ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
‘યહાં મૈં પહલે ભી આ ચૂકી/ચૂકા હૂં’ પ્રકારનો આ સંવાદ પુનર્જન્મનું કથાવસ્તુ ધરાવતી મોટા ભાગની ફિલ્મોમાં લગભગ હોય જ. કોણ જાણે કેમ, ગમે એવા ઉત્કૃષ્ટ કલાકારો હોય અને ઉત્તમ સંગીત હોય, પણ આવા કથાનકવાળી ફિલ્મ જોવામાં મને જરાય રસ પડતો નથી. મિત્ર દેવેન્દ્રસિંહ ગોહિલ સાથે ‘મિલન’ જોવા ગયા ત્યારે એના કથાવસ્તુની જાણ નહોતી, માત્ર ગીતો વિશે જ ખબર હતી. પણ એ ફિલ્મમાં પાંચ-સાત જન્મોની સફર જોઈને અમને ચક્કર આવી ગયેલા. ‘મધુમતિ’નાં ગીતો અત્યંત પ્રિય, એમ ‘મહેબુબા’ના પણ, છતાં એ ફિલ્મ જોવાની હિંમત થતી નથી.
ચેતન આનંદ જેવા બૌદ્ધિક સર્જક કે જેમણે ‘નીચા નગર’ જેવી ફિલ્મથી કારકિર્દીનો આરંભ કર્યો અને આગળ જતાં ‘હકીકત’, ‘હીરરાંઝા’ જેવી વિશિષ્ટ ફિલ્મો આપી, તેમણે પણ કારકિર્દીના ઉત્તરાર્ધમાં ‘કુદરત’ જેવી પુનર્જન્મના કથાવસ્તુવાળી ફિલ્મ બનાવી એ મારે મન આશ્ચર્ય છે.
૧૯૮૧માં રજૂઆત પામેલી આ ફિલ્મનાં ગીતો લગભગ રોજ ઑલ ઈન્ડિયા રેડિયોની ઉર્દૂ સર્વિસમાં સંભળાતાં અને એ સમયગાળો એવો હતો કે ઉર્દૂ સર્વિસની તમામ સભાઓ અમે રેડિયો પર નિયમિત સાંભળતા.

તેનાં મોટા ભાગનાં ગીતો લોકપ્રિય થયેલાં અને ‘હમેં તુમ સે પ્યાર કિતના’ તેમજ ‘તૂને ઓ રંગીલે કૈસા જાદુ કિયા’ તો આજે પણ એટલું જ લોકપ્રિય કહી શકાય. પણ મને આ ઉપરાંત બીજાં બે ગીતો વધુ ગમતાં. એમાંનું એક કિશોરકુમાર અને એનીટ પીન્ટોએ ગાયેલું ‘છોડો સનમ, કાહે કા ડર’ તેમજ સુરેશ વાડકર, આશા તેમજ સાથીઓએ ગાયેલું ‘સાવન નહીં, ભાદો નહીં’. સુરેશ વાડકરનાં સાવ ઓછાં ગમતાં ગીતોમાંનું આ એક.

ત્રિશક્તિ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત, ચેતન આનંદ દ્વારા દિગ્દર્શીત ‘કુદરત’ (૧૯૮૧)માં રાજકુમાર, રાજેશ ખન્ના, હેમા માલિની, વિનોદ ખન્ના, પ્રિયા રાજવંશ, અરૂણા ઈરાની જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં, જેમાંના છ મજરૂહ સુલતાનપુરીએ લખેલાં અને એક ગીત કતિલ શિફાઈએ લખેલું. સંગીતકાર હતા રાહુલદેવ બર્મન.
મજરૂહસાહેબે લખેલાં છ ગીતોમાં ‘હમેં તુમસે પ્યાર કિતના’ કિશોરકુમાર અને બેગમ પરવીન સુલતાનાના સ્વરમાં અલગ અલગ ગવાયેલું હતું. એ ઉપરાંત ‘છોડો સનમ, કાહે કા ગમ‘ (કિશોરકુમાર, એનેટ પિન્ટો), ‘તૂને ઓ રંગીલે કૈસા જાદુ કિયા‘ (લતા), ‘સાવન નહીં, ભાદો નહીં‘ (આશા, સુરેશ વાડકર અને સાથીઓ), ‘સજતી હૈ યૂં હી મહેફિલ‘ (આશા, ખુશીભર્યું અને ઉદાસ- એમ બે આવૃત્તિ) હતાં. સાતમું ગીત ‘દુખસુખ કી હરેક માલા’ કતિલ શિફાઈએ લખેલું, જેનો ઉપયોગ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે કરવામાં આવ્યો હતો.
અલબત્ત, આ ગીત પાછળની કથા રસપ્રદ છે.
આ ગીત આર.ડી.બર્મન ચંદ્રશેખર ગાડગીલ નામના ત્યારના એક નવા મરાઠી ગાયક પાસે ગવડાવવા ઈચ્છતા હતા, પણ નિર્માતા-દિગ્દર્શક ચેતન આનંદ મહમ્મદ રફી પાસે એ રેકોર્ડ કરાવવા ઈચ્છતા હતા. સામસામા આગ્રહ-દુરાગ્રહ થયા હશે, પણ આખરે ચેતન આનંદે ચંદ્રશેખર ગાડગીલનો સ્વર સાંભળ્યો અને તેમના અવાજમાં ગીત રેકોર્ડ કરવા માટે આર.ડી.ને લીલી ઝંડી આપી. ચાર અંતરા ધરાવતું આ ગીત રેકોર્ડ થઈ પણ ગયું. થોડા દિવસ પછી ચેતન આનંદને લાગ્યું કે ના, રફીસાહેબ જ આના માટે વધુ યોગ્ય છે. આથી તેમણે આર.ડી.ને એ ગીત રફીસાહેબ પાસે ફરી રેકોર્ડ કરવા જણાવ્યું. આર.ડી.એ ફિલ્મનાં અન્ય ગીતોમાં કિશોરકુમારનો સ્વર લીધેલો, અને માત્ર એક જ ગીત માટે રફીસાહેબનો સંપર્ક કરવો તેમને યોગ્ય ન લાગ્યો. ઉપરાંત સંગીતકાર તરીકે તેમને લાગતું હતું કે ગાડગીલનો સ્વર આ ગીત માટે વધુ યોગ્ય છે. જો કે, આખરે નિર્માતાની જીદ આગળ તેમણે ઝૂકવું પડ્યું અને રફીસાહેબનો સંપર્ક કરીને તેમને આ ગીતના રેકોર્ડિંગ માટે બોલાવ્યા.
રફીસાહેબને ખ્યાલ નહોતો કે આ ગીત અગાઉ રેકોર્ડ થઈ ગયું છે. ચાના વિરામ દરમિયાન તેમના કાને આ વાત પડી. આર.ડી.પર ગુસ્સે થઈને તેમણે કહ્યું, ‘ક્યું મેરે હાથોં કિસી નયે કલાકાર કી જિંદગી બરબાદ કર રહે હો?’ ચોથો અંતરો ગાયા વિના તેઓ સ્ટુડિયો છોડીને ચાલ્યા ગયા.
આર.ડી.ની ઈચ્છા ગાડગીલવાળું ગીત ફિલ્મમાં વાપરવાની હતી, જ્યારે ચેતન આનંદ રફીસાહેબવાળું ગીત લેવાનો આગ્રહ કરતા હતા. આર.ડી.એ એચ.એમ.વી.માં ગાડગીલવાળું ગીત જ મોકલ્યું અને ‘કુદરત’ના ઑડિયો આલ્બમમાં એ જ ગીત રજૂઆત પામ્યું. રફીસાહેબવાળું ગીત એમાં નહોતું. બીજી તરફ ફિલ્મ રજૂઆત પામી અને એમાં રફીસાહેબવાળું ગીત હતું. કહેવાય છે કે એમાં ગાડગીલવાળું ગીત તો ઠીક, એમનો નામોલ્લેખ પણ નહોતો. (જો કે, હાલ યુ ટ્યૂબ પર ઉપલબ્ધ ફિલ્મના ટાઈટલ્સમાં એ જોઈ શકાય છે.)
આને કારણે બન્યું એવું કે રફીસાહેબે ગાયેલું ગીત ફિલ્મમાં ખરું, પણ ઑડિયો આલ્બમમાં ન હોવાથી એ દુર્લભ બની ગયું.
(ખુદ ચંદ્રશેખર ગાડગીલના મુખે આ કિસ્સો અહીં સાંભળી શકાશે.
હવે યુ ટ્યૂબના પ્રતાપે આ બન્ને ગાયકોએ ગાયેલા ગીતની આવૃત્તિ સુલભ બની છે.
ફિલ્મમાં ટાઈટલ્સ દરમિયાન ગીતનો આટલો હિસ્સો સાંભળી શકાય છે.
दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
हाथों की लकीरों में, ये जागती सोती है
दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
यादों की शमा ये बने, भूले नजारों में कभी
आने वाले कल पे हँसे, खिलती बहारों में कभी
एक हाथ मे अंधियारा, एक हाथ में ज्योति है
दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
અહીં ટાઈટલ્સ પૂરાં થાય છે. એ પછી ફિલ્મમાં વચ્ચે આ વધુ એક અંતરો આવે છે.
आहों के जनाज़े दिल में, आँखों में चिताएँ गम की
उड गई आस दिल से, चली वो हवाएँ गम की
तूफान के सीने में, ये चैन से सोती है
दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
એ પછી વધુ એક વાર આ અંતરાનું ફિલ્મમાં પુનરાવર્તન થાય છે.
यादों की शमा ये बने, भूले नजारों में कभी
आने वाले कल पे हँसे, खिलती बहारों में कभी
एक हाथ मे अंधियारा, एक हाथ में ज्योति है
दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
ફિલ્મના અંત ભાગમાં આ એક અંતરો સાંભળવા મળે છે.
खुद को छुपाने वालों का, पल-पल पीछा ये करे
सजा देती है ऐसी, तनमन छलनी करे,
फिर दिल का हर एक घाव, अश्कों से ये धोती है
हाथों की लकीरों में, ये जागती सोती है
दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
આમ, જોઈ શકાય છે કે રફીસાહેબના સ્વરે ગવાયેલા અંતરા ફિલ્મમાં ચાર વખત છે ખરા, પણ એમાંથી એકનું પુનરાવર્તન થાય છે. એટલે કે તેમણે ગાયેલા કુલ અંતરા ત્રણ જ છે.
ચંદ્રશેખર ગાડગીલે ગાયેલા ચાર અંતરા આ મુજબ છે. એમાં પછીની પંક્તિઓમાં સહેજસાજ ફેરફાર કરવામાં આવ્યો છે.
दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है
हाथों की लकीरों में, ये जागती-सोती है
दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है
यादों का सफ़र ये करे, गुज़री बहारों में कभी
आने वाले कल पे हँसे, उड़ते नज़ारों में कभी
एक हाथ मे अंधियारा, एक हाथ में ज्योति है
दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है
सामना करे जो इसका, किसी में ये दम है कहाँ
इसका खिलोना बन के, हम सब जीते है यहाँ
जिस राह से हम गुज़रें, ये सामने होती है
दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है
आहों के जनाज़े दिल में, आँखों में चिताएँ गम की
नींदे बन गयी तिनका, चली वो हवाएँ गम की
इंसान के अंदर भी, आँधी कोई होती है
दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है
खुद को छुपाने वालों का, पल-पल पीछा ये करे
जहाँ भी हो मिटते निशां, वहीं जा के पाँव ये धरे
फिर दिल का हर एक घाव, अश्कों से ये धोती है
दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है
આ બન્ને ગાયકોએ અલગ અલગ ગાયેલું ગીત અહીં સાંભળી શકાશે.
આ લીન્ક પર મહમ્મદ રફીએ ગાયેલું ગીત ફિલ્મમાં મૂળ સ્થાનોએ વાગે છે એ સાંભળી શકાશે.
નીચેની લીન્ક પર ચંદ્રશેખર ગાડગીલે ગાયેલું ગીત સાંભળી શકાશે.
એટલી નોંધ જરૂરી કે આ જ નામની અન્ય એક ફિલ્મ ૧૯૯૮ માં પણ રજૂઆત પામી હતી.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
