પ્રવાસી યુ. ધોળકિયા
સૂર્યના દેવતા – ઈશ્વર – ની પૂજા છેક આદિમકાળથી થતી આવી છે. તેથી જ આદિ માનવે તેમને ભીંત – ગૂફા ચિત્રોમાં અને સંસ્કૃત માનવે ઉતુ, શમાશ, ઈન્તિ, વીરાકોચા, મિથ્રાસ અને એમેન – રે જેવાં ભિન્ન ભિન્ન નામોથી તેમની પૂજા કરી છે. દક્ષિણ અમેરિકાના ઈન્કા લોકોમાં ભારતના ચાર યુગો જેવી પરંપરા છે. દરેક યુગનો અંત જૂના સૂર્યના વિનાશથી થાય છે. અત્યારે પાંચમા સૂર્યનો યુગ ચાલી રહ્યો છે. ઈરાનના મગલોકો પ્રખર સૂર્યપૂજકો હતા.

ભારતમાં સૂર્યને પંચમદેવનું સ્થાન મળેલ છે. ઋગ્વેદ એક જ વાક્યમાં સૂર્યની સર્વોચ્ચતા સ્થાપતાં કહે છે કે, सूर्य आत्मा जगतस्तस्थुषश्च. ઋગ્વેદમાં સૂર્યના જનક તરીકે ઈન્દ્ર, વિષ્ણુ, સોમ અને પુરુષનાં નામ આવે છે. પુરાણો પ્રમાણે સૂર્યનાં માતા અદિતિ અને પિતા કશ્યપ છે. સૂર્યના શ્વસુર વિશ્વકર્મા અને પત્નીઓ ઉષા, સંજ્ઞા (રાજ્ઞી), નિક્ષુભા અને સુવર્ચલા છે. મનુ, યમ, સાવર્ણી, શનિ, તપતી અને અશ્વિની સૂર્યના પુત્રો છે. દંડનાયક અને પિંગળ સૂર્યના મુખ્ય અનુચરો છે.
સૂર્ય શબ્દ सू અથવા તો सृ માંથી આવ્યો છે. તેનો અર્થ અંતરીક્ષમાં નિરંતર ગતિશીલ એવો થાય છે. इर તરીકે તે સર્વપ્રેરક અને શોભનીય છે. સવિતા સ્વરૂપે સૂર્ય વિશ્વની ચેતના અને પ્રેરણાનું કારણ છે.
ભારતીય ગ્રંથોમાં સૂર્યના ૧૦૮થી વધારે નામો ગણાવાયાં છે. ઈન્દ્ર, મિત્ર, વરુણ, દિવ્ય, સુપર્ણ, ગુરુત્માન, પૂષા, ભગ, અર્યમાન, અજ, એડપાદ, વિશ્વનર, આદિત્ય, મિહિર, દિવાકર, ભાનુ અને રવિ વગેરે જાણીતાં નામો છે.
સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે. તે સર્વવ્યાપી છે. જ્યોતિઓમાં તે સૌથી વધારે પ્રકાશમાન છે. તેથી, સૂર્યગીતા કહે છે કે सर्वेषां ज्योतिषां ज्योति प्रकाशन प्रकाशक છે. તે સાચા અર્થમાં હિરણ્યમાન છે. સૂર્ય અંધકારનાશક અને કામના ફળદાયક છે. તેમની કરૂણામયી દૃષ્ટિ સર્વ માટે છે. તે દયાનંદ છે. સજીવ સૃષ્ટિને જળરૂપ વૃષ્ટિ આપીને તેને ટકાવે છે. સૂર્ય રસપ્રદાતા છે. વિશ્વની તે આંખ – સર્વદૃષ્ટા – છે. તે લોકનાયક છે. સૂર્ય સર્વ ભૂતોમાં વ્યાપ્ત, ઈષ્ટપ્રદાતા, અનિષ્ટ નિવારક, દુઃખ દારિદ્ર્ય દૂર કરનાર છે. તે આપણા રક્ષક અને રોગ, વિષ નિવારક છે. સૂર્ય જીવમાત્રને બળ, ઓજ અને તેજથી વિભૂષિત કરે છે. સૂર્ય વિના જીવસૃષ્ટિ સમેટાઈ જાત.
બ્રહ્માના ચાર યુગ અને મનવન્તરોના નિયંત્રક સૂર્ય છે. સૂર્ય કાળચક્ર છે, તેના પ્રતાપે જ દિવસ, રાત, માસ, ઋતુ પરિવર્તન અને સંવત્સર શક્ય બને છે. તે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળરૂપ ત્રણ નેમિવાળો છે. વેદમાં છ ઋતુ, ૧૨ મહિના અને ૧૨ રાશિઓના સંદર્ભમાં સૂર્યને છ અથવા તો બાર આરાવાળા અજર ચક્ર તરીકે ઓળખાવાયેલ છે. સૂર્યના સાત મુખ્ય કિરણો છે. તેથી આપણા પ્રાચીન ગ્રંથો સૂર્યને સાત અશ્વવાળા રથ પર આરૂઢ દર્શાવે છે. સૂર્યનાં આ સાત કિરણો – સાત છંદમાંથી ગાયત્રી છંદ મુખ્ય છે. આ છંદો વડે જીવસૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે. આપણા ઋષિમુનિઓએ ॐ भूर्भुव: स्व: એવા ગાયત્રી મહામંત્રથી આપણા કર્મ અને ધર્મના દરેક કાર્યમાં સુબુદ્ધિ પ્રેરિત કરતી રહે તેવી મહાપ્રાર્થના દરેક માનવના કલ્યાણ અર્થે રચી છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને શંકરનું સૂર્ય એકીકૃત સાકાર રૂપ છે. પરબ્રહ્મનું સગુણરૂપ તેના પ્રત્યક્ષ દેવતા રૂપે અને નિર્ગુણ રૂપ સૂર્યના આત્મત્વમાં પ્રગટ્યું છે.
સૂર્યનું નાદ સ્વરૂપ ૐકાર છે અને મંગળ, કલ્યાણકારી ચિહ્ન સ્વસ્તિક છે. ભારતનો ચત્તો સ્વસ્તિક અને દક્ષિણ અમેરિકાનો ઉલટો સ્વસ્તિક સૂર્યના વાર્ષિક પથને પૃથ્વીના વિવિધ ગોળાર્ધમાંથી નિહાળવાને કારણે છે.

યજ્ઞનો પ્રેરક સૂર્ય છે. પૃથ્વીને તે ગન્ધર્વ તરીકે ધારણ કરે છે. નવ ગ્રહોમાં સૂર્ય અધિનાયક છે. તેમનાં કર્મનો મોક્ષ ન થાય ત્યાં સુધી માનવોને ફળ આપતો રહે છે. સર્વ વેદોનું જ્ઞાન સૂર્યને આભારી છે.
સૂર્યની મહાનતા એટલી છે કે પદ્મપુરાણ પ્રમાણે તે પ્રારંભમાં તેના વર્તમાન કદ કરતાં સોળ ગણો મોટો અને તેજ અને અગ્નિત્વમાં હજાર ગણો વધારે હતો. આપણા કલ્યાણ અર્થે વિશ્વકર્મા પાસે તેણે પોતાના પંદર ભાગો દૂર કરાવડાવ્યા અને વર્તમાન માર્તંડ સ્વરૂપ સ્વીકાર્યું. આ પંદર ભાગોમાંથી વિશ્વને વિષ્ણુનું સુદર્શન ચક્ર, શિવજીનું ત્રિશૂળ, યમનો દંડ, કાળનો ખડગ અને ચંડિકા – કાલિનાં શસ્ત્રોની ભેટ મળી. સૂર્યની આવી મહાનતા જોઈને બ્રહ્માએ તેને ‘સ્તુતરૂપ’ પૂજનીય ગણાવ્યો.
ભગવાન શ્રી રામે રાવણવધ પહેલાં સનાતન ગુહ્ય સૂર્યસ્તોત્રનું પારાયણ કર્યું હતું. કુમાર લવને બાણ અને કર્ણને કવચ-કુંડળ સૂર્ય પાસેથી પ્રાપ્ત થયાં હતાં. વનવાસ દરમ્યાન ધૌમ્ય ઋષિની પ્રેરણાથી યુધિષ્ઠિરે સૂર્યપૂજા કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સામ્બ મહાસૂર્ય ઉપાસક હતા. મુલતાન અને કોણાર્કનાં સૂર્યમંદિરોની સ્થાપના સામ્બે કરી હતી. ગુજરાતના મોઢેરા અને ખજુરાહોનાં સૂર્યંમંદિરો પણ એટલાં જ ભવ્ય છે. ભારતના રાજપૂત રાજવી શાસકો પણ સૂર્ય ઉપાસકો હતા. પુરાણોએ સૂર્યની પૂજાવિધિમૂર્તિ વિધાન અને મંદિરોની સ્થાપના અંગે સુંદર વિશ્લેષણ કરેલ છે.
ડેવિડ ફ્રાઉલે નામના વેદ નિષ્ણાતે સૂર્યપૂજાનું આધ્યાત્મિક રહસ્ય સુંદર રીતે સમજાવતાં કહ્યું છે કે વેદના ઋષિઓનું ધ્યેય પુરુષ સુધીમાં વર્ણિત પરમ પુરુષનાં પદને પહોંચવાનું છે. આ પરમ પુરુષનાં સાત ચરણ છે. વૈશ્વિક સ્તરે અને વ્યક્તિના સંદર્ભમાં પુરાણો તેને નીચે પ્રમાણે વર્ણવે છે.
| વિશ્વસ્તર | વ્યક્તિસ્તર |
| ૧. ભુરલોક | ૧. સ્થુળ શરીર – અન્નમય કોષ (Being) |
| ૨. ભુર્વલોક | ૨. પ્રાણમય શરીર (Becoming) |
| ૩. સુર્વલોક | ૩. મનોમય કોષ |
| ૫. મહરલોક (સૂર્યલોક) | ૪. વિજ્ઞાનમય કોષ – અતિમાનવસ્તર (સૂર્યરૂપ આત્મા) |
| ૫. જ્ઞાનલોક | ૫. દેવપુત્ર (ક્રાઇસ્ટ), આનંદમય કોષ |
| ૬. તપલોક | ૬. ચિત્ત |
| ૭. સત્યલોક | ૭. સત્ત |
માનવે યોગ દ્વારા જો સ્થૂળ શરીરથી સત્ત, ચિત્ત, આનંદ સ્વરૂપ પામવું હોય તો તેનાં ચોથાં ચરણ આત્મસૂર્યને પહેલાં પામવું પડે, તેથી જ વેદ કહે છે કે સૂર્યમાં રહેલો આત્મા તે હું જ છું. આ રીતે વેદમાં સૂર્યયોગનું પ્રાધાન્ય છે. સૂર્યયોગમાં જ્ઞાન – ભક્તિ -કર્મ અને કુડલિની યોગનાં મૂળ છે. ઉપનિષદ સતત પ્રાર્થે છે કે અમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાઓ.
આપણી સૂર્ય પરંપરા આજે એટલી જ જીવંત છે. એટલે જ પ્હો ફાટતાં જ ભારતનાં લગભગ તમામ નગરો અને ગામડાંઓમાં લોકોને સૂર્યને જળની અંજલિ આપતાં નિહાળી શકાય છે. ત્રિસંધ્યા પણ સૂર્યની સાધના છે. ઉત્તરાયણમાં સૂર્યસ્નાન અને પતંગ પર્વ એ પણ નવા સૂર્યનાં સ્વાગતનાં પ્રતીક છે.
માવ જીવનની વિટંબણાઓને અતિક્રમવા માટે સૂર્યની આદિત્ય હૃદય સ્તોત્ર[1] અને સૂર્યોપનિષદ[2] પ્રાર્થનાઓ તરીકે બહુ જ અસરકારક ગણાય છે.
આપણે ભગવાન શ્રી કૃષ્ણની સૂર્યપૂજા – હે સૂર્યદેવ ! ભૂત તમારા જેવું કોઈ મહાન હતું નહીં અને ભવિષ્યમાં થશે પણ નહીં. વેદો પણ તમારી પરમાત્મા તરીકે સ્તુતિ કરી છેઃ
तस्मादत परं नास्ति न भूतं न भविष्यति।
यो व वेदेषु सर्वेषु परमात्मते गीयते॥
હવે પછીના મણકામાં આપણે ‘શ્રી ગણપતિ કથા’ ની વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
