મ. ઝ. શાહ
ગુજરાતીમાં જાણીતું નાતાલનું વૃક્ષ. ફુવારા-વૃક્ષ; અં. Norfolk Island pine; fountain tree. રમણીય, સદાહરિત વૃક્ષ. તે ૪૦થી ૫૦ મીટર ઊંચું સપુષ્પ વનસ્પતિમાં અનાવૃત બીજધારી વર્ગ Coniferales-નું છે; તે ખૂબ જ ધીમે વધે છે; પરંતુ ઠંડી આબોહવામાં તેની વધ સારી થાય છે. શરૂઆતનાં કેટલાંક વર્ષ સુધી તે કૂંડામાં ઉછેરી શકાય છે.

ખૂબ જ ઘાટીલું સીધું થડ અને તેમાંથી ચોક્કસ અંતરે જમીનને સમાંતર ચારે બાજુ નીકળતી ડાળીઓ, ઉપર જતાં શંકુ આકાર ધારણ કરતાં ડાળીઓ નાની નાની થતી જાય અને કાયમ બારેમાસ લીલુંછમ રહે તે એની વિશિષ્ટતા છે. જાડા લીલા તાંતણા જેવાં સાદાં પર્ણો ૪થી ૭ સેમી. લાંબાં હોય છે.
ખ્રિસ્તી લોકો નાતાલના પર્વમાં તેના ઉપર નાના ઇલેક્ટ્રિક રંગીન બલ્બ મૂકી તેને શોભાયમાન કરે છે. તેથી તેને ‘ક્રિસ્ટ્મસ ટ્રી’ નામ મળ્યું છે.
તેની એક જાત A. excelsa R. Br. બગીચામાં ઉછેરવામાં આવે છે. તેની અન્ય જાતોમાં A. cunninghamii A. Juss અને A. Cookii (L) Br મુખ્ય છે.
સંપાદકીય નોંધ:
૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.
૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘બાગ-બગીચા – Gardening’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
