સંવાદિતા

હમલોગ અને બુનિયાદ જેવી સિરિયલો અને એના પાત્રોએ ભારતીય લોકમાનસ પર કમાલનું કામણ કરેલું.

ભગવાન થાવરાણી

૧૯૮૦ ના દાયકામાં ટેલીવિઝન અને દૂરદર્શનની શરુઆત સાથે જે ધારાવાહિકોએ લોકોના દિલોદિમાગ ઉપર પકડ જમાવેલી એ હતાં હમલોગ અને બુનિયાદ. અનુક્રમે ૧૯૮૪ અને ૧૯૮૭ માં શરુ થયેલાં આ બન્ને સોપ ઓપેરા અને એના પાત્રો જેવાં કે બસેસરરાય, ભાગવંતી, લલ્લુ, નન્હે, બડકી, મઝલી, છુટકી અને માસ્ટર હવેલીરામ, લાલા ગેંદામલ, મુંશી, રલિયારામ, લભાયારામ, કન્ની, લાજો, ભૂષણ, લોચન, ગિરધારીલાલ, રોશન, રજ્જો, લાલા વૃષભાણ, સતબીર અને વીરાંવાલી આજે પણ યાદ આવતાં લોકોના રોમરોમ ઝંકૃત થઈ ઊઠે છે. બબ્વે વર્ષ કે તેથી પણ વધુ ચાલેલી એ સિરીયલો પૂર્ણ થયા પછી પણ ઉપરોક્ત પાત્રો ભજવનારા કલાકારો એમના પાત્રના નામે જ ઓળખાતા એટલું જ નહીં, એમાંના મોટા ભાગના કલાકારો આ સિરિયલો પૂરી થતાં જ અસ્ત પામી ગયાં !

કહેવા ખાતર આ બન્ને સિરિયલોના દિગ્દર્શકો તો હતા પી કુમાર વાસુદેવ અને રમેશ સિપ્પી ( કેટલાક હપ્તામાં જ્યોતિ સ્વરૂપ પણ ) પણ એની લોકપ્રિયતા પાછળના ખરા જાદુગર તો હતા એના લેખક મનોહર શ્યામ જોશી ! એમના લેખનની પ્રચંડ કામયાબી માત્ર આ બે સિરિયલોથી અટકી નહીં. એ પછી પણ એમણે દૂરદર્શન માટે મુંગેરીલાલ કે હસીન સપને, કક્કાજી કહિન, હમરાહી, ઝમીન આસમાન અને ગાથા જેવી બેનમૂન સિરિયલો લખી.

પરંતુ મનોહર શ્યામ જોશીની આ ઓળખ પણ હજુ અધૂરી છે. ૨૦૦૬ માં ૭૩ વર્ષની વયે અવસાન પામનાર જોશીજી માત્ર આ ધારાવાહિકોના લેખક જ નહીં, એક સફળ પત્રકાર, ફિલ્મ પટકથાકાર ( હે રામ, અપ્પુ રાજા, પાપા કહતે હૈં, ભ્રષ્ટાચાર ) અને સૌથી વિશેષ તો એક ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર પણ હતા. એમની નવલકથાઓ એટલે કુરુ કુરુ સ્વાહા, મૈં કૌન હું, વધસ્થલ, કપિશ જી, ક્યાપ, હમઝાદ, નેતાજી કહિન, હરિયા હરક્યુલિસ કી હૈરાની અને કસપ. આ ઉપરાંત એમની સાહિત્ય યાત્રા પ્રભુ તુમ કૈસે કિસ્સાગો, મંદિર ઘાટ કી પૌરિયાં, એક દુર્લભ વ્યક્તિત્વ ( વાર્તાઓ ), ઉસ દેશ કા યારોં ક્યા કહના ( વ્યંગ લેખો ), બાતોં બાતોં મેં ( મુલાકાતો ), લખનૌ મેરા લખનૌ ( સંસ્મરણો ) ગાથા કુરુક્ષેત્ર કી ( નાટક ), સીમાંત ડાયરી ( પ્રવાસ ) અને ઈક્કીસવીં સદી ( નિબંધ ) સુધી વિસ્તરેલી છે.

કુમાઉં પ્રદેશ ( ઉત્તરાખંડ )ના અલ્મોડામાં જન્મેલા મનોહર શ્યામ કુમાઉની બ્રાહ્મણ પરિવારના ફરજંદ હતા. પછીથી એમનો પરિવાર અજમેર આવી વસેલો. આકાશવાણીના હિંદી સમાચાર વિભાગ અને ફિલ્મ્સ ડિવીઝનમાં કામ કરતાં એમણે અનેક દસ્તાવેજી ફિલ્મોની પટકથા લખેલી. ટાઈમ્સ ગ્રૂપના ‘ દિનમાન ‘ માં એમણે ઉપસંપાદક તરીકે કામ કર્યું અને એમના જ ‘ સારિકા ‘ મેગેઝીન માટે એમણે સામાન્ય માણસોની લીધેલી મુલાકાતોની શ્રેણી ઘણી વખણાયેલી. ‘ સાપ્તાહિક હિંદુસ્તાન ‘ માં પણ વર્ષો લગી સંપાદક રહ્યા. છેલ્લે ‘ આઉટલુક સાપ્તાહિક ‘ માં છેવટ સુધી કટાર લેખન કર્યું.

મનોહર શ્યામ જોશી ભાષાના પ્રખર શિલ્પી હતા. એમની પાસે ભાષાના જે વિવિધ પ્રકાર અને મિજાજ હતાં એ એમના સમકાલીનોમાંથી ભાગ્યે જ કોઈને હસ્તગત હતાં. એમની ભાષા ક્યારેક વ્યંગમય, ક્યારેક શરારતી તો ક્યારેક ઉનમુક્ત તેવર અપનાવતી. એ ક્યારેક દૈનંદિન બોલચાલનું સ્વરૂપ અખત્યાર કરે તો ક્યારેક સંસ્કૃતની તત્સમ પદાવલિમાં વિહરે. એમાં ક્યારેક અવધી સંસ્પર્શ મળે તો ક્યારેક એમની જન્મભૂમિ કુમાઉની હિંદીનું. બંબઈયા હિંદી અને ખડી બોલીમાં પણ એ લટાર મારી આવતા. એમની બહુચર્ચિત નવલકથા ‘ હમઝાદ ‘ તો પૂરેપૂરી ઉર્દૂમાં લખાઈ હોય એવું લાગે. એક રીતે જોઈએ તો હમલોગ અને બુનિયાદ પણ એમના દ્વારા ટીવી માટે લખાયેલા મહાઉપન્યાસ જ હતાં કારણ કે એમાં આખ્યાન મહાકાવ્યાત્મક ભારતીય પરંપરાનું જ હતું.

એમની નવલકથા ‘ કસપ ‘ વિષે વિગતે વાત કરીએ. કસપ કુમાઉની ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય ‘ કોણ જાણે ! ‘ જીવનના સઘળા અઘરા પ્રશ્નોનો જવાબ પણ કાયમ આ ‘ કસપ ‘ જ હોય છે ! ( સાહિત્ય અકાદમી પુરસ્કૃત એમની એક નવલકથાનું શીર્ષક છે ‘ ક્યાપ ‘ જે પણ કુમાઉની ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય ‘ ન સમજાય નહીં તેવું ! ‘ ) કુમાઉની પરિવેશ અને એ ભાષાના જ અનેક રૂઢિપ્રયોગો યુક્ત ભાષા ધરાવતી આ નવલકથા એક અદ્ભુત અને ઉદાસ કરી મૂકતી પ્રેમકથા છે. અજ્ઞેયની ‘ નદી કે દ્વીપ ‘ ની હરોળમાં આ નવલને મૂકવામાં આવે છે . આંચલિક પરિવેશની નવલોમાં એને રેણુની ‘ મૈલા આંચલ ‘ સમકક્ષ મૂકી શકાય. કોઈક હળવી પ્રેમકથા લખવાના એમની પત્નીનાં આગ્રહને વશ થઈ જોશીજીએ આ ઉદ્વેલિત કરનારી ધીરગંભીર કથા લખી નાંખી! આખી નવલ એમણે માત્ર ચાલીસ દિવસોમાં લખી જેને એ પોતે ‘ મનમાં ચાલેલું સળંગ ચાલીસ દિવસનું શૂટીંગ ‘ કહે છે !

કુમાઉંના નૈનિતાલમાં ઉદ્ભવ પામતી અને પછી ત્યાંના અલ્મોડા, ગંગોલીહાટના ઈલાકાઓમાં ઘૂમતી આ કથા દેવી દત્ત તિવારી ઉર્ફે દેબિયા ઉર્ફે ડીડી અને મૈત્રેયી ઉર્ફે બેબીની નિષ્ફળતાને વરેલી પ્રેમકથા વર્ણવે છે . આખી વાત નાયિકાના સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને પ્રાધ્યાપક એવા શાસ્ત્રીજીના મુખે કથક તરીકે કહેવાઈ છે. બેબી બનારસી શાસ્ત્રીઓના સમૃદ્ધ કુટુંબમાં લાડકોડ વચ્ચે ઉછરેલી, સામાન્ય ભણતર ધરાવતી મુંહચડી અલ્લડ છોકરી છે તો સામે ડીડી સુશિક્ષિત પણ અનાથ છોકરો છે જે આજીવન અન્યોની દયા અને મદદ પર ઉછર્યો છે. એને ફિલ્મી દુનિયામાં એક દિગ્દર્શક તરીકે આગળ વધી ‘ કોઈકને લાયક ‘ બનવું છે . એ સાહિત્યાનુરાગી છે અને એના કવિતા, એકાંકી અને વાર્તાના પુસ્તકો પણ છપાયાં છે પરંતુ એ આત્મ પ્રવંચના અને આત્મ સંશયગ્રસ્ત પણ છે. સામે પક્ષે બેબી માને છે કે ‘ આપણે આપણા લાયક બનીએ તો ય ઘણું ! ‘ ડીડીએ સાહિત્યિક ભાષા અને વિચારશીલ મુદ્રામાં લખેલા પ્રેમપત્રો એને કોયડા કે નિબંધ જેવા લાગે છે જે એ પોતાના સ્નેહાળ અને સમજદાર પિતા પાસે વંચાવે છે ! બહુધા એ પત્રોના ઉત્તર પણ એમની પાસે જ લખાવે છે !

૧૯૫૦ ના ગાળામાં આકાર લેતી આ કથા સિનેમાના દ્રશ્યો અને પ્રસંગોની જેમ આગળ વધતી રહે છે અને સાથે સાથે ડીડી અને બેબીના સંબંધો પણ ! મધ્યમવર્ગીય જીવનની ટીસને પોતાના પાંડિત્યપૂર્ણ પરિહાસમાં ઢાળીને બેબીના પિતા માનવીય પ્રેમને સ્વપ્ન અને સ્મૃતિના આભાસની બરાબર વચ્ચે ‘ ફ્રીઝ ‘ કરી દે છે . કથનની શૈલી પાંડિત્ય પ્રચુર હોવા છતાં એમાં ધર્મવીર ભારતીના ‘ ગુનાહોં કા દેવતા ‘ જેવી ભાવુકતા છે.

નાયિકાના પાંચેય ભાઈઓ આ પ્રેમપ્રકરણની વિરુદ્ધ છે અને એક ભાઈ તો ડીડીને સરાજાહેર મારે પણ છે. નાયિકા અડગ રહે છે પરંતુ ભીતરથી ઘવાયેલો નાયક એને છોડી ‘ કશુંક બની પાછા ફરવા ‘ પરદેશ જતો રહે છે. નાયિકા તો ભાઈઓએ એની સગાઈ અન્ય એક ખાનદાન પરિવારમાં કરી નાંખી હોવા છતાં નાયકને ગણનાથ મહાદેવની સાક્ષીએ પોતાના પતિ તરીકે સ્વીકારે છે.

પચીસ વર્ષ વીતી જાય છે. ડીડી એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મકાર ‘ દેવીદત્ત ‘ બની ભારત પાછો ફરે છે અને અલ્મોડા કોઈ દસ્તાવેજી ફિલ્મના નિર્માણ માટે આવે છે. એને આબેહૂબ બેબીના નૈનનક્શ ઘરાવતી યુવાન છોકરી મળે છે જે એની પ્રશંસક છે. એ બેબીની પુત્રી છે. બેબી હવે એક પ્રતિષ્ઠાવાન સનદી અધિકારીની પ્રૌઢ પત્ની છે અને સમાજમાં આગવું સ્થાન ધરાવતી સામાજિક કાર્યકર્તા પણ. દીકરીની મધ્યસ્થીથી બન્નેનો સામનો થાય છે. કશુંય બોલ્યા વિના.

મનોહર શ્યામ જોશીની અન્ય કૃતિઓની જેમ અહીં પણ બેબી ઉર્ફે મૈત્રેયી સહિત બધા જ સ્ત્રી પાત્રો મજબૂત છે અને પુરુષ પાત્રો ઢચુપચુ – કરોડરજ્જુવિહોણા !

લેખક કહે છે ‘ પ્રેમને એ જ જાણે છે જે સમજી ચૂક્યો છે કે પ્રેમને સમજી જ ન શકાય ! ‘ અને ઉમેરે છે ‘ પ્રેમના કેમેરામાં બે જ ફોકસ છે – પ્રિયનો ચહેરો અને એ ન હોય તો કશુંક એવું જે અનંત અંતરે હોય ! ‘ પ્રેમ વિષે એ આગળ કહે છે ‘ પ્રેમના આનંદને પ્રેમની પીડાથી જુદો ન તારવી શકાય ! ‘ અને ‘ કદાચ ચિર અતૃપ્તિ એ જ પ્રેમ છે ! ‘

નિયતિ જ લખાવે છે આપણી પાસે આપણા પહેલા પ્રેમરૂપી કવિતા અને આપણે જીવનભર એને સંશોધિત કરતા રહીએ છીએ. જે વેળા સદૈવ આંખો બંધ કરવાનો વખત આવે એ વખતે આ પરિશોધિત નહીં પરંતુ પેલી અણઘડ કવિતા નાચતી હોય છે આપણા બીડાતા ચક્ષુઓ સમક્ષ !

આ કૃતિ ‘ કસપ ‘ નો પ્રભાવ કેવો છે એવું કોઈ આપણને પૂછે તો મોંમાંથી અનાયાસ નીકળી પડે,   ‘कसप‘!


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.