ચાલ મજાની આંબાવાડી
– ગની દહીંવાલા
સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતુ આવે જીવન, આગળ આગળ રમીએ.
માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવીએ,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.
તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં
છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.
હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પેાકળ રમીએ.
ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.
હું ય ‘ગની’ નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.
ગઈ પાનખર પાનસોંસરી
– અનિલ જોશી
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ,
મથ્યા રોકવા તોય આખરે ગઈ હવા પણ, નાકસોંસરી ગઈ.
રણને દરિયો કરવા ચકલી રોજ સવારે તળાવમાંથી ટીપું લઈને રણમાં જઈને નાખે,
દરિયો પૂરવા ખિસકોલીબાઈ રોજ સવારે રજકણ લઈને દરિયે જઈને નાખે.
સૂરજ સામે તીર તાકતા ભીલ સમા અંધારા સામે ગઈ કાંકરી, કાનસોંસરી ગઈ.
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ.
મૃગની પાછળ રામ ગયા તે દિવસે વનમાં રામસીતાનો મૃગજળ થયો મિલાપ,
હવે મૃગજળ ઉપર પુલ બાંધવા બધા વાંદરા પથ્થર ઉપર રામ લખીને કરતા રહ્યા વિલાપ.
અંતે અઘોરવનમાં કીડી ચટકે ફેણ પછાડી ગઈ કાચળી, સાપસોંસરી ગઈ.
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ.
