સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
‘પૂર્વભૂમિકા‘થી આગળ
અમે મૂળ કોંકણના રહેવાસી. મારા જન્મ પહેલાં મારા દાદાજી – નારાયણદાદા અને તેમના પિતાજી લક્ષ્મણદાદા કોંકણમાં રહેતા હતા. અમારા પ્રપિતામહ લક્ષ્મણદાદાને કોંકણના માવળ પ્રદેશના દેવળે ગામમાં ઘણી જમીન વંશપરંપરાગત પ્રાપ્ત થઈ હતી. અમારા પૂર્વજો ત્યાંના “વતનદાર’ એટલે જાગીરદાર હતા. તે ઉપરાંત લક્ષ્મણદાદાએ આંબા અને ફણસીની વાડીઓ પણ ખરીદી હતી. ખેતીવાડીની દેખભાળ તેઓ જાતે જ કરતા, તેથી ઊપજ ઘણી સારી આવતી. અમારાં ખેતરોમાં ઘણી ઊંચી જાતની ડાંગર પાકતી. લક્ષ્મણદાદાએ બે મકાન કોંકણમાં બંધાવ્યાં હતાં. તેમણે કદી નોકરી નહોતી કરી. તે વખતે લોકો બહુધા ખેતીવાડી જ કરતા. ખેતરનું ઉત્પન્ન ભરપૂર પ્રમાણમાં આવતું હોવાથી ઘરમાં કશાની ઊણપ ભાસતી નહોતી તેથી ઘરમાં કોઈને નોકરી કરવાની જરૂર નહોતી પડતી. અમારું ઘર સારું એવું સંપન્ન ગણાતું.
લક્ષ્મણદાદાને બે જ સંતતિ હતી. મારા દાદાજી અને તેમનાથી બે વર્ષે નાના ભાઈ – જેમને અમે દાદાકાકા કહેતા. બેઉ ભાઈઓને જનોઈ પહેરાવવાનો વિધિ કોંકણમાં જ થયો. બન્નેની ઉમર પાંચ-સાત વર્ષની થતાં તેમના શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ એવો વિચાર લક્ષ્મણદાદા કરવા લાગ્યા. અમારા ગામડામાં નિશાળ નહોતી. તેથી તેમણે વિચાર કર્યો કે બન્ને પુત્રોને ભણવા માટે તાલુકાના ગામ મહાડ મોકલવા. આ વિચાર તેમણે પોતાનાં પત્નીને કહ્યો. તેમણે તરત સંમતિ આપી. પછી તો રોજ નોકરની સાથે સવારના પહોરમાં ભાઈઓને ગાડામાં બેસાડી નિશાળે મોકલવાની શરૂઆત થઈ. આમ અમારા નારાયણદાદા અને ગોવિંદદાદાનું પ્રાથમિક શિક્ષણ મહાડમાં થયું. તે વખતે અંગ્રેજી શીખવામાં કોઈને રસ નહોતો, તેથી તેમનું ભણતર ત્યાં જ રોકાઈ ગયું. થોડા ઉંમરલાયક થતાં બન્ને ભાઈઓ તેમના પિતાજીને ખેતીકામમાં મદદ કરવા લાગ્યા.
મારાં વડદાદી ઘણાં જ પ્રેમાળ હતાં તેથી બન્ને પુત્રોનાં લાડ – કૌતુક કરતાં અને તેમની બધી હોંશ પૂરી કરતાં. દીકરાઓ પણ માતા-પિતાની ઇચ્છા અને સંમતિને માન આપીને વર્તતા, તેથી બધાંના દિવસ આનંદથી વ્યતીત થતા હતા.
તે જમાનામાં છોકરાંનાં લગ્ન તેમના સોળમે વર્ષે કરવામાં આવતાં. અમારા લક્ષ્મણદાદાએ જોયું કે પુત્રો વયમાં આવ્યા છે તેથી તેમનાં લગ્ન કરવાં જોઈએ એવું તેમને લાગ્યું. અમારો પરિવાર પરંપરાગત જાગીરદાર હોઈ અમારું ખાનદાન ઘણું ઉચ્ચ કક્ષાનું ગણાતું. તેથી મારા દાદા માટે વડોદરાના એક ઊંચા ઘરાણાની કન્યા તરફથી કહેણ આવ્યું. દાદાકાકા માટે પણ વડોદરાની કન્યા આવી તેથી બન્ને ભાઈઓનાં લગ્ન વડોદરા ખાતે ધામધૂમથી કરવામાં આવ્યાં. લક્ષ્મણદાદાના ઘરનું આ પહેલું જ શુભ કાર્ય હોવાથી લગ્નમાં કશી અડચણ ન આવી. ઠાઠમાઠથી લગ્નપ્રસંગ ઊજવી બન્ને પુત્રવધૂઓને લક્ષ્મણદાદા અમારે ગામ લઈ આવ્યા. તે વખતે મારાં દાદીમા બાર વર્ષનાં હતાં. મારાં વડદાદી ઘણાં પ્રેમાળ સ્વભાવના હતાં તેથી બન્ને વહુઓને દીકરીઓની જેમ જ રાખતાં. તેમનાં લાડ ઘણા પ્રેમથી કરતાં, અને પૂજા તથા બધા વારતહેવાર પણ તેઓ ઘણા પ્રેમથી ઊજવતાં. તે જમાનામાં છોકરીઓને તેમનાં સાસરિયાંમાં ઘણો ત્રાસ આપવામાં આવતો, પણ અમારા ઘરનાં કુટુંબીજનો પ્રેમાળ હોવાથી વહુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થઈ.
દાદીમાના બાપુજી અને ભાઈ ગાયકવાડીમાં સારા હોદ્દા પર હતા. તેથી તેમનાં લાડકોડ પિયરમાં અને સાસરિયાંમાં ઘણી સારી રીતે થતાં. દાદીમા ૧૪ વર્ષની ઉમરે ગર્ભવતી થયાં તેથી તેમનાં મા તેમને વડોદરા લઈ ગયાં. દિવસ પૂર્ણ થતાં તેમને કન્યા અવતરી – મારાં મોટાં ફોઈ. તેમનું નામ યમુના રાખવામાં આવ્યું, યમુનાફોઈ ત્રણેક માસનાં થયા ત્યારે દાદીમા તેમને લઈ કોંકણ આવ્યાં.
બે કે ત્રણ વર્ષ બાદ મારા પરમ પૂજ્ય પિતાજીનો જન્મ થયો. પછી તો ઘરમાં કેટલો આનંદ છવાયો હતો! તેમનું નામ શંકર રાખવામાં આવ્યું. બે વર્ષ બાદ મારા કાકાનો જન્મ થયો. તેમનું નામકરણ યશવંત થયું. ત્યાર બાદ દાદા-દાદીને બીજી દીકરી અને ત્રીજો પુત્ર થયો. કમભાગ્યે મારા સૌથી નાના કાકા ચાર વર્ષના થઈને ગુજરી ગયા.
અમારા દાદાકાકા અને કાકીદાદીમાને હજી સુધી કોઈ સંતતિ ન થઈ. તેઓ ઘણાં ઉદાસ રહેવાં લાગ્યાં. તેમણે અને વડદાદીએ ઘણી બાધાઓ રાખી, વ્રત કર્યાં પણ કાંઈ ફાયદો. ન થયો. મારાં વડદાદી પણ ઘણાં ઝૂરવા લાગ્યાં. અંતે એક છેલ્લા ઉપાય તરીકે તેમણે જ્યોતિષીને ગ્રહ બતાવ્યા. જ્યારે તેણે કહ્યું કે તેમના નસીબમાં સંતતિ નથી ત્યારે બધાને ઘોર નિરાશા થઈ. અમારા વંશમાં શરૂઆતથી જ એવું થતું આવ્યું છે કે પરિવારમાં જન્મેલા ભાઈઓમાંથી એકનો જ વંશવેલો ચાલુ રહે, જ્યારે બીજાને દીકરીઓ જ જન્મે. દાદાકાકાને ત્યાં તો દીકરી પણ નહોતી અવતરી. આથી તેમણે પિતાની સંમતિથી એક નજીકના સગાનો છ મહિનાનો દીકરો દત્તક લીધો. તેનું નામ ગણેશ રાખ્યું. ઘરમાં ફરીથી આનંદનું વાતાવરણ આવ્યું અને દિવસ ખુશીમાં વ્યતીત થવા લાગ્યા. વડદાદી તો પૌત્રોનાં લાડકોડ કરવામાં મશગૂલ રહેવા લાગ્યાં!
મારાં મોટાં ફોઈને થોડુંઘણું શિક્ષણ લક્ષ્મણદાદાએ ઘરમાં જ આપ્યું, કારણ કે તે વખતે છોકરીઓને ભાગ્યે જ કોઈ નિશાળમાં મોકલતું. લોકો કહેતા કે અંતે તો દીકરીએ કોઈકના ઘેર જઈને રોટલા જ શેકવાના હોય છે, તો તે ભણીને શું કરશે? યમુનાફોઈ નવેક વર્ષનાં થયાં ત્યારે ઘરના વડીલો તેમનાં લગ્ન લેવા અંગેનો વિચાર કરવા લાગ્યા. તે સમયમાં છોકરીઓનાં લગ્ન વહેલાં કરી લેવાની પ્રથા હંતી. તેથી યોગ્ય મુરતિયો શોધવા માટે અભિયાન શરૂ થયું. મારા બાપુજીના મામાએ. વડોદરામાં એક સારો મુરતિયો શોધ્યો. પૂર્વે છોકરાની ઘરની પરિસ્થિતિ અને પૈસા જ જોવામાં આવતા, કારણ કે તે ઉંમરના છોકરાઓ તો કાંઈ કમાતા નહોતા. બિચારા પંદર-સોળ વર્ષની ઉમરના છોકરાને લગ્નનાં બંધનમાં ધકેલવામાં આવતા. વળી છોકરો કેવો નીકળશે એનો વિચાર તે જમાનાના લોક કદી કરતા નહોતા. ખેર, યમુનાફોઈ માટે વડોદરાનો મુરતિયો જોયો. પ્રસ્તુત વેવાઈનું ઘર મોટું અને પોતાની માલિકીનું હતું, તે જોઈને અમારાં ફોઈને તેમને અર્પણ કરવાનો વિચાર દાદાજીએ કર્યો. આમ એક દીકરીનાં લગ્ન અને પરિવારના ત્રણ દીકરાઓની જનોઈનો ભવ્ય વિધિ કોંકણમાં સંપન્ન થયો, અને યમુનાફોઈ સાસરિયે ગયાં.
અહીં અમારા ગામમાં મારા બાપુજી અને યશવંતકાકા તથા દાદાકાકાના દત્તકપુત્ર ગણેશની ઉમર નિશાળે જવા યોગ્ય થઈ. અમારા ગામમાં હજી નિશાળ ખૂલી નહોતી, તેથી મારા બાપુજી, યશવંતકાકા અને ગણેશકાકાને ગાડામાં બેસાડી નોકરની સાથે મહાડ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું. સવારના પહોરમાં છોકરાં નિશાળે જાય અને બપોરે પાછા આવે. તે વખતે અમારી જાહોજલાલી સારી હતી અને નોકરચાકર પણ ઘણા હતા, કારણ કે અમારી જમીનો વિશાળ હતી અને ગાય-ભેંસ પણ હોવાથી સાથી રાખવા જ પડતા. દાદીમા અને વડદાદી એકલાં કેટલું જુએ?
બાપુજી, યશવંતકાકા અને ગણેશકાકાનું પ્રાથમિક શિક્ષણ મહાડમાં પૂરું થયું. બાપુજી અને કાકાને વધુ ભણવાની ઇચ્છા હતી, તેથી તેમના આગળના અભ્યાસ માટે શું કરવું તેનો દાદાજી વિચાર કરવા લાગ્યા. તેમણે લક્ષ્મણદાદા સાથે આની વાત કરી, અને અંતે સૌએ. નક્કી કર્યું કે છોકરાઓને ખેતીવાડીમાં લગાડવાને બદલે તેમની ઇચ્છા મુજબ આગળ અભ્યાસ કરાવવો. તેમણે દાદીમાના મોસાળમાં વડોદરા પૃચ્છા કરાવતાં તેમણે જણાવ્યું કે ત્રણે છોકરાઓને લઈ દાદાજી અને દાદાકાકા વડોદરા આવે. વડોદરામાં શિક્ષણની ઘણી સારી વ્યવસ્થા હતી. મારી દાદીમાના ભાઈ રાજ્યમાં ઊંચા હોદ્દા પર હતા તેથી જરૂર પડતાં દાદાજી અને દાદાકાકા માટે સારી નોકરી પણ શોધી આપશે તેવું તેમણે જણાવ્યું. અંતે બધી વાતનો વિચાર કરી બધાંએ નક્કી કર્યું કે દાદાજી તથા દાદાકાકાએ સપરિવાર વડોદરા જવું. અમારા લક્ષ્મણદાદા અને વડદાદી એટલાં પ્રેમાળ હતાં કે પોતાનાં સંતાનોના શ્રેય માટે કોઈ પણ પ્રકારનો અંતરાય આવવા દેતાં નહિ. પોતાનો તેમણે કદી વિચાર ન કર્યો. તેમણે કહ્યું, “અમારું તો આખું આયુષ્ય ખેતીવાડી કરવામાં ગયું. હવે અમારા પૌત્રોએ તો ભણીગણીને આગળ આવવું જોઈએ એમાં અમે ખુશ છીએ.’ આમ લક્ષ્મણદાદા અને વડદાદી એકલાં કોંકણમાં રહ્યાં.
ભારે મનથી જરૂર જેટલો સામાન લઈ બન્ને પરિવાર – નારાયણદાદા અને તેમના ભાઈ – વડોદરા આવ્યા. શરૂઆતના થોડા દિવસ અમારાં દાદીમાને પિયર રહી નારાયણદાદાએ એક ઘર વેચાતું લીધું અને પોતાના ભાઈ – પરિવાર સાથે ત્યાં રહેવા ગયા. મારા પિતરાઈ કાકાને ભણવામાં રસ નહોતો, તેથી મારા બાપુજી અને યશવંતકાકાને હાઈસ્કૂલમાં દાખલ કર્યા. મારા નાનાજી (દાદીમાના ભાઈ)એ મારા દાદાજીને અને દાદાકાકાને સરકારમાં નોકરીએ રખાવ્યા. વડોદરામાં ઉચ્ચ શિક્ષણની સગવડ ઘણી સારી હતી અને ઘણા લોકો કોંકણમાંથી અહીં આવવા લાગ્યા. વળી ચીજવસ્તુઓ પણ એટલી સસ્તી હતી કે ઘણા લોકોને વડોદરા આવવાની ઇચ્છા થવા લાગી હતી.
મારા પિતરાઈ કાકા – ગણેશકાકાની નોકરી કરવા જેટલી ઉમર થતાં તેઓ પોલીસ ખાતામાં ભરતી થયા. મારા દાદાજીએ બીજું મકાન બાંધવા માટે જમીન લીધી. અમારી કોંકણની જમીનના વાર્ષિક ઉત્પન્નમાંથી ઊપજતા પૈસા લક્ષ્મણદાદા અમારા દાદાજીને મોકલી આપતા. ઘરખર્ચમાંથી જે રકમ બચતી તે નારાયણદાદા ઘર બાંધવા માટે બાજુએ રાખી મૂકતા. કેટલાક સમયમાં તો તેમણે બે મોટી હવેલીઓ બંધાવી. આ ઉપરાંત એક મધ્યમ આકારનું મકાન બનાવ્યું, જેમાં અમારાં બન્ને કુટુંબ – દાદાજી તથા દાદાકાકાનો પરિવાર સંયુક્ત રીતે રહેવા લાગ્યાં.
દાદાજીએ ઘણી સાધન-સામગ્રી એકઠી કરી હતી. તેમણે બંધાવેલી હવેલીઓમાંની એક તો અમારા રહેઠાણની સામે જ હતી, અને તેમાં પાંચસો-સાતસો માણસોને ઉતારો, આપી શકાય એટલી જગ્યા હતી. બીજી હવેલી અમારા ઘરથી થોડે દૂર હતી. દાદાજી અને દાદાકાકાના પરિવારો હજી પણ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. કોઈ પણ નવી ચીજવસ્તુ ઘરમાં આવે તો બન્ને પરિવારોમાં સરખી રીતે વહેંચાય.
સમય જતાં બાપુજી અને યશવંતકાકા મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. અમારા ખાનદાનમાં આટલું શિક્ષણ પ્રાપ્ત કરનાર તેઓ પહેલા જ યુવાનો હતા તેથી લક્ષ્મણદાદા અને વડદાદીને ઘણો આનંદ થયો. પરિવારમાં વૃદ્ધિ થતી જોઈ લક્ષ્મણદાદા હવે કોંકણથી વડોદરા આવ્યા અને ગામમાંનો ખેતીવાડીનો વહીવટ સાથીઓ ઉપર છોડી દીધો. હવે અમારા દાદાકાકા જમીનની આવક લેવા દર વર્ષે કોંકણ જતા, પણ કાંઈ ને કાંઈ બહાનું બતાવી ઘરમાં ઓછા પૈસા આપવા લાગ્યા.
એક તરફ ઘરમાં ઓછી આવક બતાવી પૈસા ન આપે, અને બીજી તરફ પુત્રવધૂ માટે નવાં ઘરેણાં ઘડાવીને લઈ આવે. દાદાજીની નજરથી આ છાનું નહોતું રહેતું, પણ તેમણે એક અક્ષરથી ભાઈને પૂછ્યું નહિ કે તે આવું શા માટે કરે છે, ન તો કદી તેમને કદી ટોક્યા. દાદાજી અને દાદીમાએ. બધી વહુવારુઓ માટે એક સરખી રીતે, ન્યાયથી ચીજ-જણસ બનાવડાવીને વહેંચી હતી. દાદાકાકાનો આ જાતનો ભેદભાવ, વહુ પ્રત્યેનો પક્ષપાત અને પૈસાનો હિસાબ ન આપવાની વૃત્તિને કારણે ઘરની સ્ત્રીઓમાં બોલાચાલી થવા લાગી. પરિવારમાં વૈમનસ્ય વધે તે પહેલાં નારાયણદાદાએ અને લક્ષ્મણદાદાએ. મળી બન્ને પરિવારોને જુદા કરવાનો નિર્ણય લીધો. આમ અમારો પરિવાર ખંડિત થયો.
મારા બાપુજી અને કાકા સારા માર્કથી મૅટ્રિક પાસ થયા. મેટ્રિક થયા બાદ યશવંતકાકાએ પોલીસખાતાની પરીક્ષા આપી અને તેમાં પાસ થતાં તેમને પોલીસ જમાદારના પદ પર નીમવામાં આવ્યા. બાપુજીને મહારાજા સયાજીરાવના ખાનગી મહેકમમાં નોકરી મળી. નોકરીના પ્રથમ દિવસથી જ તેઓ કામે સૂટ પહેરીને જતા,
અને પોતાની કાર્યકુશળતાથી તરત મહારાજની મહેર નજરમાં આવ્યા. મહારાજસાહેબે તેમને પ્રાઇવેટ સેક્રેટરી નીમ્યા. તેમના પર એટલો વિશ્વાસ બેઠો કે કોઈ પણ કામ કરતાં પહેલાં તેઓ બાપુજીની સલાહ માગતા. ત્યાર પછી તો મહારાજ ભોજન સમયે પણ તેમને પોતાની પંક્તિમાં બેસાડીને જમે, અને તેમને “રાજે’નો ઇલકાબ આપ્યો. બાપુજી મહારાજ સયાજીરાવ ગાયકવાડની સાથે ત્રણ વાર ઇંગ્લૅન્ડ જઈ આવ્યા. રાજ્યનો વહીવટ તેમના હાથ નીચે ચાલતો, અને પાઈએ પાઈનો હિસાબ રાખતા. ન તો તેમણે એક પાઈ પણ હરામની લીધી કે લેવાની કદી અપેક્ષા રાખી. તેમના આદર્શ અને પ્રામાણિક વહીવટને કારણે આટલી નાની ઉમરમાં તેમને મહારાજસાહેબ તરફથી માન મળતું હતું તે તેમના હાથ નીચેના લોકો સાંખી શકતા નહોતા. તેઓ તેમનો ઘણો દ્વેષ કરવા લાગ્યા.
મારાં નાનાં ફોઈનું વય લગ્નજોગું થયું. દાદાજીએ નક્કી કર્યું કે બેઉ દીકરા અને દીકરીનાં લગ્ન સાથે જ લેવાં. ફોઈ માટે તેમણે મધ્યમ વર્ગનો હોશિયાર મુરતિયો નક્કી કર્યો, કારણ હવે લોકોના વિચારમાં ઘણો સુધારો આવ્યો હતો. છોકરો પોતે સારો હોય તો જ દીકરીનું ભાવિ સુધરશે, એવા વિચારથી તેના પરિવારની સંપત્તિ ન જોતાં છોકરાના ગુણ જોઈને ફોઈનાં લગ્ન નક્કી કર્યા. મારા યશવંતકાકાને મામાની દીકરી તરફથી માગું આવ્યું. અમારી જ્ઞાતિમાં મામા-ફોઈનાં બાળકો પરસ્પર વિવાહ કરી શકે તેવો શિરસ્તો. હતો. પ્રસ્તાવિત વધૂ ઘણાં રૂપાળાં હંતાં. તેમના પિતા મામલતદાર હતા અને સંપન્ન પરિવારના હતા. તેમણે યશવંતકાકાના ગુણ અને નોકરીમાં બઢતીની સુંદર તક જોઈ લગ્ન માટે આગ્રહ કર્યો, અને લગ્ન નક્કી થયાં. ગણેશકાકાનાં પણ લગ્ન નક્કી થયાં. બાપુજી માટે સારા પરિવારની પણ મધ્યમ વર્ગની કન્યા – મારી બા-ના પિતા તરફથી માગું આવ્યું. પાંચ બહેનો અને એક ભાઈમાં બા ત્રીજા નંબરની. ભાઈ – એટલે મારા મામા તો પાંચ વર્ષની ઉમરે જ ગુજરી ગયા હતા, તેથી આખા પરિવારનો ભાર મારા નાના પર જ હતો. બાનું ભણતર ત્રીજી કક્ષા સુધીનું જ. લગ્ન વખતે બાની ઉમર ફક્ત દસ વર્ષની હતી. મારાં કાકી પણ નાનાં જ હતાં. આમ તો ચારેય લગ્ન એકસાથે કરવાના હતાં, પણ મારાં કાકી હજી નાનાં હોવાથી યશવંતકાકાનાં લગ્ન બે વર્ષ માટે મોકૂફ રાખ્યાં. ફોઈબાનાં લગ્ન પહેલાં લેવાયાં. ત્યાર બાદ બાપુજી અને ગણેશકાકાનાં લગ્ન લેવાયાં. દાદાજીએ ત્રણે વહુઓને એકસરખાં ઘરેણાં આપ્યાં. બાને અમારા જેવો ખાનદાન પરિવાર મળવાથી મારા નાના ઘણા ખુશ હતા.
બાપુજી વાને ગોરા અને દેખાવડા હતા. તેમના પ્રમાણમાં બા શ્યામ વર્ણની અને દેખાવમાં સામાન્ય. પણ તે જમાનામાં કન્યાના રૂપ કરતાં તે ઘરકામમાં સુજ્ઞ અને સાસુ-સસરાની સેવા કરે તેવી હોય તેને વધુ પસંદ કરતા. વળી છોકરી ઉમરમાં નાનકડી હોવાથી તેને “આશાંકિત’ થઈને વર્તવાનું સહેલું પડતું. કોઈ વાર વહુથી ભૂલ થઈ જાય તો કોઈ વાર સાસુના હાથે બેચાર ધબ્બા પણ ખાવા પડતા! પરંતુ મારાં વડદાદી ઘણાં પ્રેમાળ સ્વભાવનાં હતાં, તેથી પૌત્ર-વધૂને ઘણાં લાડ લડાવતાં અને સ્નેહથી વર્તતાં. બધા વારતહેવારમાં પૌત્ર-વધૂને શણગાર કરાવી પૂજા-અર્ચના વ્યવસ્થિત રીતે કરાવતાં. મારા લક્ષ્મણદાદા-દાદીની અંગકાઠી ઘણી મજબૂત હતી અને નીરોગી હોવાથી બન્નેમાંથી કોઈ વૃદ્ધ દેખાતું નહોતું. બધાંના દિવસ આમ આનંદમાં વ્યતીત થતા હતા.
બાપુજીનાં લગ્ન બાદ બે વર્ષે મારા યશવંતકાકાનાં લગ્ન થયાં. નાનાં કાકી ખૂબ સુંદર હતાં. વળી પિયરની સ્થિતિ ઘણી સારી હતી, તેથી તેમનાં લગ્ન ઘણા ધામધૂમથી ઊજવાયાં. તેમને ચાર બહેનો હતી. આમ તો સગપણમાં તેઓ અમારાં ફોઈ પણ થતાં હતાં – તેઓ બાપુજીના સગા મામાની દીકરી હતાં. લગ્ન વખતે મામા-નાનાજી સિદ્ધપુરમાં મામલતદાર હતા, તેથી લગ્ન સિદ્ધપુર ખાતે લેવાયાં. યશવંતકાકા પાટણમાં નાયબ ફોજદાર હતા. લગ્ન બાદ થોડા દિવસ વડોદરા રહી, ધર્મ-કાર્ય પતાવી કાકા પાટણ ગયા. કાકીને તેમની સાથે બહુ રહેવા મળતું નહોતું,,કારણ કાકાની વારંવાર બદલી થતી, અને ડ્યૂટી પણ ચોવીસે કલાકની રહેતી.
દાદીમા ઘણાં કડક સ્વભાવનાં હતાં. પોતે શ્રીમંત ઘરના હતાં. વળી તેમના મનમાં સામાજિક પાયરી વિશેના ખ્યાલ જૂનવાણી હતા. મારાં કાકીના પિયરિયાંના હિસાબે મારી બાનું પિયર સામાન્ય સ્થિતિનું હતું. નાનાજી સરકારી પેન્શન લેતા હતા – તે પણ સાવ ઓછું. તેમાં તેમનું ઘર ચાલે. એક વાર બાના હાથેથી પૂજાનું ચાંદીનું તરભાણું આડા હાથે ક્યાંક મુકાઈ ગયું. દાદીમા પૂજામાં બેઠાં અને તરભાણું ન જડ્યું. તેમને ખબર હતી કે પૂજાના સમય પહેલાં મારી બાએ તરભાણું લીધું હતું, તેથી તેમણે બૂમ પાડીને બાને કહ્યું, “કેમ અલી, મારી પૂજાનું તરભાણું તારા બાપના શ્રાદ્ધ માટે લઈ ગઈ છો કે શું?
બા ચોધાર આંસુએ રડતી નાનાજી પાસે દોડી ગઈ, અને ફરિયાદ કરવા લાગી, “મારા બાપુજી જીવતા હોવા છતાં સાસુજીના મોઢેથી આવા શબ્દો નીકળે જ કેમ? હું હવે કદી સાસરિયે જવાની નથી.’ નાનાજીએ બાને ખૂબ સમજાવી અને પોતે તેને સાસરિયે પહોંચાડી આવ્યા. દાદીમાનો ક્રોધ પણ ક્ષણિક નીવડ્યો. પ્રસંગ ભુલાઈ ગયો હોય તેવું લાગ્યું, પણ બાના હૃદય પર એક વ્રણની જેમ કાયમ રહી ગયો.
આમ અમારા પરિવારના દિવસ વીતતા હતા.
દાદાકાકા અમારાથી જુદા થઈ ગયા હતા, પણ બધા કાર્યપ્રસંગે તેઓ અમારી સાથે જ રહેતા, અને પરિવારનાં બધાં કાર્ય એકબીજાની સંમતિથી જ ચાલતાં. નોકરીના સ્થાને બાપુજીના કામની ઘણી કદર થઈ અને તેમને કાર્યદક્ષતા અને પ્રામાણિકતાને લીધે ઉપરની જગ્યાઓ પર ત્વરિત રીતે બઢતી મળવા લાગી. આખો દિવસ તેમને રાજમહેલમાં રહેવું પડતું, કારણ સયાજીરાવ મહારાજને તેમના વગર એક મિનિટ પણ ચાલતું નહિ. દેશપરદેશ કોઈ પણ સ્થળે જવાનું થાય તો કહેતા, “રાજે, તમે તૈયાર રહો, આપણે બહારગામ જવાનું છે.’ બાપુજી હંમેશાં તૈયાર રહેતા.
બા પ્રથમ પ્રસૂતિ માટે પિયર ગઈ હતી. તે યુગમાં હૉસ્પિટલ નહોતી તેથી પ્રસૂતિ કરાવવા ગામઠી સુયાણીઓને બોલાવવામાં આવતી. નસીબજોગે સારી, અનુભવી દાયણ હોય તો ઠીક, નહિ તો અનેક સ્ત્રીઓ પ્રસવ વખતે જ મરણ પામતી. બાનો પ્રસવનો સમય આવતાં જણાયું કે તેને જોડકું આવી રહ્યું છે. દાયણ ગભરાઈ ગઈ અને શું કરવું તેની ખબર ન પડવાથી તેણે અમારાં વડદાદીને બોલાવ્યાં. તેઓ બધા કામમાં હોશિયાર અને અનુભવી હતાં, તેથી તેમણે બાને તો બચાવી લીધી, પણ નવજાત બન્ને બાળકીઓ બે કલાકમાં મરણ પામી. બા માટે આ સમય કેવો કપરો હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
બીજી તરફ મારા પિતરાઈ કાકીને દીકરો આવ્યો. કાકીદાદીમાને અત્યંત આનંદ થયો! તેમને પોતાનું સંતાન નહોતું, તેથી દત્તક-પુત્રને ત્યાં પહેલો દીકરો જન્મ્યો એટલે તેઓ તો રાજીના રેડ થઈ ગયાં. તેમણે પૌત્રનું નામ દ્વારકાનાથ રાખ્યું. મારાં નાનાં કાકીનાં સંતાનો જીવતાં નહોતાં. એક પછી એક બે દીકરા આવ્યા, પણ બે-ત્રણ મહિના બાદ જ તેઓ ગુજરી ગયા હતા, તેથી તેઓ ઘણા વ્યથિત હતા. એકાદ વર્ષ બાદ બાને દીકરી આવી, સુંદર અને પોયણી જેવી શ્વેત. બાએ અને વડદાદીએ. તેનું નામ કમલ રાખ્યું. પણ લાડમાં તેઓ તેને મનાબાઈ કહીને બોલાવવાં લાગ્યાં. બે વર્ષ બાદ બીજી દીકરી આવી અને તેનું નામ વત્સલાબાઈ રાખ્યું.
એક દિવસ વડદાદીએ બાને કહ્યું, “પાર્વતી, આપણા ગણેશને ઘેર જઈ તેને મારો એક સંદેશો આપી આવ તો! બા ચિઠ્ઠીના ચાકરની જેમ ગણેશકાકાને ઘેર સંદેશો આપવા ગઈ. તે વખતે કાકા પૂજામાં બેઠા હતા.
વડદાદીનો સંદેશો સાંભળી કાકાનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો, પણ તે ઉતાર્યો મારી બા પર. તેમણે અગ્નિ-બાણ સમા શબ્દોનો પ્રહાર કર્યો, “હે દેવી કાલિકે, આ પાર્વતીભાભીને સાત-સાત દીકરીઓ થવા દેજો. આ મારો શાપ છે.’
બાને માથે જાણે વજ પડયું. તે હતપ્રભ થઈ ગઈ અને એટલું જ બોલી શકી, “આપ આવું તે શીદ બોલ્યા હશો?’ બાને પણ ગુસ્સો આવ્યો હતો – નિઃસહાયતા ભર્યો ગુસ્સો, પણ તે જમાનાની વહુવારુ બીજું કરી પણ શું શકે? એ એટલું જ બોલી શકી, “વગર વાંકે શાપ આપે તેના ભાગ્યમાં પણ પથ્થર જ આવતા હોય છે તે ભૂલશો નહિ.”
એ વેળા તો ટળી ગઈ, પણ બાના હૈયામાં ફાળ પડી ગઈ હતી, અને આ શાપની ધાસ્તી તેના જીવનમાં કાયમ માટે રહી ગઈ. આ કુવચન સાચાં પડતા હોય તેમ બાને પાંચમી દીકરી જન્મી. હું.
૧૯૧૫ની આ સાલ હતી.
મારા જન્મ પછી કેટલાક મહિનામાં લક્ષ્મણદાદાનું અવસાન થયું. અમારો સુવર્ણયુગ વીતી ગયો.
ક્રમશઃ

“બાઈ”- મારી પૂર્વ કથા” એક જાજરમાન કુટુંબ ની વાતની અર્થપૂર્ણ જીવન કથાનો
પ્રભાવશાળી પ્રારંભ. આ લેખનની મારા પર ઊંડી અસર પડી છે તેના માટે હું
નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. પહેલું પ્રકરણથી તમે મારી જેવા વાચક
પર જોરદાર પક્કડ જમાવી છે. હવે પછીનાં પ્રકરણોની અતુરતા રહેશે.
આભાર,
નીતિન વ્યાસ
LikeLike