સંવાદિતા
કેટલાક વિવેચકો ‘ અરણ્યેર દિન રાત્રિ ‘ ને સત્યજીત રાયની ‘ અપ્પુ ત્રયી ‘ સિવાયની સર્વશ્રેષ્ઠ ફિલ્મ માને છે
ભગવાન થાવરાણી
પોતાની મોટા ભાગની ફિલ્મો સાહિત્યિક કૃતિઓ ઉપરથી સર્જનાર સત્યજીત રાયે બંગાળીનાં વિખ્યાત સાહિત્યકાર સુનીલ ગંગોપાધ્યાયની બે નવલકથાઓ ‘ પ્રતિદ્વંદી ‘ અને ‘ અરણ્યેર દિન રાત્રિ ‘ ઉપરથી એક જ વર્ષ ૧૯૭૦ માં એ જ નામની ફિલ્મો બનાવી. રાયની દરેક ફિલ્મની જેમ ‘ અરણ્યેર દિન રાત્રિ ‘ ( જંગલના રાત દિન ) પણ એક વિલક્ષણ ફિલ્મ છે. આ ફિલ્મ ઉપરછલ્લી રીતે દેખાય છે એક હલકી ફુલ્કી અને અલગારી પ્રવાસ – ગાથા પણ એની ભીતરના પ્રવાહો જુદા છે. એ છે માણસ, પ્રકૃતિ અને માણસની પ્રકૃતિનો અભ્યાસ !

ચાર શહેરી યુવકો અશીમ, સંજય, હરિ અને શેખર શહેરની દોડધામભરી જિંદગીથી છુટકારો પામવા અને જંગલમાં મોજમસ્તી કરવા કલકત્તાથી અશીમની આગેવાની હેઠળ એની કારમાં નીકળે છે. એમનું લક્ષ્ય છે કલકત્તાથી દૂર પાલામાઉ ( ઝારખંડ ) ના જંગલો. ચારેય અપરિણિત છે અને પ્રકૃતિએ છેક જ ભિન્ન. એમને મોકળાશ ઉપરાંત મસ્તી, મદિરા અને મોહિનીની તલાશ છે. દેખીતી રીતે એમને શહેરથી મુક્તિ જોઈએ છે પરંતુ શહેર અને શહેરી જીવનનાં બધાં જ દૂષણો એ લોકો સાથે લઈ જાય છે. મંડળીમાં અશીમ અને સંજય પ્રતિષ્ઠિત અધિકારીઓ છે. હરિ વિષયાસક્ત નિષ્ફળ પ્રેમી છે અને શેખર બેકાર પણ વિદૂષક અને બધાની સારસંભાળ રાખનાર વડીલ ! ચારેયમાં ઈમાનદાર પણ એ જ છે. અશીમને પોતાની કારકિર્દી પોકળ અને કંટાળાજનક લાગે છે તો દંભી સંજય પોતાના માર્ક્સવાદી વિચારોની આડશમાં એનું મધ્યમવર્ગીય ડરપોકપણું સંતાડીને કંટાળ્યો છે.
રસ્તામાં પેટ્રોલ ભરાવતી વખતનું પેટ્રોલ પંપના કર્મચારી સાથેનું એમનું તોછડાઈભર્યું વર્તન અને ડાકબંગલાનો રસ્તો ચીંધવા સાથે લીધેલા આદિવાસી સાથેની આભડછેટ જ એમનો જીવન અને જંગલ પ્રત્યેનો અભિગમ દર્શાવી દે છે.એ લોકોને જંગલના સરકારી ડાકબંગલામાં રહેવું છે પણ ‘ બધું અને બધાને ખરીદી શકાય છે ‘ એ શહેરી આત્મવિશ્વાસ પર મુસ્તાક રહી એમણે કોઈ બુકીંગ કરવાની તસ્દી લીધી નથી. અશીમ એમાં પારંગત છે. બંગલાના ચોકીદારને લાંચ આપી, ફોડી એ એમાં કામિયાબ થાય છે.
ચારે જંગલ વચ્ચેના દેસી દારૂના અડ્ડે પહોંચે છે. શેખર સિવાયના ત્રણે દારૂ પીને છાકટા થાય છે. દારૂ પી રહેલી આદિવાસી સ્ત્રીઓના ઝૂંડને જોઈ હરિને થાય છે કે આમાંની કોઈને થોડાક પૈસા આપીને પટાવી લેવી તો સાવ આસાન ! આવ્યા છીએ તો ફેરો વસૂલ થવો જોઈએ.
જંગલમાં જ એમનો ભેટો એક સુશિક્ષિત પરિવાર અને એની બે સ્ત્રીઓ અપર્ણા અને જયા સાથે થાય છે. એ પરિવાર વેકેશન કરવા પોતાના બંગલામાં આવીને રહ્યો છે. અપર્ણા પ્રગલ્ભ જાજરમાન નારી છે જે અશીમ જેવા યુવકોનો અહમ અને વૃતિ પિછાણે છે. જયા વિધવા છે પરંતુ બિંધાસ્ત છે.

ફિલ્મમાં આ છયે પાત્રોને સાંકળતો એક અદભુત હળવો પ્રસંગ છે. રાયની નિર્દેશક અને કેમેરામેન તરીકેની એટલી બધી ખૂબીઓ એમાં નિહિત છે કે ફિલ્મકળાના વિદ્યાર્થીઓને એ પાઠ્યક્રમમાં શીખવવામાં આવે છે. ડાકબંગલાના પ્રાંગણમાં એ બધા ‘ મેમરી ગેમ ‘ તરીકે ઓળખાતી એક રમત રમે છે. કુંડાળામાં બેઠેલા ખેલાડીઓમાંનો એક પોતાના માનીતા કોઈ પણ પાત્રનું નામ બોલે. એના પછીનો એ પાત્ર ઉપરાંત પોતાની પસંદગીના ચરિત્ર એમ બે નામ બોલે. ત્રીજો એ જ ક્રમ બરકરાર રાખી ત્રણ નામ બોલે. જેનાથી બધાં નામ બોલવામાં અથવા એના ક્રમમાં ચૂક થાય એ રમતમાંથી બાકાત ! છેલ્લે જે બધાં નામ સાચા ક્રમમાં યાદ રાખી શકે એ વિજેતા ! રમત તો ઠીક, સમગ્ર દ્રષ્ય દરમિયાન વચ્ચે કેમેરા રાખી સર્જકે બધા પાત્રો, એમની માનસિકતા અને અવઢવ જે કુનેહથી ઝીલી છે એ બેમિસાલ છે.
જંગલના રોકાણ દરમિયાન ચારેય મિત્રો અજાણપણે ઘણું બધું શીખે છે .પરત કલકત્તા પ્રયાણ કરે છે ત્યારે કોઇ બોલતું નથી પરંતુ દરેક જાણે છે કે એમની અહીં આવ્યા પહેલાંની માન્યતાઓ અને અભિગમમાં કશીક ત્રુટિ હતી. અશીમને અપર્ણાનો સંગ અને એની જંગલ અને સામાન્ય લોકો તરફની દ્રષ્ટિ કશુંક શીખવે છે. સંજય અપર્ણાની ભાભી જયાના દૈહિક નિમંત્રણને ડરપોક બની નકારે છે એ પશ્ચાતાપ પીડે છે. હરિને આદિવાસી સ્ત્રી દુલીનું આકર્ષણ અને સંસર્ગ ખતા ખવડાવે છે તો નિર્લેપ અને તટસ્થ શેખરને ત્રણે મિત્રોની દશા કશુંક શીખવે છે. વધારામાં આ દરેક શીખ્યા છે અનુકંપા, અન્યનો આદર, અન્યના દ્રષ્ટિકોણનું જગત જોવાની આવડત અને ગરીબ એટલે ઉતરતા એ માન્યતામાંથી મુક્તિ ! જંગલ એક રીતે એમને અરીસો દેખાડે છે, જાતને પ્રથમ નીરખવાનો પડકાર જાણે !
હંમેશ મુજબ અહીં પણ રાયના બધાં પાત્રો પોતાની બધી ઊણપો સાથે હાજર છે. દરેકમાં ખામીઓ છે પણ કોઈ ખલનાયક નથી. બધાં હાડચામના મનુષ્યો છે. હંમેશની જેમ એમના સ્ત્રી પાત્રો મજબૂત છે. એ બધાં પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ બાબતે જાગૃત છે અને એ અભિવ્યક્ત કરતાં ક્ષોભ અનુભવતાં નથી.
ફિલ્મમાં આદિવાસીઓનો વ્યવસ્થા તરફનો – સભ્ય સમાજ તરફનો અસંતોષ ક્યાંકને ક્યાંક ડોકાય છે. ફિલ્મ ઉપર રાયના ગુરુ જ્યાં રેન્વારની ૧૯૩૬ ની ફિલ્મ ‘ અ ડે ઈન ધ કંટ્રી ‘ ની અસર વર્તાય છે.
આ ફિલ્મ બન્યાના ૩૪ વર્ષ બાદ ૨૦૦૩ માં વિખ્યાત બંગાળી ફિલ્મકાર ગૌતમ ઘોષે એ જ કથાના અનુસંધાનમાં એક ફિલ્મ સર્જી ‘ આબાર અરણ્યે ‘ ( ફરી જંગલમાં ). ચાર મિત્રોમાંથી શેખર ( રબી ઘોષ ) અવસાન પામ્યા હતા. અશીમ ( સૌમિત્ર ચેટર્જી ), સંજય ( શુભેંદુ ચેટર્જી ), હરિ ( સમીત ભંજ ) અને અપર્ણા ( શર્મિલા ટાગોર ) હયાત હતાં. નવી કથામાં અશીમ અને અપર્ણા પરણી ચૂક્યા છે. જૂનું જીવન ફરી તાજું કરવા ત્રણે મિત્રો પોતાની પત્ની અને ઉંમરલાયક સંતાનો સહિત ફરી એ જ અરણ્યના એ જ વિસ્તારમાં જાય છે.
એક દિવસ અશીમ – અપર્ણાની યુવાન પુત્રી અમૃતા ( તબુ ) ગુમ થઈ જાય છે. ખબર પડે છે કે એનું અપહરણ સ્થાનિક આદિવાસીઓના એક જૂથે કરેલ છે. એમને સ્થાનિક આદિવાસી બાળકોના ભણતર માટે પૈસા જોઈએ છે. એ પણ બહાર આવે છે કે અમૃતાને આ આદિવાસીઓની માંગ માટે સહાનુભૂતિ છે અને એ લોકોએ અપહરણ પછી એને બિલકુલ આદર અને પ્રેમપૂર્વક રાખી છે. ખંડણી મળતાં છોકરીને છોડી મૂકવામાં આવે છે પરંતુ એ પોતે આ છુટકારાથી ખુશ નથી !
ગૌતમ ઘોષ સિદ્ધહસ્ત સર્જક છે ( સ્મિતા – નસીરની યાદગાર ફિલ્મ ‘ પાર ‘ એમની હતી ) પરંતુ આ ફિલ્મ ગુણવત્તામાં મૂળ ‘ અરણ્યેર ..’ની આસપાસ પણ ફરકી શકે તેમ નથી. ફિલ્મનું મુખ્ય આકર્ષણ એ જ જૂના પાત્રો અને કલાકારોને ત્રણ દાયકાના અંતરાલ બાદ જોવાં એ છે. બીજી રીતે જોઈએ તો જૂની ફિલ્મમાં તણખારૂપે ક્વચિત દેખાતો આદિવાસી અસંતોષ અહીં અગ્નિ બની પ્રગટ્યો છે.
એક વધુ બંગાળી ફિલ્મ નામે ‘ આબાર અરણ્યેર દિન રાત્રિ ‘ ૨૦૨૪ માં આવી છે જેને અગાઉની બે ફિલ્મોના કથાનક સાથે કોઈ લેવાદેવા નથી.
અંતમાં ‘ ન્યુયોર્ક ટાઈમ્સ ‘ દ્વારા લખાયેલી ‘ અરણ્યેર દિન રાત્રિ ‘વિષેની ટિપ્પણી. “ એક એવી વીરલ અને તૃપ્તિદાયક ફિલ્મ જે આપણને જીવતાં હોવાનો આનંદ બક્ષે છે ! ‘
સાચ્ચે જ !
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
