સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

                            (કરસનદાસ મૂળજી – ૧૮૩૧ થી ૧૮૭૨)

(“આ પ્રવાસ પુસ્તકના બધાં પ્રકરણ મનોરંજક અને બોધકારક છે. દરેકને તેના બુદ્ધિમાન કર્તાએ રસ કસ અને શિખામણથી ભર્યું છે તથાપિ 9મા અને 19મા પ્રકરણોને હું વધારે કિંમતી ગણું છું, ને તે ચીપી ચીપીને વાંચવાની ભલામણ કરૂં છું. એમાંથી સાર અસાર જુદા પાડી સાર, ગ્રહણ કરવાની જરૂર છે. વાંચનાર પૂછે કે શા વાસ્તે જરૂર છે? તો જવાબ એ છે કે આપણા દેશની ઉન્નતિને માટે જરૂર છે. જે ગુણોએ ઇંગ્રેજને આબાદ અને મોટા કર્યાં છે, જે લક્ષણોએ તેમને ઉંચે દરજ્જે ચડાવ્યા છે, જે ગુણો પર મોહી લક્ષ્મીજી તેમને ઘેર પધાર્યા છે, જે ગુણોથી ઈંગ્રેજ મહા બળવાન થઈ ન્યાહાલ થયા છે અને રાજકાજમાં વડાઇ પામ્યા છે તે ગુણો અને લક્ષણો બતાવવાની કરસનદાસે સારી કોશિશ કરી છે. એ ગુણો અને લક્ષણો આ દેશના લોકે જાણવા અને ગ્રહણ કરવા જોઇએ. આ ગ્રંથ અને આ બે પ્રકરણો વાંચી જેનું મન નહિ ઉશ્કેરાય, જેને યુરોપ જવાનું મન નહિ થાય તેનામાં પુરૂષ્ત્વનો અંશ રહ્યો નહિ હોય”.

                                                                                                        મહિપતરામ રૂપ

ઉત્તમ કપોળ; કરસનદાસ મૂળજી જીવનચરિત્રનામના મહિપતરામના પુસ્તકમાંથી)


જેમણે ‘મહારાજ” ફિલ્મ જોયું હશે તેઓ કરસનદાસ મૂળજીના નામથી તો પરિચિત હશે જ. જો કે મહારાજ લાયબલ કેસ વિશે વિસ્તૃત જાણકારી મેળવી છે તથા કરસનદાસનાં જીવન વિશે થોડાઘણા પણ માહિતગાર છે, તેવા ફિલ્મ જોનારાઓનો સ્પષ્ટ અભિપ્રાય છે કે કરસનદાસ એક મોટા ગજાના સુધારક અને ધાર્મિક પાખંડ સામે હિંમતભેર લડનારા લડવૈયા હતા. પરંતુ ફિલ્મમાં તેમને પોતાની પ્રિયતમાના મોતનો બદલો લેવા માટે મહારાજ જદુનાથ સામે વેર વાળવા મેદાને પડેલા એક ઝનૂની પ્રેમી તરીકે દર્શાવીને તેમના પાત્રને ભારોભાર અન્યાય કરેલો છે.

મારે વાત કરવી છે કરસનદાસના ઇંગ્લે‌‌ન્ડના પ્રવાસ વિશે, પરંતુ જેમણે મહારાજ ફિલ્મ જોઇ છે તેવા વાચકો કરસનદાસનાં વ્યક્તિત્વને ફિલ્મની અસરમાં ન પ્રમાણીને તેમને એક સાહસિક સમાજ સુધારક તરીકે જ જુએ અને એ જ દૃષ્ટિથી તેમના ઇગ્લે‌ન્ડ પ્રવાસને મૂલવે તે માટે જ ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કરસનદાસનો જન્મ ૨૫ જુલાઈ ૧૮૩૨ના દિવસે સૌરાષ્ટ્રના વડાળ ગામે કપોળ વૈષ્ણવ જ્ઞાતિમાં થયો. હતો. તેમની માતાનું અવસાન થતાં તેમના કાકીએ તેમને ઉછેર્યા હતા. અભ્યાસ તેમણે એલ્ફિ‌ન્સ્ટન કોલેજમાં કર્યો. ઇ સ ૧૮૫૩માં તેમણે બુદ્ધિવર્ધક સભામાં વિદેશ જવાના ફાયદા ગણાવતો “દેશાટણ” નામનો પોતાનો નિબંધ વાંચ્યો હતો. યાદ રાખીએ કે આ એ જમાનો હતો જ્યારે વિદેશ જનારને જ્ઞાતિના બહિષ્કારનો સામનો કરવો પડતો. પરંતુ તેમણે વાંચેલા નિબંધને કારણે મુંબઈનાં સુધારક મંડળમાં તેમની ખ્યાતિ વધી. એ વખતનો સમાજ એટલો બધો પછાત અને રૂઢિચૂસ્ત હતો કે કરસનદાસે ‘વિધવા વિવાહ’ વિષય પર નિબંધમાં ભાગ લીધો, તો તેમનાં કાકીએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા! આ વર્ષ પણ ઇ સ ૧૮૫૩નું જ હતું. ત્યાર બાદ તેઓ ગોકળદાસ તેજપાળ વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા. એ સમયે હિંદના દાદા દાદાભાઈ નવરોજીના તંત્રીપદે ‘રાસ્ત ગોફતાર’(‘સત્યનો રાહ’) નામનું સમાયિક ચાલતું હતું. કરસનદાસે તે સામાયિકમાં ઉપરાંત “બુદ્ધિવર્ધક ગ્રંથ” અને “સ્ત્રીબોધ” નામના સામાયિકોમાં સુધારા વિષયક લેખો લખ્યા. પછી તો ઇ સ ૧૮૪૪માં તેમણે પોતે જ ‘સત્યપ્રકાશ” નામનું સામાયિક શરૂ કર્યું. આ સામાયિકમાં તેમણે વૈષ્ણવ મહારાજ જદુનાથના પાખંડો, લંપટતા અને પોપલીલા વર્ણવતો લેખ લખ્યો. પરિણામે જદુનાથે તેમની સામે બદનક્ષીનો (‘મહારાજ લાયબલ કેસ’ તરીકે જાણીતો) કેસ કર્યો. કરસનદાસ આ કેસ કેટલાક પારસી મિત્રો, ખૂબ નાની સંખ્યામાં એવા વૈષ્ણવ સુધારકો, એકાદ ધનાઢ્ય વૈષ્ણવ, કવિ નર્મદાશંકર તથા ડો ભાઉ દાજી જેવાની સાક્ષી અને મદદથી જીતી ગયા. દેશ આખાના સુધારકોમાં તેમની પ્રતિષ્ઠા વધી ઉપરાંત પ્રગતિશીલ એવા અંગ્રેજ શાસકોમાં તેમનું માન પણ વધ્યું. જો કે રૂઢિચુસ્તોએ તો તેમને તથા તેમનાં કુટુંબને પરેશાન કરવામાં કશું બાકી રાખ્યું ન હતું.

આટલી જરૂરી પૂર્વભૂમિકા પછી આપણે તેમના ઇંગ્લે‌ન્ડના પ્રવાસ વિશે વાત કરીએ. બન્યું એવું કે રૂઢિચુસ્તો અને જ્ઞાતિજનોમાં તિરસ્કૃત થયા પછી ઇ સ ૧૮૬૩માં તેમના જ નામેરી શેઠ કરસનદાસ માધવજીની મુંબઈની પેઢીની ઇંગ્લે‌‌ન્ડમાં શરૂ થયેલી ઓફિસમાં કરસનદાસને નોકરી મળી અને તેઓ ઇંગ્લે‌‌ન્ડ ગયા. આઠેક માસમાં તેમની તબિયત બગડી અને મુંબઇ પાછા ફરવું પડ્યું. પરંતુ આ આઠ મહિનામાં તેમણે ઇગ્લે‌ન્ડમાં જે જોયું તેનાથી ખૂબ પ્રભાવિત થયા. ત્યાર બાદ ઇ સ ૧૮૫૫માં તેમણે નિહાળેલા ઇંગ્લે‌ન્ડનું અદભૂત વર્ણન કરતું ‘ઇંગ્લે‌ન્ડમાં પ્રવાસ’ નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકનો પરિચય એ જ આપણો વિષય છે.

આજે તો ઇંગ્લે‌‌ન્ડ-અમેરિકા હાટાશેર્રી થઈ ગયા છે. પરંતુ તે સમયમાં ઇગ્લે‌ન્ડ જવાનું તો બાજુ પર પણ તેના વિશે લોકોમાં જાણકારી પણ નહિવત હતી. ઇ સ ૧૮૬૦ના બુદ્ધિપ્રકાશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સૌરાષ્ટ્રના કેટલાક રાજવીઓ તેમને ત્યાં મુલાકાતે આવતા અંગ્રેજ અમલદારોને એવા પ્રશ્નો પૂછતા કે ઇંગ્લે‌ન્ડમાં બ્રાહ્મણ, રાજપૂત, વાણિયા વગેરે જ્ઞતિઓ છે કે નહિ? વળી તેઓ એમ પણ જાણવા માગતા હતા કે ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્ત્રી છે કે પુરુષ?

દેશના આવા ઘોર અંધકરયુગની ૧૩ માર્ચ ૧૮૬૩ની સવારના અગિયાર વાગ્યે કરસાનદાસે ઇગ્લે‌ન્ડ જવા માટે મુંબઈ બંદર છોડ્યું. તેઓ આગબોટમાં મુસાફરોને મળતી સુવિધાથી ખૂબ પ્રભાવિત થયા તે અંગે વિગતે વર્ણન તેમણે પુસ્તકમાં કર્યું છે. રસ્તામાં આવતા એડન શહેર, લાલ સમુદ્ર, ઇજિપ્ત અને તેનું શહેર કેરો, સિકંદરાબાદ, ભૂમધ્ય સમુદ્ર, માલટા બંદર, માર્સેલ્સ, લિયા શહેર વગેરેનુ ખૂબ જ ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. છેવટે તેઓ પેરિસ પહોંચ્યા.

પેરિસ શહેર જોઈને તો તેઓ કેટલા અભિભૂત થઈ ગયા કે તેનો ખ્યાલ તેમના શબ્દોથી આવી શકે છે. તેમની ભાષા, જોડણી અને શબ્દોને યથાવત રાખીને એ લખાણ નીચે ઉતાર્યું છે.

“ખરું કહું કે મારી નજર છક્ક થઈ ગઈ. એક અંધારી ઓરડીમાંથી નીકળીને સુરજના તડકા સામું જોતાં આંખ અંજાઈ જાય તેમ મારી આંખ અંજાઈ ગઈ. આપણા કવીઓએ ઈંદ્રપુરીનું અથવા દ્વારકાપુરીનું વર્ણન કરયું છે, પણ તેઓએ આ પારિસ જોયું હોત તો તેનું વર્ણન તેઓ વધારે સારી રીતે કરી શકત. થોડીવાર મારી શુદ્ધ કે બુદ્ધ ઠેકાણે રહી નહીં. જરા જરામાં મને સંશય પેદા થાય છે કે આ ખરો દેખાવ છે કે ખોટો; હું ઊઘમાં છઉં કે જાગૃત; આ દુનિયામાં છઉં કે બીજી દુનિયામાં; આ નગરી માણસની છે કે દેવતાઓની? આવી રીતે કેટલીકવાર મનમાં થયાં કરયું. અંતે ચોક્કસ થયું કે હું એક મહા સુંદર અને સોહામણી નગરીમાં આવી પહોંચ્યો છઉં.”

આ તો થઈ વાટમાં આવતા ફ્રા‌ન્સ દેશના પાટનગર પેરિસની. પરંતુ કરસનદાસનો મુખ્ય પડાવ તો હતો ઇંગ્લે‌ન્ડ અને ખાસ કરીને લંડન શહેરમાં. પુસ્તક વાંચતા એમ લાગે છે કે તેમણે તે દેશને જોવામાં અને પછી તેનું વર્ણન કરવામાં કશી જ મણા રાખી નથી. લંડનની હોટેલો અને તેની સુવિધાઓ, તેની શેરીઓ, શેરીમાં ચોપડી વેચતો બંગાળી જણ, ત્યાંના જુદા જુદા આર્થિક વર્ગના લોકોને રહેવા માટેના ઘરની સુવિધાઓ, તે મકાનોની કિંમત, મકાનનોના ભાડા, અરે મકાનોના ક્ષેત્રફળો સુધ્ધા લખવાના બાકી રાખ્યા નથી. જેમાં ૨૪ કે ૩૬ મુસાફરો બેસી શકે તેવી લંડનની જાહેર વાહનવ્યહવારની કરોડરજ્જુ સમી ઘોડા જોડેલી ‘એમ્નીબસો’, એ બસોનું ભાડું, દસ દસ મિનિટની તેની ફ્રિક્વ‌ન્સી, ઊડીને આંખે વળગે તેવી મુસાફરોની રીતભાત વગેરે પર ખૂબ વિસ્તારથી લખ્યું છે. સ્વાભાવિક છે કે આટલુ લખ્યું હોય તેણે લંડન શહેરની વસ્તી અને વિસ્તાર વિશે લખવાનું બાકી ન જ રાખ્યું હોય.

લંડનની દુકાનો અને શેરબજારથી માંડીને મચ્છીબજાર સુધીની દરેક બજારનું પણ તેમણે બારીકાઇથી નિરીક્ષણ કરીને વર્ણન કર્યું છે. ત્યાંના તે સમયનાં છાપાઓ અને જાહેરખબરો વિશે તેમણે લખ્યું છે. પ્રખ્યાત વર્તમાનપત્ર ‘ટાઇમ્સ’ની તેમણે મુલાકત લીધી હતી. તે વર્તમાનપત્ર છાપવા માટેના કાગળની વખાર, ખબરપત્રીઓની કામગીરી, ઉપરાંત છાપખાનાના યંત્રો કઈ રીતે કામ કરે છે તેનું વિગતે વર્ણન કર્યું છે. છાપું છપાયા પછી વાચકના હાથમાં આવે ત્યાં સુધીના વ્યવસ્થાતંત્રનું પણ વર્ણન કર્યું છે.

આવો જિજ્ઞાસુ માણસ લંડનના અન્ય જોવા લાયક સ્થળો તો કેમ બાકી રાખે? ટેમ્સ નદી અને નદી નીચે અંડરગ્રાઉ‌‌ન્ડ ટનલ, લંડનનો કિલ્લો, સે‌‌ન્ટપોલનું દેવળ, વેસ્ટ મિનિસ્ટર આબી નામનું પ્રખ્યાત ચર્ચ વગેરેની મુલકાત લઈને તેના વિષે પણ લખ્યું છે.

કરસનદાસે બ્રિટનની પાર્લામે‌ન્ટની મુલાકાત લીધી હતી. તેના મકાનની રચના, ભવ્યતા અને અંદર એક મોટા ઓરડામાં આઠસો વર્ષમાં ઇંગ્લે‌‌ન્ડમાં થઈ ગયેલા મોટા રાજાઓના પૂતળાઓની વાત પણ તેમણે કરી છે. લેખક બે અલગ અલગ સંસદ સભ્યોની ભલામણ લઈને બે વખત પાર્લમે‌ન્ટની ચાલુ કામગીરી જોવા ગયા હતા. પાર્લામે‌ન્ટની કામગીરીનું વર્ણન(આપણે જેમને ‘સંસદસભ્ય’ કહીએ છીએ તેમને તેઓ ‘અધિકારી’ તરીકે ઓળખાવે છે) કરતા તેઓ લખે છે,

“પાર્લ્યામે‌ન્ટના મહેલમાં બે મોટી અને જગપ્રસિદ્ધ દરબાર[1] બેસે છે તે મધ્યેની એકાદ પણ જરૂર જોવી જોઈએ. આ બે દરબાર કંઇ બારેમાસ ભરાતી નથી પણ ઘણું કરીને એ વરસમાં ફેબરવારીથી જુલાઈ સુધી રવીવાર કે મોટા તહેવાર સિવાય નિત્ય બેસે છે. એ દરબારમાં દાખલ થવાને દરબારમાં બેસનાર અધિકારીની ચીઠ્ઠી જોઈએ. એક એક અધિકારી એકથી વધારે ચીઠ્ઠી આપી શક્તો નથી. આ દરબારોનું કામ બુધવાર વગર નિત્ય સાંજના પાંચ વાગેથી રાતના ૧૧ કે ૧૨ ને કોઈ વેળા ૨ વાગ્યા સુધી ચાલે છે. બુધવારને દહાડે બપોરના ૧૨થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલે છે.”

“જ્યારે કોઈ અગત્યની બાબત ઉપર પાર્લ્યામે‌ન્ટની દરબારમાં ભાષણ થાય છે અને તકરાર[2] ચાલે છે ત્યારે દેખાવ જરૂર જોવાજોગ છે. આ બધા ભાષણ છાપાવાળાઓના રિપોર્ટરો બોલે બોલ ઉતારી લે છે અને સવારનો પહોર થતાં પહેલા તે બધાં બોલે બોલ છપાઇને બાહાર પડે છે”

લેખકે પાર્લામે‌ન્ટ ચાલુ હતી ત્યારે લીધેલી એક મુલાકાતમા લખ્યું છે. “બીજી વેળા ગયો ત્યારે ‘હિંદુસ્તાનની ઉપર ખરચનો હિસાબ’ સર ચાર્લ્સ હુડે વાંચ્યો હતો”

લેખક ગયા હતા તો નોકરી કરવા, પરંતુ તેમનો એક જિજ્ઞાસુ પત્રકાર તરીકેનો જીવ ઝાલ્યો ન રહ્યો. વળી એ સમય હતો ૧૮૫૭ના બળવા પછી તરત જ બ્રિટિશ સત્તા ભારતમાં સ્થિર થયા બાદ જ્યારે અંગ્રેજોએ કાયદો અને વ્યવસ્થા સ્થાપીને ભારતની પ્રજાને શાંતિનો સ્વાદ ચખાડ્યો હતો. ‘દેખ બિચારી બકરીનો કોઇ પકડે નહિ કાન’ એવી કવિ દલપતરામની અનુભૂતિ કરસનદાસ સહિત સૌને થઈ હતી. એથી જ પુસ્તકમાં લેખકે અંગ્રેજોની પ્રશંસા કરવા ઉપરાંત અંગ્રેજ શાસન પ્રત્યે ભક્તિભાવ પ્રગટ કરતા લખ્યું, “ઈંગ્રેજ રાજનો વાવટો હિંદુસ્તાન ઉપર કાયમ રહે એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે.” આમ લખ્યા પછી તરતના જ વાક્યમાં પોતાની સ્વદેશપ્રીતિ પ્રગટ કરતા લખે છે, “ મારા દેશનું ઝવેરાત ઇંગ્રેજ સરકારે મારા દેશમાં જ રાખ્યું હોત તો ઠીક થાત.”

આખું પુસ્તક વાંચતા એવી છાપ ઊઠે છે કે લેખકે અંગ્રેજોની પ્રશંસા પોતાના દેશપ્રેમથી પ્રેરાઇને જ કરી છે. આપણા દેશની પ્રજામાં અંગ્રેજ પ્રજાના સદગુણો આવે તો જ આપણા દેશનો ઉદ્ધાર થઈ શકશે એવી લાગણી તેમણે પુસ્તકમાં અનેક વખત વ્યક્ત કરી છે. અંગ્રેજોના આ સદગુણો તથા તેમની રહેણીકરણી જેને લેખક તેમની ‘સંસારી હાલત’ કહે છે તેના વિશે આપણે વાત કરીશું પણ તે હવે પછીના પ્રકરણમાં.

(નોંધ: મૂળ પુસ્તક ક્રસનદાસે ૧૮૬૬માં લખ્યું અને યુનિયન પ્રેસ, મુંબઈમાં છપાવ્યું એ વખતે તેની કિંમત બાર રૂપિયા હતી! ત્યાર બાદ ગુજરાત સાહિત્ય અકાદમીએ તેની બીજી આવૃતિ ૨૦૦૧માં બહાર પાડી જેમાં સંપાદક તરીકે ભોળાભાઇ પટેલ અને ર. વ. રાવળના નામ છે. ૧૮૬૬માં ગુજરાતીમાં છપાયેલા પુસ્તકની નકલ ૧૭૫૦ હતી અને ૧૮૬૭માં મરાઠીમાં પણ પુસ્તક છપાયેલું જેની ૭૫૦ નકલો હતી.)

[1] હાઉસ ઓફ લોર્ડ્ઝ અને હાઉસ ઓફ કોમન

[2] પાર્લામે‌ન્ટમાં થતી ચર્ચા માટે લેખક ‘તકરાર’ શબ્દ વાપરે છે.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.