તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
જનજાતીય ગૌરવ દિવસના રાજસી તામઝામ વચાળે લગરીક ન્યારે છેડેથી, મેઘાણી ને જયન્ત કોઠારીના હવાલેથી વાત શરૂ કરવા ઈચ્છું છું. સહેજે ત્રણ-ચાર દાયકા થઈ ગયા એને- જયન્તભાઈનો ફોન આવ્યો કે આ બિરસા મુંડા કોણ છે. એમની પૃચ્છાનું નિમિત્ત અલબત્ત મારી કલમકથની હતી. મેઘાણી જયંતીએ લખતાં મેં મારતી કલમે ટપકાવેલું કે જે રીતે મેઘાણી જનઆંદોલનનો સ્પંદ ઝીલતા હતા એ જોતાં, જો એ આપણી વચ્ચે હોત તો બિરસા મુંડા અને સૂ ચી (કી) સહિતના કેટલાયે પ્રજાસૂય જોધ્ધા વણગાયાં ન રહ્યાં હોત. ખરું પૂછો તો મેં લખતા શું લખી નાખ્યું’તું, પણ બિરસા બાબતે નિરાંતે ને વિગતે વાત કરવાની સજ્જતા મારી કનેય ત્યારે ક્યાં હતી? સધિયારો અલબત્ત એક જ હતો, મહાશ્વેતાદેવીનો : એમની નવલકથા ‘અરણ્યેર અધિકાર’ (‘અરણ્યનો અધિકાર’, અનુ. સુકન્યા ઝવેરી, 1985) વાંચવાનું બન્યું હતું અને બિરસા મુંડાના જીવનકાર્યની કંઈક ઝાંખી મળી હતી.
ઝારખંડ શા આદિવાસી ઈલાકામાં, ટૂંકી જિંદગીમાં એણે જે જેવી જાણ્યું, લોક એને ભગવાન કહેતું. બિરસાનો જન્મ ૧૮૭૫ના નવેમ્બરની પંદરમીએ અને જેલજુલમે મૃત્યુ ૧૯૦૦ના જૂનની નવમીએ: પૂરાં પચીસ વરસમાં પણ પાંચ મહિના ઓછા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વારાથી શરૂ થઈ રાણી વિક્ટોરિયાના ઢંઢેરાથી આરંભાયેલ બ્રિટિશ રાજઅમલનો ગાળો જળ, જમીન અને જંગલના અધિકારો મૂળ વતનીઓ પાસેથી ક્રમે ક્રમે રાજ હસ્તક જવાનો ગાળો છે. બાળક બિરસા, કેમ કે પિતા એને ભણાવવા ચાહે છે ને પોતે પણ ભણવા ઈચ્છે છે, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી મિશન સ્કૂલમાં ભરતી થાય છે. ખેંચાણ અલબત્ત ધર્મનિષ્ઠા તરેહનું નથી. ખ્રિસ્ત મતાવલંબી એક શિક્ષકનાં મહેણાંટોણાંથી શાળા બદલે છે અને બહારની દુનિયામાં પગ મૂકતાં જે સિતમ ને શોષણ અનુભવે છે એમાં હજુ વીસી પણ વટાવે તે પહેલાં તીરકામઠાં સાહે છે. જુવાનોનું દળ ખડું કરે છે. બંદૂક સામે તીરની લડાઈ, પરિણામ નક્કી છે. પણ જે બની આવે છે તે નવો, પલટાતો મિજાજ. બિરસા થકી પ્રચલિત પ્રયોગ, ઉલગુલાન.
૧૮૫૭માં દેશજનતાએ રોટી ને કમલના સંકેત સાથે ‘મારો ફિરંગી કો’ એવો એક ભેરીઘોષ સાંભળ્યો હતો. પછીની પચાસીમાં ‘વંદે માતરમ્’ના નારાએ જનમાનસનો કબજો લીધો હતો. વીસમી સદીનો ત્રીજો દાયકો આવતે આવતે આ સ્વદેશવત્સલ જયઘોષ ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા સાથે નવાં નિશાન સાધતો આવતો હતો. પણ ‘વંદે માતરમ્’ અને ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ની સાથે અંતરિયાળ ભારતમાં આદિવાસી ઈલાકામાં પરચમ પેઠે લહેરાતો નાદ, સંભળાતો સાદ હતો ઉલગુલાન કહેતા ક્રાન્તિ.
૧૮૫૭ની શતાબ્દી મનાવાઈ ત્યારે ભારતીય વિદ્યાભવનની સુપ્રતિષ્ઠ ભારત ઈતિહાસ શ્રેણીના વડા સંપાદક આર. સી. મઝુમદારે સત્તાવનના સંગ્રામને પહેલો સ્વાતંત્ર્યસંગ્રામ કહેવાની ના ભણી હતી. નહીં કે એમને સત્તાવનનું મહત્ત્વ નહોતું વસ્યું. પણ એમનું કહેવું એમ હતું કે ૧૮૫૭ પહેલાં અને તે પછી દેશમાં અલગ અલગ ઠેકાણે સ્વાતંત્ર્યસંઘર્ષ ચાલતો રહ્યો છે. દેશના આદિવાસી ઈલાકાઓમાં અઢારમી સદીથી આરંભીને ઓગણીસમી ઉતરતે પણ દોર જારી રહ્યો છે.
વેલ, બિરસા તો એકસો પચાસ વરસ પરનું નામ છે, પણ હજુ માંડ પાંચ દાયકા પર આપણી વચ્ચે નાગાલેન્ડ-મણિપુરનાં લક્ષ્મીબાઈનું બિરૂદ પામેલાં રાણી ગાઈદિન્લિયુ હતાં જ ને. ૧૯૩૧માં ૧૬ વરસની આ કન્યકાએ ચાર હજારના સશસ્ત્ર દળ સાથે આસામ રાઈફલ્સનો મુકાબલો કરી જેલ વહોરી હતી. ૧૯૩૭માં એને મળ્યા પછી જવાહરલાલે ‘રાણી’નું માનબિરૂદ આપ્યું તે એના નામનો હિસ્સો બની ગયું. આઝાદ હિંદે એને સ્વાતંત્ર્યસેનાની સન્માન આપ્યું ને પદ્મભૂષણે પોંખી.
બાય ધ વે, વસ્તુત: ફ્રિન્જલાઈન ચર્ચવેડા બાદ કરતાં મેઈન લાઈન ચર્ચો તો ભીમા-કોરેગાંવ કેસ દરમ્યાન જેલમાં શહીદ થયેલા સ્ટેનસ્વામી પેઠે જળ-જમીન-જંગલના અધિકારો સારુ ઝૂઝતા કર્મશીલોની કાર્યાશાળા છે. બ્રિટિશ અમલમાં ફોરેસ્ટ એક્ટ અને આનુષંગિક પગલાં સાથે કોલસા ને સોનાની ખાણોની જેમ જંગલો ને વેસ્ટલેન્ડ રાષ્ટ્રીય સંપત્તિ કહેતાં સુવાંગ સરકારી માલિકીના બની ગયાં… હા, રાજવીઓ ને લાટસાહેબો માટે મૃગયા સારુ અંકિત ઈલાકા બાદ! સ્વરાજ પછી, મોડે મોડે જળ-જમીન-જંગલના અધિકારો મુદ્દે જરૂર હિલચાલ છે.
૧૯૮૮થી ગ્રામસભા અને વન અધિકારીઓની સહિયારી વ્યવસ્થા હેઠળ કંઈક ફેરફાર શરૂ થયો. ૨૦૦૬માં મનમોહન સિંહની સરકારે ધ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ એક્ટ- એફઆરએ અન્વયે કંઈક ભોંય ભાંગવાની શરૂઆત કરી. પણ છેલ્લો દસકો એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદે સ્થાપવા જેવા ઉપચારો બાદ કરતાં આદિવાસી અધિકારોના સંકોચનનો છે.
વનરક્ષણ અને આદિવાસી અધિકારોનો મુદ્દો રેલવે, વીજળી, કોલસા, પેટ્રોલિયમ મંત્રાલયોને અને નીતિ આયોગને વિકાસયાત્રામાં રુકાવટ (બોટલનેક) જેવો લાગે છે. એપ્રિલ ૨૦૨૪ના સર્વેક્ષણ પ્રમાણે વન-ગ્રામસભા મામલામાં સરકારી અધિકારીઓ કોમ્યુનિટી રાઈટ્સ પર હાવી માલૂમ પડે છે.
સાર્ધ શતાબ્દીના તામઝામમાં વિગતો સંભળાશે?
ન જાને.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૦-૧૧– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
