ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

કળ(ચાંપ)વાદ્યો અને તાર(તંતુ)વાદ્યોના હિન્દી ફિલ્મી ગીતોનાં વાદ્યવૃંદોમાં ઉપયોગ વિશે જાણ્યા પછી હવેની કડીઓમાં અલગ પ્રકારના વાદ્યસમૂહ વિશે ચર્ચા કરીશું, જે સમૂહ ‘ફૂંકવાદ્યો’ તરીકે ઓળખાય છે. નામ પરથી જ સમજી શકાય છે તેમ આ પ્રકારનાં વાદ્યો વડે અપેક્ષિત સ્વર નિષ્પન્ન કરવા માટે વાદક તેમાં પોતાના મોંએથી હવા દાખલ કરી અને પછી  તે હવા વાદ્યની બહાર નીકળે તે પહેલાં તેને યોગ્ય પદ્ધતિથી નિયંત્રિત કરી, ધાર્યા સૂર ઉપજાવે છે. આ પ્રકારનાં અનેક વાદ્યો મળી આવે છે, પણ મૂળભૂત રીતે તેમને બે મુખ્ય વિભાગોમાં વહેંચી શકાય છે. કાષ્ટ ફૂંકવાદ્યો(વૂડવીન્ડ વાદ્યો) અને ધાત્વિય(બ્રાસ) ફૂંકવાદ્યો. અલબત્ત, તેમનાં નામ પ્રમાણે બધાં જ કાષ્ટ ફૂંકવાદ્યો લાકડાનાં જ બનેલાં હોય કે બ્રાસ ફૂંકવાદ્યો પીત્તળનાં જ બનેલાં હોય તે જરૂરી નથી. આ વર્ગીકરણ જે તે વાદ્યમાં ફૂંકવામાં આવતી હવા વડે નિષ્પન્ન થતા સ્વરને લક્ષ્યમાં લઈને કરવામાં આવે છે.

વૂડવીન્ડ પ્રકારનાં વાદ્યોમાં બે પ્રકાર જોવા મળે છે – ફ્લ્યુટ (Flute) અને સુષીર(Reed) વાદ્યો. ફ્લ્યુટ એક પોલી ભૂંગળી જેવી રચના ધરાવે છે. આ નળીમાં ઉપરના ભાગે ફૂંક લગાવી, હવા દાખલ કરવામાં આવે છે. વાદ્યની નળીનાં ચોક્કસ સ્થાનો પર છીદ્રો આવેલાં હોય છે. આ છીદ્રો વડે બહાર નીકળતી હવાના તરંગોને નિયંત્રિત કરી, અપેક્ષિત સ્વર ઉત્પન્ન કરી શકાય છે. ફ્લ્યુટ પણ બે પ્રકારની જોવા મળે છે, ખુલ્લી અને બંધ.

ખુલ્લી ફ્લ્યુટમાં વાદકે એક તિરાડમાંથી ફૂંક મારવાની હોય છે. તેને લઈને હવાનો પ્રવાહ વિભાજિત થાય છે. વિભાજન પામેલી આ હવા ફ્લ્યુટના પોલાણમાં રહેલા હવાસ્થંભને સક્રિય કરે છે અને કંપન પેદા કરીને સ્વર નિપજાવે છે. ખુલ્લી ફ્લ્યુટમાં  બધાં છીદ્રો ખુલ્લાં હોય છે અને જરૂરત અનુસાર વાદકે ચોક્કસ છીદ્રોને આંગળી વડે બંધ કરી દે છે. પરિણામે ખુલ્લા છીદ્રમાંથી નીકલતી હવા યોગ્ય સ્વર ઉત્પન્ન કરે છે.

બંધ ફ્લ્યુટ્માં વાદકે નળીમાં ફૂંક મારવાની હોય છે. આ નળી હવામાર્ગ તરીકે કામ કરે છે. બંધ નળીમાંનો હવાસ્થંભ કંપન પામીને સ્વરને જન્મ આપે છે. આ પ્રકારની ફ્લ્યુટનાં છીદ્રો વાલ્વ વડે ઢંકાયેલાં હોય છે અને જે તે છીદ્ર પરના વાલ્વને આંગળી વડે ખોલી, વાદક અપેક્ષિત સ્વર નીપજાવે છે. અગાઉ જણાવ્યું તેમ, ફ્લ્યુટ માત્ર લાકડામાંથી જ નહીં પણ નિકલ, તાંબું, ચાંદી, સોનું વગેરે મિશ્ર ધાતુઓમાંથી પણ બનાવવામાં આવે છે. આવી ફ્લ્યુટ્સને પાઈપ પણ કહેવામાં આવે છે.  અપવાદરૂપે કાચ વડે બનાવાયેલી ફ્લ્યુટ પણ જોવા મળે છે.

નીચે લાકડામાંથી બનેલી ફ્લ્યુટની તસવીર જોઈ શકાય છે.

ફ્લ્યુટ (વાંસળી)

પહેલાં પંડીત હરીપ્રસાદ ચૌરસીયાનું વાંસળીવાદન સાંભળી, તે વાદ્યના સ્વરથી પરીચિત થઈએ.

પાઈપ ફ્લ્યુટ્સના કેટલાક પ્રકારો નીચેની તસવીરમાં જોવા મળે છે.

વિવિધ પ્રકારની પાઈપ ફ્લ્યુટ્સ

ઉપરની છબીમાં જોઈ શકાય છે તેવી પાઈપ ફ્લ્યુટના વાદનનું એક ઉદાહરણ પ્રસ્તુત છે. વાદક સન્નારી પરદેશી છે, પણ વાદ્યના સ્વર અને ધ્વની ખાસ્સાં જાણીતાં લાગે છે.

હવે કેટલાંક ચુનંદાં ફિલ્મી ગીતો માણીએ, જેમાં વાંસળીવાદનનું પ્રાધાન્ય કાને પડતું રહે છે.

૧૯૪૮ની ફિલ્મ આગનું એક ગીત ‘ન આંખોં મેં આંસુ ન હોઠોં પે હાયેં’ સાંભળીએ, જેમાં શરૂઆતથી જ વાંસળી સાથ આપ્યા કરે છે. સ્વરનિયોજન રામ ગાંગુલીનું છે.

એ જ ફિલ્મનું અન્ય એક ગીત ‘કાહે કોયલ શોર મચાયે રે’ પણ વાંસળીના ટહુકાઓથી સજેલું છે.

ફિલ્મ દીલ્લગી (૧૯૪૯)ના ગીત ‘મુરલીવાલે મુરલી બજા’ સાંભળીએ. આ ગીતમાં વાંસળીવાદન કાનને જકડી રાખે તેવું છે. આ ફિલ્મનું સંગીત નૌશાદે તૈયાર કર્યું હતું.

 

ફિલ્મ આરઝૂ(૧૯૫૦)નું અનિલ બીશ્વાસના સંગીતનિર્દેશનમાં બનેલું ગીત ‘મોરા નરમ કરજવા ડોલ ગયા’ વાંસળીના કર્ણમોહક અંશો ધરાવે છે.

https://www.youtube.com/watch?v=9kZtpSeUS9A

૧૯૫૦ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ આંસુનું ગીત ‘સુન મોરે સાજના દેખો જી મુઝ કો ભૂલ ના જાના’ આજે પણ લોકપ્રિય છે. સાદા વાદ્યવૃંદ અને ધીરી ગતીએ ચાલતા તાલનો સાથ ધરાવતા આ ગીતને વાંસળીવાદન ભર્યુંભર્યું બનાવે છે. સંગીત હૂશ્નલાલ-ભગતરામે તૈયાર કર્યું હતું.

શંકર-જયકિશનના સંગીતથી સજેલાં ફિલ્મ બૂટ પાલીશ(૧૯૫૪)નું એકે એક ગીત ભારે લોકપ્રિયતાને વર્યું હતું. આજે પણ ચાહકો એ ગીતોને ભૂલ્યા નથી. તે પૈકીનું ગીત ‘તુમ્હારે હૈ તુમ સે દયા માંગતે હૈ’ વાંસળીના અવિસ્મરણીય અંશોથી ભરેલું છે.

વિશ્વવિખ્યાત વાંસળીવાદક પંડીત પન્નાલાલ ઘોષે કેટલીક ફિલ્મોના વાદ્યવૃંદમાં વાંસળીવાદન કર્યું છે. તે પૈકીનું ફિલ્મ બસંત બહાર(૧૯૫૬)નું ગીત ‘મૈં પિયા તોરી તુ માને યા ના માને’ સાંભળીએ. સંગીત શંકર-જયકિશનનું છે.

 

૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ તાજમાં હેમંતકુમારનું સંગીતનિર્દેશન હતું. તેના ગીત ‘બાંસુરીયાં ફીર સે બજા ઓ કાન્હા’ના માધુર્યમાં વાંસળીના અંશો અનેરો રંગ ભરી દે છે.

ફિલ્મ મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩)ની સફળતામાં સચીનદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં તેનાં ગીતોનું બહુ મોટું પ્રદાન રહ્યું હતું. એમાં પણ ‘પૂછો ના કૈસે મૈં ને રૈન બિતાયી’ તો આજે છ દાયકા પછી પણ ચાહકોના મનોજગત/હ્રદયમાં પોતાનું અડગ સ્થાન જમાવીને બિરાજેલું છે. અત્યંત સાદગીસભર વાદ્યવૃંદમાં વાંસળીના સ્વરો અનોખો રંગ ભરી દે છે.

ફિલ્મ ખાનદાન (૧૯૬૫)નું વાંસળીના સ્વરો ધરાવતું ગીત ‘નીલ ગગન પર ઉડતે બાદલ’ સાંભળીએ. સ્વરનિયોજન રવિનું છે.

https://youtu.be/_HVXJ8BAJM8?si=sm2IAjyQxqdUx6te

આજની કડીમાં આટલું જ. આવતી કડીમાં વધુ ગીતો સાથે મળીએ.

નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com