ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

જિગીષા દિલીપ

ધ્રુવદાદાની નવલકથાને નવલકથા કહેવી કે પ્રવાસકથા, અનુભવકથા, ચિંતનાત્મક કથા કે પ્રકૃતિનાં પ્રેમની પરિભાષાની કથા કહેવી કે પૃથ્વી પર જીવતા જીવોની સત્યકથા ?

કોઈ પણ સુજ્ઞ વાચકને તેમનાં પુસ્તકોમાં આ બધા જ અનુભવો થશે અને એટલે જ સાહિત્યકારો પણ તેમના પુસ્તકનું વિવેચન કરી એમને પારિતોષક આપી નવાજે છે અને એટલે જ એક જ પુસ્તકને બે જુદી કેટેગરીમાં એવોર્ડ મળે છે. તેમનું ‘ઊંધું વિચારવાની કળા’ એટલે કે બીજા કરતાં અલગ વિચારવાનો નજરિયો એમને બીજાથી ઊફરા લેખક તરીકે ઓળખ આપે છે.

 તેમનાં પુસ્તકોનાં નામ પણ ખૂબ ગૂઢાર્થ ધરાવતાં, સામાન્ય પુસ્તકો કે નવલકથાઓ કરતાં એકદમ જુદાં જ છે. અકૂપાર, તત્વમસિ, ન ઈતિ, અતરાપી, તિમિરપંથી, લવલી પાન હાઉસ, પ્રતિશ્રુતિ – બધાં જ નામમાં એક  ગૂઢાર્થ છે જે નવલકથાનો નિચોડ પીરસે છે. તેમજ તેમાંથી પણ જીવન જીવવાનો એક જરૂરી સિદ્ધાંત તેની આધ્યાત્મિકતા સાથે દર્શાવાતો હોય છે.

ચાલો સૌ પ્રથમ આપણે વાત કરીએ ‘અકૂપાર’ની.

અકૂપાર એટલે જે કૂપ ભાવને પામતો નથી તે. જે કૂવા જેવો નથી, વિશાળ છે. અકૂપાર એટલે જ સમુદ્ર. અકૂપાર નામનો કાચબો છે. જૂની માન્યતા મુજબ પૃથ્વી એ અકૂપાર નામના કાચબા પર સ્થિત છે. જેમ અકૂપાર કાચબો ચિરંજીવ છે તેવી જ રીતે ગીર પણ ચિરંજીવ છે.

અકૂપાર કાચબાની મહાભારતમાં આવતી સુંદર કથાને આવરી લઈ ધ્રુવદાદાએ ચિરંજીવતાની સુંદર વાત અકૂપાર પુસ્તકનાં છેલ્લા પ્રકરણમાં કહી અકૂપારનો અર્થ શાસ્ત્રોક્ત રીતે સમજાવી દીધો છે.

મહાભારતનાં વનપર્વમાં જ્યારે માર્કણ્ડેય ઋષિ યુધિષ્ઠિરને ઈન્દ્રધુમ્ન રાજાની કથા સંભળાવે છે ત્યારે કહે છે કે, ઈન્દ્રધુમ્ન રાજાને દેવદૂતો તેમનાં પુણ્યનો ક્ષય થયો હોવાથી સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલે છે. રાજાએ પોતાના પુણ્યોની પુરાંત હોવાનું જણાવ્યું  પણ તેની સાબિતી કોણ આપે ? તે સમયે રાજા પૃથ્વી પર આવે છે. હિમાલય નિવાસી પ્રાવારકર્ણ ઘુવડ અને નાડીજંઘ બગલો તેની સાબિતી નથી આપી શકતા ત્યારે ચક્રમણ સરોવર એટલે કે ગાયોની ખરીઓથી ખોદાએલ સરોવરમાં રહેતો ચિરંજીવ કાચબો અકૂપાર ભાવવિભોર થઈને રાજાનાં પુણ્યોની સાબિતી આપે છે.

 આમ અકૂપાર કાચબા જેટલું જ ગીર પણ ચિરંજીવ રહેશે અને આપણી સંસ્કૃતિની રક્ષા કરતું રહેશે તેમ તેમની નવલકથાનાં નામ થકી જ આપણને ધ્રુવદાદા સમજાવી  દે છે.

 બીજું, અકૂપાર નવલકથાનાં બધાં જ પાત્રો આઈમા, સાંસાઈ, લાજો, મુસ્તફા, આબીદા, ધાનુ હોય કે પછી રતનબા, બધાંના સંવાદોમાં તેમનાં જીવનમાં અંતરની અને અનંત વિશાળતાની ઝાંખી થાય છે. તેમના વિચારોમાં કે વર્તનમાં ક્યાંય સંકુચિત માનસિકતા દેખાતી નથી.

ગીરને જોવા આવનાર પ્રવાસી કિરણને બચાવવા ધાનુ સિંહની તરાપની વચ્ચે ઊભો રહી ખુદ સિંહના પંજાનો શિકાર બને છે. કિરણને બચાવવા ધાનુ ઘવાઈને લોહીલુહાણ પડ્યો હોય તેને દવાખાને લઈ જઈ બચાવવાને બદલે કિરણ અને દોશીસાહેબ ગાડી ભગાવી ભાગી જાય છે ત્યારે પણ વિશાળ દિલનાં ગીરવાસી ધાનુની મા રતનબા કહે છે, ‘જીનેં જી પરમાણ.’  એટલે જેના જેવા વિચારો તેવી રીતે તે વર્તે અને વળતો જવાબ આપતા વેદનાભર્યું હસીને કહે છે,  ‘સિકારી તો ટુરિસને બસાવે જ ને !  આવે ટાણે સિકારી પાસો પડે તો તો કાસબો હલી જાય.’

અને તેનો અર્થ સમજાવતાં કહે છે, ‘જી નું જી કામ ,ઈં ને ઈ પરમાણ. પ્રથવી જીની ઢાલ માથે ઊભી સે ઈ કાસબાને આવડો બધો ભાર ઉપાડવાનું કંઈ કારણ? તો યે તે ઈ ભોગવે સે. ઈ કાસબો ખહી જાય તો તારું ને મારું સ્હું થાય ?’ તેમના સંવાદોમાં નરી નિ:સ્વાર્થતા અને હૃદયની સચ્ચાઈ સાથે વિશાળતા નીતરે છે.

 તો સંધ્યાટાણાંનાં આછા અજવાસમાં રાજકોટનાં પ્રદર્શન માટે જૈફ ઉંમરે  પોતાની દૃષ્ટિની કે આંખોની  ચિંતા કર્યા વગર કેટલા બધાં લોકોની આંખો તેમનાં ચિત્રોને જોઈને ખુશ થશે એ વિચારી આઈમા કહે છે, ‘હજાર આંખને જોવું જડે એમાં મારી એકની આંખ દુ:ખાડું તોય સ્હું? કીધું સે ને કે જોણું સે તો આંખ્યું સે. આંખ છે તો જોવાનું છે તેમ નહીં.’

 આઈમાની વાતને અનુલક્ષીને જ જાણે ધ્રુવદાદા અનંત અકૂપારનાં એક પછી એક ઘસી આવતાં મોજાંની જેમ શબ્દાવલિ રચે છે,

 ‘દૃશ્ય છે તો દૃષ્ટિ છે’
‘શબ્દ છે તો વાચા છે’
‘નાદ છે તો શ્રવણ છે’
‘રસ છે તો સ્વાદ છે.’
‘સ્પર્શ છે તો સ્વાદ છે’
‘સૌરભ છે તો…..

આઈમા સંધ્યા ટાણે બહાર બેસીને ચિત્ર કરતાં હતાં ત્યારે તેમને પૂછ્યું કે,  ‘મા રાત્રે બહાર બેસીને કામ કરો છો તો કોઈકને ચોકી કરવા બોલાવી લ્યો, રાતના બહાર સિંહ-બિંહ આવશે તો !’

ત્યારે પણ આઈમા હસીને કહે છે, ‘કોયને બરક્યા નથ્ય, સ્હાવજ મને કાંઈ નંઈ કરે, ઈય જાણે કે આ ડોહી આપડી વૈડ નંઈ. મારી હારે બાધીને સ્હાવજની આબરૂ જાય, ઈનાં ભાયબંધું ખીજવે કે તને કોય તારી વૈડનું મળ્યું નંઈ? મારી મારીને એક ડોસીને મારી? ભલે સારપગો, પણ હંધુંય સ્હમજે.”

આમ ગીરનાં સાવજની સમજ પર ગીરનાં  લોકોને  અભૂતપૂર્વ વિશ્વાસ છે. ધ્રુવદાદાએ  અકૂપારમાં ગીરવાસીઓનો સાવજપ્રેમ અને પ્રાણીપ્રેમ પણ ઠેરઠેર દર્શાવ્યો છે.

જીવનનાં અણમોલ સિદ્ધાંતો સમજાવતાં અકૂપારનાં સંવાદો દ્વારા લેખક શ્રી ધ્રુવ ભટ્ટે અંતરની વિશાળતા, પ્રેમની પરિભાષા જ સમજાવી છે.  દાદાનું જ એક સરસ ગીત વાંચો,”

‘ક્યાં કહું છું હું ને તું એક હોવા જોઈએ.
માત્ર કહું છું કે પરસ્પર નેક હોવા જોઈએ.
એમ ઠાલો શબ્દ કંઈ તાકાતવર હોતો નથી.
શબ્દના અવતાર અંદર છેક હોવા જોઈએ.
સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે
પણ બધાંની દૃષ્ટિમાં પ્રત્યેક હોવા જોઈએ.


સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.