નીતિન વ્યાસ

ભાવનગરની “યંગ ક્લબ” થી વેબગુર્જરીનાં વાચકો અજાણ નથી. ૧૯૫૦ ના વર્ષ માં પૃથ્વીરાજ કપૂર તેની નાટ્ય મંડળી સાથે ભવનગર આવેલા. ત્યારે તેમની મંડળી ને પોતાનાં નાટકો બતાવવાની પહેલ આ ગ્રુપ નાં મિત્રો એ કરેલી. તે અંગ નો એક વિસ્તૃત લેખ ત્રણેક વર્ષ પહેલા વેબગુર્જરી ની વેબસાઈટ પર પ્રગટ થયેલો.

નિજાનંદ માટે કઈ નવું કરવાની આ ગ્રુપની ધગશ જોરદાર હતી. પોતાની હાથે સ્ક્રીપટ તૈયાર કરી આજુબાજુ થી મળતા સાધનો ભેગા કરી નાટક ભજવવું,. અને તે પણ ટિકિટ વિના. નાટક પૂરું થાત ખાલી ઘોષણાં કરે કે આ નાટક ની ભજવણી પાછળ અમારો ખર્ચ રૂપિયા ૩૦૦ થયો છે. આપને ગમ્યું હોય તો તમને મન ફાવે તે રકમ અમારા સ્વયંસેવકો ને પહોંચાડશો. અને સાહેબ, એ સમય નું ભાવનગર નું  ઓડિયન્સ એટલી રકમ ભેગી કરી આપે.

ભાવનગર માટે યંગક્લબ એક સાંસ્કૃતિક અને સામાજીક ઘટના હતી. આ બાબતે ઘણું લખાયું છે. પ્રસ્તુત લેખ એક નાટકની તૈયારી બાબતનો છે.


“અણધાર્યાં ઊતરાણ” એક નાટક ભજવવાની ધગશ

રચયિતા – શ્રી બાબુભાઇ વ્યાસ, શ્રી શશીકાંત પટ્ટણી

૧૧, ૧૨, ૧૩, ડીસેમ્બર, ૧૯૫૨માં યંગકલબે ભજવ્યું.

સ્થળઃ એ.વી. સ્કૂલ નો મધ્યસ્થ ખંડ, ભાવનગર

આ નાટક વિષે થોડું:

સાત દાયકા પહેલા આ નાટક યંગ ક્લબ નામની શોખ થઇ નાટક કરતા મિત્રોની  સંસ્થાએ ભાવનગરમાં ભજવાયું.

યંગ ક્લબનો એક અભિગમ એવો રહ્યો કે નાટકમાં નાટ્યતત્ત્વ સાથે ટેકનીક ની દૃષ્ટિએ કંઈક નવું હોય તેવું પ્રેક્ષકોને આપવું. સીનેમા, અંગ્રેજી નાટકો, વિવિધ ભાષામાં લખાયેલી વાર્તાઓ કે જીવન નાં અનુભવો વગેરે માંથી પસંદ કરી તેનું નાટ્ય રૂપાંતર કરી રજુ કરવું યંગ ક્લબ માટે આ એક પ્રણાલી હતી.

શ્રી શશીભાઈ પટ્ટણી તે સમયે અમેરીકાથી અભ્યાસ પૂરો કરીને પાછા આવેલા. તેમણે ત્યાં ‘ફાઈવ કેમ બેક’ નામની એક ફિલ્મ  જોયેલી. ફિલ્મ ને કંઈ એવોર્ડ્સ નહોતા મળ્યા કે ન તો એક  ક્લાસિકલ કહી શકાય એવું કઈ તેમાં હતું. તેની વાર્તા માં રહેલું નાટ્યતત્ત્વ પ્રસંશનીય હતું. તેની વાર્તા શશીભાઈ ને રજેરજ યાદ રહી ગયેલી.

સાહિત્ય, કલા, સંગીત, રખડપટ્ટી, પ્રાકૃતિ પ્રેમ, સીનેમા, રમત-ગમત, વગેરે વિષયો બંને એટલેકે શશીભાઈ અને બાબુભાઇ  શોખ એક સરખા હતા. બટાકા પૌવા સાથે ચા બંને નો ગમતો નાસ્તો.

શશીભાઈએ બાબુભાઈને ‘ફાઈવ કેમ બેક’ ની વાર્તા કહી. આમાંથી ‘અણધાર્યાં ઊતરાણ’ લખવાનો પ્રારંભ થયો. પહેલાં તો બંનેએ ભેગા થઈ સીન બાઈ સીન આખું માળખું તૈયાર કર્યું. તે પ્રમાણે જુદા જુદા પાત્રો ઘડાયાં.

તે સમયનાં એરક્રાફ્ટનો વિચાર કરીએ તો જેટ કક્ષાનાં વિમાન હજી નાગરિક ઉડ્ડયન માટે ઉપયોગ માં નહોતા લેવાતાં. પ્રોપેલરવાળાં નાના વિમાનો ટૂંકી ઉડાનથી એક દેશથી બીજા દેશ જતાં. લગેજ ચેક, સિક્યુરિટી ચેક, બોર્ડીંગપાસ અને ઈમીગ્રેશન સીસ્ટમ વગેરે હજી અમલમાં આવ્યાં હોય તો પણ નાટક જે વાત કહેવાની છે તેમાં તે બધા નો ઉલ્લેખ નાટ્યકરોને જરૂરી નહીં લાગ્યો હોય એટલે અહીં તેનો સમાવેશ કર્યો નથી.

નાટક લખાયા મોટી ચેલેંજ તેને સ્ટેજ ઉપર કેમ અસરકારક રીતે રજુ કરવું તે હતું. ધ્વનિ અને પ્રકાશ  નિયોજન નાં કેવાં સાધનો જરૂરી છે અને ક્યાંથી મેળવી શકાય  આ બધા માટે યંગ ક્લબ ની પુરી ટીમ  કામે વળગી. તે સમયમાં  ટેપ રેકોર્ડર કે સ્ટીરીઓ પ્લેયર હતાં નહીં. અને તે પણ ભાવનગરમાં કોની પાસે હોય?

ઘણી બધી લાઈટ અને સાઉન્ડ ઈફેક્ટસ વિષે વિચારી, યોગ્ય યોજના મુજબ ગોતી અને ભેગી કરવાનો, એરોપ્લેનનાં વિવિધ અવાજો, જંગલનાં પ્રાણીઓ-પક્ષીના અવાજો, એરોડ્રોમ નાં કંટ્રોલરૂમનાં વાર્તાલાપ, રેડીયો એનાઉન્સમેન્ટ,– દરેક દૃશ્ય ને અનુરૂપ પ્રકાશ નિયોજન વગેરે બધું જ પ્રેક્ષકો કન્વીન્સ થાય તેવું તખ્તા પર રજુ કરવું તે એક અત્યંત રસપ્રદ ચેલેન્જ હતી. આ બધાં કાર્યો માટે યંગકલબનાં સભ્યો અને મિત્રોની જુદી જુદી ટીમો તૈયાર કરવામાં આવી. દરેકમાં કંઈ નવું કરવાના ઉત્સાહ અને ઉત્કૃષ્ટ સંઘબળે ઉત્તમ કાર્ય કર્યું. પણ કોઈ કાર્ય નાનુસુનું ન હતું.

સ્ટેજ ઉપર જંગલમાં રાત્રીનું દ્રશ્ય, વચ્ચે તાપણું છે, તેની પાસે  બે પાત્રો બેસીને  વાતચીત કરેછે, આઠમની  ચાંદની જેવો  પ્રકાશ પર છે. તમરાં  અને ક્યારેક નિશાચર પ્રણીઓનાં અવાજ સંભળાય છે. ક્યારેક ઘૂવડ નો અવાજ સંભળાય છે. આ ઘૂવડ ના અવાજ માટે ભાવનગરમાં રહેતા પક્ષીવિશારદઃ શ્રી પ્રદ્યુમનભાઈ દવે ને ખાસ  આમંત્રણ આપી બોલાવેલા. અને પછી એવું જોરદાર વાતાવરણ રચાયું કે એ દ્રશ્યને પ્રેક્ષકોએ તાળીઓથી વધાવ્યું હતું.

એરોપ્લેન ટેઈકઑફ. ઉડાન, હવામાન ની અસર ને લીધે ઝટકા લાગવા,, એક બાજુનાં એન્જીનમાં ગડબડ, ક્રેશ લેન્ડીંગ વગેરે ની સાઉન્ડ ઈફેક્ટસ – આ બધું કેમ ભેગું કરવું? એક વસ્તુ આખી ટીમ નાં મનમાં એ હતી  કે ગમે તેવી  મહેનત કરી આ નાટક તો ભજવવું જ. અને તે પણ એક રૂપિયાના બજેટ વિના.

સાલ ૧૯૪૮માં મુંબઈમાં ચર્ચગેટ પાસે USIS Library શરુ થઇ.

સાઉન્ડ ઈફેક્ટસ,  માટે શોધ કરતાં મુંબઈની યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ફોરમેશન સર્વિસ U.S.I.S.ની લાયબ્રેરીએ ઘણીજ નોંધપાત્ર મદદ કરી. મુખ્યતઃ સ્કાઉટીંગની પ્રવૃત્તિ કરતી ‘પંચવટી’ નામની સંસ્થામાંથી ‘યંગ ક્લબ’ની રચના થઈ. નાટકો તૈયાર કરી વિના મૂલ્યે પ્રેક્ષકો પાસે રજુ કરતી સંસ્થાને U.S.I.S.ના અધિકારીઓએ પૂરેપૂરી  મદદ કરવા તૈયારી બતાવી. શશીભાઈનાં લઘુબંધુ જયકાન્તભાઈએ આ જવાબદારી સ્વીકારી, U.S.I.S. ની રેકોર્ડ – લાયબ્રેરીમાં નાટકના વસ્તુને અનુરૂપ અનેક રેકોર્ડ સાંભળી તેમાંથી વીસેક જેટલી પસંદ કરી. U.S.I.S.એ વિનામુલ્યે કંઈ પણ ડીપોઝીટ વિના એ રેકોર્ડો આપી.

તખ્તા ઉપર નાટકનો બીજો પ્રવેશ જંગલમાં ભજવાય છે.

પડદો ખુલતાં જંગલ – આખાએ રંગમંચને સમાવી લેતું દ્રશ્ય નજરે પડેછે. છે  આ સેટ ઉભોકરવામાં ખુબ જહેમત ઉઠાવેલી. આગળ લીલીટરી, સૂકાં પાંદડા અને વેરવીકેર પડેલા કરગઠીયા સાથે બે ત્રણ ઝાડ અને પાછળ જંગલ અને પર્વતો.  આ સેટ તૈયાર કરવામાટે  લગભગ  30 ફૂટ ઊંચી અને 50 ફૂટ જેટલી પહોળી એ. વી. સ્કૂલ નાં હોલનાં હોલમાં સ્ટેજ પાછળની દીવાલ આખી ઢાંકી દેતા કેનવાસનો પડદો તૈય્યાર કરેલો. કદાચ ભાવનગરમાં તે સમયનું સહુ થી મોટું પેઇન્ટિંગ હશે.

સંતોષની વાત તો એ હતી કે પડતો ખુલતા અને સ્ટેજ પાર પ્રક્ષ ફેલાતાં પૂરો હૉલ પ્રેક્ષકોની તાળીઓથી ગુંજી હતો.

દિવસનું અજવાળું, રાત્રિની અણધાર્યાં ઊતરાણ ચાંદની, તાપણાનો પ્રકાશ વગેરે માટે વિવિધ લાઈટ અને સાઉન્ડ ઈફેક્ટની ઉભી કરી.  એરોપ્લેન રનવે ઉપરથી દોડી હવામાં ઊંચે ઊડે અને પછી સારાયે પ્રેક્ષકગૃહ ઉપર થઈ રવાના થાય આવી ઈફેક્ટ રજુ કરવા માટે એ.વી.સ્કુલના  હોલનાં છત પાસે તથા આજુબાજુની દિવાલો અને સ્ટેજની પાછળનાં ભાગમાં માઈક્રોફોન્સ ગોઠવ્યાં. જુદાં જુદાં એમ્પ્લીફાયરો અને રેકોર્ડ પ્લેયરો દ્વારા બધીજ ઈફેક્ટસ બરાબર ઊભી થઈ શકી. માણેકશા ઉમરીગરે પંખાનાં રેગ્યુલેટરમાં વાયર જોડી ડીમર બનાવેલું. બિપિન વૈદ્ય, જીતુભાઈ અંધારીયા, કાન્તિભાઈ ભટ્ટ, કાનજીભાઈ, માણેકશા વગેરેની ટીમે આ કાર્ય પાર પાડેલું. સાઉન્ડ ઈફેક્ટસનું કોઓર્ડિનેશન શશીભાઈ પટ્ટણીએ કરેલું. જંગલનાં દૃશ્ય માટે, સ્ટેજ પાછળથી પૂરી દીવાલ ઢંકાય તેવો મોટો પડદો ખ્યાતનામ ચિત્રકાર શ્રી વનરાજભાઈ માળીએ ચીતરી આપેલો. ઝાડવાં,ઠૂંઠાં, છોડવા, પથરા, તૂટેલું થડીયું વગેરે ચીજ વસ્તુઓ ભેગી કરી જંગલનું દૃશ્ય આબેહૂબ તે વખતનાં પંચવટીનાં સ્કાઉટોએ તૈયાર કરેલું તેમાં પશુ પંખીનાં અવાજોએ ધારી ઈફેક્ટ ઊભી કરેલી. એવો જ મોટો ફાળો સમયસર રેડીયો એનાઉન્સમેન્ટ, વાર્તાકારનો સાથ, અને છેવટના ભાગના ડ્રમ વાગવાના અવાજોમાં ચિનુભાઈ જોશી, જગદીપભાઈ વિરાણી અને તેમની ટીમે કાર્ય કરેલું. નાટ્યતત્ત્વ બરાબર જળવાઈ રહે, અસરકારક સંવાદો, હાવભાવ, ટાઈમીંગ વગેરે માટે દરેક કલાકારે કરેલી મહેનત પણ ઘણી નોંધપાત્ર રહી. સંખ્યાબંધ રિહર્સલ્સ અને લાઈટ સાઉન્ડ ઈફેક્ટસ સાથે સ્ટેજ ઉપર અસરકારક રજુઆત બાબુભાઈ વ્યાસના દિગ્દર્શન હેઠળ થયેલી. નાટકની હસ્તલિખિત પ્રતો જીતુભાઈ અંધારીયા, વિનુભાઈ શાહ, અને બકુલ લા. ભટ્ટે તૈયાર કરેલી. સંવાદો શ્રી શશીભાઈ પટ્ટણી અને બાબુભાઈ વ્યાસે લખ્યા છે. આ નાટક લખવાની શરૂઆત સ્વ.શ્રી મુકુંદરાય શિવપ્રસાદ ભટ્ટ ના નિવાસસ્થાન ‘જીવન કોટેજ’ માં થયેલી.

ક્રાન્તિકારીના પાત્રમાં એક નોંધ લેવા જેવી બિના એ છે કે સન ૧૯૫૨ના સમયમાં ‘નક્ષલવાદી’ કે ‘આતંકવાદી’ શબ્દો પ્રચલિત ન હતા. પર્યાય હતો ‘વિપ્લવવાદી’. પણ  ‘ક્રાંતિકારી’ લેખકોને યોગ્ય લાગેલો. આમ સુંદર આયોજન સાથે ઉત્કૃષ્ટ ટીમવર્ક અને દિગ્દર્શકની સરસ માવજતથી ૧૯૫૨માં ભજવાયેલ આ નાટક હજી પણ યંગ કલબનાં માનવંતા પ્રેક્ષકો યાદ કરે છે.

નાટક “અણધાર્યાં ઊતરાણ”

ભાગ લેનાર કલાકારો

પ્રોફેસર ઃ શ્રી કુમાર ભટ્ટ
સરોજબેન: કુ. હંસા શેઠ
શેઠ પૂનમચંદઃ  શ્રી નરહરિ ભટ્ટ
સુમિત્રા (સેક્રેટરી): કુ. સુરેખા ત્રીવેદી
ચીફ પાયલોટ / કેપ્ટન : શ્રી જયકાંત પટ્ટણી
સેકન્ડ પાયલોટ / શેખર: શ્રી રસિક દવે
ચરણદાસ:  શ્રી રજનીકાંત મહેતા
સરદાર: શ્રી ભુપતભાઇ વ્યાસ
મંજુ :  કુ. પારસ અ. ભટ્ટ
કાન્તિકારી:  શ્રી કાન્તિ ભટ્ટ
પોલીસ: શ્રી સુમન ભટ્ટ
પોલીસ ઓફિસરઃ શ્રી મુકુન્દભાઈ ભટ્ટ
એરોડ્રોમ ઓફિસરઃ  શ્રી  રાય –  શ્રી હરિભાઈ ચૌહાણ
એરોડ્રોમ ઓફિસરઃ શ્રી મનુભાઈ: શ્રી મનુભાઈ શેઠ
બુકિંગ ક્લાર્ક: શ્રી માર્કંડ જોષી
રેડિયો ઓપરેટર: શ્રી ચંદ્રકાન્ત શેઠ
રિપોર્ટર (૧) : શ્રી એરેચશા ઉમરીગર
રિપોર્ટર (૨) : શ્રી રણજીત ત્રિવેદી


સંપર્કઃ 

નીતિન વ્યાસ:   ndvyas2@gmail.com