તેઓ પાઈએ. પાઈનો હિસાબ રાખતા. તેમાંથી કોઈ પણ રકમ કે વસ્તુનો પોતાના અંગત કામ માટે ઉપયોગ કર્યો નહિ. તેમની પ્રામાણિકતા પારદર્શક હતી જેનો મહારાજને પૂરો ખ્યાલ હતો. બાપુજીના હાથ નીચે અમારી જ્ઞાતિનો જ એક માણસ હતો. તેને હંમેશાં થતું કે મહારાજનો માનીતો આ ‘રાજે’ પોતે તો કશું ખાતો નથી, અને અમને પણ ખાવા દેતો નથી. તેણે બાપુજીનું કાસળ કાઢવા કાવાદાવા શરૂ કર્યા.
અમારા ઘરની પરિસ્થિતિ હવે ઘણી કથળી ગઈ હતી. બાપુજીના પગાર પર અમારું ઘર ચાલતું હતું, તેમાંથી અર્ધો પગાર તેમના વ્યસન પાછળ ઊડી જતો હતો. મારાં મોટાં બહેન હવે સોળ વર્ષનાં થયાં હતાં. ઘરની આવી હાલતમાં તેમનાં લગ્નનું કોણ જુએ? અમારી ઊતરતી કળા શરૂ થઈ ગઈ હતી. ઘરમાંફક્ત વાસણકૂસણ અને હાંડલાં બચ્યા હતાં. સોનાચાંદીની વસ્તુઓ તો ક્યારનીયે રસ્તે પડી ગઈ હતી. બાપુજીનો હોદ્દો આટલો ઊંચો હતો પણ તેમણે કદી પોતાના ઘરનો, પત્નીનો અને બાળકોનો, જરા જેટલો વિચાર કર્યો નહિ. પોતે માત્ર સૂટ-બૂટ પહેરી અપઢુડેટ રહેતા, અને રાતે નશામાં ચકચૂર થઈને આવતા. બા બિચારી શું કરે? વડદાદી પણ પૌત્રના વ્યસનથી કંટાળીને વ્યગ્ર થઈ ગયાં હતાં. બાપુજી નશામાં હોય ત્યારે હાથમાં જે હોય તે લઈ બાને મારવા લાગતા, તે વડદાદીથી જોવાતું નહોતું. ઘરના આ હાલ જોઈ તેમનું હૃદય વિદીર્ણ થઈ જતું. આ બધાની તેમના મન અને શરીર પર વિપરીત અસર થઈ અને નિરાશામાં ઘેરાયેલાં વડદાદી પણ એક દિવસ અમને સૌને મૂકીને પ્રભુના દ્વારે પહોંચી ગયાં.
બાના મસ્તક પર તો આકાશ તૂટી પડ્યું. વડદાદી બાનું સર્વસ્વ હતાં. ભાવનાત્મક આધાર ઉપરાંત એક છત્ર સમાન હતાં. અમારી આર્થિક હાલત એવી થઈ ગઈ હતી કે અમારી પાસે સમારકામને અભાવે જર્જરિત થઈ ગયેલાં બે મકાન અને કોંકણની જમીન બચી હતી. ગણેશકાકા હજી પણ દર વર્ષે કોંકણ જઈ જમીનની ઊપજ લઈ આવતા પણ આ આવક વિશે તેમને પૂછનારું કોઈ રહ્યું નહતું. વેસુબાબાએ આ બાબતમાં કદી પણ ધ્યાન આપ્યું નહિ. એક તો એમની નોકરી આટલે દૂર હતી અને કૌટુંબિક મિલકતમાંથી એક પાઈની પણ તેમને આશા નહોતી.
બાને ઘણી તકલીફ થવા લાગી. ઘરમાં યુવાન દીકરીઓ હતી. તેમનાં ભવિષ્યનો બાપુજી કોઈ જ વિચાર કરતા ન હતા, તેથી બાએ મારી બન્ને મોટી બહેનો – મનાબાઈ અને વત્સલાબાઈને વેસુબાબાને ત્યાં મોકલી આપ્યાં. વેસુબાબાએ બન્ને બહેનોને ખૂબ સારી રીતે સંભાળ્યાં. મારાં મનાબાઈ ઘણાં જ પ્રેમાળ સ્વભાવનાં અને એવાં તો કામઢા હતાં કે તેમણે વેસુબાબા અને કાકીના સ્નેહનું સંપાદન કરી લીધું. અહીં હું પાંચ વર્ષની થઈ પણ મારી તરફ કોઈનું ધ્યાન નહોતું. મને નિશાળમાં પણ દાખલ કરી ન હતી તેથી આખો દિવસ રખડપટ્ટીમાં જતો.
અમારી બાજુમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું. તેમની પરિસ્થિતિ પણ ગરીબ હતી. તેમને બે દીકરીઓ હતી. એક મારા જેવડી અને એક આઠ વર્ષની. એમની હાલત તો એટલી ખરાબ હતી કે તેમની મા તેમને છાણ ભેગું કરવા મોકલતી. એમની જોડે હું પણ જવા લાગી. બાપુજી તો આખો દિવસ રાજમહેલમાં હોય અને બા ઘરકામમાં ગૂંથાયેલી હોય ત્યારે હું આ છોકરીઓ સાથે ઊપડી જતી અને આખો દિવસ તેમની સાથે છાણ ભેગું કરવામાં મદદ કરતી અને તેમના ઘેર છાણના ટોપલા લાવ્યા બાદ છાણાં થાપવા લાગી જતી. આ બધું લખવામાં પણ, મને લજ્જા આવે છે, પણ જે સત્ય હકીકત છે તેને કેમ કરીને છુપાવું? એક દિવસ મારું પરાક્રમ પકડાઈ ગયું અને બાએ. મને સારો એવો મેથીપાક આપ્યો! તેણે મને નિશાળમાં દાખલ કરાવી અને મારી રખડપટ્ટી બંધ થઈ ગઈ.
ઘરના હાલહવાલ તો બગડી ચૂક્યા હતા. રાજ્યમાં આટલી સસ્તાઈ હતી તો પણ અમને કદી સારી વસ્તુ ખાવા મળતી નહોતી તેનું કારણ હતું બાપુજીનું વ્યસન. ઘરમાં પૂરતા પૈસા આવે તો ચીજવસ્તુ આવે ને? ઘરમાં દૂધ હોય તો બા બિચારી અમને દૂધ-રોટલો પીરસે. કદીક રાજમહેલમાંથી થાળ પીરસાઈને આવે ત્યારે માત્ર અમને સારું ખાવા મળે.
બાપુજીનું કાસળ કાઢવા તક સાધીને બેઠેલા લોકોએ એક દિવસ તેમને ઘેરી લીધા, પણ તેઓ તે વખતે કાંઈ કરી શક્યા નહિ. દારૂ પીને બાપુજી પણ બાને એટલો ત્રાસ આપવા લાગ્યા કે ન પૂછો, વાત. બા તેમને ટેકો આપી ઉપલા માળે સુવાડ્યા પછી બહારથી બારણું બંધ કરીને અમને બધાંને ગણેશકાકાને ત્યાં સૂવા લઈ જતી. મળસકે અમે પાછા ઘેર આવીએ અને બા તાળું ખોલી કામ કરવા લાગી જતી. સવારે તો બાપુજીનું વર્તન એટલું ઉત્કૃષ્ટ હોય જાણે રાતે કશું થયું જ નહોતું! બા સાથે સરખી રીતે વાત કરે, અને કામની જગ્યાની ચર્ચા પણ કરે. તેઓ કહેતા, “મને આ ઊંચું પદ મળ્યું છે તે કેટલાક લોકોથી જોવાતું નથી. તેઓ મારું ગમે ત્યારે ગમે તે કરી શકે છે.’ બા ઘણી ચિંતામાં પડી ગઈ અને બાપુજી ઘેર આવે ત્યાં સુધી શાંકા-કુશાંકામાં ઘેરાઈ જાય.
એક દિવસ થયું પણ એવું જ.
સાંજે કામ પતાવીને ઘેર આવતાં પહેલાં બાપુજી હંમેશની જેમ પીઠામાં ગયા. તેમનો જીવલેણ હરીફ પણ તેમની પાછળ પાછળ ત્યાં પહોંચી ગયો, અને કહે, “રાજે, આજ તો હું પણ તમારી સાથે છાંટો પાણી કરીશ.’ તે વખતે તો બાપુજીને શક ન થયો. થોડી વારે તેમને નશો થયો ત્યારે તક સાધીને પેલા માણસે તેમના ગ્લાસમાં વિષ નાખ્યું અને હલાવ્યું. બાપુજીએ. પૂછ્યું, આ શું કરે છે?’ તેણે કહ્યું, “રાજે, તમારા ગ્લાસમાં કશુંક પડયું છે તે કાઢું છું.’ થોડી વારમાં બાપુજીને બેહદ અસુખ થવા લાગ્યું અને જીવમાં એવું કાંઈ થવા લાગ્યું કે તેમને તરત ખબર પડી ગઈ કે આ માણસે તેમના ગ્લાસમાંથી “કંઈક કાઢવા’ને બદલે ઝેર ભેળવ્યું હતું. બાપુજીએ ઊંચા સાદે તેને કહ્યું, “અલ્યા, આ તેં શું કરી નાખ્યું? આવું તો મને કદી પણ થયું નથી. ગમે એટલી પીધી હોય તોપણ મને આવું થયું નથી.
“મેં શું કર્યું છે? તમે પોતે જ આટલી ઢીંચી છે તેથી આવું થઈ રહ્યું છે.’
બાપુજી ત્યાં જ ઢળી પડયા, પણ હજી થોડું ભાન હતું. ખૂનીએ સજ્જનતાનો ડોળ કરી ઘોડાગાડી બોલાવી અને તેમને લઈ ઘેર આવ્યો. ઉપરથી બાને કહ્યું, “ભાભી, રાજે સાથે આજ હું ન હોત તો તેઓ નક્કી રસ્તામાં ધૂળ ખાતા પડ્યા હોત,’ કહી તેણે ત્યાંથી પોબારો કર્યો.
અહીં બાપુજીને ભયકર ગભરામણ થવા લાગી અને થોડી વારે લોહીની ઊલટીઓ શરૂ થઈ. આગળ શું થશે તેની વ્યથાથી તેમનો ચહેરો ઘેરાઈ ગયો. બાએ તરત ગણેશકાકાને બોલાવ્યા. આડોશીપાડોશી પણ ભેગા થઈ ગયા. ગણેશકાકાએ ડૉક્ટરને બોલાવ્યા. તેમણે ઉપચાર શરૂ કર્યો અને લોહીની ઊલટીઓ બંધ થઈ. ડૉકટરે સ્પષ્ટ કહ્યું કે, “બાપુજીને કોઈએ વિષ આપ્યું છે અને તે પેટમાં ઊતરી ગયું છે.’ આ ઘડીએ તો મૃત્યુ ટળી ગયું. બીજે દિવસે થોડું ઠીક લાગતાં તેમણે બાને કહ્યું, ‘જે માણસને મારી જગ્યા લેવી છે, એણે જ મને ઝેર આપ્યું.’ તેઓ તેના પર કેસ કરત, પણ તે માટે સાક્ષી-પુરાવા જોઈએ ને?
તે દિવસથી બાપુજીએ. બિછાનું પકડ્યું. બા બિચારી શું કરે? બાપુજીના પેટમાંથી રોજ લોહી પડવા લાગ્યું. અધૂરામાં પૂરું બા ફરીથી ગર્ભવતી હતાં. બીજી તરફ બાપુજીના દુશ્મન મહારાજ સુધી બાપુજીની ખબર પહોંચવા દેતા નહોતા. મહારાજ દરરોજ પૂછતા,’અરે, રાજા દેવળેકર કેમ આવતા નથી?’ તો જવાબમાં આ માણસ કહેતો, હજૂર, એ તો દારૂ ઢીંચીને રસ્તામાં ક્યાંક પડયો હશે.’
ત્યાર બાદ અમારા એટલા ખરાબ દિવસ આવ્યા કે ન પૂછો વાત. બા બિચારી દરરોજ ગાય દોહીને દૂધ વેચતી, અને આવેલા પૈસામાંથી ગાયવાછરડાને ખવડાવી જે કાંઈ બચે તેમાંથી અમને થોડુંઘણું ખવડાવતી. બાપુજીએ રાજ્યમાં આટલી નામના મેળવી હતી, છતાં અમને રાજ્ય તરફથી કશી જ મદદ મળી નહિ. પેલો દુષ્કર્મ કરનાર માણસ મહારાજ સુધી અમારી વાત પહોંચવા જ દેતો નહોતો.
થોડા દિવસ બાદ તેને બાપુજીનું સ્થાન મળી ગયું તો પણ એને તૃપ્તિ ન થઈ. અમને તો તેણે મધદરિયે છોડી દીધા હતા. અમારા વેસુબાબા એટલા દૂર હતા કે તેઓ આ દુષ્ટાત્મા પર કોઈ કારવાઈ કરી શક્યા નહિ. અમારા હાલ તો ફક્ત પરમાત્મા જ જાણતા હતા.
બાપુજીની માંદગી દિવસે દિવસે વધવા લાગી. તેમણે છ મહિનાની રજા લીધી. વીસ-પચીસ વર્ષની નોકરીમાં તેમણે કદી એક દિવસની પણ રજા નહોતી લીધી. આવા કપરા સમયમાં રાજ્ય તરફથી થોડી ઘણી મદદ મળવી જોઈએ એવું માની તેમણે ઘણી મહેનત કરી કે મહારાજસાહેબ સુધી તેમની અરજ પહોંચે. પણ, આવું થાય તો કારસ્તાનીઓની બધી વાત છતી થઈ જાય, તેથી તેઓ બાપુજીની અરજી અધવચ્ચે જ ગુમ કરી દેતા. બાપુજીની એકે વાત આગળ જવા જ ન દીધી. આમાં અમારાં પણ નસીબ આડે આવ્યાં.
બાને સાતમો મહિનો પૂરો થયો. બાપુજીની તબિયત સાવ કથળી ગઈ. એક કાલરાત્રિએ બાને અને અમને બધાંને દુ:ખનાં ડુંગરાઓની નીચે ધકેલી બાપુજીએ ચિરનિદ્રા લીધી.
હું તે વખતે પાંચ વર્ષની હતી. બાપુજી છેલ્લા શ્વાસ લેતા હતા ત્યારે અમને બાળકોને અમારા પિતરાઈ કાકાને ત્યાં મોકલી દેવાયાં. મને તો કશી જ ખબર ન હતી. બીજે દિવસે હું અને મારી નાની બહેન દમુ ઘેર ગયાં ત્યારે બાની અવસ્થા જોઈ હું ગભરાઈ ગઈ. બાપુજીની પથારી ખાલી પડી હતી. મેં બેબાકળા થઈને બાને પૂછ્યું, “બાપુજી ક્યાં ગયા?’
“તમારા બાબા ભગવાનને ઘેર ગયા.’ બા ચોધાર આંસુએ રડતી હતી. તેને જોઈ હું પણ રડવા લાગી. પાંચ વર્ષની છોકરીને “ભગવાનને ઘેર ગયા’નો અર્થ કેવી રીતે સમજાય?
ગણેશાકાકાએ. તાર કરીને વેસુબાબાને બોલાવ્યા. બીજે દિવસે તેઓ આવી પહોંચ્યા. તેમણે બાપુજીની અંતિમ વિધિ કરી, બાને થોડીઘણી મદદ કરી અને પાછા પાટણ ગયા. મારી મોટી બહેનો મનાબાઈ અને વત્સલાબાઈ ઘણું રડ્યાં. તેઓ તો બાપુજીને છેલ્લી વારનું મળી પણ નહોતાં શક્યાં. શું કરીએ? અમારી જિંદગી હવે યાતનામય થઈ ગઈ. બાને પૂરા દિવસ જતા હતા અને ઘરની હાલત વિકટ હતી. બાપુજીનો છ મહિનાનો પગાર સરકારમાં પડી રહ્યો હતો. બાએ ઘણા ધક્કા ખાધા, પણ કોઈ દાદ નહોતું આપતું. જ્યાં હક્કનો પગાર જ નહોતો મળતો, ત્યાં બીજી મદદની શી આશા રાખી શકાય? બાપુજીનું ખૂન કરી તેમના સ્થાને જે માણસ આવી ગયો હતો તેના હાથમાં સત્તાનો દોર હતો. તે શા સારુ બાની અરજી આગળ જવા દે?
બા તદ્દન નિરાશ થઈ ગઈ. પગાર નહિ, પેન્શન નહિ અને હવે તો કોંકણમાંથી આવતી નાનકડી રકમ પણ બંધ થઈ ગઈ હતી. દેવના આધાર પર જીવનનૌકા છોડવા સિવાય બા પાસે બીજો કોઈ રસ્તો ન રહ્યો. તેના પિયરની સ્થિતિ પણ કાંઈ સારી નહોતી. નાનાજીને દર મહિને ફક્ત વીસ રૂપિયા પેન્શન મળતું, અને તેમના ઘરમાં ખાનારા માણસો આઠ. મારાં મોટાં માસી – બાઈજીમાસી પણ તેમનાં દીકરા-દીકરી સાથે નાનાજી પાસે આવીને રહ્યાં હતાં, કારણ કે તેમના પતિ ઘર છોડીને ક્યાંક નાસી ગયા હતા. તેમનો કદી પત્તો ખાધો નહિ. મારી બીજી બે માસીઓ ઉમરલાયક થઈ હતી અને તેમનાં હજી લગ્ન લેવાનાં હતાં. આવામાં એવા અણસાર આવી રહ્યા હતા કે અમારે પણ નાનાજી પર ભાર થઈને જવું પડશે. પણ બા હિંમત હારે તેવી નહોતી. તેણે નક્કી કર્યું કે બને ત્યાં સુધી પરિસ્થિતિ સામે એકલા સંઘર્ષ કરવો.
અમારી પાસે જે ગાય હતી, તેનું દૂધ વેચીને બા જેમતેમ કરીને અમારો ગુજારો કરતી હતી. ગાંઠની બધી વસ્તુઓ તો ક્યારની વેચાઈ ગઈ હતી. એવી સ્થિતિ આવી ગઈ કે ગાય માટે ઘાસચારો લેવા માટે પણ પૈસા બચતા નહોતા. આ ગરીબ મૂંગું પ્રાણી. ખાવા ન મળે તો તે પણ શું કરે? તે દિવસે ને રાતે ખાવાનું શોધવા બહાર ભટકવા લાગી. એક દિવસ, સરકારે તેને ડબામાં પૂરી દીધી. બાને ચાર દિવસે ખબર પડી, પણ તેને છોડાવી લાવવા માટે પણ પૈસા હોવા જોઈએ ને? ગાય હરાઈ થઈ ગઈ અને અમારા માટે મારા નાનાજીને ત્યાં જવા સિવાય હવે બીજો કોઈ આરોવારો ન રહ્યો. બાને સાતમું સંતાન જન્મવાનું હતું. તેને હવે એક જ આશા હતી કે આ વખતે પુત્ર જન્મે. તેણે ભગવાન પર ભરોસો રાખ્યો હતો. બાઈજી માસીએ. બાને કહ્યું કે તારું ઘર વેચીને અમારે ત્યાં રહેવા આવ. આને તેમની સલાહ કહો કે કારસ્તાન કહો, તેમના સતત કહેવાથી બાએ અમારું પૈતૃક ઘર વેચ્યું. માથા પર જેટલું કરજ ચઢ્યું હતું તે પૂરું ચૂકવી, ઘરમાં બચેલો સામાન લઈ અમે નાનાજીના ઘરમાં પ્રવેશ કર્યો. પંદર દિવસ બાદ બાની પ્રસૂતિ થઈ.
મને સાતમી બહેન આવી.
બાની શી દશા થઈ હશે તેની તો કલ્પના પણ ન કરવી સારી. પિતરાઈ કાકાનાં કુવચન – ‘પાર્વતીભાભીને સાત સાત દીકરીઓ આવે’ સાચાં પડ્યાં. જોકે પ્રથમ આવેલી જોડકી પુત્રીઓ જન્મતાં જ મૃત્યુ પામી હતી તે એક રીતે સારું થયું હતું.
નાનાજીના માથા પર બા કરતાં નાની એવી બે દીકરીઓનાં લગ્નની જવાબદારી હતી. તેમનાં લગ્ન માટે નાનાજીએ. પોતાનું રહેઠાણ ગિરવી રાખ્યું અને લગ્ન પતાવ્યા. અહીં બાઈજીમાસીની સલાહથી બાએ બાપુજીનું મકાન વેચ્યું અને લેણદારોના પૈસા ચૂકવ્યા. બા પાસે થોડાઘણા પૈસા બચ્યા હતા તે તેણે મારા અને મારી નાની બહેન દમુનાં લગ્ન માટે રાખી મૂક્યા હતા. એક દિવસ બાઈજીમાસીએ બધાંની વચ્ચે બાને કહ્યું, ‘પાર્વતી, તું તારાં છોકરાંઓને લઈને અમારે ત્યાં હવે કાયમની આવી છો. તારા ઘરના વેચાણમાંથી બચેલા રોકડા રૂપિયા આપે તો બાપુજીનું ગિરવી રાખેલું મકાન છોડાવી લઈએ. અમે થોડા થોડા કરીને તારા પૈસા પાછા આપી દઈશું.’ પતિની છત્રછાયા ગુમાવી બેઠેલી બા પાસે નાનાજીનું કરજ ચુકાવવા માટે માગેલા પૈસા માટે તે કેવી રીતે ના પાડી શકે? કેમ કરીને એ કહે કે મારી દીકરીઓનાં લગ્ન માટે આ રકમ રાખવી છે? આમેય તે અમારે કાયમ માટે નાનાજીની સાથે જ રહેવાનું હતું તેથી બાએ જેટલા હતા એટલા બધા પૈસા બાઈજીમાસીને આપી દીધા. તેણે તો એ પણ ન પૂછ્યું કે નાનાજીનું કરજ કેટલું હતું, અને તે ચૂકવ્યા બાદ કેટલા પૈસા બચ્યા હતા. આમ બા પાસે બચેલી એકેએક પાઈ લઈને માસીએ નાનાજીનું મકાન છોડાવ્યું.
બાઈજીમાસી થોડું ભણ્યાં હતાં. તેમણે વર્નાક્યુલર ફાઇનલનો અભ્યાસ પૂરો કર્યો, અને નિશાળમાં શિક્ષિકાની નોકરી સ્વીકારી. તેમના પગારમાંથી નાનાજીને ઘરખર્ચમાં મદદ મળવા લાગી.
એક દિવસ નાનાજી માંદા પડયા. મારાં ચાર નંબરનાં માસીના વર કંપાઉંડર હતા. તેમણે નાનાજીને કહ્યું, “ડૉકટર પાસે જઈને નકામો ખર્ચ ન કરતા. હું તમારા માટે દવા લઈ આવીશા.’ તેઓ દવા તો લઈ આવ્યા, પણ એક ને બદલે બીજી કોઈ ભળતી જ પડીકી લઈ આવ્યા. નાનાજીએ. પડીકીમાંનું ચૂર્ણ ફાંક્યું અને પાણી પીધું. દવા પેટમાં જતાં જ નાનાજીની જીભ લાંબી થઈને મોઢાની બહાર નીકળી આવી અને તેઓ બેભાન થઈ ગયા. તાત્કાલિક ઉપચાર કર્યા બાદ તેમનો જીવ બચી ગયો, પણ શરીર પર ઘણી માઠી અસર થઈ. વૃદ્ધાવસ્થા, દીકરીઓની અને નાનીની ચિંતામાં તેમની તબિયત લથડી ગઈ. થોડા દિવસની માંદગી બાદ તેઓ પણ પ્રભુ પાસે પહોંચી ગયા.
બા કશું ભણી ન હતી. તેણે કમર કસીને કામ કરવાની શરૂઆત કરી. દુકાનદારો પાસેથી સીવણકામ ઘેર લઈ આવતી અને. નજીવા દામ પર તેમને ટોપી થેલીઓ વગેરે સીવી આપવા લાગી. અમારા નજીકનાં કે દૂરનાં સગાંવહાલાંઓને ત્યાં માંદગી, પ્રસૂતિ, લગ્નકાર્ય કે મોટી સંખ્યામાં મહેમાનો આવી પડ્યા હોય તો તેમને મદદ કરવા જવા લાગી. ગુજારા માટે કાંઈક તો કરવું જોઈએ ને? બાની એક માસીના દીકરા એંજિનિયર હતા. તેમને બહેન નહોતી, તેથી બાને સગી બહેનની જેવો સ્નેહ આપ્યો. બા એટલી કામઢી અને પ્રેમાળ સ્વભાવની હતી કે ભાઈને ઘેરથી તેડું આવે તો ખુશીથી ત્યાં દોડી જતી. ભાભીનું બધું કામ આનંદથી કરી આપતી. રોજેરોજનું તેમને ત્યાં જવું અને સાંજે પાછા નાની અને ઘરનાં કર્તા-હર્તા બની બેઠેલાં બાઈજીમાસીને ત્યાં આવવું તેના કરતાં બહેન આપણે ત્યાં જ રહે તે સારું એવું મામા અને મામીને લાગતાં તેમણે બાને અને અમને બહેનોને તેમના ઘેર રહેવા બોલાવી લીધાં. મારી મોટી બહેનો મનાબાઈ અને વત્સલાબાઈ હજી વેસુબાબાને ત્યાં જ રહેતાં હતાં.
સમય જતાં મામાને ખાનદેશમાં આવેલી કોયલાની ખાણમાં ઊંચા પગારની નોકરી મળી. અજાણ્યા મુલકમાં જવાનું હોવાથી તેમણે બાને કહ્યું, “તાઈ, તમે પણ અમારી સાથે આવો ને! તમારાં ભાભીને સથવારો રહેશે અને અજાણ્યા લોકોની વચ્ચે આપણે સાવ એકલવાયા નહિ પડીએ.’
અમારે તો કોઈ ને કોઈની સાથે રહેવાનો વારો આવ્યો હતો. બાઈજીમાસીને ત્યાં રહીને પણ બા તો લોકોનાં કામ કરતી હતી. મામાને ત્યાં અમને સ્નેહનો સથવારો હતો તેથી બા એક પગે તેયાર થઈ ગઈ. મામાનાં બાળકો સાવ નાનાં હતાં. તેમને અમારો સાથ મળવાનો હતો તેથી અમે બધાં ખાનદેશ ગયાં. ખાણ એક નાનકડા ગામની પાસે હતી, અને કંપનીએ એજિનિયરસાહેબ માટે બંગલો બંધાવ્યો હતો. રસોડું, બેઠકરૂમ, બેડરૂમ એવો મોટો બંગલો હતો. સસ્તાઈ પણ એટલી કે ન પૂછો, વાત. એક રૂપિયામાં ચાર શેર મીઠાઈ મળતી. દર અઠવાડિયે ગામમાં બજાર ભરાય. શાકભાજી અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ જોઈએ એટલાં મળી જતાં. ઘરમાં કશાની કમી નહોતી. મામીનો સ્વભાવ એટલો સારો કે અમને જરા પણ જુદાપણું ભાસવા દેતાં નહિ. બાએ અત્યંત પ્રેમથી બધું કામ સંભાળી લીધું હતું અને નણંદ-ભોજાઈ વચ્ચે ઘણો સ્નેહ થઈ ગયો. અમે બાળકો પણ ઘણી મોજ કરતાં હતાં. મામાએ બે ભેંસો બંધાવી હતી તેથી દૂધ, દહીં અને ઘી ભરપૂર પ્રમાણમાં મળતાં. બાપુજીના અવસાન પછી કેટલાય દિવસો કારમા દુ:ખમાં કાઢયા બાદ અમને મામાને ત્યાં હવે રાહતના દિવસો મળ્યા.
સુખ અને દુઃખ તો એકબીજાના પડછાયા જેવા હોય છે. બાપુજીના દેહાંત વખતે બા ગર્ભવતી હતી અને ત્યાર બાદ મને જે સાતમી બહેન આવી હતી, તે હવે બે વર્ષની થઈ હતી. અચાનક તેને કમળો થયો અને તેમાં જ તે ગુજરી ગઈ. આની કળ વળે ન વળે ત્યાં દેશથી બીજા શોકના સમાચાર આવ્યા. વેસુબાબાની બદલી પાટણ થઈ હતી. તેમની દીકરી છ મહિનાની થઈ ત્યાં કાકીનું અવસાન થયું. દસ દિવસની તેમની માંદગી ઘાતક નીવડી. અગાઉ કાકીનાં બાળકો બચતાં નહોતાં, અને આ દીકરી બચી તો કાકી પોતે જ અવસાન પામ્યાં.
મારાં સૌથી મોટાં બહેન – મનાબાઈ ઘણાં સમજુ હતાં. તેમણે છ મહિનાની પિત્રાઈ બેનડીને સંભાળવા ઉપરાંત પિતાતુલ્ય વેસુબાબાને ઘણું સાંત્વન આપ્યું. બહેન હજી ધાવણી હતી તેથી તેના માટે દાઈમા રાખ્યાં. અમે હવે વેસુબાબાને પિતા માનવા લાગ્યાં હતાં અને તેમને “બાબા’ કહીને જ બોલાવવાં લાગ્યાં. મનાબાઈએ ઘરમાં બધાને સંભાળી લીધાં. દાઈ સમેત બધાંને સારો ખોરાક મળે તેની બધી જવાબદારી તેમણે સંભાળી લીધી.
બાબાની ઉમર ચાળીસ પણ નહોતી થઈ. હવે તો તેમનો હોદ્દો પણ ઊંચો થયો હતો તેથી તેઓ બીજવર હોવા છતાં તેમના માટે માગાં આવવા લાગ્યાં. આમાંથી એક વિજાપુરના જ એક વકીલ તરફથી તેમની ભત્રીજી માટે કહેણ આવ્યું. વકીલસાહેબની ભત્રીજીની માતાનું અવસાન તેઓ સાવ નાનાં હતાં ત્યારે થયું હતું, અને તેમના પિતાએ બીજાં લગ્ન કરેલાં. તેમનાં અપરમાતાએ તેમને સારી રીતે સંભાળ્યાં હતાં, પણ પિતાના અવસાન બાદ વકીલસાહેબે તેમને પોતાને ઘેર આણી મોટાં કરેલ. દેખાવમાં સુંદર અને સ્વભાવ એટલો સારો કે બાબાએ લગ્ન માટે હા કહી. મનાબાઈ નવાં કાકી કરતાં થોડાં જ નાનાં હતાં તેથી કાકી-ભત્રીજી વચ્ચે બહેનપણીઓ જેવાં હેત બંધાયાં.
કાળના ચક્રની ગતિ અને તેના કરમ વિશે કોણ કદી. જાણી શક્યું છે! એક દિવસ મનાબાઈને તાવ આવ્યો. રોગનું નિદાન ન થયું અને તેમણે ખાવાપીવામાં પરહેજી ન રાખી. તબિયત વધુ બગડતાં જણાયું કે તેમને કમળો, થયો હતો. બાબાએ ઘણા ઉપચાર કરાવ્યા, પણ જરા પણ ફેર ન પડ્યો. બાબાએ પત્ર લખી બાઈજીમાસીને વિજાપુર બોલાવ્યાં, અને મનાબાઈને તેમની સંગાથે ખાનદેશ મામાને ત્યાં મોકલાવ્યાં. મામાએ પણ ઘણા ઉપચાર કરાવ્યા, પણ કશો ફાયદો ન થયો.
કોયલાની ખાણમાં કામ કરતા હોવાથી મામાને ઉધરસનો વ્યાધિ વળગ્યો. કેમે કરીને ખાંસી ઓછી થાય નહિ. ડૉકટરે કહ્યું કે જો તેઓ ખાણમાં કામ કરતા રહેશે તો તેમની પ્રકૃતિ ઘણી બગડી જશે. આથી તેમણે ખાણની નોકરી છોડી દીધી અને અમે બધાં પાછાં વડોદરા આવ્યાં. બાની અને અમે બહેનોની રવાનગી પાછી બાના પિયરમાં થઈ. આ અમારું નસીબ નહિ તો બીજું શું! મામાને ત્યાં અમે બે કોળિયા સુખેથી ખાતા હતા તે પણ ઈશ્વરને ન ગમ્યું.
વડોદરા આવ્યા પછી મામાની તબિયત સુધરવા લાગી, પણ મનાબાઈની હાલત દિવસે દિવસે વધુ ખરાબ થતી ગઈ. વડોદરા આવ્યા બાદ અમારે તો બાને પિયર આવવું પડયું. નાનાજી તો એક વર્ષ પહેલાં નિધન પામ્યા હતા. બા માટે તો જીવવું અસહ્ય થઈ ગયું હતું. તેની વીસ-એકવીસ વર્ષની બે યુવાન દીકરીઓ વિના લગ્ને ઘરમાં હતી. ન તો તેમનાં લગ્ન થયાં હતા કે ન તેમની કોઈ આશા આકાંક્ષા પૂર્ણ થઈ હતી. બાનો જીવ ઉદ્વેગથી ભડકે બળતો હતો, પણ તે કરે પણ શું?
એક દિવસ મનાબાઈએ બાઈજીમાસીને નજીક બોલાવ્યાં અને કહ્યું, “માસી કંઈ પણ થાય, તોય મારી માને સંભાળજો. તેને હું તમને સોંપીને જાઉં છું.’ બીજે દિવસે વહેલી સવારે અમારી પ્રેમાળ બહેન અમને રડતાં મૂકીને ભગવાનને ઘેર ચાલી નીકળી. બા તો શોકસાગરમાં ડૂબી ગઈ.
બાના નસીબમાં ફરીથી પહેલાં જેવી સ્થિતિ આવી. ફરીથી અમારાં બધાંનાં પેટનો ખાડો પૂરવા માટે સગાં-વહા્લાઓની મદદ કરવા જવાની તેણે શરૂઆત કરી. આમાંનો ઘણોખરો સમય અમારા એંજિનિયર મામાને ત્યાં તેમના અલકાપુરીના બંગલામાં જતો. એટલું સાચું કે મારાં મામીએ બાનું નણંદ તરીકેનું માન હંમેશાં સાચવ્યું અને પોતાનાં બાળકો અને અમારી વચ્ચે કદી પણ ભેદભાવ રાખ્યો નહિ.
પિયરમાં તો બાને એવી તકલીફ ભોગવવી પડી કે તેનું વર્ણન પણ કરી શકાય નહિ. ઘરમાં નાનીમા તો હતાં, પણ ઘરના કર્તાહર્તા બાઈજી માસી જ હતાં. તેમના હુકમ પ્રમાણે ઘરનું પાંદડું હલતું, અને તેઓ કહે તે પ્રમાણે બધાંએ વર્તવું પડતું. જોકે ઘરની આવક તેમના પગાર પર નિર્ભર હતી. હવે તો તેમને ટ્યૂશન મળવા લાગ્યાં હતાં તેથી ઘરની સ્થિતિ થોડી સુધરવા લાગી. બાને જરૂર પૂરતું શિક્ષણ જ મળ્યું નહોતું તેથી તે કોઈ બીજું કામ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી.
સમય તો ચાલ્યા જ કરે છે. આગળ જતાં મારાં સૌથી નાનાં માસી અને બાઈજી માસીની દીકરીનાં લગ્ન થઈ ગયાં. તે વર્ષે બાઈજીમાસીએ. બાને કહ્યું, “હવે થોડી નિરાંત છે તો ચાલ આપણે કોંકણ જઈએ. તારા સાસરિયાની જમીનોનું કંઈ થઈ શકતું હોય તો જોઈએ.’
બાઈજીમાસીના એક ઓળખીતા એક ગૃહસ્થ હતા. તેમને જમીનની બાબતનો અનુભવ હતો તેથી તેમને લઈ અમે બધાએ. કોંકણ જવાનું નક્કી કર્યું. આની જાણ મારા પિતરાઈ કાકાને થઈ ગઈ, અને અમારા વડોદરાથી નીકળવાના બે દિવસ પહેલાં જ તેઓ છાનામાના દેવળે જવા રવાના થઈ ગયા. અમારો જવાનો દિવસ આવ્યો. વડોદરાથી મુંબઈ પહોંચ્યા, અને હવે અમારે વહાણમાં બેસીને આગળનો પ્રવાસ કરવાનો હતો. અમે ધરમતર બંદરે પહોંચ્યા અને કોણ જાણે શું થયું, વહાણના માલમે આગળ જવાની ના પાડી. બધા મુસાફરોને કિનારાથી એકાદ માઈલ દૂર ઉતાર્યા. અહીં છાતી-કેડ સમાણાં પાણી હતાં. મારું અને દમુનું કદ એટલું નાનું હતું કે અમે તો ડૂબી જ જઈએ. બાએ કિનારે પહોંચવા માટે બધા માટે એક હોડી કરાવી. સૌથી છેવાડે અમે બેઠાં. પહેલાં માસીના સલાહકાર, પછી બાઈજી માસી, તેમની પડખે બા, બાની પાસે હું અને દમુ, એમ આખી હોડી ખીચોખીચ ભરાઈ ગઈ.
કિનારો થોડો દૂર હતો ત્યારે એક મજાની વાત થઈ. દરિયામાંથી એક માછલી કૂદીને હોડીમાં દમુની પાસે આવી પડી. દમુ ગભરાઈ ગઈ અને ચીસ પાડી એકદમ ઊભી થવા લાગી. હોડી હાલકડોલક થવા લાગી ત્યાં હલેસાં મારનાર એક ખલાસીએ. બૂમ પાડીને કહ્યું, “એ છોડી, બેસી જા જોઉં! ઊભી થઈશ તો હોડી ઊંધી થઈ જશે અને તમે બધાં ડૂબી જશો! દમુ ઝટ દઈને બેસી ગઈ. પેલા ખલાસીએ માછલીને પકડી દરિયામાં પાછી ફેંકી. જો અમે વધુ હલનચલન કર્યું હોત તો અમને બધાને જળસમાધિ લેવી પડી હોત.
ખેર, અમે કિનારે પહોંચ્યાં. ત્યાંથી ગાડું કરાવી આખરે અમે અમારે ગામ દેવળે પહોંચ્યાં. ત્યાં વીસ-પચીસ દિવસ રહીને બાએ બધી માહિતી કઢાવી. લક્ષ્મણદાદાએ બંધાવેલાં બે મકાનો ખંડેર થઈને ઈંટોના ઢગલા બની ગયાં હતાં. વધુ તપાસ કરતાં જણાયું કે કાકા નારાયણદાદા અને કાકાએ મોટા ભાગની જમીનો ગિરવી મૂકી હતી અને બાકીની જમીનોમાંથી જે ઊપજ આવતી હતી તે બધી તેમણે વાપરી નાખી હતી. આ જાતે જોવેલું-સાંભળેલું બધું મને હજી યાદ છે.
અમારા જૂના ખેડૂતોમાંના કેટલાક સારા લોકો હતા તેમણે અમને અમારી જમીનમાં પેદા થયેલ ડાંગરના પૌંઆ અને કેરીના અને ફણસના રસના રોટલા ગરમ કરીને ખવડાવ્યા. અમારી જમીનો એટલી ફળદ્રુપ હતી! બાએ અમને જમીનો બતાવી. તેમાં આમળી, આંબા, કોકમ, અને અરીઠાનાં અનેક વૃક્ષો હતાં. ચોમેર હરિયાળી ફેલાયેલી હતી. આમાંની અમારા ભાગની જમીનો ક્યાં અને કેટલી છે તેની માહિતી બાએ મેળવી. ઓછામાં ઓછો અંદાજ કરીએ તો પણ પિત્રાઈઓ પાસેથી મોટી રકમ લેણી નીકળતી હતી. બાએ આ વખતે દેઢતાથી પોતાના ભાગના પૈસાની માગણી કરી. અમારા પિતરાઈ કાકા લબાડ હતા. તેમણે કહ્યું, ભાભી, થોડું ખમી જાવ. મુંબઈ પહોંચતાંવેત તમારા પૈસા આપી દઈશ.’ મુંબઈ પહોંચ્યા બાદ કહે, વડોદરા જઈને આપીશ.
દુનિયા દગો કરે, પણ આપણા પોતાનાં સગાં આપણી ખરાબ હાલતમાં પાછી પાની ન કરે એવું માનનારી બાએ. જ્યારે વડોદરા પહોંચીને પૈસાની માગણી કરી ત્યારે મારા પિતરાઈ કાકાએ. ખંધું હસીને કહ્યું, “અરે ભાભી, તમારા પૈસા તો મેં તમારા દિયર યશવંતરાવ પાસે મોકલાવી આપ્યા.’ બાનું હૃદય વિદીર્ણ થઈ ગયું અને ગુસ્સો પણ આવ્યો, પણ કરે શું? થોડા દિવસ પહેલાં જ અમારા આ પિતરાઈ કાકાનો યુવાનીને આરે આવેલો દીકરો ગુજરી ગયો હતો. આવી હાલતમાં બા આગળ કશું બોલી શકી નહિ. તેણે ફરીથી પિતરાઈ દિયરના શબ્દો પર વિશ્વાસ રાખ્યો. કદાચ તેઓ સાચું બોલતા હોય!
બા અમને લઈ યેસુબાબાને પાસે પાટણ ગઈ. તેણે વેસુબાબાને આખી કથની સંભળાવી. બાબા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું, ભાભી, આપણી જમીનની આવકમાંથી અણ્ણાએ આજ દિવસ સુધી મને એક પાઈ પણ આપી નથી. આજે તેઓ કયા પૈસાની વાત કરે છે?” આ સાંભળી બાને નિરાશાનો એવો આઘાત લાગ્યો કે સ્તબ્ધ થઈ ગઈ. યંત્રવત્ થઈને એણે કહ્યું, “ચાલો, જેવું જેનું નસીબ. અમે કાલે વડોદરા જવા નીકળીશું.’
યેસુબાબાને પણ અત્યંત દુઃખ થયું. બાની આવી મનોસ્થિતિમાં તેઓ તેને તરત પાછી વડોદરા જવા દેવા તૈયાર નહોતા. તેમણે કહ્યું, ‘ભાભી, ઘણા વખતે તમે અહીં આવ્યાં છો, તો રોકાઈ જાવ. તમારી દેરાણીને દિવસ જાય છે. અહીં રહેશો તો તેને તમારો આધાર અને સથવારો રહેશે.’ અમારાં કાકી ઘણાં પ્રેમાળ હતાં. તેઓ થોડાં જ બાને જવા દે? તેમણે આગ્રહ કરીને બાને રોકી લીધાં. બાએ વિચાર કર્યો કે આશ્રય વગર આમતેમ રહેવાને બદલે પ્રેમાળ આપ્તજન સાથે રહેવું વધારે સારું. આમેય તે કાકીનો દીકરો રમાકાંત ઘણો જ નાનો હતો, તેથી યેસુબાબાને ઘેર રહેવાથી કાકીને થોડીઘણી મદદ થશે તેવું બાને લાગ્યું. બા કાકીને ત્યાં રોકાઈ ગયાં, અને મને બાઈજીમાસીને ત્યાં પાછી મોકલી.
ક્રમશઃ
