હરેશ ધોળકિયા
નવું વર્ષ ( કે નવો દિવસ) કેમ શરુ કરવું?
આમ તો કહેવાતું નવું વર્ષ કેવું જશે તેની ખાસ કોઈને, જયોતિષીને પણ, ખબર નથી હોતી. પ્રત્યેક દિવસ પૂર્ણ અનિશ્ચિત હોય છે. સવાર કેવી હશે અને સાંજ કેવી પડશે તેની કોઈને પણ ખબર નથી હોતી. વર્ષ દરમ્યાન ઉત્તમ દિવસો આવશે કે કોરોના જેવા રોગો કે તોફાનો કે વાવાઝોડાં આવશે તે બાબતે બધા જ અનિશ્ચિત હોય છે. હકીકતે સવારે આંખ ઉઘડે છે ત્યારે, જો વ્યકિત વિચાર કરતી હોય તો, તેને ડર લાગે છે કે આજે દિવસ કેવો જશે ! આ તો સમાજોએ માણસોને સરસ તાલીમ આપી છે કે કયારેય વિચાર ન કરવો, એટલે બધા શાંતિથી જાગે છે અને મૂઢ રીતે દિવસ પસાર કરે છે. પણ ભૂલથી પણ વિચારે તો માનસિક અસ્વસ્થ થઈ જાય તેવી ભારે શકયતા હોય છે.
તો વર્ષની શરુઆત કેમ કરવી ?
ઉત્તમ જવાબ છે ” હસીને.” આખો દિવસ કેવો જશે તેની તો ખબર નથી, પણ, ઈચ્છીએ તો, આંખ ઉઘડે ત્યારે થોડી પળો હસી લેવાય તો દિવસ, કદાચે, ગમે તેવો તકલીફ ભર્યો જાય, પણ આ સ્મિત ચોકકસ બ્રેકનું કામ કરશે. થોડી પળોનું સ્મિત સમગ્ર દિવસને હળવો રાખશે. એટલે રોજ સવારે સ્મિત સાથે જગાશે અને ઉઠાશે, તો સમગ્ર વર્ષ હળવું જવાની ખાતરી છે. બહારના બનાવોની કોઈ ખાતરી ન આપી શકાય, પણ એ વચ્ચે મન હળવું રહેશે તેની તો ખાતરી આપી શકાય.
સ્મિત, રમુજ…એ ઈશ્વરે અથવા તો કુદરતે માણસ જાતને આપેલ શ્રેષ્ઠ ભેટ છે. જો માણસને હસતાં આવડે, તો તે સમગ્ર જીવન મસ્તીથી જીવી શકશે. હસવું (અંગ્રેજીમાં હ્યુમર) વિશે અનેક વિધાનો છે. નોર્મન કઝીન્સ કહે છે કે ‘ રમુજ એ આંતરિક જોગિંગ છે.” અને તે દરેક સ્થળેથી મળશે. એટલે જ જુલે બર્નાર્ડ કહે છે, ” દરેક જગ્યાએ હાસ્યાસ્પદ બાબતને જુઓ, તે મળવાની ખાતરી છે.” અને રમુજનું શું મહત્વ છે ? મહાત્મા ગાંધી કહે છે, ” મારામાં જો રમુજવૃતિ ન હોત તો મેં કયારેય આપઘાત કરી નાખ્યો હોત.” અને કોઈમાં રમુજવૃતિ ન હોય તો ? તેનો જવાબ આપતાં હેનરી બીચર કહે છે, ” રમુજવૃતિ વિનાનો માણસ સ્પ્રિંગ વિનાના વેગન જેવો છે. તે રસ્તામાં સતત આંચકા ખાધા કરે છે.” ….ટટૂંકમાં, વર્ષની – અને દિવસની- શરુઆત રમુજથી થાય તો વ્યકિત સ્વસ્થ રહેશે. આવનારી તકલીફોનો સામનો કરવાની હિંમત રહેશે.
પણ આ રમુજ શોધવી કયાંથી ?
લ્યો ! કયાંથી નથી મળતી રમુજ ? દર પળે, દરેક સ્થળે, દરેક વ્યકિત પાસેથી રમુજ મળશે જ, ઝીણવટથી તપાસ કરાશે તો. અને હવે તો જયારે આ ” સોશિયલ મીડિયા” આવ્યું છે ત્યાર પછી તો તેના પર પળે પળે રમુજો જ જોવા મળે છે. લોકોની અભિપ્રાય આપવાની હોંશ રમુજ જન્માવે છે એટલું જ નહીં, તેમને પણ હાસ્યાસ્પદ બનાવે છે. બીજું, આપણા નેતાઓનાં ભાષણો સાંભળશું તો તો તેમના વાકયે વાકયમાં રમુજ ડોકાતી જોવા મળશે. વર્તમાન નેતાઓનું ‘ જ્ઞાન ” (? ) એટલું અદભુત છે કે ભલભલા હાસ્યકારો પણ તેમના સામે હારી જાય. એટલે છાપામાં આવતાં તેમનાં ભાષણો જરુર વાંચવાં. હા, તેને ગંભીરતાથી ન લેવાં, નહીં તો ગુસ્સો ચડશે અને હાર્ટઅટેક આવવાનો સંભવ રહેશે.
થોડા વખત પહેલાં એક છાપામાં એક નેતાનું પ્રવચન આવેલ. અદભુત પ્રવચન હતું તે. તે નેતાનું સામાન્ય જ્ઞાન જોઈ-વાંચી ખડખડાટ હાસ્ય જન્મે. સાંભળવા આવેલ ( ભાડુતી) શ્રોતાઓને પૈસા સાથે ભરપૂર મનોરંજન મળ્યું જ હશે. શુંબોલ્યા નેતા ? નેતાએ અમેરિકાની શોધ કોણે કરી તેની વાત કરી હતી. તેમણે કહ્યું કેજગત ભ્રમણામાં માને છે કે અમેરિકાની શોધ કોલંબસે કરી છે. પણ આ વાત તદન ખોટી છે એમ તેમણે ભારપૂર્વક કહ્યું. તે સો ટકા ખાતરીથી માનતા હતા કે દુનિયાની દરેક શોધ માત્ર ભારતે જ કરી છે. દુષ્ટ પશ્ચિમે તેની કદર નથી કરી અને બધી શોધો પોતાના નામે ચડાવી ભારતનું અપમાન કર્યું છે. પ્રધાને ગૌરવપૂર્વક કહ્યું કે હકીકતે આપણા પ્રાચીન વડવાઓએ જ કોલંબસ જન્મ્યો તે પહેલાં સેંકડો વર્ષો પહેલાં અમેરિકાની શોધ કરી હતી. કોલંબસનાં સાન્ટા કલોઝ વહાણને ભૂલી જવું. તેના કરતાં તો પ્રાચીન ભારતીયો ઉત્તમ વહાણો બનાવતા હતા. આ વહાણો સરળતાથી એટલાંટિક મહાસાગરમાં ફરતાં હતાં. અને તેને શકિત-પાવર- કોણ આપતું હતું ? લ્યો, કોણ હોય વળી- યોગ અને આયુર્વેદ ! આયુર્વેદિક વનસ્પતિઓની તાકાતથી વહાણો ચાલતાં હતાં.
અને આ પ્રધાન અહીંથી જ ન અટકયા. તેમણે પોતાના અદભુત જ્ઞાનને વહેંચતાં આગળ કહ્યું કે ચીનનું પાટનગર પેકીંગ પણ રામની મૂર્તિઓ બનાવનાર એક મહાન ભારતીય સ્થાપત્યકારે બાંધ્યું હતું.અને જેમણે ત્દગ્વેદ લખ્યો છે તેમણે ઈતિહાસમાં પહેલી વાર જાહેર કર્યું કે પૃથ્વી સૂર્ય આસપાસ ફરે છે. આવાં તો એક એકથી અદભુત સત્યો તેમણે આ ભાષણમાં પ્રકાશિત કર્યા હતાં. સંભવ છે તે થોડા સમય પછી તે ભારતીય ઈતિહાસ પરિષદના પ્રમુખ બને.
ગુસ્સો આવ્યો ? ના, તે રાષ્ટ્રદ્રોહ કહેવાય. હસો અને આનંદો !
અને આસપાસના લોકો પણ દરેક પળે રમુજો પૂરી પાડે છે. એક પતિ પત્ની ડોકટર પાસે તપાસ કરાવવા ગયાં હતાં. પતિને કોઈ તકલીફ હતી. પતિના ચેકઅપ પછી ડોકટરે પત્નીને બોલાવી કહ્યું, ” મને તમારા પતિની માનસિક હાલત વિશે થોડી ચિંતા થાય છે.” ” કેમ ? પત્નીએ ચિંતાતુર થઈ પૂછયું. તેમણે કહ્યું કે દરરોજ રાતે તે બાથરુમમાં જાય છે અને તેનો દરવાજો ખોલે છે, તો ઈશ્વર તેના માટે આપોઆપ પ્રકાશ કરી દે. અને જયારે તે પોતાનું કામ પૂરું કરી દરવાજો બંધ કરે છે કે ભગવાન જ લાઈટ બંધ કરી દે છે.” ” ઓહ !” પત્ની બોલી, ‘ આનો અર્થ એવો થાય છે કે તેણે ફરી રેફ્જિરેટરમાં જવાનું શરુ કર્યું છે !
બે કૂતરાના માલિકો વાત કરતા હતા અને પોતાના કૂતરાઓની ચતુરાઈ વિશે વાત કરતા હતા. પોતાનો ફૂતરો વધારે ચતુર છે એ સાબિત કરવા મથતા હતા. એકે કહ્યું, ‘ દરરોજ સવારે મારો ફૂતરો દોડીને બહાર જાય છે. નકકી કરેલ ફૂડ લઈ આવે છે અને દુકાનદારને ટીપ પણ આપી આવે છે અને વસ્તુને ઘેર લઈ આવે છે.” બીજા માલિક કહ્યું, ‘ મને ખબર છે.” પેલાએ નવાઈથી પૂછયું, ‘ તને કેમ ખબર છે?” બીજાએ જવાબ આપ્યો, ‘ મારા કૂતરાએ જ મને કહ્યું છે.
એક યુવતીએ પોતાની કાર રિપેર શોપમાં મૂકી. જતી હતી કે મેકેનિકે તેના સામે હાથ લંબાવ્યો. યુવતી તો મેકેનિકની તેને ફ્લર્ટ કરવાની રીત જોઈ રમુજ થઈ. તેણે પણ તેના સાથે હાથ મેળવ્યો અને ખોટે ખોટે હસી. મેકેનિક પણ સહાનુભૂતિપૂર્વક હસ્યો અને બોલ્યો, ” મને તો તમારી કારની ચાવીની જરુર છે.”
શબ્દોના ગોટાળા પણ કયારેક રમુજ આપે છે.
એક છાપામાં સમાચાર એ હતા કે ફલાણા સ્થળે ઘાસની તંગી છે. પણ છપાયું કે “ફલાણા સ્થાને છાસની તંગી છે.”
એક પુસ્તકનું શીર્ષક હતું ” મૌનનું મહત્વ.” ભૂલથી છપાયું ” યૌનનું મહત્વ.” પુસ્તક ચપોચપ વેંચાઈ ગયું હતું એવા સમાચાર છે.
એક ભાઈને પહેલો અક્ષર હમેશાં ” હ ” બોલવાની જ ટેવ હતી. એક વાર સાબુ લેવા દુકાનમાં ગયા. બોલ્યા,” હમામ આપ.” ( કહેવું હતું તમામ.) પેલાએ હમામ બતાવ્યો. તે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ‘ હાંડો લાગે છે સાવ.” ( ગાંડો લાગે છે સાવ.) એક રાષ્ટ્રીય તહેવારે તે ધ્વજવંદનમાં ગયા હતા અને બહેનોને આવતી જોઈ સ્ત્રીદાક્ષિણ્યથી તેમને જગ્યા આપવા આસપાસ ઊભેલાઓને બોલ્યા, ‘ ………… કરો.”
એક દુકાન બહાર લખવાનું હતું કે ” અંગત સંયોગોના (સર્કમસ્ટંટસીસ) કારણોસર દુકાન બંધ રહેશે. તેના કારણે ગ્રાહકોને તકલીફ પડશે તે બદલ ક્ષમા.” તેને બદલે છપાયો શબ્દ ” સર્કમસીસન” તેનો અર્થ છે ” સુન્નત.”
આઈન્સ્ટાઈન કહે છે તેમ જેમ ઈશ્વર સર્વવ્યાપક છે, તેમ મૂર્ખતા અને મૂઢતા પણ સર્વવ્યાપક છે. તેની અભિવ્યકિત પળેપળ રમુજ જન્માવે છે.
નિશ્ચિંત રહેવું, આખું વર્ષ હસતાં હસતાં નીકળી જશે.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
