ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સર મોહમ્મદ ઈકબાલ ઉર્ફે અલ્લામા ઈકબાલ ( અલ્લામા એટલે વિદ્વાન ) પણ ઉર્દુ સાહિત્યની એવડી મોટી હસ્તી હતા કે એમને ફિલ્મી ગીતકાર જેવી સંકુચિત વ્યાખ્યામાં બાંધી શકાય નહીં. એક મહાન શાયર ઉપરાંત એ ઈસ્લામિક વિચારધારાના પ્રખર ચિંતક અને રાજનીતિજ્ઞ પણ હતા. એમની વિચારધારાએ જ કદાચ ભારતમાં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રના વિચારને જન્મ આપેલો. જો કે એ વિચાર મૂર્તિમંત થાય એ પહેલાં જ ૧૯૩૮ માં એ જન્નતનશીન થયા. એમને પાકિસ્તાનના રાષ્ટ્રકવિનું બિરુદ મળેલ છે.
અનેક ઉર્દુ પુસ્તકો ઉપરાંત એમના કેટલાંક પુસ્તકો અંગ્રેજી અને પંજાબીમાં પણ પ્રકાશિત થયાં છે.
એમણે બાર હજાર ઉપરાંત કાવ્યરચનાઓ કરી જેમાંની સાત હજાર ફારસીમાં છે. એમના જાણીતા શેર ટાંકીએ તો પણ સેંકડોમાં થાય. એમાંના કહેવતો બની ગયેલા કેટલાંક :
ખુદી કો કર બુલંદ ઈતના કે હર તકદીર સે પહલે
ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈ
સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ
અભી ઈશ્ક કે ઈમ્તેહાં ઔર ભી હૈં
હઝારોં સાલ નર્ગિસ અપની બેસૂરી પે રોતી હૈ
બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા
દેશભરમાં જાણીતું એમનું ‘ સારે જહાં સે અચ્છા ‘ વસ્તુત: એક ગઝલ છે. ઘણી હિંદી ફિલ્મોમાં પણ એ રચનાના કેટલાક શેર લેવાયા છે. ફિલ્મ ‘ ભાઈ બહેન ‘ માં એ રચનાનો માત્ર મત્લો યથાવત રાખીને ગીતકાર રાજા મેંહદી અલી ખાને બાકીની પંક્તિઓમાં ફેરફાર કરી એને ગીત / નઝ્મનું સ્વરૂપ આપેલું.
એમની અન્ય એક ઉર્દુપ્રચૂર ગઝલ ‘ કભી ઐ હકીકતે મુંતઝર નઝર આ લિબાસે મજાઝ મેં ‘ નો અહીં જ એક સ્વતંત્ર લેખ દ્વારા આસ્વાદ કરાવેલો.1 એ રચનાના ચાર શેર ફિલ્મ ‘ દુલ્હન એક રાત કી ‘ માં લેવાયેલા.
બન્ને ગઝલ પેશ છે :
સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા
હમ બુલબુલે હૈં ઇસકી યે ગુલ્સિતાં હમારા
ગુરબત મેં હોં અગર હમ રહતા હૈ દિલ વતન મેં
સમઝો વહીં હમેં ભી દિલ હો જહાં હમારા
પરબત વો સબ સે ઊંચા હમસાયા આસમાં કા
વો સંતરી હમારા વો પાસબાં હમારા
મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના
હિન્દી હૈં હમ વતન હૈ હિંદોસ્તાં હમારા…
– ફિલ્મ : હમારા ઘર ૧૯૬૪
– વિજયા મજૂમદાર
– જે પી કૌશિક
( આ રચના ઉપરોક્ત ફિલ્મ ઉપરાંત અપના ઘર ૧૯૬૦, આજ કી આવાઝ ૧૯૮૪, યે ગુલિસ્તાં હમારા ૧૯૭૨, હિંદોસ્તાં હમારા ૧૯૫૦ જેવી ફિલ્મોમાં પણ લેવાયેલી . અત્રે મૂળ નવ શેરની ગઝલના ફિલ્મમાં લેવાયેલા ચાર શેર આપ્યા છે. )
કભી ઐ હકીકત-એ -મુંતઝર નઝર આ લિબાસ-એ-મજાઝ મેં
કિ હઝારોં સજદે તડપ રહે હૈં મેરી જબીન – એ – નિયાઝ મેં
તૂ બચા – બચા કે ન રખ ઈસે તેરા આઈના હૈ વો આઈના
શિકસ્તા હો તો અઝીઝ-તર હૈ નિગાહ-એ-આઈનાસાઝ મેં
ન વો ઈશ્ક મેં રહીં ગર્મિયાં ન વો હુસ્ન મેં રહીં શોખિયાં
ન વો ગઝનવી મેં તડપ રહી ન વો ખમ હૈ ઝુલ્ફ-એ-અયાઝ મેં
જો મૈં સર-બ-સજદા હુઆ કભી તો ઝમીં સે આને લગી સદા
તેરા દિલ તો હૈ સનમ – આશનાં તુજે ક્યા મિલેગા નમાઝ મેં…
– ફિલ્મ : દુલ્હન એક રાત કી ૧૯૬૬
– લતા
– મદન મોહન
( મૂળ ગઝલના આઠ શેરમાંથી અત્રે ફિલ્મમાં લેવાયેલા ચાર શેર આપ્યા છેં. )
1
ન વોહ ખમ હૈ ઝુલ્ફ- એ – અયાઝ મેં – મુહમ્મદ ઈકબાલ – ભગવાન થાવરાણી 30072021
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
